You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ-ગાઝા યુદ્ધ: કેમ દૂર-દૂર સુધી યુદ્ધ રોકાય તેવા કોઈ આસાર નથી?
થોડા દિવસોના યુદ્ધવિરામ બાદ ઇઝરાયલે ગાઝામાં નવેસરથી બોમ્બમારો શરૂ કર્યો છે.
રક્તપાતનો અંત જોનારાઓને આશા હતી કે કદાચ આ ટૂંકો યુદ્ધવિરામ થોડો વધુ લંબાય તો શાંતિનો માર્ગ મળી જાય.
પરંતુ હવે દક્ષિણ ગાઝામાં પણ ઇઝરાયલના હુમલાને જોતા તેની આશાઓ ધૂંધળી થઈ રહી છે.
આ સ્થિતિ જોઈને ઇઝરાયલ અને હમાસને ટૂંકા ગાળાના યુદ્ધવિરામ માટે રાજી કરનારા કતારના વડા પ્રધાને કહ્યું છે કે ઇઝરાયલના બૉમ્બમારાથી 'નવા કરારની શક્યતાઓ ઘટી ગઈ છે'.
વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુર્રહમાન અલ-થાનીએ દોહા ફોરમમાં જણાવ્યું હતું કે કતાર યુદ્ધવિરામ માટે ઇઝરાયલ અને હમાસ બંને પર દબાણ ચાલુ રખાશે.
નવેમ્બરના અંતમાં ટૂંકા યુદ્ધવિરામ માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચેની વાટાઘાટોમાં કતારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સમજૂતીના કારણે બંને પક્ષોના બંધકોને મુક્ત કરાયા હતા.
દરમ્યાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું, "યુદ્ધ પૂર ઝડપે ચાલુ છે."
તેમણે કહ્યું કે "હાલના દિવસોમાં હમાસના ડઝનેક આતંકવાદીઓ"એ આત્મસમર્પણ કર્યું છે. તેઓ તેમનાં શસ્ત્રો સોંપી રહ્યાં હતાં અને આપણા બહાદુર સૈનિકો સામે આત્મસમર્પણ કરી રહ્યા હતા".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેતન્યાહૂએ કહ્યું, "આ હમાસના અંતની શરૂઆત છે."
નેતન્યાહૂના આ નિવેદન વચ્ચે ગાઝામાં માનવીય સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ બદતર બની રહી છે.
રવિવારે બપોરે ગાઝામાં હમાસ સંચાલિત સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 18,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
હમાસની સશસ્ત્ર વિંગે અલ જઝીરાને મોકલેલા ઑડિયોમાં કહ્યું કે અસ્થાયી યુદ્ધવિરામે તેની વિશ્વસનીયતા સાબિત કરી છે. પરંતુ હવે જ્યાં સુધી ઇઝરાયલ વાતચીત માટે આગળ નહીં આવે ત્યાં સુધી કોઈ બંધકને છોડવામાં આવશે નહીં.
હમાસના પ્રવક્તા અબુ ઉબૈદાએ જણાવ્યું હતું કે હમાસના લડવૈયાઓએ ઓછાંમાં ઓછાં 180 ઇઝરાયલી લશ્કરી વાહનોનો સંપૂર્ણ અથવા આંશિક રીતે નાશ કર્યો હતો અને "મોટી સંખ્યામાં" ઇઝરાયલ સૈનિકોને મારી નાખ્યા હતા.
ઇઝરાયલી સેના હજુ પણ આ ઈજા અનુભવી રહી છે. પરંતુ હવે "તેને વધુ નુકસાન થશે".
દોહામાં એક કૉન્ફરન્સમાં સંયુક્ત રાષ્ટ્રની પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની એજન્સી UNRWAના વડા ફિલિપ લાઝારિનીએ કહ્યું, "ગાઝા 'પૃથ્વી પરનું નરક' બની ગયું છે." મારા મતે આ અત્યાર સુધીની સૌથી ખરાબ પરિસ્થિતિ છે."
આ સંમેલનમાં પેલેસ્ટાઇનના વડા પ્રધાન મોહમ્મદ સતાયેહે કહ્યું કે, "ઇઝરાયલને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં."
તેમણે ઇઝરાયલ સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધની માગ કરી છે.
મોહમ્મદ સતાયેહ પેલેસ્ટાઇન ઑથોરિટીનું પ્રતિનિધિત્વ કરે છે જે વેસ્ટ બૅન્કનો વહીવટ જુએ છે.
દોહામાં બેઠક ચાલી રહી હતી અને ગાઝાના દક્ષિણમાં ભીષણ યુદ્ધ.
ઇઝરાયલે ઉત્તરી ગાઝામાં હુમલાઓ દરમ્યાન લોકોને દક્ષિણ બાજુ જવા કહ્યું હતું. હવે દક્ષિણ ગાઝાનું શહેર ખાન યુનિસ ભયંકર બૉમ્બમારાનો શિકાર થઈ રહ્યું છે.
હવે ઇઝરાયલ ખાન યુનિસમાં લોકોને શહેરના મધ્યમાંથી હટી જવા કહી રહ્યું છે.
બીબીસી ન્યૂઝ સાથે વાત કરતા ઇઝરાયલ સરકારના સલાહકાર માર્ક રેગેવેએ કહ્યું ખાન યુનિસમાં યુદ્ધ વધારે આકરું થવાનું છે અને ઇઝરાયલ સામાન્ય નાગરિકોને સુરક્ષિત વિસ્તારોમાં જવાની માહિતી આપતું રહેશે.
રવિવારે બપોરે ખાન યુનિસના મધ્યમાં ઇઝરાયલી ટૅન્ક્સ પહોંચી ગઈ હતી.
તસવીરોમાં શહેરના લોકોને મૃતદેહોની પાસે જોઈ શકાય છે. કેટલાય લોકો પોતાનાં સ્વજનોનાં મૃત્યુના શોકમાં ડૂબેલા જોઈ શકાય છે.
જ્યારે રેગેવને સુરક્ષિત વિસ્તારોની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ત્યાં નાગરિકોને સુરક્ષિત રાખવા માટે ‘મહત્ત્મ પ્રયાસ’ કરાઈ રહ્યા છે.
ગાઝામાં સામાન્ય લોકોને અલ-મવાસી જવાનું કહેવાયું છે. ઇઝરાયલે તેને સુરક્ષિત ઝોન ગણાવ્યો છે.
અલ-મવાસી સાડા આઠ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે. આ લંડનના હીથ્રો ઍરપોર્ટ કરતાં પણ નાનો વિસ્તાર છે.
અહીં ભાગ્યે જ કોઈ ઇમારતો છે. અલ-મવાસીમાં મોટાભાગે રેતીના ટેકરાંઓ અને અમુક જગ્યાએ ખેતરોનો છે.
આ દરમિયાન ઇઝરાયલે પણ તેની આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી તેજ કરી છે. તે પોતાના સાથીદારોના વલણ પર સવાલ ઉઠાવી રહ્યું છે.
નેતન્યાહૂએ પોતાની કૅબિનેટને સંબોધતા કહ્યું, "તમે એક તરફ હમાસના અંતને સમર્થન અને બીજી તરફ યુદ્ધને રોકવાની વાત ના કરી શકો. યુદ્ધ વિના હમાસને ખતમ નહીં કરી શકાય."
નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ રોકવાના ઠરાવને 13 દેશોએ સમર્થન આપ્યા બાદ બોલી રહ્યા હતા.
અમેરિકાએ આ પ્રસ્તાવને વીટો કરી દીધો હતો. બ્રિટન મતદાનમાં ગેરહાજર રહ્યું હતું.
ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્રના એ દાવાને પણ ફગાવ્યો છે જેમાં તેના પર એ આરોપ હતો કે તે ગાઝાના લોકોને ઇજિપ્તના રણમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું હતું.