You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના લક્ષદ્વીપની માલદીવ સાથે સરખામણી થઈ શકે ખરી?
માલદીવ અને લક્ષદ્વીપ જાન્યુઆરી 2024માં ચર્ચામાં આવ્યા. અને ત્યારથી લોકોમાં માલદીવ અને લક્ષદ્વીપ વચ્ચે સોશિયલ મીડિયામાં તુલના થવા લાગી.
પરંતુ આ બે ટાપુઓની સરખામણી કરવી યોગ્ય નથી.
પર્યટનપ્રેમીઓએ માલદીવની ટિકિટો રદ કરીને માલદીવમાં રસ દાખવ્યાના પણ સમાચાર આવ્યા, આમાં સેલેબ્રિટીઝનું નામ પણ આવ્યું હતું.
માલદીવ એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ છે જે સમગ્ર દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓને આકર્ષે છે, જ્યારે લક્ષદ્વીપ એક નાનો ટાપુ છે જેમાં કોઈ પ્રવાસન નીતિઓ લાગુ કરવામાં આવી નથી.
આનું કારણ એ છે કે, ભારત સરકારનો ધ્યેય લક્ષદ્વીપમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો ન હતો પરંતુ આ ટાપુઓના નાજુક પર્યાવરણનો રક્ષણ કરવાનો હતો.
તો ચલો જોઈએ કે આ બે દ્વીપ વચ્ચે કેમ તુલના ના થઈ શકે.
બંને જગ્યાએ સુવિધામાં કેવો તફાવત છે?
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે માલદીવની તુલનામાં લક્ષદ્વીપ પહોંચવું વધુ મુશ્કેલ છે.
લક્ષદ્વીપ પહોંચવા માટે પહેલાં તમારે કેરળના કોચી જવાનું રહેશે. ત્યારબાદ કોચીથી અગાટ્ટીની ફ્લાઇટ લેવાની હોય છે, જે દિવસમાં ફક્ત એક વાર ઉડાણ ભરે છે. અત્યારે, આ ફ્લાઇટની ટિકિટ માર્ચ મહિના સુધી બુક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આના સિવાય, લક્ષદ્વીપ માટે જહાજથી પણ જઈ શકાય છે, પરંતુ આ યાત્રા ખૂબ જ લાંબી હોય છે.
લક્ષદ્વીપ આવનારા વિદેશી પર્યટકોની સંખ્યા ક્યારેય 10 ટકાથી વધારે નથી રહી. કોરોનાના સમયમાં તો આ સંખ્યામાં વધુ ઘટાડો થયો હતો.
તાજેતરમાં એવા સંકેતો મળ્યા છે કે ભારત સરકાર લક્ષદ્વીપની યાત્રા સરળ કરી શકે છે.
અગાટ્ટી હવાઈ પટ્ટીને વિસ્તૃત કરી શકાય છે. તે જ સમયે, મિનીકોયમાં સૈન્ય અને નાગરિકોની જરૂરિયાતો માટે ઍરફીલ્ડ વિકસાવી શકાય છે.
જો આપણે લક્ષદ્વીપને માલદીવ સાથે સરખાવીએ તો માલદીવમાં 18 ઍરપૉર્ટ છે. તેમાંથી પાંચ ઍરપૉર્ટ એવાં છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઊતરે છે.
માલદીવથી આખા વર્ષ દરમિયાન 20 ઍરલાઇન્સ ઑપરેટ કરે છે. 2023માં માલદીવ પહોંચનારા પ્રવાસીઓની સંખ્યા 18 લાખ હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોની હતી.
લક્ષદ્વીપ સામે પડકારો કયા છે?
ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય મેઇનલેન્ડની લક્ષદ્વીપ સાથેની કનેક્ટિવિટી ઉપરાંત બીજો પડકાર એ છે કે લક્ષદ્વીપમાં પ્રવાસીઓ માટે રહેવાના પર્યાપ્ત વિકપલો નથી.
હોટેલને લાગતી ઘણી સુવિધાઓ ઉપલ્બ્ધ નથી. વિસ્તારની દૃષ્ટિએ, લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ અથવા માલદીવ કરતાં ઘણું નાનું છે. તેનો વિસ્તાર માત્ર 32 ચોરસ કિલોમીટર છે.
ચર્ચામાં આવ્યા બાદ લક્ષદ્વીપ પ્રશાસને તાજેતરમાં કહ્યું છે કે તે પ્રવાસીઓ માટે 176 બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે. આમાં ટેન્ટ રિસૉર્ટના 52 બેડનો પણ સમાવેશ થાય છે.
નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લક્ષદ્વીપના પાંચ ટાપુઓમાં પ્રવાસન સંબંધિત સુવિધાઓ વધારી શકાય છે. આ માટે 806 કરોડ રૂપિયાની જરૂર પડશે.
તાતા કંપની 2026 સુધીમાં લક્ષદ્વીપના બે ટાપુઓમાં ઈકો ટૂરિઝમ રિસૉર્ટ પણ શરૂ કરશે.
લક્ષદ્વીપ પ્રશાસન પેસેન્જર જહાજના પૅકેજ પણ ઑફર કરે છે, જેમાં તમે દિવસ દરમિયાન ટાપુની આસપાસ ફરો અને રાત્રે જહાજ પર રહો. તેનાથી લક્ષદ્વીપ દ્વીપ પર દબાણ ઘટશે.
લક્ષદ્વીપ સમક્ષ પીવાના પાણીનો પણ એક પડકાર છે. ઘણા અભ્યાસોમાં લક્ષદ્વીપમાં ભૂગર્ભ જળના ઘટાડા બાબતે જાણવા મળ્યું છે. જોકે, તાજેતરમાં ઇઝરાયલે પાણીને પીવાલાયક બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
કવારાટ્ટી ટાપુ પર બનેલા વોટર પ્લાન્ટની ક્ષમતા દરરોજ એક લાખ લીટર પાણીની છે, જેનું તે ત્રણ દિવસમાં એક વખત વિતરણ કરે છે. બંગારામ વોટર પ્લાન્ટમાં પણ RO પ્લાન્ટ છે, જે દરરોજ 50 હજાર લીટર પાણી પૂરું પાડે છે.
શું લક્ષદ્વીપને માલદીવ જેવું બનાવી શકાય?
લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું છે કે લક્ષદ્વીપમાં માલદીવ જેવા વૉટર વિલા બનાવવાથી પર્યાવરણની ચિંતા વધશે.
તેઓ કહે છે, "લક્ષદ્વીપની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન, પવન સીધો આ ટાપુ પર અથડાય છે. આ તીવ્ર પવનોના માર્ગમાં કોઈ અવરોધ નથી, તેથી જો પવન વિલાઓને સીધો અથડાશે, તો વિલા પાણીમાં ડૂબી શકે છે.
મોહમ્મદ ફૈઝલે કહ્યું- પાયો મજબૂત રહે તે જરૂરી છે. પરંતુ આ બધું વાસ્તવિકતામાં શક્ય બનશે કે કેમ તે અંગે શંકા છે.
મોહમ્મદ ફૈઝલ કહે છે કે એક પડકાર એ છે કે અહીંની પ્રોપર્ટી લોકોનાં નામે રજીસ્ટર છે. કેટલાક ટાપુઓ અંગ્રેજોના સમયથી લોકોના નામે રજિસ્ટર થયેલા છે.
આવી સ્થિતિમાં, જ્યારે આ લોકોને વળતરના બદલામાં મિલકત આપવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ કોર્ટમાં જાય છે.
લક્ષદ્વીપ અને માલદીવની ચર્ચા કેમ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2024ની શરૂઆતમાં લક્ષદ્વીપનો પ્રવાસ કર્યો હતો અને ત્યાંની તસ્વીરો સોશિયલ મીડિયા 'ઍક્સ' પર શેર કરી હતી. તેમના આ પ્રવાસ પર માલદીવના મંત્રીઓ અને નેતાઓ તરફથી આપત્તિજનક ટિપ્પણીઓ થઈ હતી.
માલદીવ સરકારમાં મંત્રી મરિયમે પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ભારતમાં આની ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. માલદીવના ઘણા નેતાઓએ મંત્રી અને અન્ય નેતાઓનાં નિવેદનોની ટીકા પણ કરી હતી.
ત્યાર બાદ સોશિયલ મીડિયા પર બૉયકૉટ માલદીવ અને ઍક્સપ્લોર લક્ષદ્વીપ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
માત્રા સામાન્ય લોકો જ નહીં પણ દેશની મોટી હસ્તીઓએ પણ પીએમ મોદીનો સાથ આપીને માલદીવનો વિરોધ કર્યો.
માલદીવની સરકારે પણ આ ટિપ્પણીઓથી પોતાને અલગ કરીને તેમનાં મંત્રીઓ અને નેતાઓને પદ પરથી હઠાવી દીધાં.
પોતાના ચૂંટણીપ્રચારમાં ‘ઇન્ડિયા આઉટ’નો નારો આપનાર મુઇઝ્ઝુ નવેમ્બર, 2023માં રાષ્ટ્રપતિ બન્યા હતા.