You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ પાકિસ્તાનના બૅલાસ્ટિક મિસાઇલ પ્રોગામના ચાર સપ્લાયરો પર પ્રતિબંધ શા માટે મૂક્યો?
- લેેખક, સહર બલોચ
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
અમેરિકાએ ચીનની ત્રણ અને બેલારૂસની એક કંપનીને પાકિસ્તાનના મિસાઇલ પ્રોગ્રામની તૈયારીમાં મદદ કરવાના આરોપને આધારે પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૅથ્યુ મિલરે આ વિશે એક નિવેદન આપ્યું છે. નિવેદનમાં કહેવામા આવ્યું છે કે અમેરિકાએ એવી ચાર કંપનીઓની ઓળખ કરી છે જે મોટા પાયે વિનાશ કરી શકે તેવાં હથિયારો અને તેની સપ્લાઈમાં સામેલ છે.
તેમણે ઉમેર્યું કે અમેરિકા વિનાશકારી હથિયારો વિરુદ્ધ કાર્યવાહી કરતું રહેશે. જોકે, આ દરમિયાન અમેરિકાએ ઇઝરાયલને ગાઝામાં ચાલી રહેલી લડાઈ માટે ત્રણ અબજ ડૉલરથી વધારે કિંમતનાં હથિયારો ઉપલબ્ધ કરાવ્યાં છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇસ્લામાબાદને અમેરિકાએ હાલમાં કરેલી કાર્યવાહી વિશે જાણકારી નથી.
વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું, “ભૂતકાળમાં માત્ર શંકાના આધારે સૂચીઓ જાહેર કરવામાં આવતી હતી. આ સૂચીઓમાં સામેલ વસ્તુઓને નિયંત્રણ સૂચી સામેલ કરવામાં આવતી ન હતી, પરંતુ સંવેદનશીલ માનવામાં આવતી હતી.”
પાકિસ્તાને કહ્યું કે રાજકીય ઉદ્દેશ્યોને કારણે નિકાસ પર પ્રતિબંધ લગાવવાની નીતિનો તે વિરોધ કરે છે.
અમેરિકાએ કઈ કંપનીઓ પર લગાવ્યા આરોપ?
આ મામલે અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી એક ફેક્ટ શીટ પણ જાહેર કરવામાં આવી છે.
અમેરિકાએ ચીનની શિયાન લૉગ્ડ ટેકનૉલૉજી ડેવલપમૅન્ટ કંપની લિમિટેડ ઉપર આરોપ લગાડ્યો છે. કંપની પર પાકિસ્તાનને લાંબા અંતર સુઘી હુમલો કરી શકે તેવી બૅલાસ્ટિક મિસાઇલની તૈયારી માટે ઉપયોગમાં લેવાતા ભાગો સપ્લાઈ કરવાનો આરોપ છે. આ ઉપરાંત કંપની પર ફિલામેન્ટ વાઇન્ડિંગ મશીન મોકલવાનો પણ આરોપ લગાવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાએ પોતાના નિવેદનમાં આરોપ લગાડતાં કહ્યું છે કે ફિલામેન્ટ વાઇન્ડિંગ મશીનનો રૉકેટ મોટર કેસ તૈયાર કરવા માટે થાય છે.
ચીનની તિયાનજિન ક્રિએટીવ ઇન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ પર આરોપ છે કે કંપનીએ પાકિસ્તાનને લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવી બૅલાસ્ટિક મિસાઇલ પ્રોગામ માટે કેટલાક ભાગો ઉપલબ્ધ કરાવ્યા છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે તેમાં સ્ટિર વેલ્ડિંગ પણ સામેલ છે.
અમેરિકાના મત પ્રમાણે સ્ટિર વેલ્ડિંગ સામાનનો ઉપયોગ સ્પેસ લૉન્ચ વ્હીકલમાં ઉપયોગમાં લેવાતા પ્રોપેલેન્ટ ટૅન્કને તૈયાર કરવા માટે થાય છે.
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે આ કંપનીએ પાકિસ્તાનને મોટો વ્યાસ ઘરાવતી રૉકેટ મોટરોના નિરિક્ષણ માટે જરૂરી સ્પેર પાર્ટ પણ ઉપલબ્ધ કરાવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મિસાઇલ ટેકનૉલૉજી કંટ્રોલ રિજીમ (એમટીસીઆર) કૅટેગરી-1 બૅલાસ્ટિક મિસાઇલનું નિર્માણ કરવામા આવે છે.
અમેરિકાએ જાહેર કરેલી ફેક્ટ શીટ પ્રમાણે બેલારૂસની મિંસ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટે પાકિસ્તાનને બૅલાસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટે વિશેષ ટ્રેનોની ચેસિસ ઉપલબ્ધ કરાવી હતી.
અમેરિકાના નિવેદન પ્રમાણે આ ચેસિસનો ઉપયોગ બૅલાસ્ટિક મિસાઇલના લૉન્ચ સપોર્ટ પ્રોગ્રામ દરમિયાન કરવામા આવે છે. કંપનીએ આ ચેસિસ પાકિસ્તાનની નેશનલ ડેવલપમૅન્ટ કૉમ્પલેક્ષ (એનડીસી) નામની સંસ્થાને ઉપલબ્ધ કરાવ્યા હતા.
હવે પ્રતિબંધો કેમ લગાડવામા આવ્યાં?
અમેરિકાના વિદેશ મંત્રાલયે નિવેદનમાં આ વિશે સીધો જવાબ આપતાં કહ્યું કે અમેરિકા સમગ્ર વિશ્વમાં વિનાશકારી હથિયારોનું ઉત્પાદન અટકાવવા માગે છે. આ કારણે જ આ પગલાં ભરવામાં આવ્યાં છે.
બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝોહરા બલોચે આ વિશે એક નિવેદન જાહેર કર્યું હતુ.
તેમણે નિવેદનમાં કહ્યું, “પહેલાં પણ કોઈ પણ પ્રકારના પુરાવા આપ્યા વગર ખાનગી કંપનીઓ પર પ્રતિબંધ લગાડવામા આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનના બૅલસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર પણ આરોપો લગાડવામા આવ્યા હતા.”
બલોચે ઉમેર્યું, “અમેરિકા તરફથી હાલમાં કરવામા આવેલી કાર્યવાહી વિશે અમને વધારે જાણકારી નથી. જોકે, અમે ભૂતકાળમાં પણ જોયું છે કે કેટલીક વખત માત્ર શંકાના આધારે પ્રતિબંધ લગાડવામા આવ્યા હતા.”
તેમણે કહ્યું કે એવી તકો પણ આવી છે જ્યારે કોઈ સામાન કંટ્રોલ લિસ્ટમાં ન હોવા છતાં તેને સંવેદનશીલ ગણાવીને તેના પર પ્રતિબંધ લગાડવામા આવે છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન અમેરિકા દ્વારા રાજકીય ઉદ્દેશ્યને કારણે પ્રતિબંધ લગાડવાની નીતિને રદ કરે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, “હકીકત એ પણ છે જે સંસ્થાઓ પરમાણુ હથિયારોને ફેલાવતાં અટકાવવા માટેના નિયમોનું કડક રૂપે પાલન કરવાના દાવા કરે છે તે જ સંસ્થાઓ કેટલાક દેશોની આધુનિક સૈન્ય ટેકનૉલૉજીના લાઇસન્સિંગની પ્રક્રિયાને ખતમ કરી રહી છે.”
બલોચે જણાવ્યું, “આ કારણે હથિયારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ કારણે પ્રદેશમાં દેશોની શકિતમાં અસંતુલન વધી શકે છે. આ ઉપરાંત પરમાણુ હથિયારોનો ફેલાવાને રોકવા માટેના ઉદ્દેશ્યો અને વિશ્વભરની શાંતિ અને સુરક્ષાને પણ ખતરો થઈ શકે છે.”
તેમણે કહ્યું, “અમે ઘણી વખત આ વાત સામે રાખી છે કે નિકાસ પર મનસ્વી ધોરણે પ્રતિબંધ ન લાદવા જોઇએ. આપણે એવી પ્રક્રિયા અપનાવવી જોઈએ કે જેને કારણે આર્થિક અને સામાજિક વિકાસ માટે જરૂરી ટેકનૉલૉજી પર કોઈ પણ પુરાવા વગર પ્રતિબંધ ન લાગે.”
“પાકિસ્તાન કોઈ પણ વસ્તુના ઉપયોગ અને ઉપયોગના સમયની ચકાસણી કરવા માટે એક પ્રક્રિયા બનાવવા માટે વાટાઘાટો કરવા પણ તૈયાર છે જેથી વ્યાપારી ગ્રાહકો આ ભેદભાવપૂર્ણ પ્રતિબંધોથી પ્રભાવિત ન થાય.”
જોકે, રક્ષાના મામલા પર નજર રાખનાર નિષ્ણાતોનું વિશ્લેષણ કંઈક જુદી વાત કરે છે.
રક્ષા વિશેષજ્ઞ સૈયદ મહમદઅલીએ જણાવ્યું, “એ દુ:ખની વાત છે કે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય કાયદા, સંસ્થા અને ટેકનૉલૉજી પણ આંતરરાષ્ટ્રીય રાજકારણનો શિકાર બની રહ્યાં છે.”
તેમણે કહ્યું, “પશ્ચિમી દેશો ચીનના આર્થિક વિસ્તારને રોકવા કે અટકાવવા માટેની કોશિશો કરી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે ચીનની કંપનીઓ પર આ પ્રતિબંધ પછી આ આરોપોને પડકાર આપવો કે તેનો જવાબ આપવો અને આ મામલો કાયદાકીય સલાહ લેવાની જવાબદારી કંપનીઓની રહેશે.
“પાકિસ્તાન કેટલાક દાયકાઓથી એક જ જવાબ આપે છે કે તેના કાર્યક્રમ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને બનાવવામા આવ્યા છે.”
અમેરિકાના પ્રતિબંધોનો ઈરાન સાથે સંબંધ
અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામા આવેલી ફેક્ટ શીટ પર નજર કરીએ તો કંપનીઓ પર કડક પ્રતિબંધ લાદવામા આવ્યા છે. આ ચારેય કંપનીઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અમેરિકા સંબંધિત લોકો પાસેથી કે અમેરિકામાં રહેલી સંબંધિત બધી જ સંપત્તિ જપ્ત કરવામા આવશે.
આ ઉપરાંત આ કંપનીના માલિકો પર અમેરિકામાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અમેરિકાના નાગરિકોને પણ તેમની સાથે વેપાર કરવા પર રોક લગાડી દેવાઈ છે.
જોકે, પત્રકાર અને વિશ્લેષક એજાઝ સૈયદે બીબીસીને જણાવ્યું છે કે આ પ્રતિબંધનુ કારણ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક સમાચાર સાથે જોડાયેલું છે.
તેમણે કહ્યું કે અમેરિકાના અધિકારીઓએ ચાર પાકિસ્તાની નાગરિકો પર ઈરાનની મિસાઇલના કેટલાક ભાગો હૂતી ચરમપંથી સુધી પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાની નાગરિકો પૈકી એક મહમદ પહલવાન નામની વ્યક્તિ પર આ આરોપો ફેબ્રુઆરીમાં લગાવાયો હતો. જોકે, તેમની ધરપકડ જાન્યુઆરીમાં એક ઑપરેશન દરમિયાન કરવામા આવી હતી.
અમેરિકાએ આ ઑપરેશન જાન્યુઆરીની શરૂઆતમાં કર્યું હતું, તે દરમિયાન નૅવીના બે સૈનિકો માર્યા ગયા હતા.
આ ધટના પછી અમેરિકાની ફેડરલ કોર્ટમાં તર્ક આપવામા આવ્યો હતો કે આ ઘટનાના મહત્ત્વપૂર્ણ આરોપી મહમદ પહલવાનને હૂતી ચરમપંથીઓ સુધી હથિયાર પહોંચાડવા માટે 20 વર્ષની સજા અને કૉસ્ટ ગાર્ડ સામે ખોટું બોલવા માટે વધારે પાંચ વર્ષની સજા થઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાનો આરોપ છે કે હૂતી વિદ્રોહીઓ રાતા સમુદ્ર થકી કથિત રીતે ઈરાની મિસાઈલો મેળવી રહ્યા છે.
અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું છે કે આ શસ્ત્રો અથવા મિસાઇલોનો કથિત ઉપયોગ અમેરિકાનાં જહાજો પર તાજેતરના હુમલાઓમાં કરવામાં આવ્યો હતો. આ જ કારણસર અમેરિકાએ આ વર્ષે જાન્યુઆરીથી આ ઑપરેશન ચાલુ રાખ્યું છે જેથી હુથી ચરમપંથીઓને કોઈ મદદ ન મળી શકે.
એજાઝ સૈયદે કહ્યું, “અમેરિકાની બીજી સમસ્યા ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના વધતાં સંબંધો છે. આ સમસ્યા 22 એપ્રિલે ઈરાનના પ્રતિનિધિમંડળના પાકિસ્તાન આગમન સાથે પણ જોડાયેલી છે. આ મુલાકાતનો ઍજન્ડા માત્ર પરસ્પર સંબંધો સુધારવાનો જ નથી પરંતુ આ ક્ષેત્રની સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવાનો પણ છે. અમેરિકા નથી ઈચ્છતું કે ઈરાન સાથે પાકિસ્તાનના સંબંધો કોઈ પણ રીતે સામાન્ય થાય.”
તેમણે કહ્યું છે કે આ પ્રતિબંધ અમેરિકા તરફથી એક ચેતવણી પણ છે કે અત્યારે તો માત્ર કંપની પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, બાદમાં દેશ પર પણ લાદવામા આવી શકે છે.
અમેરિકાના પરમાણુ પ્રતિબંધોનો ઇતિહાસ
આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ કોઈ દેશ પર આવો પ્રતિબંધ લગાવ્યો હોય.
આ માટે ભૂતકાળની કેટલીક ઘટનાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે અગાઉ પણ અમેરિકા દ્વારા પાકિસ્તાન પર આ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
વર્ષ 2021માં, અમેરિકન તંત્રે 13 પાકિસ્તાની કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે આ કંપનીઓ પાકિસ્તાનને તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોમાં કથિત રીતે મદદ કરી રહી હતી.
વિશ્લેષકો અને સંશોધકોએ એ સમયે તે કંપનીઓ વિશે કહ્યું હતું કે પાકિસ્તાનના પરમાણુ અથવા મિસાઇલ પ્રોગ્રામ સાથે તેમનો કોઈ સંબંધ હોય તેવું લાગતું નથી કારણ કે આ કંપનીઓ વેપાર, એન્જિનિયરિંગ અને આયાત સંબંધિત વ્યવસાય સાથે સંકળાયેલી છે.
એ બાદ 2023માં પણ અમેરિકાએ પાકિસ્તાનને બૅલાસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે સામગ્રી પ્રદાન કરવા બદલ ચીનની ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ વખતે જે કંપનીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે એ કંપનીઓએ આ પ્રતિબંધો અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.