ટ્રમ્પને હુમલાને કારણે બાઇડન સામે ચૂંટણીજંગમાં કેટલો ફાયદો થશે?

    • લેેખક, ઍન્થોની જર્ચર
    • પદ, બીબીસીના ઉત્તર અમેરિકા સંવાદદાતા

અમેરિકામાં જ્યારે પણ 2024ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીની વાત થશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની એ તસવીરનો ઉલ્લેખ જરૂર થશે કે જેમાં તેઓ ગોળીબાર થયા બાદ કાનથી ચહેરા તરફ વહી રહેલા લોહી સાથે મજબૂતીથી મુઠ્ઠી વાળીને હાથ બતાવી રહ્યા હતા અને તેમની પાછળ અમેરિકાનો ધ્વજ લહેરાઈ રહ્યો હતો.

ટ્રમ્પના સમર્થકો થોડા સમય પહેલાં કદાચ થોડી આશંકામાં કે સ્તબ્ધતામાં હશે, પરંતુ થોડીવારમાં જ ટ્રમ્પે ઉચ્ચારેલા ત્રણ શબ્દો સાંભળતા જ તેઓ રોમાંચિત થઈ જાય છે અને એ શબ્દો હતા- “ફાઇટ, ફાઇટ અને ફાઇટ.”

પેન્સિલ્વેનિયામાં જે બન્યું તેણે અમેરિકી જનમાનસની ચેતના પર એક અમીટ છાપ છોડી છે. કારણકે રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે જોડાયેલા પ્રચાર દરમિયાન આ ઘટનાક્રમ એવી જગ્યાએ બન્યો હતો કે જ્યાં સિક્રેટ સર્વિસના એજન્ટ્સની હાજરીમાં સુરક્ષાની જબરદસ્ત વ્યવસ્થા હતી.

આ ઘટનાથી અમેરિકી જનમાનસમાં એવો સંદેશ ગયો કે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હુમલાથી બચી શકતા નથી. તો આવી હિંસા તો રોજબરોજના જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે.

હિંસા સામે બાઇડનની અપીલ

હુમલાના બીજા દિવસે ઓવલ ઑફિસથી કરેલા તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ જૉ બાઇડને અમેરિકાના લોકોને કહ્યું કે તેઓ ચૂંટણીની ચર્ચાઓ દરમિયાન તેમનો પિત્તો ન ગુમાવે.

તેમણે કહ્યું, “આ ક્યારેય જંગનું મેદાન ન બનવું જોઈએ. આપણે ક્યારેય હિંસાનો સહારો ન લેવો જોઇએ.”

એ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના અનેક નેતાઓએ ડેમૉક્રેટ્સ અને રાષ્ટ્રપતિ જૉ બાઇડનની ટીકા પણ કરી છે. તેમનું કહેવું છે કે “માહોલ જ એવો બનાવવામાં આવ્યો કે જેનાથી હિંસા થઈ.”

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ડેમૉક્રેટ્સને આડેહાથ લેતાં રવિવારે એક ટીવી ડિબેટમાં કહ્યું, “આ લગભગ એવું જ છે જેવું એ લોકો જોવા માંગતા હતા.”

જોકે, હજુ સુધી એ ખ્યાલ નથી આવ્યો કે કથિત હત્યારો થૉમસ મૅથ્યૂ ક્રુક્સનો રાજકીય ઝુકાવ કઈ તરફ રહ્યો હતો અને તેનો હેતુ શું હતો?

યુએસ કૅપિટલ હિંસાનો હવાલો

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ત્યાં સુધી કહ્યું કે વૉશિંગ્ટનમાં યુએસ કૅપિટલ હિંસાની ઘટના માટે હવે કોઇએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આંગળી ન ચીંધવી જોઇએ.

1 જાન્યુઆરી, 2020માં આ હિંસક ઘટનાક્રમ ત્યારે બન્યો હતો કે જ્યારે ચૂંટણી પરિણામોને પડકારતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક રેલીને સંબોધિત કરી હતી. ત્યારબાદ તેમના સમર્થકોની ભીડે કૅપિટલ હિલ વિસ્તાર પર હુમલો કરી દીધો હતો અને એ દરમિયાન પોલીસ સાથે તેમની અથડામણ પણ થઈ હતી.

આ ઘટનાક્રમનું પરિણામ એ આવ્યું કે પ્રતિનિધિ સભામાં તેમની સામે મહાભિયોગ ચલાવવામાં આવ્યો, જેના એક વર્ષ પછી તેમની સામે કાયદાકીય કાર્યવાહી વધતી ગઈ.

યુએસ કૅપિટલ હિંસા મામલામાં ડૅમોક્રેટ્સ, ડોનાલ્ડ ટ્રમ્પની નિંદા કરતાં રહે છે. પરંતુ પેન્સિલ્વેનિયામાં જે રીતે ગોળીબાર થયો, તેનાથી રાષ્ટ્રપતિ ચૂંટણીપ્રચાર દરમિયાન ડેમૉક્રેટ્સની એ ટીકાનો પ્રભાવ ઓછો થઈ શકે છે.

પેન્સિલ્વેનિયામાં બનેલા ઘટનાક્રમને કારણે એક અલગ પ્રકારના રાજકારણનો પ્રભાવ વધી શકે છે. ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લોકોને સંબોધીને એવું કહેવામાં આવી રહ્યું છે કે, “તેઓ મારી પાછળ નથી પડ્યા, તેઓ તમારી પાછળ પડ્યા છે.”

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

બાઇડનની વધતી મુશ્કેલીઓ

અમેરિકામાં ચૂંટણીના રાજકારણ વચ્ચે આ ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે કે જ્યારે પહેલેથી જ બાઇડન માટે તેમની ઉંમર એક મોટી મુશ્કેલી બની રહી હતી.

તેનાથી બાઇડન સમર્થક ડેમૉક્રેટ્સ પણ બાઇડન ફરીથી ચૂંટાઈ આવશે કે કેમ એ અંગે શંકા ધરાવે છે. બે અઠવાડિયા પહેલાં જ પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન બાઇડનનું 'ખરાબ પ્રદર્શન' ચર્ચામાં રહ્યું હતું.

બીજી તરફ પેન્સિલ્વેનિયામાં થયેલો હુમલો અને ત્યારબાદ ટ્રમ્પ જે રીતે સામે આવ્યા, તેના કારણે રિપબ્લિકન્સ આવનારા સમયમાં પોતાના નેતાની એક અલગ જ તસવીર રજૂ કરી શકે છે.

તેના કારણે ડેમૉક્રેટ્સ પણ તેમની રણનીતિમાં બદલાવ કરવો પડશે તેવું મનાઈ રહ્યું છે.

પેન્સિલ્વેનિયામાં ગત શનિવારે રાત્રે જે બન્યું તેનાથી એક વાત સ્પષ્ટપણે સમજાય છે કે આશાઓ અને ‘પૉલિટિકલ નેરેટિવ’ એ સેકન્ડ્સમાં જ બદલાઈ શકે છે.