ઈરાન એક સાથે ત્રણ દેશો પર કેમ હુમલા કરી રહ્યું છે?

    • લેેખક, જીયાર ગોલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈરાનની ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કોર એટલે કે આઈઆરજીસીએ હાલનાં વર્ષોમાં ક્ષેત્રીય શક્તિઓ વચ્ચે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે.

આઈઆરજીસી ખુલ્લેઆમ કહે છે કે મધ્ય પૂર્વમાં અમેરિકાનું લશ્કરી થાણું, તેલ અવીવ અને હાફિયામાં ઇઝરાયલનાં લશ્કરી થાણાં પણ તેમની મિસાઇલોનાં નિશાને છે.

સોમવારે રાત્રે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડે ઇરાકના અર્ધસ્વાયત્ત કુર્દિસ્તાનની રાજધાની ઇરબિલમાં 11 બૅલેસ્ટિક મિસાઇલો છોડી.

કુર્દિસ્તાન પ્રશાસનનું કહેવું છે કે આ હુમલાઓમાં ઓછામાં ઓછા ચાર નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને છ ઘાયલ થયા છે.

કુર્દિસ્તાન વિસ્તારના વડા પ્રધાન મસરૂર બરઝાનીએ આ હુમલાઓને કુર્દ લોકો સામે ગુનો ગણાવ્યો છે.

આઈઆરજીસીની નજીકની ફાર્સ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે આ હુમલાઓમાં ઇઝરાયલની ગુપ્તચર સેવા મોસાદ સાથે જોડાયેલાં ત્રણ ઠેકાણાંને નષ્ટ કરવામાં આવ્યાં છે.

ઇરાકની કુર્દિસ્તાન સરકારે પોતાની જમીન પર વિદેશી એજન્ટોની ઉપસ્થિતિનો ઇન્કાર કર્યો છે. જોકે આ મામલામાં ઇઝરાયલે અત્યાર સુધી કંઈ જ કહ્યું નથી.

એક સાથે ત્રણ દેશો પર ઈરાનના હુમલો

આઈઆરજીસીએ જાણીતા કુર્દ કરોડપતિ વેપારી પેશ્રાવ ડિઝાયીની તેમના નિવાસસ્થાન પર હુમલો કરીને હત્યા કરી નાખી છે. ઈરાને એ બતાવ્યું છે કે તે ટાર્ગેટ કરીને હુમલો કરવામાં સફળ છે.

2003માં ઇરાક પર અમેરિકાના હુમલા પછી ડિઝાયીએ ફાલ્કન ગ્રૂપ અને ઍમ્પાયર વર્લ્ડ નામની બે કંપનીઓ બનાવી હતી. સમાચાર એજન્સી રૉયટર્સનું કહેવું છે કે પેશ્રાવ ડિઝાયી કુર્દિસ્તાનના વડા પ્રધાન બરઝાની પરિવારની નજીક હતા.

પેશ્રાવ ડિઝાયીના ઘર પર ચાર મિસાઇલો છોડાઈ હતી. સ્થાનિક મીડિયો પ્રમાણે આ હુમલામાં ડિઝાયીની 11 મહિનાની દીકરીનું પણ મોત થયું છે.

ફાલ્કન ગ્રૂપ સુરક્ષા, કંસ્ટ્રક્શન, તેલ અને ગૅસ સૅક્ટરમાં સક્રિય છે. ઇરાકમાં ફાલ્કન ગ્રૂપનો સિક્યૉરિટી વિભાગ અમેરિકન અને કેટલાય પશ્ચિમના પ્રતિનિધિઓની સાથે સાથે કંપનીઓને મદદ પહોંચાડતો રહ્યો છે.

આઈઆરજીસીએ આ હુમલાઓથી સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તે ન માત્ર નાગરિક સુવિધાઓને નિશાન બનાવી શકે છે પણ ઇરબિલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના નજીક આવેલાં સૈન્ય ઠેકાણાંને પણ ટાર્ગેટ કરી શકે છે.

ઇરબિલ ઍરપૉર્ટથી અમેરિકન નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધનનું લશ્કરી થાણું થોડા જ કિલોમીટર દૂર છે.

ઇરાકમાં હુમલો કેમ કર્યો?

ઇરાકમાં હજુ પણ અમેરિકાના 2,500 સૈનિકો છે. તેમાંથી કેટલાક સૈનિકો ઇરબિલમાં છે. આ સૈનિકો ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ સામેના અમેરિકન નેતૃત્વ હેઠળના ગઠબંધનનો ભાગ રહ્યા છે.

અમેરિકાનું કહેવું છે કે તેના સૈનિકો સ્થાનિક લોકોની મદદ માટે છે, જેથી આઈએસને ફરી માથું ઊંચકતા રોકી શકાય. આઈએસનો આ વિસ્તારમાં ઘણા સમયથી દબદબો રહ્યો છે.

જોકે આ હુમલાઓને ઈરાનના સ્થાનિક ક્ષેત્રમાં પોતાની શક્તિના પ્રદર્શન તરીકે પણ જોવાય છે અને સીરિયામાં ઇઝરાયલના હુમલાના જવાબરૂપે પણ જોવાય છે.

સીરિયાની રાજધાની દમિશ્કના બહારના વિસ્તારોમાં 25 ડિસેમ્બરે આઈઆરજીસીના એક સિનિયર કમાન્ડરનું મૃત્યુ થયું હતું. એવું મનાય છે કે ઈરાની કમાન્ડરનું મોત ઇઝરાયલના હુમલામાં થયું હતું.

15 જાન્યુઆરીએ આઈઆરજીસીએ ઉત્તર-પશ્ચિમ સીરિયાના ઇદલિબ વિસ્તારમાં પણ બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. કહેવાય છે કે ઈરાને આ હુમલાઓથી આઈએસ અને અન્ય ચરમપંથી જૂથોને નિશાન બનાવ્યાં છે.

ઇદલિબ આશરે 30 લાખ વિસ્થાપિત થયેલા સીરિયન નાગરિકોનો વિસ્તાર છે. જેમણે 2011માં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સામે વિદ્રોહનું સમર્થન કર્યું હતું.

ઈરાન બશર અલ-અસદનું સમર્થન કરે છે. ઈરાન શિયા મુસ્લિમની બહુમતી ધરાવતો દેશ છે અને બશર અલ-અસદ સુન્ની સીરિયાના શિયા વડા પ્રધાન છે.

ઈરાનનો સંદેશ શું છે?

પશ્ચિમના દેશોએ બશર અલ-અસદને સત્તા પરથી હટાવવાના પૂરા પ્રયાસ કર્યા પણ ઈરાન અને રશિયાની મદદથી અસદ હજી પણ સત્તામાં છે.

ઇદલિબમાં ઇસ્લામિક ગ્રૂપ હયાત તહરીર અલ-શર્મની હાજરી મજબૂત છે. સાથે આઈએસ ઉપરાંત અલ-કાયદાનો પણ પ્રભાવ છે.

આઈઆરજીસીએ કહ્યું છે કે ઇદલિબમાં મિસાઇલ હુમલો એ ત્રીજી જાન્યુઆરીના રોજ દક્ષિણ ઈરાનના કર્મનમાં આત્મઘાતી હુમલો થયો હતો તેના જવાબમાં હતો.

કર્મનમાં આઈઆરજીસીના કમાન્ડર કાસિમ સુલેમાનીને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી ત્યારે આત્મઘાતી હુમલો થયો હતો.

આઈઆરજીસીએ કહ્યું છે કે ઇદલિબમાં તેણે હુમલામાં કૅસ્ટર બસ્ટર મિસાઇલનો ઉપયોગ કર્યો છે જે 1,450 કિલોમીટર દૂર જઈ શકે છે.

આઈઆરજીસીએ કહ્યું છે કે તેણે મિસાઇલ હુમલો દક્ષિણ ઈરાનના ખુઝેસ્તાનથી કર્યો છે.

જોકે આઈઆરજીસીએ ઇદલિબમાં કરેલો મિસાઇલ હુમલો પશ્ચિમ અઝરબૈજાન વિસ્તારમાંથી પણ કરી શકે છે. જે ઇદલિબની વધારે નજીક છે.

પણ ઈરાને મિસાઇલને જે જગ્યાએથી છોડી તે દુનિયાને એ બતાવવાનો પ્રયાસ છે કે તેની પહોંચ ઇઝરાયલના કેટલાય વિસ્તારો સુધી છે.

ઈરાને ઇરાક અને સીરિયા પછી પાકિસ્તાનના બલૂચિસ્તાનના વિસ્તારમાં પણ એક ચરમપંથી સંગઠનનાં ઠેકાણાં પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો છે.

પાકિસ્તાને કહ્યું છે કે આ હુમલામાં બે બાળકોનાં મૃત્યુ થયાં છે અને ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ છે.

પાકિસ્તાને આ હુમલાનો પોતાની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યો છે અને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈરાન આ પહેલાં પણ પાકિસ્તાનમાં પ્રવેશીને હુમલો કરી ચૂક્યું છે.

ઈરાને બલુચિસ્તાન પર મિસાઇલ છોડી

પાકિસ્તાને દાવો કર્યો છે કે પડોશી દેશ ઈરાને તેના પર કરેલા હુમલામાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.

ઈરાને કહ્યું હતું કે તેણે ઉગ્રવાદી જૂથ જૈશ-અલ-અદલનાં ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઈરાનની સેના સાથે જોડાયેલ એક સમાચાર ઍજન્સી દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો.

પરંતુ પાકિસ્તાને આ વાતને નકારતાં તેને એક ‘ગેરકાયદેસર કૃત્ય’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ ‘ગંભીર પરિણામો’ તરફ દોરી જઈ શકે છે.

ઇરાક અને સીરિયા પછી પાકિસ્તાન ત્રીજો દેશ છે જેના પર છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાને હુમલા કર્યા છે.

ઈરાને પાકિસ્તાનમાં જે જૂથને નિશાન બનાવ્યું તેનું નામ જૈશ અલ-અદલ છેય

પાકિસ્તાન અને ઈરાન છુટાછવાયા વસ્તીવાળા પ્રદેશમાં દાયકાઓથી જૈશ-અલ-અદલ સહિતના સશસ્ત્ર ભાગલાવાદી જૂથો સામે લડી રહ્યા છે.

તેમની વચ્ચેની સરહદ કે જે લગભગ 900 કિ.મી. (559 માઇલ) જેટલી લાંબી છે, તેની સુરક્ષા બંને સરકારો માટે લાંબા સમયથી સૌથી મોટી ચિંતા છે.

તેહરાને આ સમૂહને ગયા મહિને સરહદની નજીકના હુમલાઓ માટે પણ જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલાઓમાં એક ડઝનથી વધુ ઈરાની પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા.

તે સમયે ઈરાનના ગૃહ પ્રધાન અહમદ વહિદીએ જણાવ્યું હતું કે જવાબદાર ઉગ્રવાદીઓ પાકિસ્તાન તરફથી જ દેશમાં પ્રવેશ્યા હતા.

અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના મંત્રાલયના જણાવ્યા અનુસાર, “સિસ્તાન-બલુચિસ્તાનમાં કાર્યરત એવું સુન્ની આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ ‘સૌથી સક્રિય અને પ્રભાવશાળી સુન્ની આતંકવાદી જૂથ’ છે."