ઈરાને ઇઝરાયલ પરના હુમલાની અમેરિકાને કેટલા સમય પહેલાં જાણકારી આપી હતી?

ઈરાને ઇઝરાયલ પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા છે. સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલા પછી તેણે જવાબમાં આ કાર્યવાહી કરી છે.

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કૉર્પ્સે (આઈઆરજીસી) કહ્યું છે કે 'ખાસ લક્ષ્યો'ને નિશાન બનાવવાના હેતુસર હુમલા કરવામાં આવ્યા છે.

ત્યારે ઇઝરાયલી સેના સૂત્રો અનુસાર 100થી વધુ ડ્રોન છોડવામાં આવ્યાં છે. સીબીએસ ન્યૂઝ અનુસાર અમેરિકાએ કેટલાંક ડ્રોન પાડી દીધાં હતાં.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીઝ (આઈડીએફ)નું કહેવું છે કે જ્યાં પણ જરૂરિયાત છે ત્યાં તે ખતરાને રોકવામાં આવી રહ્યો છે. ઇઝરાયલના વડા પ્રધાને વૉર કેબિનેટની બેઠક બોલાવી છે.

હુમલા બાદ ઇઝરાયલમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે અને યેરુશલેમમાં ભારે ધમાકાનો અવાજ પણ સાંભળવા મળ્યો છે કારણ કે શહેરમાં ઇઝરાયલના ઍર ડિફેન્સ સિસ્ટમ્સે કેટલીક વસ્તુઓને તોડી પાડી છે.

ઇઝરાયલમાં ક્યાં પહોંચ્યાં ડ્રોન્સ

હજુ એ વાતની સ્પષ્ટતા નથી થઈ કે ઇઝરાયલની અંદર કોઈ ડ્રોન પહોંચ્યાં છે કે નહીં. ઈરાન ઇઝરાયલથી 1,800 કિલોમીટર દૂર છે. ત્યારે અમેરિકાએ નથી જણાવ્યું કે તેણે ડ્રોનને ક્યાં પાડ્યાં છે.

ઇઝરાયલ, લેબનાન અને ઇરાકે પોતાનાં ઍરસ્પેસ બંધ કરી દીધાં છે. સીરિયા અને જૉર્ડને પોતાના ઍર ડિફેન્સ સિસ્ટમને એલર્ટ પર રાખ્યાં છે.

પહેલી એપ્રિલના સીરિયામાં વાણિજ્ય દૂતાવાસ પર હુમલા બાદ ઈરાને બદલો લેવાની વાત કહી હતી. આ હુમલામાં ઈરાનના ટૉપ કમાંડર સહિત સાત અન્ય સૈનિક અધિકારીઓનાં મૃત્યુ થયાં હતાં.

ઈરાને આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું, ત્યારે ઇઝરાયલે આ હુમલાની પુષ્ટિ પણ નહોતી કરી અને તેને ફગાવ્યો પણ નહોતો.

ઇઝરાયલની સેનાએ શું કહ્યું?

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીઝ (આઈડીએફ)ના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું છે કે, "પોતાના સહયોગીઓ અને સાથીઓ સાથે અમે ઇઝરાયલી રાષ્ટ્ર અને તેની જનતાની સુરક્ષા માટે સંપૂર્ણ તાકાતથી લાગ્યા છીએ."

તેમણે કહ્યું કે ઇઝરાયલમાં કેટલીક મિસાઇલ આવીને પડી છે જેનાથી એક મિલિટ્રી બેસને સામાન્ય નુકસાન થયું છે અને કેટલાંક મૃત્યુ થયાં છે.

એક અન્ય પ્રેસ વાર્તામાં તેમણે કહ્યું કે ઈરાને રાત્રે ઇઝરાયલ પર 300થી વધારે મિસાઇલ અને ડ્રોન્સ છોડ્યાં છે, જેમાં 99 ટકાને તોડી પાડવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું કે કેટલાક હુમલા ઇરાક અને યમનથી કરવામાં આવ્યા છે.

અગાઉ આઈડીએફના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, "ઈરાને ઈરાની જમીન પરથી ઇઝરાયલી રાષ્ટ્ર પર સીધા હુમલા શરૂ કર્યા છે."

"ઇઝરાયલ તરફ આવી રહેલા કિલર ડ્રોન્સને અમે નજીકથી જોઈ રહ્યા છીએ જેને ઈરાન મોકલી રહ્યું છે. જેમાં ખૂબ ગંભીર અને ખતરનાક વધારો છે."

તેમણે કહ્યું કે, "ઇઝરાયલની વાયુસેનાનાં વિમાનો હવામાં કોઈ પણ પ્રકારના ખતરા સામે તૈયાર છે."

ઈરાને ડ્રોન છોડ્યા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે દેશના ડિફેન્સ સિસ્ટમ્સને કામ પર લગાવવામાં આવ્યાં છે.

"અમે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર છીએ. ભલે તે રક્ષાત્મક હોય કે આક્રામક. ઇઝરાયલ રાષ્ટ્ર મજબૂત છે. આઈડીએફ મજબૂત છે. જનતા મજબૂત છે."

નેતન્યાહૂએ કહ્યું કે અમારો સાથ આપવા માટે અમેરિકા સાથે તેઓ બ્રિટન, ફ્રાન્સ અને અનેક બીજા દેશોનાં વખાણ કરે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ઇઝરાયલના રક્ષા અને વિદેશ મંત્રીઓએ ચેતવણી આપી હતી કે જો ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો તો તે ઈરાનની અંદર પ્રવેશ કરીને જવાબમાં હુમલો કરશે.

ઈરાની હુમલાના સમાચાર આવ્યા બાદ, અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિએન વૉટસને કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડન ઇઝરાયલની સુરક્ષા માટે દૃઢ છે.

તેમણે કહ્યું કે, "અમેરિકા ઇઝરાયલના લોકો સાથે ઊભું રહેશે અને ઈરાનના આ ખતરા સામે તેમની સુરક્ષા કરશે."

"રાષ્ટ્રપતિ બાઇડન સ્પષ્ટ રહ્યા છે - ઇઝરાયલની સુરક્ષા માટે અમારું દૃઢ સમર્થન છે."

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ઈરાનના હુમલાની ટીકા કરી છે અને વાયદો કર્યો કે તેઓ ઇઝરાયલ અને આ ક્ષેત્રના બધા અન્ય ભાગીદારોની સુરક્ષા માટે ઊભું રહેશે.

ઈરાનની સેનાની સૌથી શક્તિશાળી શાખા આઈઆરસીજીએ કહ્યું છે કે તેણે આ હુમલા ઇઝરાયલ દ્વારા વારંવાર કરવામાં આવેલા ગુનાઓના જવાબમાં કાર્યવાહીના સ્વરૂપમાં કર્યા છે, જેમાં સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલા પણ સામેલ છે.

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું, “અમે જરૂર જીતીશું”

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક ટ્વીટ કરતા કહ્યું હતું કે, "આપણે જીતીશું."

તેમણે ટૂંકમાં લખ્યું હતું કે, "વી ઇન્ટરસેપ્ટ, વી બ્લૉક્ડ, ટુગેધર વી વિલ વિન."

ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ પણ એમ કહ્યું હતું કે, "અમારે સતર્ક રહેવું પડશે."

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યૉવ ગેલન્ટે કહ્યું છે કે તેમણે ઇઝરાયલી સેનાના સીનીયર અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાક્રમનો તાગ મેળવીને પરિસ્થિતિઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, "અમેરિકા અને અન્ય સાથીઓ સાથે મળીને અમે ઇઝરાયલી ક્ષેત્રની રક્ષા કરવામાં સફળ નીવડ્યા છીએ. ખૂબ ઓછું નુકસાન થયું છે અને ઓછા નુકસાન પાછળ આઇડીએફએ કરેલું અતિ પ્રભાવશાળી ઓપરેશન જવાબદાર છે."

જોકે, તેમણે ઉમેર્યું હતું કે, "આ ઑપરેશન હજી પૂર્ણ થયું નથી. અમારે સતર્ક રહીને આઇડીએફ અને હોમફ્રન્ટ કમાન્ડની સૂચનાઓને અનુસરવાની જરૂર છે. અમારે કોઇપણ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની જરૂર છે. અમે ખૂબ મોટા હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. "

ઈરાને કહ્યું, 'હુમલા પહેલાં ત્રણ દિવસ અગાઉ કરી હતી જાણ'

ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાયાને કહ્યું છે કે ઈરાને ઇઝરાયલ પરના હુમલા અંગે તેના પાડોશીઓ અને સહયોગી દેશોને પહેલાથી જ જાણ કરી દીધી હતી.

તેમણે કહ્યું, "અમારા ઓપરેશનના લગભગ 72 કલાક પહેલાં જ અમે આ ક્ષેત્રના અમારા મિત્રો અને પડોશીઓને જાણ કરી હતી કે ઈરાનની ઇઝરાયલ વિરુદ્ધની કાર્યવાહી નિશ્ચિત, અફર અને કાયદેસર રીતે યોગ્ય છે."

તેમણે કહ્યું કે વિદેશી રાજદૂતો સાથે મુલાકાત દરમિયાન ઈરાને અમેરિકાને પણ ઇઝરાયલ વિરુદ્ધના હુમલાની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે આ સીમિત હુમલો હશે અને તેનો ઉદ્દેશ્ય આત્મરક્ષા છે.

ઇઝરાયલ અમેરિકાની મદદથી ઈરાનના આ સંભવિત હુમલાની તૈયારી પણ કરી ચૂક્યું હતું. તેને પહેલેથી જાણકારી મળી હતી અને ઇઝરાયલ અને અમેરિકાની ઉન્નત રક્ષા સિસ્ટમ તેના માટે પહેલેથી જ તૈયાર હતી.

અત્યાર સુધી શું-શું થયું?

ઈરાને ઇઝરાયલ પર કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલા પછીની આ પહેલી સવાર છે. આ હુમલાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નવો વળાંક આવ્યો છે. તેના કારણે મધ્ય-પૂર્વના દેશોમાં સંકટ વધ્યું છે.

  • ઇઝરાયલનું કહેવું છે કે 300 જેટલા ડ્રોન અને મિસાઇલને ઈરાને છોડ્યા છે જ્યારે અમુક હુમલાઓ ઇરાક અને યમન તરફથી પણ થયા છે.
  • આ મહિને ઈરાનના મિલિટરી કમાન્ડરનું સ્ટ્રાઇકમાં થયેલું મૃત્યુ અને તેના સાથીદારોના દમાસ્કસમાં થયેલા મૃત્યુના બદલા તરીકે આ હુમલાને જોવામાં આવે છે. ઈરાન એવું માને છે આ ઇઝરાયલે કર્યું હતું.
  • સોશિયલ મીડિયા પર વાયરલ અનેક વીડિયોમાં જેરૂસલમમાં અનેક જગ્યાએ અગનજ્વાળાઓ અને વિસ્ફોટ જોઈ શકાય છે. ઈરાને કરેલા હુમલાને ખાળવા માટે ઇઝરાયલે કરેલા પ્રતિકારને કારણે ત્યાં આવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
  • ઇઝરાયલી ડીફેન્સ ફોર્સીસ (આઇડીએફ) ના જણાવ્યા અનુસાર ઇઝરાયલે 99 ટકા ડ્રોન અને મિસાઇલ તેની સરહદમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યાં હતાં.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે આ બધાં ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં અમેરિકાએ પણ ઇઝરાયલની મદદ કરી હતી. યુનાઇટેડ કિંગ્ડમે પણ આ ક્ષેત્રમાં આરએએફ જેટ ઉતારી દીધા છે.
  • આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે ઈરાને ઇઝરાયલ પર સીધો જ હુમલો કર્યો હોય. દાયકાઓથી તે હિઝબુલ્લાહ અને હમાસના સથવારે ઇઝરાયલ સાથે તેનું પ્રોક્સી વૉર ચાલતું રહ્યું છે.
  • જોકે, તેણે એમ પણ કહ્યું છે કે ઇઝરાયલ જો તેનો પ્રતિકાર કરશે તો તે વધુ ઝડપથી હુમલો કરશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)