આરબ રાષ્ટ્રોની વચ્ચે ઇઝરાયલની સ્થાપના કોણ કરી હતી?

ડેવિડ બેન-ગુરિયનને દુનિયા એક એવા નેતા તરીકે હંમેશાં યાદ કરશે જેમણે પોતાના દેશની સ્થાપના કરી હતી.

બેન-ગુરિયને 14મી મે, 1948નાં, અથવા યહુદી કેલેન્ડર પ્રમાણે 5078માં વર્ષના ઐયાર મહિનાના પાંચમા દિવસે, રોજ તેલ અવીવ મ્યુઝિયમમાં ઇઝરાયલને એક રાષ્ટ્ર ઘોષિત કર્યું હતુ.

તે દિવસે, બ્રિટનનો પેલેસ્ટાઇન માટેનો આદેશ કાનૂની રીતે પૂરો થયો હતો. પરંતુ બ્રિટનની સેનાએ હજુ પ્રદેશ છોડયો ન હતો અને અમેરિકાએ બેન-ગુરિયનને ઘોષણા મુલતવી રાખવા માટે દબાણ કર્યુ હતું.

પરંતુ ગુરિયને મક્કમતા સાથે કહ્યું કે બીજા દેશોની માફક યહુદીઓનો પણ તેમના સાર્વભૌમત્વવાળાં દેશમાં પોતાનાં ભાગ્ય નક્કી કરવાનો પૂરો અધિકાર છે.

તેમણે એક કાઉન્સિલની પણ રચના કરી હતી. તે કાઉન્સિલે ઇઝરાયલના અસ્તિત્વની ઘોષણા કરી અને પ્રારંભમાં શાસન પણ કર્યું.

બેન-ગુરિયને જ્યારે દેશના વડા પ્રધાન તરીકે ર7 મંત્રીઓ સાથે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ઇઝરાયલનાં નિર્માણ અને ત્યારબાદ લેવાયેલાં દરેક પગલાં પર તેની છાપ સાફ દેખાઈ આવે છે. તેથી તેમને ઇઝરાયલનાં રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગ્રુનથી બેન-ગુરિયન સુધીની સફર

ડેવિડ ગ્રુનનો જન્મ 1886માં ક્ઝાર શાસિત પોલૅન્ડમાં થયો હતો. તેમણે પોતાનું નામ 24 વર્ષની ઉમરે બદલીને ગ્રુન માંથી બેન-ગુરિયન કરી નાખ્યું.

બેન-ગુરિયનનો ઉછેર એવા સમયમાં થયો હતો જ્યારે યુરોપમાં યહુદીઓ પ્રત્યે ખૂબ જ ઘૃણાનો માહોલ હતો. તે નવી યહુદીઓની ચળવળ તરફ આકર્ષાયા હતા અને તેના પિતા આ ચળવળનાં પ્લોન્સક શહેરનાં નેતા હતા. યહુદીઓ આ આંદોલન પોતાના અલગ રાષ્ટ્રની માંગ માટે શરૂ કર્યું હતું.

બેન-ગુરિયને 1906માં ઓટોમન શાસિત પેલેસ્ટાઇનમાં સ્થળાંતર કર્યું અને તેણે ત્યાં ખેતરોમાં કામ કર્યું. તેની પાછળ ગુરિયનનો મુખ્ય વિચાર નવી યહુદી પેઢીઓને ગુલામી માનસિકતાથી મુકત કરવા માંગતા હતા. નહીં કે યહુદીઓની જૂની પેઢીની જેમ જે સદીઓથી અમાનવીય શ્રમ કરતી રહી હતી.

તેમણે ખેતરોમાં કામ કર્યું પરંતુ તેને જલદી સમજાઈ ગયું કે તેમની નિયતિ ખેતરમાં નહીં, રાજનીતીમાં છે .

તેમનું એકમાત્ર ધ્યેય પેલેસ્ટાઇનની જમીન પર યહુદીઓની રાજકીય સ્વતંત્રતા હતી. તેમના અથાક પ્રયત્નોને કારણે 1907માં પોલૅન્ડની સમાજવાદી વિચારધારાની પાર્ટી પોઅલે ઝિઓને પોતાની ઘોષણામાં સામેલ કર્યો હતો જેની સાથે તે સંકળાયેલા હતા.

બેન-ગુરિયને પોતાની રાજકીય ભૂમિકાની તૈયારી માટે તુર્કી જઈને કાયદાનો અભ્યાસ કર્યો. તેમનું એવું માનવું હતું કે કાયદાનું શિક્ષણ ભવિષ્યમાં ઇઝરાયલ માટે ઉપયોગી સાબિત થઈ શકે. પરંતુ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થતાં તેમને ઓટોમન સામ્રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

બેન-ગુરિયન ત્યાંથી ન્યૂયોર્ક ગયા. ન્યૂયોર્કમાં તેમણે પૌલિન મુનવેઈસ સાથે લગ્ન કર્યાં અને યહુદીઓના હક માટેની લડત ચાલુ રાખી. તે લડત ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી 1917માં બ્રિટન સરકારે બાલફોર ડિક્લેરેસનમાં યહુદીઓને રાષ્ટ્રીય ઘરનો વાયદો કર્યો.

ત્યારબાદ, તેઓ બ્રિટિશ સૈન્યનાં યહુદી લીજનમાં જોડાયા અને મધ્યપૂર્વમાં પેલેસ્ટાઇનને ઓટોમન સામ્રાજયનાં શાસનમાંથી મુકત કરવાનાં યુદ્ધમાં જોડાયા હતા.

જ્યાં સુધીમાં યહુદી લીજન ત્યાં પહોચે ત્યાં સુધીમાં બ્રિટનનું સૈન્ય ઓટોમનને હરાવી ચૂક્યું હતું અને બ્રિટનનાં શાસન હેઠળ યહુદીઓ માટે રાષ્ટ્રીય ઘરોનું નિર્માણ શરૂ કરાવ્યું.

બ્રિટનની અંદર જ યહુદીઓનું એક રાજ્ય બનાવ્યું

બેન-ગુરિયને 1920માં જનરલ ફૅડરેશન ઑફ વર્કર્સ ઑફ ધ લૅન્ડ ઑફ ઇઝરાયલ, અથવા હિસ્ટાડ્રાટની સ્થાપના કરી હતી.

હિસ્ટાડ્રાટ ખૂબ ઝડપથી બ્રિટનનાં એક આદેશ હેઠળ એક રાજ્ય તરીકે વિકસિત થતું ગયું. તેમાં બૅન્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, ખેતી, રમતગમત, શિક્ષણ, વાહનવ્યવસ્થા, સહકારી સંસ્થાઓ અને રોજગાર માટેની એજન્સીઓને વિકસાવવામાં આવી.

જે આગળ જતાં 1980માં બ્રિટને જ્યારે સમાજવાદી અર્થતંત્રથી અંતર રાખવાની શરૂઆત કરી ત્યારે તે ઇઝરાયલ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયું.

બેન-ગુરિયને પેલેસ્ટાઇનમાં સૈન્ય શક્તિનાં વિકાસ ઉપર પણ જોર મૂક્યું. તેમણે યહુદીઓને ઍલાઇડ ફોર્સિસ તરફથી લડવા માટે પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત તેમણે નાઝી હોલોકોસ્ટથી બચવા માટે ભાગતા યહુદીઓને બચાવવાં એક ગુપ્ત એજન્સી બનાવી હતી.

બીજા વિશ્વયુદ્ધ બાદ, યહુદી જૂથો દ્વારા બ્રિટિશરો વિરુદ્ધ હિંસાના બનાવો વધતા ગયા. બ્રિટિશરોએ વર્ષો પહેલાં વધતી જતી યહુદી જનસંખ્યાને રોકવા અવરોધ ઊભો કર્યો હતો.

બેન-ગુરિયને સશસ્ત્ર સંઘર્ષનું સમર્થન કર્યું હતું, પરંતુ તેમણે દક્ષિણપંથી સમૂહો દ્વારા કરવામાં આવેલાં ક્રૂર કૃત્યોની આલોચના પણ કરી હતી.

સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ સશસ્ત્ર જૂથોને વિખેરી નાખવામાં આવે અને ઇઝરાયલ સંરક્ષણ દળનો ભાગ બને. આ સૈન્યે ટૂંક સમયમાં જ નવા રાજ્ય પર આક્રમણ કરવાનો પ્રયાસ કરી રહેલાં આરબ રાષ્ટ્રોની સેનાઓને હરાવી.

સ્વતંત્ર ઇઝરાયલની ઘોષણા બાદ તરત સૈન્યને સક્રિય કર્યું

14મી મે, 1948નાં રોજ જેરૂસલેમને ટ્રાન્સજોર્ડન આરબ લીજને ઘેરી લીધું હતું. ઉત્તરમાં, યહૂદી વસાહતો પર સીરિયન અને ઇરાકી સૈન્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ઈજિપ્તે દક્ષિણમાંથી આક્રમણ કર્યું હતું.

62 વર્ષીય બેન-ગુરિયન માટે તે સર્વોચ્ચ કસોટીની ક્ષણ હતી. તેમણે પોતે જ વળતી લશ્કરી કાર્યવાહીનું સુકાન સંભાળી લીધું અને ડિફેકટો વડા પ્રધાન અને રક્ષામંત્રીનું પદ સંભાળી લીધું.

જોકે તેમના કેટલાક નિર્ણયો શંકાસ્પદ હતા, પરંતુ અંતે બેન-ગુરિયનને 2,000 વર્ષ પહેલાં થયેલા જુડાસ મેકેબિયસના યુદ્ધ પછી પ્રથમ યહૂદી અભિયાનને જીતવાનો શ્રેય મળ્યો.

આ વિજય સાથે જ બેન-ગુરિયન ઇઝરાયલના સર્વેસર્વા બની ગયા. યહૂદીઓને એવો વિશ્વાસ હતો કે બેન-ગુરિયન પોતાના દેશને દુશ્મનોથી બચાવી શકે છે.

પરંતુ કેટલાકનો હીરો (નેતા) એ બીજાઓ માટે વિલન હતો - આરબ પેલેસ્ટાઇનીઓ માટે.

આરબ પેલેસ્ટાઇનીઓએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંજૂર કરાયેલા આ પ્રદેશનાં વિભાજનને નકારી કાઢ્યું હતું, તેમના માટે એ નકબાની શરૂઆત હતી, જે આપત્તિમાંથી તેઓ અત્યાર સુધી જીવી રહ્યા છે.

1948માં થયેલાં યુદ્ધ પહેલાં 14 લાખ પેલેસ્ટાઇનિયનો બ્રિટનના શાસનવાળા પેલેસ્ટાઇનમાં રહેતા હતા અને નવ લાખ લોકો એ વિસ્તારમાં રહેતા હતા જે આગળ જતાં પેલેસ્ટાઇન બન્યું.

ઇઝરાયલ બન્યા બાદ ત્યાંથી લગભગ સાત લાખથી વધારે પેલેસ્ટાઇનિયનોને કાઢી મૂકવામાં આવ્યા અને તેઓએ ઇઝરાયલ છોડીને સીરિયા, લૅબનન, ઈજિપ્ત, ટ્રાન્સજોર્ડન કે અરબ સૈન્યનાં કબજા હેઠળ રહેલા વિસ્તારો જેવા કે વેસ્ટ બૅન્ક અને ગાઝાપટ્ટીમાં સ્થળાંતર કર્યું.

તેઓ ફરી પોતાનાં ઘર કે જમીન પર કયારેય પરત આવી ન શકયા, જે ઇઝરાયલ દ્વારા યુદ્ધ દરમિયાન ઘડવામાં આવેલી એક સચોટ યુદ્ધનીતિનું પરિણામ હતું.

રાજીનામાનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ

પેલેસ્ટાઇનિયન લોકો માટે નકબા એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બેન-ગુરિયને પોતાના શાસનનાં શરૂઆતી વર્ષોમાં લીધેલા નિર્ણયોની એના પર ખૂબ અસર થઈ.

સ્વતંત્રતાની લડાઈ બાદ, બેન-ગુરિયને ઇઝરાયલમાં આરબ આક્રમણ સામે ઝડપી અને કઠોર કાર્યવાહી કરવાની નીતિ અપનાવી હતી. આ નીતિનો ઇઝરાયલનાં પાડોશી દેશોએ સતત વિરોધ કર્યો અને યુએન પણ આ નીતિથી ચિંતિત હતું. બેન-ગુરિયન 1949માં ઇઝરાયલની પ્રથમ રચાયેલી સરકારના વડા પ્રધાન બન્યા.

તેમની સમાજવાદી અને બિનસાંપ્રદાયિક છબીને કારણે તેમના અનેક રાજકીય શત્રુઓ હતા. તેમ છતાં બેન-ગુરિયને 1960 સુધી ઇઝરાયલ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ સાથે શાસન કર્યું.

તેઓ દેશનાં મોટાભાગનાં સમૂહમાં એક લોકપ્રિય નેતા હતાં. જેનાં લીધે રક્ષા અને વિદેશનીતિને લગતા નિર્ણયોમાં તેમનો મત હંમેશાં મહત્ત્વપૂર્ણ અને માન્ય રહેતો.

બેન-ગુરિયન જ્યારે ગઠબંધનોને મનાવવા માટે નિષ્ફળ રહેતા ત્યારે તે રાજીનામું આપી પોતાના કિબુત્ઝ ડે બોકરમાં આવેલા ઘરમાં રહેતા. મોટા ભાગે તેમની રાજીનામાની ધમકી જ તેમની શરતો મનાવવા માટે પૂરતી હતી.

પરંતુ 1953માં એક વખત તેમણે કહ્યું કે તેઓ થાકી ગયા છે અને જાહેર જીવનમાંથી 14 મહિના માટે નિવૃત થયા. આખરે તેમને ફરી એક વખત રક્ષામંત્રી તરીકે જેરુસલેમમાં ફરી બોલાવામાં આવ્યા.

નવેમ્બર 1955માં તેઓ પ્રીમિયરના પદ પર પાછા ફર્યા. આ સમયે ઇઝરાયલે ઘડેલી નીતિઓએ દેશને વધુ એક યુદ્ધ તરફ ધકેલી દીધો. આ બેન-ગુરિયનની કારકિર્દીનો સૌથી કપરો સમય હતો.

જય અને પરાજય ભરેલી રાજકીય કારકિર્દી

બેન-ગુરિયનને ખાતરી હતી કે સોવિયત યુનિયન થકી મળેલાં શસ્ત્રો દ્વારા ઈજિપ્ત ઇઝરાયલ પર ચોક્કસ હમલો કરશે. ઇઝરાયલે ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમની મદદથી ઈજિપ્તનાં સૈન્ય સામે આગોતરું યુદ્ધ જાહેર કર્યુ.

ફ્રેંચ અને બ્રિટિશ સૈન્ય સુએઝ કેનાલ પર કબ્જો કરવા માંગતા હતા અને તેમને પ્રારંભમાં સફળતાઓ પણ મળી. પરંતુ યુ.એસ. આ આક્રમણથી ગુસ્સે હતું અને યુએનની માંગને ટેકો આપ્યો હતો કે તમામ આક્રમણકારો ઈજિપ્તથી પોતાનું સૈન્ય પાછુ ખેંચે.

ઉપરાંત સોવિયત યુનિયનની દખલ કરવાની ધમકીને લીધે ઇઝરાયલની આખી યોજના ભાંગી પડી.

બેન-ગુરિયને અમુક છૂટછાટો માટે પ્રયાસ કર્યા, પરંતુ તેમની પાસે હારનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

ચાર વર્ષ બાદ તેમણે ફરી વિશ્વના અભિપ્રાયો ફગાવીને ઍડોલ્ફ આઇક્મૅનને ટ્રાયલ પર લાવવાનો નિર્ણય કર્યો. ઍડોલ્ફ આઇક્મૅન ગેસ્તાપોનો કર્નલ હતો, જેણે લાખો યહૂદીઓને ત્રાસદાયક મોત આપવા માટે ડેથ કૅમ્પમાં મોકલ્યા હતા.

આર્જેન્ટિનામાંથી થયેલા નાઝી લીડરનાં અપહરણની ખૂબ ટીકા થઈ અને તેમની સામે ઇઝરાયલમાં થનારી કાનૂની કાર્યવાહીને મુદ્દે અનેક ચિંતાઓ ઊભી કરી. ઍડોલ્ફ આઇક્મૅનને વાજબી ટ્રાયલ માત્ર જર્મનીની કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં જ મળી શકે તેવી માંગ સાથે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયાં.

બેન-ગુરિયન પર ઘમંડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમણે જાહેર કર્યું કે નૈતિકતાની દૃષ્ટીએ ઇઝરાયલ એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં તેમનો ન્યાય થવો જોઈએ.

આઇક્મૅનની સુનાવણીને 1961માં ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી હતી. ન્યાયાધીશોએ એવું કામ કર્યું હતું કે આઇક્મૅનનાં જર્મન વકીલ રોબર્ટ સર્વાટિયસે કબૂલ્યું હતું કે આઇક્મૅન પર પશ્ચિમ જર્મનીમાં જે સુનાવણી થઈ હોત તેના કરતાં આ વધુ ન્યાયીક સુનાવણી હતી.

આ સુનાવણી બાદ ઇઝરાયલમાં બેન-ગુરિયનનું કદ વધારે મોટું બન્યું અને તે સમયે એવુ લાગતું હતું કે તેમનું શાસન ઘણાં વિવાદો છતાં યથાવત્ રહેશે.

પરંતુ અંતે, તેમણે પણ ખૂબ લાંબા સમય સુધી ઊંચા પદ પર રહેનારા અન્ય રાજકારણીઓની જેમ પોતાના ભૂતકાળની ભૂલોનો ભોગ બનવું પડ્યું. ભૂતકાળની ભૂલો તેમને ભારે પડી અને તેમના અનુયાયીઓએ પણ કંટાળીને તેમનો સાથ છોડી દીધો. 1963માં તેમણે વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું.

નિવૃત્તિ પહેલાં 68 વર્ષની ઉંમરે સંસ્કૃત શીખ્યા

બેન-ગુરિયને પોતાના શાસનનાં અંતિમ વર્ષોમાં પાડોશી દેશો સાથે શાંતિ માટે પોતાનો હાથ લંબાવ્યો હતો. જેની જાહેરાત તેમણે ઇઝરાયલની સ્વંતત્રતાની ઘોષણામાં કરી હતી.

મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના હેતુથી તેમણે આરબ નેતાઓ સાથે ગુપ્ત વાટાઘાટો કરવાની ઘણી યોજનાઓ શરૂ કરી હતી. પરંતુ તેમાં કોઈ ખાસ સફળતા મળી નહીં.

બેન-ગુરિયન અંતે 84 વર્ષની ઉંમરે 1970માં રાજકારણમાંથી નિવૃત થયા.

તેમને આંતરિક આઘાતનાં એવા સંકેતોનો અહેસાસ થયો જે ભવિષ્યમાં ઇઝરાયલને ઘેરી લેવાનાં હતા.

1967ના યુદ્ધ બાદ, બેન-ગુરિયને જેરુસલેમની બહાર અરબ પ્રદેશ જાળવી રાખવાનો વિરોધ કર્યો હતો.

બેન-ગુરિયનના મતે 1973ના યોમ કિપુર યુદ્ધમાં કે જ્યારે ઇઝરાયલ ઊંધતું ઝડપાયું હતું એ ઘમંડની ખતરનાક નિશાની હતી. યોમ કિપુરના યુદ્ધમાં ઈજિપ્ત અને સીરિયાની સેનાઓએ બે અલગ-અલગ મોર્ચે ઇઝરાયલ પર હુમલાઓ કર્યા હતા. સખત મહેનતું બેન-ગુરિયન માટે, આ બાબતો ઘૃણાસ્પદ હતી.

આ યુદ્ધનાં અંતના બે મહિના બાદ બેન-ગુરિયન 87 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

ઇઝરાયલી લેખક અમોસ ઓઝ અનુસાર બેન-ગુરિયન અંત સુધી અસાધારણ ઊર્જા, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા ધરાવનારા માણસ હતા.

તે રશિયન, યિદ્દીશ, તર્કિશ, ફ્રેંચ અને જર્મન ભાષાનાં જાણકાર હતા. તે અરેબિક વાંચી શકતા અને સ્પેનિશ ભણેલા હતા. તેમણે 56 વર્ષની ઉંમરે ઓલ્ડ ટેસ્ટામૅન્ટની ગ્રીક આવૃતી સૅપ્ટુઆગિન્ટ વાંચવા માટે ગ્રીક ભાષા શીખી. બુદ્ધનાં વ્યાખ્યાનો વાંચવા માટે તેઓ 68 વર્ષની ઉંમરે સંસ્કૃત શીખ્યા.

તેમણે ભૂમધ્ય સમુદ્રની રેતી પર યોગ કર્યા હતા અને તેમને ઊંધા મોઢેથી વાતો કરતા દર્શાવતા ફોટોગ્રાફ્સ પર તેમના મિત્રોએ કહ્યું હતું કે હઝાકેન અથવા તો બુઝુર્ગ, જેમને પ્રેમથી બોલાવવામાં આવતા હતા, તેઓ જમણી બાજુએ બેઠેલા તેમના મોટાભાગના વિરોધીઓ કરતાં વધુ હોંશિયાર હતા.

વર્ષો જતાં બેન-ગુરિયનની ટીકાઓ ભૂલાતી ગઈ ત્યારે તેમની છબી એક એવા નેતા તરીકે બની જેમની પાસે દુરંદેશી હતી અને જેમનો એક દેશની સ્વતંત્રતામાં મુખ્ય ફાળો હતો.

જોકે તેમનુ જીવન ઇઝરાયલના નિર્માણ સાથે એવી રીતે જોડાયેલું હતું કે, તેમને એ દેશમાં જેટલા ચાહવામાં આવ્યા તેટલા જ ધિક્કારવામાં આવ્યા જે દેશને બનાવવમાં તેમણે ફાળો આપ્યો હતો.