ગુજરાતના દરિયામાં જઈ રહેલા જહાજ પર ડ્રોનથી હુમલો, અમેરિકાએ શું કહ્યું?

    • લેેખક, ફેલાન ચેટરજી
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાની સેનાએ જણાવ્યું કે હિન્દ મહાસાગરમાં રસાયણ લઈ જતા એક ટૅન્કર પર ઈરાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે.

પેન્ટાગને કહ્યું કે ચેેમ પ્લુટો વેસલ ટૅન્કર ભારતના દરિયાથી 370 કિમી દૂર હતું અને તેના પર લગભગ રાતના દસ વાગ્યે હુમલો થયો હતો.

યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ અનુસાર આ ઘટના ગુજરાતના વેરાવળ શહેરથી 370 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં બની હતી.

જોકે ટૅન્કરમાં લાગેલી આગને કાબૂ કરી લેવાઈ હતી અને કોઈ જાન-માલની હાનિના અહેવાલ નથી.

ઇન્ડિયન નેવીએ મદદ માટે ઘટનાસ્થળે એક એરક્રાફ્ટ અને વૉરશિપ મોકલ્યાં છે.

ઈરાને આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. તાજેતરમાં ઈરાન સમર્થિત યમનના હુતી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાં જહાજો પર શ્રેણીબદ્ધ રૉકેટ અને ડ્રોન હુમલાઓ કર્યા હતા.

રાતા સમુદ્રમાં પણ ડ્રોન હુમલા

એક અન્ય ઘટના વિશે જણાવતા અમેરિકાના સૅન્ટ્રલ કમાન્ડે કહ્યું કે રાતા સમુદ્રની દક્ષિણે આવેલા આંતરરાષ્ટ્રીય શિપિંગ લૅનમાં બે એન્ટિ-શિપ બૅલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હતી. આ મિસાઇલો યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા કબજો કરેલા વિસ્તારમાંથી છોડવામાં આવી હતી પરંતુ કોઈ પણ જહાજને તેનાથી નુકસાન થયું નથી.

સૅન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે અમેરિકાની યુએસએસ લાબુન વૉરશિપે યમનના હૌતી વિદ્રોહીઓ દ્વારા કબજો કરેલા વિસ્તારમાંથી છોડવામાં આવેલા ચાર ડ્રોનને ધ્વસ્ત કર્યા છે. આ ડ્રોનનું લક્ષ્ય અમેરિકાનું એક જહાજ હતું.

આ ઘટના પછી રાતા સમુદ્રની દક્ષિણે એક તેલના જહાજ પર હુતી ડ્રોન વડે હમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય જહાજ થોડાક અંતરથી બચી ગયું હતું.

હુતી વિદ્રોહીઓનો યમનના મોટા ભાગના વિસ્તારો પર કબજો છે. તેઓ ઇઝરાયલ સાથે સંબંધ ધરાવતાં જહાજો પર ઇઝરાયલે ગાઝા પર શરૂ કરેલા યુદ્ધને લીધે હુમલા કરે છે.

રાતા સમુદ્રમાં હુમલાઓનાં વધતાં જોખમોને કારણે ઘણી વૈશ્વિક શિપિંગ કંપનીઓએ પોતાની કામગીરી સ્થગિત કરી છે.

અમેરિકાના ઈરાન પર આરોપો

પેન્ટાગને એક નિવેદનમાં જણાવ્યું કે ચેેમ પ્લુટો વેસલ પર ઈરાનથી વન-વે ડ્રોન હમલો કરવામાં આવ્યો હતો.

સમુદ્રી સુરક્ષા કરતી કંપની એમ્બ્રે કહ્યું કે આ ઇઝરાયલ સંબંધિત જહાજ સાઉદી અરેબિયાથી ભારત તરફ જઈ રહ્યું હતું.

કંપનીએ ઉમેર્યું કે ઇઝરાયલે ગાઝા પર શરૂ કરેલા યુદ્ધ પછી પહેલી વખત ઇઝરાયલ સંબંધિત જહાજ પર રાતા સમુદ્રની બહાર હમલો કરવામાં આવ્યો છે. કંપની હિન્દ મહાસાગરના આ સમુદ્રી વિસ્તારને ઈરાનના ડ્રોન હમલાઓ માટે "વધુ જોખમી" ગણે છે.

અમેરિકાએ ઈરાન પર આરોપ લગાડતાં કહ્યું કે રાતા સમુદ્રમાં વેપારી જહાજો પર કરવામાં આવેલા હુમલાઓના પ્લાનિંગમાં ઈરાનનો હાથ છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગના પ્રવક્તા એડ્રિને વૉટસને કહ્યું કે આ વિસ્તારની શાંતિ હુતી વિદ્રોહીઓને ઈરાનના સતત મળી રહેલા સર્મથનને કારણે ડહોળાઈ રહી છે.

ત્યારબાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડરે ચીમકી આપતા કહ્યું કે જો અમેરિકા અને તેના સાથી દેશો ગાઝામાં થઈ રહેલા અત્યાચાર ચાલુ રાખશે તો અમારે રાતા સમુદ્ર સિવાયના દરિયાઈ માર્ગો પણ બંધ કરવા પડશે.

બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા નકદીએ ઉમેર્યું કે આમાં ભૂમધ્ય સમુદ્ર તથા જિબ્રાલ્ટરની સ્ટ્રેટનો પણ સમાવેશ થઈ શકે છે પણ આ કેવી રીતે કરશે તેના વિશે કોઈ માહિતી આપી નથી.