ઇસ્લામી ક્રાંતિ પછીના ઈરાનના શાસકોની હત્યા, પતન અને સત્તા પરથી બેદખલ થવાનો ઇતિહાસ

ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનનાં 45 વર્ષોના ઇતિહાસમાં હાલના સુપ્રીમ લીડર અલી ખોમેનેઈને બાદ કરતાં તમામ રાષ્ટ્રાધ્યક્ષોએ કોઈને કોઈ મુસીબતોનો સામનો કરવો પડ્યો છે.

ક્યારેક તો તેઓ સત્તા પર હોય ત્યારે જ મૃત્યુ પામ્યા છે તો ક્યારેક તેમને રાજકીય રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, કેટલાક તો રાષ્ટ્રપતિ બન્યા બાદ બીજીવાર ચૂંટણી પણ નહોતા લડી શક્યા.

મોહમ્મદ અલી રાજઈ પછી ઇબ્રાહિમ રઈસી બીજા એવા રાષ્ટ્રપતિ હતા જેમનો કાર્યકાળ કોઈ ઘાતક દુર્ધટનાને કારણે સમાપ્ત થયો છે.

ઇબ્રાહિમ રઈસી રવિવારે 19મી મેના રોજ પૂર્વ અઝરબૈઝાનમાં બંધનું ઉદ્ધાટન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકૉપ્ટર ક્રેશ થઈ ગયું હતું.

તેમના મોતની પુષ્ટિ સોમવારે જ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કરવામાં આવી હતી. આ દુર્ધટનામાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

તેમને ગુરૂવારે 23 મેના દિવસે મશહદમાં દફનાવવામાં આવશે. આ એ જ શહેર છે જેમાં વર્ષ 1960માં રઈસીનો જન્મ થયો હતો.

આવો એક નજર નાખીએ કે 1979ની ઇસ્લામી ક્રાંતિથી અત્યાર સુધી ઈરાનના શાસકો અને તેમની રાજકીય કારકિર્દીના અંત પર.

મેહદી બઝારગાન: રાજીનામું આપી દેવું પડ્યું

1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી સરકારના પ્રથમ (અસ્થાયી) વડા પ્રધાન મેહદી બઝારગાનને સામે પહેલા દિવસથી લોકોને ફરિયાદો હતી. તેમને પોતાના પદ માટે વધુ સત્તા અને શક્તિઓ જોઈતી હતી.

જ્યારે તેમને તહેરાનમાં અમેરિકી દૂતાવાસના કબજા સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો અને તેઓ કંઈ કરી શક્યા નહીં ત્યારે તેમણે રાજીનામું આપી દીધું.

મહેદી બઝારગાને રાજીનામું આપ્યાના બે દિવસ પછી જ દેશની જનતાને સંબોધિત કરેલા સંદેશમાં કહ્યું હતું કે જ્યારે એક વડા પ્રધાનને પણ કોઈને મળવા માટે ધર્મગુરુની પરવાનગીની જરૂર પડે છે ત્યારે વ્યક્તિ અસહ્ય પીડા અનુભવે છે.

અબ્દુલ હસન બની સદ્ર: બરતરફી અને પલાયન

ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના પ્રથમ ધર્મગુરૂ અયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેઈનીએ દેશના રાષ્ટ્રપતિ તરીકે એક સામાન્ય માણસ અબુલ હસન બની સદ્રને નામાંકિત કર્યા.

ત્યારબાદ અબુલ હસન 75%થી વધુ મતો સાથે ચૂંટણી જીત્યા.

યુદ્ધની બાબતોનું સંચાલન કરવાની તેમની શૈલી અને ઇસ્લામિક રિપબ્લિક પાર્ટી દ્વારા થોપવામાં આવેલા વડા પ્રધાન મોહમ્મદ અલી રાજાઈ સામે તેમના વિરોધે મતભેદો વધાર્યા.

તેમણે ઇરાક સાથેના યુદ્ધમાં સૈન્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, પરંતુ ઇસ્લામિક રિપબ્લિક પાર્ટીની ઇચ્છા હતી કે આઈઆરજીસી (ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ)ની તેમાં મોટી ભૂમિકા હોય.

તત્કાલીન સર્વોચ્ચ નેતા ખોમેઈનીએ તેમના પર એટલી હદે વિશ્વાસ કર્યો કે બંધારણની અવગણના કરીને, તેમણે સામાન્ય દળોનું નેતૃત્ત્વ પણ બાની સદ્રને સોંપી દીધું.

ઈરાની મજલિસમાં બહુમતી ધરાવતા અબુલ હસન બની સદ્ર અને ઇસ્લામિક રિપબ્લિક પાર્ટી વચ્ચેનો સંઘર્ષ આખરે તેમની બરતરફીના માર્ગ તરફ દોરી ગયો.

ઈરાની કેલેન્ડર મુજબ જૂન 1981માં ઈરાનના પ્રથમ રાષ્ટ્રપતિને તેમની ‘રાજકીય અક્ષમતા’ના આધારે સંસદના નિર્ણાયક મત દ્વારા પદ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા.

તેમની મહાભિયોગની સુનાવણી દરમિયાન, અલી ખોમેઇની સહિત તેમના વિરોધીઓએ તેમની વિરુદ્ધ શક્તિશાળી ભાષણો કર્યાં હતાં.

તેમની બરતરફી પછી બની સદ્રને ‘રાજદ્રોહ અને શાસન વિરુદ્ધ કાવતરું’ કરવાના આરોપસર ધરપકડ વૉરંટનો સામનો કરવો પડ્યો.

તેઓ પછી ફ્રાન્સ ભાગી ગયા અને બાકીનું જીવન ત્યાં વીતાવ્યું.

મોહમ્મદ અલી રજાઈ: બૉમ્બમારો

બની સદ્રને બરતરફ કર્યા પછી, મોહમ્મદ અલી રજાઈ પ્રમુખ બન્યા.

થોડા જ અઠવાડિયાનો રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો કાર્યકાળ કંઈ ખાસ રહ્યો ન હતો. તેમણે 2 ઑગસ્ટ, 1981ના રોજ ચાર્જ સંભાળ્યો હતો.

તે જ વર્ષે, વડા પ્રધાન કાર્યાલયમાં થયેલા વિસ્ફોટમાં દેશના વડા પ્રધાન મોહમ્મદ જાવાદ બહનાર સાથે તેમનું મૃત્યુ થયું હતું.

આ ઘટના 30 ઑગસ્ટ, 1981ના રોજ બની હતી.

આ બૉમ્બધડાકા માટે પીપલ્સ મુજાહિદ્દીન ઑર્ગેનાઈઝેશન (સાઝમાન-એ –મુજાહિદ્દીન-એ-ખલક) પર આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ સંગઠને સત્તાવાર રીતે બૉમ્બ ધડાકાની જવાબદારી લીધી નહોતી.

રાજાઈ પછી અલી ખમેનેઈ રાષ્ટ્રપતિ બન્યા. તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળના અંતે અને અયાતુલ્લાહ ખોમેઇનીના મૃત્યુ પછી નેતા તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા.

ઈરાની ક્રાંતિ પછી ખમેનેઈ સરકારના એકમાત્ર એવા વડા છે જેઓ તેમના કાર્યકાળના અંતે એક ઉચ્ચ પદ પર પહોંચ્યા અને રાજકીય પ્રતિસ્પર્ધામાં જીત મેળવી છે.

મીર હુસૈન મોસવી: જેલવાસ

ખમેનેઈ અલી અકબર વેલાયતીને વડા પ્રધાન બનાવવા માંગતા હતા, પરંતુ સંસદમાં વેલાયતી વિશ્વાસમત હાંસલ કરી શક્યા નહીં. અંતે તેમણે તેમની ઇચ્છા વિરુદ્ધ મીર હુસૈન મોસવીને સંસદમાં પ્રસ્તુત કરવા પડ્યા.

તેમના તનાવપૂર્ણ સંબંધોને કારણે એક વાર મીર હુસૈન મોસવીને રાજીનામું આપવું પડ્યું હતું.

ખોમેનેઈના નેતૃત્ત્વમાં અને 1980ના દાયકામાં બંધારણમાં સંશોધન પછી વડા પ્રધાન પદ જ ખતમ કરી દેવામાં આવ્યું.

ત્યારબાદ મોસવી રાજકારણથી અલગ થઈ ગયા અને વીસ વર્ષ સુધી સાર્વજનિક ક્ષેત્રમાં ન દેખાયા.

વીસ વર્ષ સુધી રાજકારણથી દૂર રહ્યા બાદ તેમણે 2009ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે હામી ભરી અને પણ તેઓ આ અભિયાનમાં સફળ ન થયા.

આ ચૂંટણી પછી પ્રદર્શનકર્તાઓએ નવનિયુક્ત રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદને હઠાવવા માટે અભિયાન છેડ્યું. જેને ગ્રીન મૂવમૅન્ટનું નામ આપવામાં આવ્યું.

આ વિરોધપ્રદર્શનો દરમિયાન ટકરાવોને કારણે મોસવીને નજરકેદ કરવામાં આવ્યા હતા.

આરબ જગતમાં મચેલી ઉથલપાથલ પછી ફેબ્રુઆરી, 2013માં મોસવીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ જેલમાં બંધ છે.

અકબર હાશમી રફસંજાની: પૂલમાં ‘સંદિગ્ધ મોત’

1989માં રફસંજાની ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા. તેમના કાર્યકાળના પ્રથમ ચાર વર્ષ તણાવપૂર્ણ રહ્યા હતા.

હિઝબુલ્લાહ જેવા સંગઠનોએ તેની સાંસ્કૃતિક નીતિઓનો વિરોધ કરવાનું શરૂ કર્યું.

રફસંજાનીની બીજી મુદ્દત કે જે 1993માં શરૂ થઈ હતી તેમાં ખોમેઇનીએ ખુલ્લેઆમ "અભિજાતવર્ગ અને મુક્ત બજાર નીતિઓ"નો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

અકબર હાશમી રફસંજાનીને ઈરાનમાં ખોમેઈની પછી સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા.

2005ની ચૂંટણીના બીજા રાઉન્ડમાં તેઓ મહમૂદ અહમદીનેજાદ સામે હારી ગયા હતા, પરંતુ તેમની રાજકીય હકાલપટ્ટીની પ્રક્રિયામાં વળાંક 17 જુલાઈ, 2009ના રોજ આવ્યો હતો.

એ જ વર્ષે અહમદીનેજાદે ચૂંટણી જીતી હતી પરંતુ લોકોએ તેમના પર ધાંધલીનો આરોપ લગાવ્યો હતો. તહેરાન સહિત દેશનાં અનેક શહેરોમાં તેમની સામે વિરોધપ્રદર્શનો થયાં હતાં.

17 જુલાઈના રોજ હાશમીએ તહેરાનમાં શુક્રવારની નમાજ દરમિયાન તેમનો છેલ્લો રાજકીય ઉપદેશ આપ્યો હતો. આમાં તેમણે વિરોધીઓને સમર્થન આપ્યું હતું અને મહમૂદ અહમદીનેજાદના ચૂંટણી પરિણામોને 'શંકાસ્પદ' ગણાવ્યા હતા.

ત્યારપછી 2013માં તેમણે ફરી એકવાર રાષ્ટ્રપતિ બનવા માટે નૉમિનેશન ભર્યું. આ આશ્ચર્યજનક સમાચાર હતા.

ભૂતપૂર્વ સુધારાવાદી પ્રમુખ મોહમ્મદ ખાતમીએ તેમને ટેકો આપ્યો હતો, પરંતુ 21મે, 2013ના રોજ ઈરાનની ગાર્ડિયન કાઉન્સિલે તેમનું નામાંકન નકારી કાઢ્યું હતું.

પરંતુ બે વર્ષ પછી, તેમણે ઈરાની સંસદના ઉપલા ગૃહ એટલે કે મજલિસ-એ-ખોબ્રાગન માટે તેહરાનમાંથી પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતી.

8 જાન્યુઆરી, 2017ના રોજ સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુને શંકાસ્પદ માનવામાં આવે છે.

2018માં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ રફસંજાનીના મૃત્યુની પુનઃ તપાસનો આદેશ આપ્યો હતો.

પરિવારનો આરોપ છે કે તેના શરીરમાં સામાન્ય વ્યક્તિ કરતાં 10 ગણી વધુ રેડિયોઍક્ટિવિટી હતી.

મોહમ્મદ ખાતમી: સુધારાઓ પર જોર

મોહમ્મદ ખાતમી 23મે, 1997ના રોજ 2 કરોડથી વધુ મતો સાથે ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા પરંતુ શરૂઆતના મહિનાઓમાં જ સરકારમાં તણાવના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

2001માં, ઈરાનના સર્વોચ્ચ નેતાએ સુધારાવાદી પ્રેસને 'દુશ્મનનો ડેટાબેઝ' કહ્યો અને ડઝનેક પ્રકાશનો બંધ કરી દેવામાં આવ્યાં.

રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમીએ કહ્યું કે તેમની સરકારે દર નવ દિવસમાં એકવાર સંકટનો સામનો કરવો પડે છે.

2004ની સંસદીય ચૂંટણીનાં પરિણામો સામે વિરોધની ઘટનાઓને કારણે ઈરાની મીડિયામાં ખાતમીની તસવીરો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમના પર દેશ છોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ઈરાનમાં રાજકીય ગતિવિધિઓમાંથી તેમને દૂર કરી દેવામાં આવ્યા હતા. છતાં પણ તેમણે કેટલાક સુધારાવાદીઓના વિરોધની વચ્ચે લોકોને ગત ચૂંટણીઓમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

મહમૂદ અહમદીનેજાદ: ગુસ્સાવાળા નેતા

અહમદીનેજાદ 2005માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની ચૂંટણી પછી અયાતુલ્લાહ ખમેનેઇ અને તેમની નજીકના મૌલવીઓનાં નિવેદનો પરથી એવું લાગતું હતું કે ઈરાનને રાષ્ટ્રપતિ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ મળી ગઈ છે.

પરંતુ આ રાજકીય મિત્રતા લાંબો સમય ટકી ન હતી. અહમદીનેજાદે 2009માં બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.

તેમણે શપથ સમારોહમાં ઈરાનના નેતા (ધાર્મિક નેતા)ના હાથને બદલે ખભા પર ચુંબન કર્યું. ઈરાનમાં આવો કોઈ રિવાજ નથી.

થોડા દિવસો પછી, તેમણે અસફનદિયાર રહીમ મશાઈને તેમના પ્રથમ નાયબ તરીકે રજૂ કર્યા. પરંતુ ખમેનેઈએ એક ખાનગી પત્રમાં કહ્યું હતું કે તેઓ આવી પસંદગીને યોગ્ય માનતા નથી.

ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનેઈના કાર્યાલયે આ પત્ર સાર્વજનિક ન કર્યો ત્યાં સુધી અહમદીનેજાદે પોતાનો નિર્ણય બદલ્યો ન હતો.

ત્યારપછી ખમેનેઈએ ઇન્ફોર્મેશન મિનિસ્ટર હૈદર મોસલેહીની બરતરફીનો વિરોધ કર્યો, પરંતુ રાષ્ટ્રપતિ આ વિરોધથી પ્રભાવિત થયા નહીં.

ગુસ્સાના પ્રતીક તરીકે તેઓ 11 દિવસ સુધી રાષ્ટ્રપતિ કાર્યાલય ગયા ન હતા. મહમૂદ અહમદીનેજાદ ફરી એક વાર 2017માં ત્રીજી મુદત માટે રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા હતા, પરંતુ ગાર્ડિયન કાઉન્સિલે તેમની ઉમેદવારીને નકારી કાઢી હતી.

હસન રૂહાની

હસન રૂહાની 2013ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને સત્તા પર આવ્યા હતા. તેમને સૌથી સુરક્ષિત રાજકીય શખ્સિયતોમાંથી એક ગણવામાં આવે છે.

તેમના કાર્યકાળની શરૂઆતથી જ રૂહાનીએ ખમેનેઈનો વિશ્વાસ હાંસલ કરવાની કોશિશ કરી હતી.

જોકે, અમેરિકા સાથે વાતચીત કરવાની કોશિશ અને ‘સંયુક્ત વ્યાપક કાર્ય યોજના’ (જેસીપીઓએ) નામના એક અન્ય કરારની તૈયારી કરવા માટે ખમેનેઈ તરફથી તેમની અનેક વાર નિંદા થઈ હતી.

હસન રૂહાની અને તેમના સંબંધીઓ સામે અનેક આર્થિક અપરાધના આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા તેમાં તેમના ભાઈ હસન ફરીદૂન પણ સામેલ હતા.