ઈરાન ખરેખર કેટલું શક્તિશાળી છે અને કેમ ચોતરફ સંઘર્ષોમાં ઘેરાયેલું છે?

    • લેેખક, લુઈસ બેરુચો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં જે ભૂમિકા ભજવે છે તેના તરફ વિશ્વનું ધ્યાન આકર્ષાયું છે.

ઇઝરાયલ-ગાઝા સંઘર્ષમાં ઈરાન હમાસને ટેકો આપે છે. તેણે ઇરાક, સીરિયા તથા પાકિસ્તાનમાં હુમલા કર્યા છે અને તેનાં શસ્ત્રોનો ઉપયોગ રશિયા દ્વારા યુક્રેન સામે કરવામાં આવી રહ્યો છે.

લેબનોનમાંથી ઇઝરાયલ પર હુમલો, જોર્ડનમાં અમેરિકન દળો પર ડ્રોન હુમલો અને રાતા સમુદ્રમાંનાં પશ્ચિમી જહાજો પર યમનમાંથી હુમલો, જોકે, આ બધા મધ્ય પૂર્વમાંના કેટલાક હુમલાઓમાં પોતાની પ્રત્યક્ષ સંડોવણીનો ઈરાન સતત ઇનકાર કરતું રહ્યું છે, પરંતુ ઈરાન સમર્થિત જૂથોએ આ હુમલાઓની જવાબદારી લીધી છે.

સવાલ એ છે કે આ જૂથો કોણ છે અને આ સંઘર્ષોમાં ઈરાન કેટલી હદે સંડોવાયેલું છે?

ઈરાન ક્યાં જૂથોને ટેકો આપે છે?

ઈરાન સાથે સંબંધ ધરાવતાં સંખ્યાબંધ સશસ્ત્ર જૂથો મધ્ય પૂર્વમાં કાર્યરત છે. તેમાં ગાઝામાં હમાસ, લેબનોનમાં હિઝબુલ્લાહ, યમનમાં હૂતી અને ઇરાક, સીરિયા તથા બહેરીનસ્થિત જૂથોનો સમાવેશ થાય છે.

‘પ્રતિકારની ધરી’ તરીકે ઓળખાતાં આ પૈકીનાં ઘણાં જૂથોને પશ્ચિમી દેશોએ આતંકવાદી જૂથો જાહેર કર્યાં છે. ક્રાઇસિસ ગ્રુપ નામની થિંક ટૅન્કના ઈરાનના નિષ્ણાત અલી વાએઝના જણાવ્યા અનુસાર, આ બધાંનો ઉદ્દેશ “અમેરિકા તથા ઇઝરાયલના જોખમો સામે આ પ્રદેશનું રક્ષણ કરવાનો” છે.

અલી વાએઝ કહે છે, “ઈરાનની ખતરા વિશેની સૌથી મોટી ધારણા અમેરિકા સંબંધી છે અને એ પછી તરત જ ઇઝરાયલ છે. ઈરાન ઇઝરાયલને આ પ્રદેશમાં અમેરિકાનું સાથી માને છે. ઈરાનની લાંબી રમતે આ અતુલ્ય નેટવર્ક બનાવ્યું છે, જે તેને તેની સત્તા દર્શાવવામાં મદદ કરે છે.”

જોર્ડનમાં 28 જાન્યુઆરીએ કરવામાં આવેલા ડ્રોન હુમલામાં અમેરિકાના ત્રણ સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલામાં પોતાની સીધી સંડોવણીનો ઈરાને ઇનકાર કર્યો છે, પરંતુ ઈરાન સમર્થિત જૂથો સહિતનાં અનેક જૂથોના બનેલા ઇરાકમાંના 'ઇસ્લામિક રેઝિસ્ટન્સે' આ હુમલાની જવાબદારી લીધી છે.

ઇઝરાયલ પરના હમાસના સાતમી ઑક્ટોબરના હુમલાને પગલે ગાઝામાં યુદ્ધ શરૂ થયું છે અને એ હુમલા પછી આ પ્રદેશમાંનાં અમેરિકન દળો પર પહેલી વખત હુમલો કરવામાં આવ્યો છે. તેનો હેતુ અમેરિકાના પ્રમુખ જો બાઈડન પર વળતો પ્રહાર કરવા દબાણ લાવવાનો હતો.

અમેરિકા એક સપ્તાહ પછી ઈરાનિયન રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(આઈઆરજીસી)ના ક્વાડ ફૉર્સ તથા ઇરાક અને સીરિયામાં લડવૈયાઓ પર ત્રાટક્યું હતું. એ પછી અમેરિકા અને બ્રિટને યમનમાંના ઈરાન સમર્થિત હૂતીને સંયુક્ત રીતે નિશાન બનાવ્યા હતા.

ઈરાન ત્રણ દાયકાથી પણ વધુ સમય પહેલાં છેલ્લું સત્તાવાર યુદ્ધ લડ્યું હતું. તેમ છતાં તેનું નામ સંઘર્ષોમાં વારંવાર સંકળાતું રહે છે.

ઈરાન તેની સીધી સંડોવણીનો સતત ઇનકાર કરતું હોવા છતાં તહેરાન 45 વર્ષ પહેલાંની દેશની ક્રાંતિ પછી ચરમપંથી જૂથોને ટેકો આપતું રહ્યું છે. એ જૂથો 1980ના દાયકાની શરૂઆતથી દેશની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનાનો મહત્ત્વનો હિસ્સો બન્યાં છે.

ઈરાનનો ઇતિહાસ અને અમેરિકા સાથેનો સંબંધ

ઈરાનના પ્રાદેશિક દરજ્જા અને અમેરિકા સાથેના તેના તંગ સંબંધને સમજવામાં ઈરાનના આધુનિક ઇતિહાસની બે ઘટનાઓ મદદરૂપ થઈ શકે.

1979ની ક્રાંતિએ ઈરાનને પશ્ચિમથી વિંખૂટુ પાડી દીધું હતું.

ઈરાનની રાજધાની તહેરાનમાં લગભગ એક વર્ષથી બંધક બનાવવામાં આવેલા 52 અમેરિકન રાજદ્વારી અધિકારીઓને મુક્ત કરાવવા માટે વૉશિંગ્ટનમાં જીમી કાર્ટર વહીવટી તંત્ર તલપાપડ હતું અને ઈરાનને શિક્ષા કરવી જોઈએ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડી દેવું જોઈએ તેવો મત પ્રવર્તતો હતો.

તેને પગલે અમેરિકા અને પશ્ચિમના સાથી દેશો ઇરાકની તરફેણ કરવા લાગ્યા હતા. ઇરાકમાં એ વખતે, 1979થી 2003 સુધી સદ્દામ હુસૈનનું શાસન હતું.

એ પછી ઇરાક અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું તથા તે 1980થી 1988 સુધી ચાલ્યું હતું.

ઇરાક અને ઈરાન બન્ને યુદ્ધવિરામ માટે સહમત થવાની સાથે તેનો અંત આવ્યો હતો, પરંત બન્ને દેશોમાં મોટા પાયે ખુવારી થઈ હતી. લગભગ 10 લાખ લોકો માર્યા ગયા હતા અથવા ઘવાયા હતા અને ઈરાનનું અર્થતંત્ર ખેદાનમેદાન થઈ ગયું હતું.

તેના પરિણામે ઈરાનના ટોચના અધિકારીઓમાં એવો વિચાર આકાર પામ્યો હતો કે તહેરાને બૅલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ અને પ્રોક્સી નેટવર્કના વિકાસ સહિતનાં વિવિધ માધ્યમો મારફત ભવિષ્યમાં કોઈ પણ આક્રમણને ખાળવા સક્ષમ બનવું જરૂરી છે.

એ પછી અમેરિકાના વડપણ હેઠળ અફઘાનિસ્તાન (2001) અને ઇરાક (2003) પર કરવામાં આવેલા આક્રમણ તેમજ સમગ્ર આરબ વિશ્વમાં 2011 પછી થયેલા વિવિધ બળવાને લીધે ઉપરોક્ત વિચાર દૃઢ બન્યો હતો.

ઈરાન શું ઇચ્છે છે અને શા માટે?

લશ્કરી દૃષ્ટિએ અમેરિકા કરતાં ઈરાનને ઘણું નબળુ ગણવામાં આવે છે. તેથી અનેક નિષ્ણાતો માને છે કે અન્યોને ડરાવવાની આ કથિત વ્યૂહરચના ઈરાનના શાસનના અસ્તિત્વ માટે ચાવીરૂપ છે.

મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતેના ઈરાન પ્રોગ્રામના સ્થાપક ડિરેક્ટર ઍલેક્સ વટાંકા કહે છે, “ઈરાન માટે અમેરિકા સાથે યુદ્ધ કરવું એ છેલ્લો વિકલ્પ છે અને પ્રતિકારની ધરી પણ એ જ ઇચ્છે છે.”

તેઓ ઉમેરે છે, “ઈરાન અમેરિકાને મધ્ય પૂર્વની બહાર જવાની ફરજ પાડવા ઈચ્છે છે. આ બીજા પક્ષને થકવી દેવાની લાંબા ગાળાની વ્યૂહરચના છે.”

બ્રિટનની સસેક્સ યુનિવર્સિટીના કામરાન માર્ટિન આ વાત સાથે સહમત થાય છે અને દલીલ કરે છે કે ઈરાન વૈશ્વિક સ્તરે શક્તિશાળી ખેલાડી બનવા ઇચ્છે છે.

આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષયના વરિષ્ઠ વ્યાખ્યાતા કામરાન માર્ટિન કહે છે, “પર્શિયા તરીકે ઓળખાતા પ્રાચીન ઈરાનનો ભવ્ય ભૂતકાળ હતો અને તે 12 સદી સુધી પશ્ચિમ એશિયામાં પ્રભાવશાળી રાષ્ટ્ર હતું.”

તેઓ ઉમેરે છે, “ઈરાન માને છે કે તે આ પ્રદેશમાં અને વૈશ્વિક બાબતોમાં નોંધપાત્ર ભૂમિકાનું હકદાર છે. તેની ફારસી કળા અને સાહિત્યની સમૃદ્ધ સંસ્કૃતિ ઈરાન એક મહાન દેશ તથા શક્તિ હોવાની તેની ધારણાને બળવત્તર બનાવે છે.”

ઈરાન પાસે કેટલું નિયંત્રણ છે?

રાજકીય કર્મશીલ અને બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં ઈરાની વિદ્વાન યાસ્મિન માથેર દલીલ કરે છે કે ઈરાનનો તેને મળતિયાઓ પર ખાસ કોઈ અંકુશ નથી.

રાતા સમુદ્રમાં જહાજો પર હુમલો કરતા યમનમાંના હૂતી જૂથનો દાખલો આપતાં માથેર કહે છે, “હૂતીઓ ઈરાનના આદેશને અનુસરતા નથી. તેમનો પોતાનો ઍજૅન્ડા પ્રદેશમાં એક શક્તિશાળી જૂથ તરીકે ઊભરવાનો છે, ઈરાનના મળતિયા તરીકે નહીં.”

ક્રાઇસિસ ગ્રુપના અલી વાએઝ આ વાત સાથે સંમત થતાં કહે છે, “પોતાની પ્રાદેશિક નીતિને અન્યો મારફત આગળ ધપાવતા ઈરાન જેવા દેશની સમસ્યા એ છે કે નેટવર્ક પર તેનું સંપૂર્ણ નિયંત્રણ નથી.”

ઈરાનની શક્તિને વધુ પડતી આંકવામાં આવી રહી હોવાનું માનતા વાએઝ ઉમેરે છે, “ઈરાન સમગ્ર પ્રદેશમાં ચાલતા ખેલનું માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવે છે, પરંતુ ઈરાન અને તેના સાથીઓ એકેય મહત્ત્વનું વ્યુહાત્મક લક્ષ્યાંક હાંસલ કરી શક્યા નથી. તેમાં ઇઝરાયલને ગાઝામાં યુદ્ધવિરામ માટે રાજી કરવાથી માંડીને પ્રદેશમાંથી અમેરિકાને દૂર કરવા સુધીની બાબતોનો સમાવેશ થાય છે.”

જોકે, ઈરાન પાસે પોતાનો અણુકાર્યક્રમ જરૂર છે. એ સંદર્ભે વાએઝ એવી દલીલ કરે છે કે “તે કાર્યક્રમ પાછલાં 20 વર્ષ કરતાં હવે ઘણો આગળ વધી ગયો છે અને તે ઈરાન તેના મળતિયાઓ અને ભાગીદારોના નેટવર્ક સાથે મળીને જે કરી રહ્યું છે તેના કરતાં ઇઝરાયલ અને પશ્ચિમ માટે વધુ મોટી સમસ્યાનું કારણ બની શકે છે.”

‘ત્રીજું વિશ્વ યુદ્ધ?’

સમગ્ર પ્રદેશમાં હુમલાઓ વધી રહ્યા છે તેમ-તેમ ‘વર્લ્ડ વોર થ્રી’ વાક્યાંશ સાથે ઇન્ટરનેટ પર સર્ચનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

ઍલેક્સ વટાંકાના કહેવા મુજબ, ઈરાને સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ, કારણ કે તાજેતરનાં વર્ષોમાં તેના શાસન વિરુદ્ધ મહિલાઓનાં અભૂતપૂર્વ વિરોધપ્રદર્શનો પછી તેણે પોતાની સીમામાં પણ દબાણનો સામનો કરવો પડે છે.

તેઓ કહે છે, “તહેરાનની સરકાર પ્રદેશમાં જે કરી રહી છે તેમાં ઈરાનના અત્યંત ક્રોધિત નાગરિકોને કશું અર્થપૂર્ણ જણાતું નથી.”

પશ્ચિમ પણ ઈરાન સાથે યુદ્ધ ઇચ્છતું નથી, તેવી દલીલ યુરોપિયન કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્શ ખાતેના મિડલ ઇસ્ટ ઍન્ડ નોર્થ આફ્રિકા પ્રોગ્રામના નાયબ વડા એલી ગેરાનમાયેહ કહે છે.

તેઓ કહે છે, “ચૂંટણી આવી રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખને યુદ્ધ કરવું પાલવે તેમ નથી. ગાઝામાંની પોતાની કામગીરીને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની સ્થિતિ અત્યંત દયનીય છે એ ઇઝરાયલ જાણતું હોવાથી તેને પણ યુદ્ધ કરવું પોસાય તેમ નથી.”

મોટા ભાગના નિષ્ણાતોની માફક ગેરાનમાયેહ પણ એ વાત સાથે સહમત થાય છે કે પૂર્ણ કક્ષાનું યુદ્ધ બન્નેમાંથી એકેય પક્ષના ઍજૅન્ડા પર નથી.

એલી કહે છે, “અમેરિકા અને ઈરાન એકમેક પર હુમલા કરવા પ્રાદેશિક ખેલાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. સીધું ઘર્ષણ બન્નેમાંથી એકેયને પાલવે તેમ ન હોવાથી તેમજ તેનું પરિણામ ખતરનાક હોવાથી બન્ને એક હાથ પાછળ હેતુપૂર્વક બાંધીને લડી રહ્યા છે.”

ગેરાનમાયેહ છેલ્લા એક દાયકાને “ખતરનાક, તરલ અને અરાજક” ગણાવતા ચેતવણી આપે છે, “ગંભીર મુત્સદ્દીગીરી વિના વૉશિંગ્ટન તથા તહેરાન એકમેકને લશ્કરી અથડામણની સ્થિતિમાં લાવશે અને બેમાંથી એક દેશ સાવધ અને નિયંત્રિત નહીં રહે તો પરિસ્થિતિ વધારે વણસી શકે છે.”