મોહમ્મદ મોખબર: 'દરિયામાં ઊતરીને કોરા રહેનાર' નેતા બન્યા ઈરાનના વચગાળાના રાષ્ટ્રપતિ

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીના હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મોતના સમાચારની પુષ્ટિ થયા બાદ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર દેઝફુલીને ચૂંટણી સુધી રાષ્ટ્રપતિપદની જવાબદારી સોંપવામાં આવી છે.

ઈરાનમાં ઉપરાષ્ટ્રપતિપદ માટે કોઈ સીધી ચૂંટણી થતી નથી. જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે તે જ ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરે છે. ઉપરાષ્ટ્રપતિ લગભગ એ જ કામ કરે છે જે કોઈ દેશના વડા પ્રધાન કરે છે.

ઈરાનમાં 1989માં વડા પ્રધાનપદને નાબૂદ કરી દેવામાં આવ્યું હતું.

ઈરાનના ઇસ્લામિક રિપબ્લિકના બંધારણની કલમ 131 મુજબ, રાષ્ટ્રપતિના મૃત્યુની ઘટનામાં, ઉપરાષ્ટ્રપતિ "નેતૃત્વની મંજૂરીથી, રાષ્ટ્રપતિની સત્તાઓ અને જવાબદારીઓને ધારણ કરે છે."

બંધારણ અનુસાર ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ પચાસ દિવસના સમયગાળામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની વ્યવસ્થા કરવા માટે બંધાયેલા છે.

ઇબ્રાહીમ રઈસી ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં મોહમ્મદ મોખબર લગભગ 15 વર્ષ સુધી ફરમાન ઇમામ નામની સંસ્થાના કાર્યકારી સ્ટાફના પ્રમુખ હતા.

આ સંગઠનને ઑર્ગેનાઇઝેશન ઑફ ઇમામ ખોમેનીસ ઑર્ડર અથવા સેતાદના નામે ઓળખવામાં આવે છે.

ફરમાન ઇમામ એ ઈરાનનું એક ખૂબ જ શક્તિશાળી સંગઠન છે જે દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમેઈનીના સીધા નિયંત્રણ હેઠળ છે.

દેશની સૌથી ધનાઢ્ય સંસ્થાઓ પૈકીની એક ફરમાન ઇમામ સુપ્રીમ લીડર સિવાય કોઈને પણ બંધાયેલા નથી.

મોખબર ઈરાનના ઘણા જાણીતા કટ્ટરપંથીઓને હરાવીને ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. પછી તેમને દેશની આર્થિક પરિસ્થિતિને વ્યવસ્થિત કરવા માટે "રેઝિસ્ટન્સ ઇકૉનૉમી હૅડક્વાર્ટર્સ"ના વડાનું પદ આપવામાં આવ્યું.

જોકે, તેઓ આ પદ પર એટલા સફળ સાબિત થયા ન હતા.

ખુઝેસ્તાનથી તેહરાન સુધી

મોહમ્મદ મોખબરનો જન્મ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતના દેઝફુલ શહેરમાં વર્ષ 1955માં થયો હતો.

આ જ કારણ છે કે ઘણી વખત તેમના નામની આગળ તેમના જન્મસ્થળનું નામ પણ જોડવામાં આવે છે.

તેમનો પરિવાર ધાર્મિક હતો અને તેમના પિતા શેખ અબ્બાસ મોખબર ઉપદેશક અને મૌલવી હતા. તેઓ થોડા સમય માટે દેઝફુલના કામચલાઉ ઈમામ પણ હતા.

મોહમ્મદ મોખબરે તેમનો પ્રારંભિક અભ્યાસ ડેઝફુલમાં કર્યો હતો. ત્યાર બાદ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે અહવાઝ ગયા.

ઈરાની મીડિયા અનુસાર, તેમની પાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને મૅનેજમૅન્ટમાં માસ્ટર ડિગ્રી છે.

મીડિયા અનુસાર, મોખબરે મૅનેજમૅન્ટ અને આર્થિક વિકાસમાં ડૉક્ટરેટ પણ કર્યું છે. ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય કાયદામાં પીએચ.ડી. પણ કર્યું છે.

1979ની ક્રાંતિ પહેલાં તેમની પ્રવૃત્તિઓ વિશે બહુ જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ હમામિહાન અખબારમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, તેઓ મોહમ્મદ જહાનઆરા, અલી શામખાની, મોહસીન રેઝાઈ, મોહમ્મદ ફારુઝાન્દેહ અને મોહમ્મદ બકર ઝુલકાદર જેવા લોકો સાથે મન્સૂરન જૂથના સભ્ય હતા.

આ જૂથ ખુઝેસ્તાનમાં રચાયું હતું અને ઈરાનની પ્રથમ સરકાર વિરુદ્ધ સક્રિય હતું.

ખુઝેસ્તાનમાં ઇસ્લામિક રિપબ્લિકન ગાર્ડ્સ કૉર્પ્સ (IRGC)ની સ્થાપના બાદ તેમને ડેઝફુલમાં આઈઆરજીસીના આરોગ્ય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

1980ના દાયકામાં ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન મોખબરે આ જ પદ સંભાળ્યું હતું.

ઈરાન-ઇરાક યુદ્ધના અંત પછી, મોખબર ડેઝફુલ ટેલિકૉમ્યુનિકેશન કંપનીના સીઈઓ, ખુઝેસ્તાન પ્રાંત ટેલિકૉમ્યુનિકેશન કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રૅસિડેન્ટ અને તે પછી તે જ કંપનીના સીઈઓ બન્યા.

તેઓ થોડા સમય માટે ખુઝેસ્તાનના ડેપ્યુટી ગવર્નર પણ હતા.

ત્યાર બાદ તેઓ તેહરાન ગયા હતા. જ્યારે પોતાના જ પ્રાંત ખુઝેસ્તાનથી આવેલા મોહમ્મદ ફારુઝાંદે દેશના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે મોખબરને મુસ્તફાફન ફાઉન્ડેશનના ટ્રાન્સપૉર્ટ અને કૉમર્સ વિભાગના ડેપ્યુટીના મહત્ત્વના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમયગાળા દરમિયાન, ઈરાન સેલ કન્સોર્ટિયમમાં મોબાઇલ ફોન કંપની તુર્કસેલને દક્ષિણ આફ્રિકાની એમટીએન કંપનીને જગ્યા આપવામાં મોખબરે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. આ મામલો ઘણો વિવાદાસ્પદ હતો.

બાદમાં તે જ ઈરાન સેલ કન્સોર્ટિયમના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના ઉપાધ્યક્ષ તરીકે તેઓ નિયુક્ત થયા.

આ સિવાય મોહમ્મદ મોખબર સિના બૅન્કના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના અધ્યક્ષ હતા. આ બૅન્ક મુસ્તફ્ફાન ફાઉન્ડેશનની દેખરેખ હેઠળ કાર્યરત્ હતી.

શક્તિશાળી સંસ્થાના કાર્યકારી પ્રમુખ

મોખબરની કારકિર્દીમાં સૌથી નિર્ણાયક છલાંગ 2006માં ભરાઈ હતી જ્યારે તેમની ઈરાનની સરકારનો પાયો ગણાતી સંસ્થા એવી ફરમાન ઇમામના એક્ઝિક્યુટિવ હેડક્વાર્ટરના વડા તરીકે નિમણૂક થઈ.

ફરમાન ઇમામની સ્થાપના તત્કાલીન નેતા અયાતુલ્લાહ રુહુલ્લાહ ખોમૈઈનીના મૃત્યુના એક મહિના પહેલાં મે 1989માં તેમના આદેશથી કરવામાં આવી હતી.

આ સંગઠન ઇસ્લામિક ક્રાંતિ પછી જપ્ત કરાયેલી હજારો મિલકતોના સંચાલનની જવાબદારી સંભાળે છે.

ફરમાન ઇમામ કે જે અયાતુલ્લાહના સીધા નિયંત્રણ અને સૂચનાઓ હેઠળ કાર્ય કરે છે, તે ઈરાની સિસ્ટમના કોઈ પણ વિભાગને બંધાયેલી નથી.

હવે તે અપાર સંપત્તિ સાથે એક વિશાળ સંસ્થા બની ગઈ છે. આ સંસ્થા હવે ઈરાનના અર્થતંત્રનાં ઘણાં ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાન્યુઆરી 2021માં ફરમાન ઇમામ અને તેના તત્કાલીન ચીફ મોહમ્મદ મોખબર પર પ્રતિબંધો લગાવ્યા હતા.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે સંસ્થાને "બિઝનેસ બેહેમથ" તરીકે વર્ણવી હતી જે "ઊર્જા અને ટેલિકૉમ્યુનિકેશન્સ સહિત ઈરાનના અર્થતંત્રનાં લગભગ તમામ ક્ષેત્રોમાં છે."

એક્ઝિક્યુટિવ કમાન્ડ હેડક્વાર્ટરની સંપત્તિના વિવિધ અંદાજ છે. 2013માં રૉઇટર્સ એજન્સીએ એક તપાસ અહેવાલમાં એક્ઝિક્યુટિવ હેડક્વાર્ટરને "વિશાળ આર્થિક સામ્રાજ્ય" ગણાવ્યું હતું અને તેની સંપત્તિ અંદાજે 95 બિલિયન ડૉલર હોવાનો અંદાજ મૂક્યો હતો.

ટીકાકારો કહે છે કે ફરમાન ઇમામનું કાર્યકારી હેડક્વાર્ટર એક માફિયાની જેમ ચલાવવામાં આવે છે.

હાલમાં સંસ્થા તેલ, ગૅસ, પેટ્રોકેમિકલ, કૃષિ, ઉદ્યોગ, ખાણકામ, તબીબી અને બાંધકામ જેવાં વિવિધ ક્ષેત્રોમાં ડઝનેક કંપનીઓની માલિકી ધરાવે છે.

આ ઉપરાંત બરકત ફાઉન્ડેશન નામની ચેરિટી પણ એક્ઝિક્યુટિવ હેડક્વાર્ટર હેઠળ આવે છે.

બરકત નૉલેજ ફાઉન્ડેશન ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના મોખબરના સમયગાળા દરમિયાન જ કરવામાં આવી હતી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ બરકતને ફરમામ ઈમામનો ઇન્વેસ્ટમેન્ટ પિલર ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

કોવિડ-19 મહામારી દરમિયાન બરકત ફાઉન્ડેશને ઘરેલુ રસી ઉત્પાદન પ્રોજેક્ટ પર કામ કર્યું હતું અને મોખબરે મીડિયામાં હેડલાઇન્સ બનાવી.

ભલે મોખબર ઈરાનમાં એક શક્તિશાળી સંસ્થા ચલાવતા હતા પરંતુ તેઓ કોવિડ રસીના ઉત્પાદન પહેલાં દેશમાં બહુ ઓછા જાણીતા હતા.

ઈરાનના સર્વોચ્ચ નેતાના સમર્થનથી ચાલતા વૅક્સિન ડેવલપમૅન્ટ પ્રોજેક્ટને ઘણું સન્માન મળ્યું. પરંતુ આ પ્રોજેક્ટને કેટલાક વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો.

આખરે આ રસી દેશ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને મોહમ્મદ મોખબરનાં પુત્રીને આ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

'પડદા પાછળના ખેલાડી'

મોહમ્મદ મોખબરે ઉપરાષ્ટ્રપતિપદ માટે સઈદ જલીલી જેવા નામચીન લોકોને માત આપી હતી. રઈસીએ સત્તા સંભાળ્યા બાદ ઑગસ્ટ 2021માં મોખબરને ઉપરાષ્ટ્રપતિ બનાવાયા હતા.

ફરમાન ઇમામમાં બિઝનેસની સમજને વિકસિત કરનાર મોખબરે સરકારમાં આવ્યા બાદ અર્થવ્યવસ્થામાં યોગદાન આપવાનું શરૂ કર્યું. તેઓ ઈરાનની રેઝિસ્ટેન્સ ઇકૉનૉમીના પ્રમુખ હતા.

પદ સંભાળ્યા બાદ તેમણે કેટલાક મહિનામાં સૌથી પહેલા ઇબ્રાહીમ રઈસીના પ્રતિદ્વંદ્વી મોહસીન રેઝાઈને પદ પરથી હઠાવ્યા.

રેઝાઈ રઈસી સામે ચૂંટણી લડ્યા હતા, પણ તેમને નવા રાષ્ટ્રપતિએ સરકારના આર્થિક ડેપ્યુટીના રૂપમાં નિયુક્ત કર્યા હતા. જોકે જલદી આ પદને ખતમ કરી દેવાયું હતું.

ઘણા લોકોએ આ કહાણી અને આ રીતના ઘટનાક્રમ પાછળ મોહમ્મદ મોખબરની પડદા પાછળની લૉબીને જવાબદાર ગણી હતી.

મોખબરે ફરમાન સ્ટાફના પ્રમુખ તરીકે પોતાના કાર્યકાળમાં અનેક ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા હતા. હવે તેઓ તેનો ઉપયોગ કરતા જોવા મળે છે.

જોકે ઇબ્રાહીમ રઈસીના શાસનને એક વર્ષ પણ થયું નહોતું અને દેશમાં રાજકીય હરીફાઈ અને બગડતી આર્થિક સ્થિતિથી અસંતુષ્ટ કટ્ટરપંથીઓએ અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.

જુલાઈ 2022માં સ્ટેબિલિટી ફન્ટના સભ્ય જવાદ કરીમી-કુદ્દુસીએ સોશિયલ મીડિયા સાઇટ ઍૅક્સ પર લખ્યું, "મોખબર પાસે આ પદ માટે જરૂરી લાયકાત નથી."

કરીમી-કુદ્દુસીએ ચેતવણી આપી, "તેમનું અહીં એક પળ પણ રહેવું એ દેશને નુકસાન પહોંચાડી રહ્યું છે."

અગાઉ એક કટ્ટરપંથી મીડિયા ઍક્ટિવિસ્ટ મોહમ્મદ મોહઝેરીએ 'ઍતેમાદ' અખબારમાં મોહમ્મદ મોખબર અને રઈસી સરકારમાં તેમની પડદા પાછળની ભૂમિકા અંગે લખ્યું હતું.

મોહઝેરીનું કહેવું હતું, "પોતાની રાજકીય કુશળતા સાથે તેઓ એ રીતે કામ કરે છે કે રઈસી સરકારની નિષ્ફળતા છુપાઈ જાય. એ વ્યક્તિની જેમ જે સાગરમાં ઊતરી તો જાય, પણ ભીંજાય નહીં."

પરંતુ આ તમામ ટીકાઓની મોખબરની કારકિર્દી પર કોઈ અસર ન પડી. વર્ષ 2022માં જ ઈરાનના સુપ્રીમ લીડરે તેમને એક વિશેષ પરિષદના સભ્ય બનાવ્યા હતા.

એટલું જ નહીં, રઈસીએ પણ પોતાના ડેપ્યુટીની ટીકાઓ પર ધ્યાન આપ્યું નહોતું.

એ જ વર્ષે એક કાર્યક્રમ દરમિયાન મોહમ્મદ મોખબરની તસવીરો દેશના શક્તિશાળી લોકો સાથે પ્રકાશિત થઈ હતી.

અનેક લોકોએ આ બેઠક બાદ તેમની તસવીરોને ટીકાકારો માટે એક સંદેશના રૂપમાં જોઈ. ત્યારથી ઈરાનની અર્થવ્યવસ્થામાં ઊથલપાથલ છતાં સમાચારોમાં આવ્યા વિના મોખબર ઉપરાષ્ટ્રપતિના પદ પર ટકેલા રહ્યા.

ઈરાની રાષ્ટ્રપતિના મોત બાદ મોહમ્મદ મોખબરને એક નવું અને અનપેક્ષિત મિશન મળી ગયું છે, જે આગામી રાષ્ટ્રપતિની નિયુક્તિ સુધી ચાલુ રહેશે.