You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માલદીવના 200 ટાપુઓ ડૂબી જશે તો લોકો ક્યાં જશે?
- લેેખક, નોર્મન મિલર
- પદ, બીબીસી ટ્રાવેલ
અરબી સમુદ્રમાં શ્રીલંકા અને ભારતના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું માલદીવ ઉષ્ણકટિબંધીય ખુશમિજાજીનો ચહેરો પ્રસ્તુત કરે છે. સફેદ રેતીથી ઘેરાયેલા પરવાળાના વલયાકાર શાંત ટાપુઓ પર કુશાંદે રિસોર્ટ્સ અને વિશ્વસ્તરીય વૉટર સ્પૉર્ટ્સનો આનંદ માણવા સમગ્ર વિશ્વના પ્રવાસીઓ આવે છે.
જોકે, માલદીવની માફક પર્યાવરણીય ખતરાનો સામનો ભાગ્યે જ કોઈ અન્ય દેશ કરે છે. તેના લક્ઝરી બીચ રિસોર્ટ્સ વિશ્વપ્રસિદ્ધ હશે, પરંતુ તેના વિખેરાયેલા 1,200 ટાપુઓ પૈકીના 80 ટકાથી વધુ સમુદ્રની સપાટીથી એક મીટરથી પણ ઓછી ઊંચાઈ પર આવેલા છે અને સમુદ્રની વધતી સપાટી એ બધાના અસ્તિત્વ પર જોખમ સર્જી રહી છે.
માલદીવના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ વાહીદ હસને વિશ્વ બૅન્કના 2010ના અહેવાલમાં જણાવ્યું હતું કે “અમે પૃથ્વી પરના સૌથી નાજુક દેશો પૈકીના એક છીએ અને તેથી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું જરૂરી છે.” વિશ્વ બૅન્કના તે અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે દરિયાની સપાટીમાં વધારાના અનુમાનિત દરે વર્ષ 2100 સુધીમાં માલદીવના કુદરતી વસવાટ ધરાવતા લગભગ 200 ટાપુઓ ડૂબી જશે.
માલદીવના લોકોની અસ્તિત્વ બચાવવાની લડત
જોકે, માલદીવના લોકો તેમનું અસ્તિત્વ બચાવવાની લડત માટે કૃતનિશ્ચય છે. ટાપુઓ ડૂબી જાય તો પોતાના નાગરિકોનું સ્થળાંતર કરાવી શકાય એટલા માટે અન્યત્ર જમીન ખરીદવાની જાહેરાત 2008માં કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીન વૈશ્વિક સ્તરે સમાચારોમાં ચમક્યા હતા. એ યોજનાએ, એમ્સ્ટેર્ડમ જેવાં શહેરોની માફક તરતાં શહેરોનું નિર્માણ કરીને સમુદ્રની સાથે બાથ ભીડવાને બદલે તેની સાથે રહીને કામ કરવાના વિચારને વેગ આપ્યો હતો.
તેના બદલે માલદીવ જીઓ-એન્જિનિયરિંગના એક અલગ સ્વરૂપ ભણી વળ્યું હતું અને હુલહુમાલે નામના કૃત્રિમ ટાપુ પર ‘સિટી ઑફ હોપ’ તરીકે ઓળખાતા 21મી સદીના શહેરનું નિર્માણ કર્યું હતું.
રાજધાની માલેથી આઠ કિલોમીટર દૂર આકાર લઈ રહેલા તે શહેરની મુલાકાત પ્રવાસીઓ ઍરપૉર્ટ પરથી બસમાં 20 મિનિટનો પ્રવાસ કરીને કોવિડ પૂર્વે લેતા હતા, પરંતુ હુલહુમાલેએ જે વ્યવહારિક સામાજિક મુદ્દાઓનું નિરાકરણ કરવાનું છે એ બાબતે માલદીવ્સ આવતા બહુ ઓછા લોકો વિચારતા હતા. દ્વીપસમૂહમાંના પાંચ લાખથી વધુ રહેવાસીઓ માટે સર્વિસીસની ડિલિવરી અતિ ખર્ચાળ દુઃસ્વપ્ન છે. વિશ્વ બૅન્કના 2020ના અહેવાલ મુજબ, રોજગારની તકોનો અભાવ બીજી સમસ્યા છે. અહીં યુવા બેરોજગારીનો દર 15 ટકાથી વધારે છે.
દરિયામાં ડૂબી જવાના લાંબા ગાળાના જોખમ ઉપરાંત દરિયાકાંઠાના ધોવાણમાં વધારો થવાથી ઘરો, તથા અન્ય ઇમારતો સહિતનું 70 ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્તમાન કિનારાની 100 મીટર અંદરના વિસ્તારમાં છે. સમુદ્રના ખારા પાણીના અતિક્રમણને લીધે તાજા પાણીનો મૂલ્યવાન સ્રોત દૂષિત થવાની ચિંતા પણ છે. તેમાં 2004ની સુનામી જેવી કુદરતી આફતોનું જોખમ પણ છે. 2004માં આવેલી સુનામીમાં માલદીવમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.
માલદીવનું સિટી ઑફ હોપ
સિટી ઑફ હોપના કામકાજ પર દેખરેખ રાખતા હાઉસિંગ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન(એચડીસી)ના બિઝનેસ ડેવલપમૅન્ટ ડિરેક્ટર આરીન અહેમદ કહે છે, “2004ની સુનામી પછી ટાપુઓની સલામતી બહેતર બનાવવા માટે એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. હુલહુમાલેના સ્થાપત્ય અને સમુદાયોના વિકાસમાં આબોહવા પરિવર્તન સંબંધી બાબતોનું બહુ ધ્યાન રાખવામાં આવે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ જમીનને નવસાધ્ય કરવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં સમુદ્રતળમાંથી કાઢવામાં આવેલી લાખો ક્યુબિક મીટર રેતીના ઉપયોગ વડે નવા ટાપુને દરિયાની સપાટીથી બે મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે. માલેને હાલ વધુ પડતી વસ્તીની સમસ્યા કનડી રહી છે ત્યારે સિટી ઑફ હોપને ઓછી વસ્તીવાળી મહત્ત્વપૂર્ણ નવી વસાહત ગણવામાં આવી રહી છે. માલેમાં અઢી ચોરસ કિલોમીટરથી થોડા વધુ વિસ્તારમાં 1.30 લાખ લોકો વસવાટ કરે છે.
બ્રિટનસ્થિત કન્સલ્ટન્સી ઇકૉલૉજી બાય ડિઝાઇનમાં સિનિયર ઇકૉલૉજિસ્ટ તરીકે કામ કરતા પહેલાં માલદીવમાં કોરાલિયન લૅબ મરીન સ્ટેશનમાં રીફ ફિશ પર સંશોધન કરતા સાયન્સ ઑફિસર તરીકે કામ કરી ચૂકેલા કેટ ફિલપોટ કહે છે, “માલે પૃથ્વી પરના સૌથી ગીચ વસ્તીવાળાં શહેરો પૈકીનું એક છે.”
હુલહુમાલે માટે 188 હેક્ટરનો લૅન્ડ રીક્લેમેશનનો પ્રથમ તબક્કો 1997માં શરૂ થયો હતો અને 2002માં પૂર્ણ થયો હતો. તેનાં બે વર્ષ પછી આ ટાપુ પર પહેલાં 1,000 રહેવાસીઓ આવ્યા હતા. 2015માં વધુ 244 હેક્ટર જમીન નવસાધ્ય કરવામાં આવી હતી અને 2019ના અંત સુધીમાં હુલહુમાલે પર 50,000થી વધુ લોકો વસવાટ કરતા થયા હતા.
જોકે, હુલહુમાલેની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી છે. 2020ના દાયકાની મધ્ય સુધીમાં અહીં 2,40,000 લોકોને વસાવવાનું આયોજન છે. આ વિઝનમાં ગુણવત્તાયુક્ત આવાસ, રોજગારીની નવી તકો ઉપરાંત માલે કરતાં વ્યક્તિ દીઠ ત્રણ ગણી મોટી ઓપન રીક્રિએશનલ સ્પેસનો સમાવેશ થાય છે.
અહમદના મતે માલેની બિનઆયોજિત અને અતિશય ભીડભાડવાળી પ્રકૃતિથી વિપરીત હુલહુમાલેને વ્યાપક ગ્રીન અર્બન પ્લાનિંગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ કહે છે, “ગરમીમાં વધારાને ટાળવા અને થર્મલ કમ્ફર્ટને બહેતર બનાવવા ઇમારતો ઉત્તર-દક્ષિણ અભિમુખ બાંધવામાં આવી છે. ઍર-કન્ડિશનિંગ પરની નિર્ભરતા ઘટાડવા શેરીઓને પવન ઉત્તમ રીતે પસાર થઈ શકે એ રીતે બનાવવામાં આવી છે. શાળાઓ, મસ્જિદો તથા પાડોશમાંના બગીચા રહેણાક વિસ્તારોથી માત્ર 100-200 મીટરના અંતરે જ આવેલા છે. તેનાથી કારનો ઉપયોગ ઘટાડી શકાય છે. ઇલેક્ટ્રિક બસો અને સાઇકલ લેન પણ નવા શહેરના લૅન્ડસ્કેપનો ભાગ છે.”
આવાસની વિવિધ જરૂરિયાતોનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે, એમ જણાવતાં અહેમદ ઉમેરે છે, “હુલહુમાલેમાં મિડ-રેન્જ લક્ઝરી અને સોશિયલ હાઉસિંગ એમ વિવિધ પ્રકારના હાઉસિંગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. 60 ટકા મિડ-રેન્જ હાઉસિંગ યુનિટનું વેચાણ એચડીસી દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતે કરવાનું છે.” એકલ મહિલાઓ અને વિસ્થાપન તથા આપત્તિઓથી પ્રભાવિત લોકો સહિતનાં ચોક્કસ જૂથો માટે પોસાય તેવાં સામાજિક આવાસો ઉપલબ્ધ છે. આવાસ અને વિશાળ બિલ્ટ ઍન્વાયરમૅન્ટ વિકલાંગ લોકોને સુલભ હોય તે સુનિશ્ચિત કરવા વિગતવાર પરામર્શ કરવામાં આવ્યો છે.
અહેમદના જણાવ્યા મુજબ, ઉત્તમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણલક્ષી પહેલ અને સોશિયલ પ્લાનિંગનું પૂરક છે. તેઓ હુલહુમાલેને એશિયાનું સૌપ્રથમ સંપૂર્ણપણે ગીગાબાઇટ એનેબલ્ડ સ્માર્ટ સિટી ગણાવે છે, જેમાં દરેક રહેવાસીને ગીગાબિટ પેસિવ ઑપ્ટિકલ નેટવર્ક (જીપીઓએન) તરીકે ઓળખાતી વ્યાપક ઑપ્ટિકલ ફાઇબર ટેકનૉલૉજી પર આધારિત ઝડપી ડિજિટલ એક્સેસ ઉપલબ્ધ હશે.
બ્રિટનની બ્રેડફોર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફૉર વિઝ્યુઅલ કમ્પ્યૂટિંગના ડિરેક્ટર તરીકે કાર્યરત હોવાની સાથે હુલહુમાલેને સ્માર્ટ સિટી બનાવવામાં મદદ કરી રહેલા પ્રોફેસર હસન ઉગૈલ કહે છે, “પાયાથી નવું શહેર બનાવવાનો લાભ એ છે કે હુલહુમાલેને માલદીવના લોકો દ્વારા માલદીવના લોકો માટે બનાવવામાં આવેલું લવચીક શહેર ગણવામાં આવશે.”
હુલહુમાલેના નિર્માણનો ઉદ્દેશ ટકાઉ શહેરી વિકાસનો પણ છે. તેમાં કુલ જરૂરિયાતની ત્રીજા ભાગની ઊર્જા સૌર ઊર્જામાંથી મેળવવાનો અને જળ સલામતી વધારવા માટે વરસાદી પાણીના સંગ્રહનો સમાવેશ થાય છે. તેમ છતાં સવાલ થાય કે ખાસ કરીને પરવાળાના ખડકો અને નૈસર્ગિક સફેદ રેતીવાળા તટપ્રદેશ માટે વિખ્યાત વિસ્તારમાં કૃત્રિમ ટાપુનું નિર્માણ પર્યાવરણ માટે નુકસાનકારક નથી?
બેલ્જિયન કંપની ડ્રેજિંગ ઇન્ટરનૅશનલે 2015માં ટાપુનું 244 હેક્ટરનું વિસ્તરણ કાર્ય પૂર્ણ કર્યું ત્યારે આસપાસના સમુદ્ર તળમાંથી લગભગ 60 લાખ ઘન મીટર રેતી કાઢીને હુલહુમાલેમાં ઠાલવવામાં આવી હતી.
હુલહુમાલેનું નિર્માણ માલદીવના લોકોનું જીવન કેવી રીતે સુધારશે?
માલદીવમાં સંશોધનનો અનુભવ ધરાવતા કોરલ રીફ ટાપુઓના નિષ્ણાત અને નોર્થઅમ્બ્રિયા યુનિવર્સિટીના જિયોગ્રાફી ઍન્ડ ઍન્વાયરમૅન્ટલ સાયન્સના ડૉ. હોલી ઇસ્ટે કહ્યું હતું, “જમીનને નવસાધ્ય કરવાનું કામ ખાસ કરીને સમસ્યારૂપ હોય છે. તેનાથી પરવાળાના ખડકોને નુકસાન થાય છે એટલું જ નહીં, પરંતુ તેના લીધે કાંપના વિશાળ પ્લુમ્સ સર્જાય છે, જે અન્ય રીફ પ્લૅટફૉર્મ પર જાય છે. એ કાંપ પરવાળાને નરમ બનાવે છે અને સૂર્યપ્રકાશને અવરોધે છે. તેની માઠી અસર તેમના ખોરાક, વૃદ્ધિ અને પ્રજનનક્ષમતા પર થાય છે.”
સતત વધતી જતી વસ્તી સાથે લૅન્ડ રીક્લેમેશન માલદીવના જીવનનો એક હિસ્સો બની ગયું છે, જેમાં હાલની કોરલ રીફ આધાર આપે છે. ફિલપોટે કહ્યું હતું, “હુલહુમાલેના વિકાસની માઠી અસર ઘટાડવા માટે કેટલાક કોરલના સ્થાનાંતરણ સહિતના પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે, કોરલને અન્ય સ્થાપિત થવામાં લાંબો સમય લાગે છે અને તેમાં બહુ ઓછી સફળતા મળતી હોય છે.”
તેમ છતાં માલદીવમાંના પોતાના વર્ષોના અનુભવને લીધે ફિલપોટ સમયની માગથી સારી રીતે વાકેફ છે. પ્રવાસીઓ ભલે આવે અને જાય, પરંતુ સ્થાનિક લોકોને રહેવા માટે જમીન તથા રોજગારની જરૂર હોય છે. તેમનું માર્મિક અવલોકન એવું છે કે હુલહુમાલે એવા વિસ્તારમાં વિકસી રહ્યું છે, જે અમુક અંશે પહેલેથી જ બગડેલો હતો.
તેમણે કહ્યું હતું, “અન્ય જગ્યાની સરખામણીએ માલદીવમાં બાંધકામ ઓછું નુકસાનકારક હોવાની શક્યતા છે. માલદીવમાં ક્યાંય પણ અપેક્ષાકૃત ઓછા બગડેલા વિસ્તારની સરખામણીએ બોટ ટ્રાફિક અને પ્રદૂષણનું વધારે સ્તર ધરાવતા વિસ્તારનો વિકાસ કરવાનું બહેતર માનવામાં આવે છે.”
ફિલપોટના આ દૃષ્ટિકોણને વર્લ્ડ બૅન્કના 2020ના અહેવાલમાં સમર્થન આપવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે “બૃહદ માલે પ્રદેશ, ખાસ કરીને હુલહુમાલેમાં નોંધપાત્ર પ્રમાણમાં પ્રાકૃતિક આવાસ નથી અને પરવાળાના મોટા ભાગના ખડકો નષ્ટ થઈ ગયા છે.”
હુલહુમાલેમાં બાંધકામથી થતા તેમજ તેના વધતા જતા રહેવાસીઓ દ્વારા કરવામાં આવતા કચરાના નિકાલની સમસ્યા પણ મોટો મુદ્દો છે. ફિલપોટે થોડી ચીડ સાથે કહ્યું હતું, “મોટા ભાગનો કચરો ખાસ ઉદ્દેશથી નિર્મિત થિલાફુશી ટાપુ પર મોકલવામાં અને સંઘરવામાં આવે છે.”
આ મૂળભૂત રીતે ઉષ્ણકટિબંધીય કચરાનો ઢગલો હોવાની વાતનો માલદીવના સત્તાવાળાઓ અસ્પષ્ટ રીતે વિરોધ કરે છે. અહેમદે મને કહ્યું હતું કે “પર્યાવરણ પર બાંધકામની માઠી અસરને ઘટાડવાનાં તમામ પગલાં પર માલદીવની પર્યાવરણ સુરક્ષા એજન્સી ચાંપતી નજર રાખે છે.”
હુલહુમાલેનું નિર્માણ મુખ્યત્વે માલદીવના લોકોના જીવનને સુધારવા માટે કરવામાં આવી રહ્યું છે ત્યારે તેનું સિટી ઑફ હોપ દરિયા કિનારે આવેલા રિસોર્ટમાં લાંબા થઈને પડ્યા રહેવા કરવા સિવાયની બાબતોમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે દીવાદાંડી બનવાનું લક્ષ્ય ધરાવે છે. દાખલા તરીકે, 2018ના વર્લ્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં માલદીવની પ્રથમ મલ્ટી-સ્પેશિયાલિટી હૉસ્પિટલ, વૉટર થીમ પાર્ક અને યોટ મરીના જેવા આગામી પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી તબીબી તેમજ સ્પૉર્ટ્સ ટુરિઝમ સંબંધી ક્ષમતાને ઉજાગર કરવામાં આવી હતી.
ફિલપોટને પણ આશા છે કે હુલહુમાલેને આગળ ધપાવવાનાં સપનાં માલદીવની આગામી પેઢી સુધી વિસ્તરશે. ફિલપોટે કહ્યું હતું, “મેં માલદીવના 14થી 17 વર્ષની વયનાં બાળકોને કોરલ ઇકૉલૉજીના પાઠ ભણાવ્યા હતા. મારા વર્ગમાંના અડધાથી વધુ બાળકોએ સ્નોરકેલ સાથે પાણીની અંદર ક્યારેય ડોકિયું કર્યું ન હતું. તેમણે પાણીની અંદર જે જોયું તે રોમાંચક હતું અને દુઃખદ પણ હતું. સમુદ્રની આટલા નજીક રહેતા હોવા છતાં પાણીની અંદર રહેવાના અનુભવની તક તેમને ક્યારેય મળી ન હતી. દરિયાઈ જીવવિજ્ઞાનનું વધુ પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવશે તો યુવાવર્ગને દરિયાઈ જીવસૃષ્ટિની જાળવણી અને રક્ષણમાં વધારે રસ પડશે.”
માત્ર સિટી ઑફ હોપ બનાવવાને બદલે માલદીવના લોકો ટાપુના નિર્માણના માર્ગે આગળ વધી રહ્યા છે, જે માલદીવને નેશન ઑફ હોપ બનાવી શકે છે.