ઇબ્રાહીમ રઈસી : એક મુસ્લિમ ધર્મગુરુ કઈ રીતે ઇસ્લામિક દેશના વડા બની ગયા?

ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં એક બંધનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું હેલિકૉપ્ટર ક્રૅશ થઈ જતાં અવસાન થયું છે. ઈરાનના વિદેશમંત્રી પણ તેમની સાથે હતા.

ઇબ્રાહીમ રઈસી શિયા પરંપરા પ્રમાણે હંમેશાં કાળી પાઘડી પહેતા હતા. આ પાઘડી એ બાબતની સૂચક છે કે તેઓ મહંમદ પયગંબરના વંશજ હતા.

એક ધાર્મિક વિદ્વાનથી વકીલ અને પછી ઈરાનની કાયદા વ્યવસ્થાના શીર્ષ સુઘી પહોંચનારા રઈસી દેશના બીજા નંબરના સૌથી મોટા ધાર્મિક નેતા હતા.

શિયા ધર્મગુરુઓમાં ક્રમ પ્રમાણે તેમને ધર્મગુરુ અયાતોલ્લાહ ખમેનેઈથી એક ક્રમ નીચે માનવામાં આવતા હતા.

એક તરફ દેશની સામાજિક સ્થિતિ મુશ્કેલ હતી અને બીજી તરફ પોતાના પરમાણુ કાર્યક્રમને કારણે અમેરિકાના પ્રતિબંધો પણ લાગેલા છે. આ કારણે ઈરાન ગંભીર આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યું છે.

રઈસી આ વિશે કંઈ ખાસ કરી શકે તે પહેલાં જ હિઝાબને લઈને શરૂ થયેલાં પ્રદર્શનોને કારણે નવા પડકારો ઊભા થયા હતા.

ઇઝરાયલ પર હમાસનો હુમલો અને ત્યારબાદ ઇઝરાયલની સૈન્ય પ્રતિક્રિયાને કારણે ઈરાન માટે સ્થિતિ વધારે મુશ્કેલ બની છે.

ઈરાને આ દરમિયાન ઇઝરાયલ પ્રત્યે સખત વલણ અપનાવીને સ્પષ્ટ કરવાની કોશિશ કરી હતી કે આ શિયા બહુમતીવાળો દેશ હવે મુસ્લિમ દુનિયાનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.

ઇબ્રાહીમ રઈસીનું પ્રારંભિક જીવન કેવું હતું?

ઇબ્રાહીમ રઈસીનો જન્મ વર્ષ 1960માં ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં થયો હતો. શિયા મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવતી મસ્જિદ પણ આ શહેરમાં જ આવેલી છે.

રઈસીના પિતા એક મૌલવી હતા અને રઈસી જ્યારે માત્ર પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું.

ઇબ્રાહીમ રઈસી શિયા પરંપરા પ્રમાણે હંમેશાં કાળી પાઘડી પહેરતા હતા. આવી પાઘડી દર્શાવે છે કે તેને પહેરનારા મહંમદ પગમ્બરના વંશજ છે.

તેમણે પણ તેમના પિતાના પગલે ચાલતા 15 વર્ષની ઉંમરે જ કોમ શહેરમાં આવેલી એક શિયા શૈક્ષણિક સંસ્થામાં ભણતર શરૂ કર્યું.

તેમણે પોતાના વિદ્યાર્થીજીવન દરમિયાન પશ્ચિમના દેશો દ્વારા સમર્થિત મહંમદ રેઝા શાહની વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ આયાતોલ્લાહ રૂહોલ્લા ખોમૈનીની ઇસ્લામિક ક્રાંતિ થકી વર્ષ 1979માં શાહને સત્તામાંથી હઠાવી દીધા હતા.

રઈસી આયાતોલ્લાહ અલી ખામેનેઈના વિશ્વાસુ હતા

રઈસી 20 વર્ષની ઉંમરે જ તેમને તેહરાનની નજીક આવેલા કરાજના પ્રોસિક્યૂટર જનરલ તરીકે નિમાયા હતા.

રઈસી વર્ષ 1989થી 1994 વચ્ચે તેહરાનના પ્રોસિક્યૂટર જનરલ રહ્યા અને ત્યારબાદ 2004થી એક દશક માટે જ્યુડિશિયલ ઑથૉરિટીના ડેપ્યુટી ચીફ રહ્યા હતા.

વર્ષ 2014માં તેઓ ઈરાનના પ્રોસિક્યૂટર જનરલ બન્યા હતા. ઈરાનની ન્યાયપાલિકાના પ્રમુખ રહેલા રઈસીના રાજકીય વિચારો અતિ કટ્ટરપંથી માનવામાં આવે છે.

રઈસીને ઈરાનના કટ્ટરપંથી અને સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના ઘનિષ્ઠ અને અંગત વિશ્વાસુ માનવામાં આવે છે.

રઈસી જૂન 2021માં ઉદારવાદી હસન રૂહાનીના સ્થાને ઇસ્લામિક રિપબ્લિક ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

ચૂંટણી અભિયાન દરમિયાન રઈસીએ પોતાનો એક એવી વ્યક્તિ તરીકે પ્રચાર કર્યો કે તેઓ રૂહાની શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અને આર્થિક સંકટને નાથવા સૌથી સારો વિકલ્પ છે.

ઇબ્રાહીમ રઈસી શિયા પરંપરા પ્રમાણે હંમેશાં કાળી પાઘડી પહેરે છે. આ પાઘડી જણાવે છે કે તેઓ મહંમદ પગમ્બરના વંશજ છે.

તેમણે “હુજ્જાતુલઇસ્લામ” એટલે કે “ઇસ્લામના સબૂત”ની ધાર્મિક પદવી પણ આપવામાં આવી હતી.

“ડેથ કમેટી”ના સભ્ય

ઇબ્રાહીમ રઈસીએ ઇસ્લામિક ક્રાંતિ પછી ન્યાયપાલિકામાં કામ કરવાનું શરૂ કર્યું અને કેટલાંય શહેરોમાં વકીલ તરીકે કામ કર્યું હતું.

તેમણે આ દરમિયાન ઈરાની ગણતંત્રના સંસ્થાપક અને વર્ષ 1981માં ઈરાનના રાષ્ટ્રપતિ બનેલા અયાતોલ્લા રૂહોલ્લા ખોમૈની પાસેથી શિક્ષણ પણ મળી રહ્યું હતું.

રઈસી જ્યારે માત્ર 25 વર્ષના હતા ત્યારે તેઓ ઈરાનના ડેપ્યુટી પ્રોસિક્યૂટર બની ગયા.

ત્યાર બાદ તેઓ જજ બન્યા અને વર્ષ 1988માં બનેલી ગુપ્ત ટ્રિબ્યૂનલ્સમાં સામેલ થઈ ગયા હતા. આ ટ્રિબ્યૂનલ “ડેથ કમિટી”ના નામે પણ જાણીતી છે.

આ ટ્રિબ્યૂનલ્સમાં હજારો રાજકીય કેદીઓ પર ફરીથી કેસ ચલાવવામાં આવ્યા, જે કેદીઓ પોતાની રાજકીય પ્રવૃત્તિઓને કારણે અગાઉથી જ જેલની સજા ભોગવી રહ્યા હતા.

આ રાજકીય કેદીઓમાં મોટા ભાગના લોકો ઈરાનમાં ડાબેરી અને વિપક્ષી સમૂહ મુજાહિદીન-એ-ખલ્કા અથવા પીપલ્સ મુજાહિદીન ઑર્ગેનાઇઝેશન ઑફ ઈરાનના સભ્યો હતા.

આ કમિટીએ કુલ કેટલા રાજકીય કેદીઓને મોતની સજા ફટકારી તેની ચોક્કસ સંખ્યાની જાણકારી નથી. જોકે, માનવાધિકાર સમૂહોનું કહેવું છે કે લગભગ 5,000 પુરુષો અને મહિલાઓ સામેલ છે.

આ કેદીઓને ફાંસી પછી અજ્ઞાત સામૂહિક કબરોમાં દફન કરવામાં આવ્યા હતા. માનવ અધિકાર કાર્યકર્તાઓ આ ઘટનાને માનવતાની વિરુદ્ધ ગુનો ગણાવે છે.

ઇબ્રાહીમ રઈસીએ આ મામલે પોતાની ભૂમિકા નકારી છે. રઈસીએ કહ્યું હતું કે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતોલ્લા ખુમૈનીના ફતવા પ્રમાણે આ સજા યોગ્ય હતી.

ઇઝરાયલ પર સીધો હુમલો

ઇઝરાયલ અને ઈરાન બંને 1979 સુધી એકબીજાના સહયોગી હતી. આ વર્ષે ઈરાનમાં ઇસ્લામી ક્રાંતિ થઈ અને દેશમાં એક એવી સરકાર આવી જે વિચારધારાના રીતે ઇઝરાયલની ઘોર વિરોધી હતી.

હવે ઈરાન ઇઝરાયલના અસ્તિત્વનું સ્વીકાર નથી કરતું અને તેના સંપૂર્ણ ખાતમાની હિમાયત કરે છે.

ઈરાનના સુપ્રીમ લીડર રહી ચૂકેલા આયાતુલ્લાહ અલી ખામેનેઈ કહેતાં રહ્યા છે કે ઇઝરાયલ 'કૅન્સરનું ટ્યુમર' છે અને ચોક્કસ 'મૂળમાંથી ઊખેડીને ફેંકી દેવાશે અને બરબાદ કરી દેવાશે.'

ઇઝરાયલ પણ કહે છે કે ઈરાન તેના અસ્તિત્વ માટે ખતરો છે. ઇઝરાયલ કહે છે કે ઈરાન પેલેસ્ટાઈની હથિયારબંધ સમૂહો અને લેબનનમાં શિયા સમૂહ હિઝબુલ્લાહને ફંડ આપતો રહે છે.

બંને દેશો વચ્ચે આ દુશ્મની ગાઝા યુદ્ધ બાદ વધુ વધી છે. એપ્રિલમાં કથિત રીતે ઇઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.

તેના જવાબમાં કેટલાક દિવસો બાદ ઈરાને ઇઝરાયલ પર અભૂતપૂર્વ અને અનપેક્ષિત મિસાઇલ હુમલો કર્યો.

આ પહેલી વાર ઈરાને ઇઝરાયલ પર સીધો હુમલો કર્યો હતો.

ભૂતકાળમાં ઈરાન અને ઇઝરાયલ એકબીજા વિરુદ્ધ અપ્રત્યક્ષ રીતે હુમલા કરતા રહ્યા છે. તેઓ એકબીજાનાં ઠેકાણાંને નિશાન બનાવે છે. બંનેએ ક્યારેય આવા હુમલાઓની જવાબદારી લીધી નથી.

પેલેસ્ટાઇનના લોકોનું સમર્થન

ઈરાનમાં 1979માં થયેલી ઈસ્લામિક ક્રાંતિ પછી પેલેસ્ટાઇનના લોકોનું સમર્થન ઈરાનની વિદેશ નીતિનું કેન્દ્ર રહ્યું છે.

ઇઝરાયલ અને ગાઝા સંધર્ષમાં ઈરાન ખુલીને પેલેસ્ટાઇનના લોકોનો સાથ આપી રહ્યો છે.

રવિવારે 19 મેનાં રોજ ડૅમના ઉદઘાટન પછી આપેલા ભાષણમાં પણ રઈસીએ પેલેસ્ટાઇનના લોકો માટે ઈરાનના સમર્થનને જાળવી રાખશે.

રઈસીએ પોતાના ભાષણમાં કહ્યું, “અમે માનીએ છીએ કે પેલેસ્ટાઇન મુસ્લિમ દુનિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. અમે એ વાતને લઈને નિશ્ચિત છીએ કે ઈરાન અને અઝરબૈઝાનના લોકો હંમેશાં પેલેસ્ટાઇન અને ગાઝાના લોકોનું સમર્થન કરીએ છીએ અને ઇઝરાયલના યહુદીવાદી શાસનથી નફરત કરીએ છીએ.”