કૅનેડા જો એક નિર્ણય નહીં બદલે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓએ ભારત પરત ફરવું પડશે

    • લેેખક, સરબજીતસિંહ ધાલીવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ભારતમાં રહીને કૅનેડા વિશે મેં જે કંઈ વિચાર્યું હતું તેવું કશું નથી બન્યું. અહીં આવીને બધું તદ્દન વિપરીત થયું છે. અહીં સંઘર્ષ અને તણાવ છે."

આ શબ્દો કૅનેડામાં વસતા જસનપ્રિતસિંહના છે. જેમની કૅનેડા પૉસ્ટ ગ્રૅજ્યુએટ વર્ક પરમિટની મુદ્દત પૂર્ણ થવામાં છે, જેના કારણે તેઓ ચિંતિત છે.

ભારતમાં ધો. 12ની પરીક્ષા પાસ કરીને આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાં લઈને જસનપ્રિતસિંહ વર્ષ 2019માં કૅનેડા આવ્યા હતા. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને ત્રણ વર્ષ માટેની પૉસ્ટ-ગ્રૅજ્યુએટ વર્ક પરમિટ મળી હતી.

જસનપ્રિતસિંહની પીઆર (કાયમી નિવાસ) અંગેની અરજીનો નિર્ણય થવાનો બાકી છે, જેના કારણે તેઓ ચિંતિત છે.

પીએનપીનો પેચ

ખેડૂત પરિવારમાં જન્મેલા જસનપ્રિતસિંહે કૅનેડાના વિનિપૅગથી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેમણે ઑન્ટારિયોની કિચનૅર કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે. કાયમી નાગરિકત્વ મળી શકે તે માટે વર્ષ 2022માં તેઓ વિનિપૅગ આવી ગયા.

અહીં એક વર્ષ સુધી કામ કર્યા બાદ તેમણે પીએનપી (પ્રૉવિન્શલ નૉમિનેશન પ્રૉગ્રામ) હેઠળ કાયમી નાગરિકત્વ માટેની અરજી કરી, જે વિચારાધીન છે. જસનપ્રિતસિંહને આશા છે કે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની જેમ પીએનપીનો કાર્યક્રમ તેમને પણ કૅનેડાનું કાયમી નાગરિકત્વ અપાવવામાં મદદરૂપ થશે. આ સિવાય ઍક્સપ્રેસ ઍન્ટ્રીથી કૅનેડાનું નાગરિકત્વ મળે છે.

જસનપ્રિતસિંહનું કહેવું છે, "મારી કામ કરવાની પરમિટની મુદ્દત પૂરી થઈ ગઈ છે અને કાયમી નાગરિકત્વ માટેની અરજી પૅન્ડિંગ છે, એટલે મને મારા ભવિષ્યની ચિંતા થાય છે."

આઈસીઈએફ મૉનિટર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિકક્ષેત્રની ઉપર નજર રાખતી સંસ્થા છે. તેના અભ્યાસ પ્રમાણે, કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં જંગી વધારો થયો છે.

સંસ્થાના આંકડા પ્રમાણે, 10 લાખ 40 હજાર 985 વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટને આધારે કૅનેડામાં પ્રવેશ લીધો. જે વર્ષ 2022ના આંકડા કરતાં 29 ટકાની વૃદ્ધિ સૂચવે છે.

કૅનેડા દ્વારા છ મહિનાથી વધુ મુદ્દતના કૉર્ષ તથા સ્નાત્તકોત્તર અભ્યાસ માટે સ્ટડી પરમિટ આપવામાં આવે છે. આઈસીએફના ડેટા પ્રમાણે, અભ્યાસ માટે કૅનેડા જનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અડધોઅડધ ભારત તથા ચીનના છે. ફિલિપિન્સ, નાઇજિરિયા તથા ફ્રાન્સ એ પછીના ક્રમે આવે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કૅનેડા સરકાર વર્ક પરમિટ નહીં લંબાવવાનો તેનો નિર્ણય બદલશે નહીં તો ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી શકે છે, જેઓ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓની વેદના

કૅનાડા વિનિપૅગમાં રહેતાં જસનપ્રિતસિંહ જેવા ચીન-દક્ષિણ એશિયાના અનેક યુવાનો આ રેલીમાં જોડાયા હતા. તેમણે કૅનેડાની કેન્દ્રીય તથા પ્રાંતીય સરકાર સમક્ષ માગ કરી હતી કે જેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ ગઈ છે, તેમની મુદ્દત લંબાવી દેવામાં આવે. આ સિવાય પણ તેમણે કેટલીક રજૂઆતો કરી હતી.

જસનપ્રિતસિંહ જેવા યુવાનોએ 'ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઍન્ડ સ્કિલ્ડ વર્કર યુનિયન'ની સ્થાપના કરી છે અને તેના નેજા હેઠળ તેમણે વર્ક પરમિટની મુદ્દત લંબાવવા માટેની ચળવળ હાથ ધરી છે.

જસનપ્રિતસિંહનું કહેવું છે કે કૅનેડાની પ્રાંતીય તથા કેન્દ્રીય સરકારોએ ચૂપચાપ તેના નિયમો બદલી નાખ્યા છે, જેના કારણે તેમના જેવા હજારો યુવાનોનું કૅનેડામાં સ્થાયી થવાનું સપનું રોળાય જાય તેમ છે અને તેમણે કૅનેડા છોડવું પડી શકે છે.

લૅબર માર્કૅટ ઇમ્પૅક્ટ ઍસેસમૅન્ટ (એલએમઆઈએ) જેવા વિકલ્પ છે, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે. એલએમઆઈએ હેઠળ નોકરીદાતા કોઈપણ વિદેશી નાગરિકને નોકરીએ રાખી શકે છે, પરંતુ એ પહેલાં તેણે એ વાત પુરવાર કરવી પડે છે કે કોઈ કૅનેડાવાસી આ કામ કરવા માટે કાબેલ નથી. આનું આકલન કૅનેડા ઍમ્પલોયમૅન્ટ ઍન્ડ સોશિયલ ડેવલ્પમૅન્ટ દ્વારા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19ની મહામારી દરમિયાન કૅનેડાની સરકારે પૉસ્ટ-ગ્રૅજ્યુએટ વર્ક પરમિટની મુદ્દત દોઢ વર્ષ માટે લંબાવી આપી હતી. આ મહેતલને ગત વર્ષે રદ્દ કરી દેવામાં આવી હતી.

અલગ વ્યવસાય, એક વ્યથા

મનદીપસિંહ ભુલ્લર વ્યવસાયે ટ્રક ડ્રાઇવર છે અને વિનિપૅગમાં જસનપ્રિતસિંહ જેવી સ્થિતિનો જ સામનો કરી રહ્યા છે. તેમની વર્ક પરમિટ આગામી સમયમાં સમાપ્ત થવાની છે, એટલે તેઓ પોતાના ભવિષ્ય વિશે ચિંતિત છે.

મનદીપસિંહના કહેવા પ્રમાણે, તેઓ છેલ્લા સાત વર્ષથી કૅનેડામાં રહે છે અને લાખો રૂપિયા ખર્ચ્યા છે, છતાં તેમને પોતાનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે.

તેમનું કહેવું છે, "તેમની જેમ વિદ્યાર્થીઓ પણ ભારત પરત ફરી શકે તેમ નથી. ભણતરની ફી, કર તથા અન્ય ખર્ચાઓને કારણે તેઓ ભારે દેવાના દબાણ હેઠળ આવી ગયા છે."

ઑન્ટારિયોના બ્રામ્પ્ટનમાં રહેતા બિક્રમસિંહ પણ તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. તેમની ત્રણ વર્ષની પોસ્ટ-ગ્રૅજ્યુએટ વર્ક પરમિટની મુદ્દત પૂરી થવાને આરે છે.

બિક્રમસિંહ કહે છે, "લાખો રૂપિયા ખર્ચીને વર્ષ 2019માં હું અહીં આવ્યો હતો. ભણતર પૂર્ણ કર્યું, ટૅક્સ ભર્યો અને પીઆર માટે અરજી કરી, પરંતુ હવે શું થશે તેની કંઈ ખબર નથી."

બિક્રમસિંહ 'નવજવાન સપૉર્ટ નૅટવર્ક' સાથે જોડાયેલા છે, જે કૅનેડામાં વિદ્યાર્થીઓના શોષણ સામે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. બિક્રમસિંહનું કહેવું છે કે ગત અઠવાડિયે તેમણે બ્રામ્પ્ટનમાં એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠી થયા હતા, જેમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ પરમિટધારક સામેલ હતા.

ચિંતાતુર વિદ્યાર્થીઓ અને કામદારોએ કૅનેડાના રાજનેતાઓનો પણ સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી ક્યાંયથી પણ તેમને કોઈ ખાતરી નથી મળી.

બિક્રમસિંહના કહેવા પ્રમાણે, કૅનેડામાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ તથા સરકારની નીતિઓ સામે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં કૅનેડાભરમાં દેખાવો યોજાશે.

બિક્રમસિંહના કહેવા પ્રમાણે, પહેલાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની વર્ક પરમિટ દરમિયાન જ પીઆર મળી જતું, પરંતુ હવે એવું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી કૅનેડાએ લાખોની સંખ્યામાં ભણવા માટે પરમિટ આપી છે, પરંતુ પીઆરનો ક્વૉટા નથી વધાર્યો, જેના કારણે પીઆર મેળવવામાં મોડું થાય છે.

દેશનિકાલની તલવાર

જે યુવાનોની વર્ક પરમિટ ટૂંક સમયમાં પૂરી થવામાં છે, તેમની ઉપર દેશનિકાલની તલવાર લટકી રહી છે. બિક્રમસિંહના કહેવા પ્રમાણે, જો સરકાર દ્વારા પોસ્ટ-ગ્રૅજ્યુએટ પરમિટધારકોના રહેવાની મુદત વધારવામાં નહીં આવે તો તેમના જેવા હજારો કામદારો પાસે બહુ થોડા વિકલ્પ રહેશે.

તેઓ કહે છે, "આ સંજોગોમાં કેટલાક લોકો રાજ્યાશ્રય માટે અરજી કરશે, તો કેટલાક એલએમઆઈએ ફાઇલ મૂકશે. આ સંજોગોમાં તેમનું આર્થિક અને માનસિક શોષણ થશે."

બિક્રમસિંહના કહેવા પ્રમાણે, ત્રીજો રસ્તો કૅનેડામાં ગેરકાયદેસર રીતે રહેવાનો હશે. તેઓ ઉમેરે છે કે પહેલાંથી જ કૅનેડામાં કામ મેળવવાની સમસ્યા હતી. હવે તેમની સામે વર્ક પરમિટની મુદત લંબાવવાનો પડકાર છે.

નિષ્ણાતની વાત

કંવર સુમિત સિંહ સેરા કૅનેડામાં ઇમિગ્રૅશન ઍક્સ્પર્ટ છે. તેમના કહેવા પ્રમાણે, માર્ચ-2024માં તેમણે કૅનેડાની સંસદમાં અરજી કરીને પૉસ્ટ-ગ્રૅજ્યુએટોની વર્ક પરમિટને ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરી આપવા માટે રજૂઆત કરી હતી, પરંતુ સરકાર આ મુદ્દે મૌન છે.

તેમના કહેવા પ્રમાણે, ડિસેમ્બર-2024માં એક લાખ કરતાં વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટ પૂરી થઈ રહી છે, છતાં તેમના ભવિષ્ય વિશે કોઈ ચર્ચા નથી કરી રહ્યું. "આ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓના અણસાર વર્ષ 2022-23થી જ આવવા લાગ્યા હતા.

કંવર સુમિતસિંહ શેરાના કહેવા પ્રમાણે, "વર્ષ 2023માં કૅનેડાએ 10 લાખ વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપી, પરંતુ તેની સરખામણીમાં ઘર કે પીઆર ક્વૉટામાં વૃદ્ધિ ન કરી, જેનું પરિણામ આજે બધાં જોઈ રહ્યાં છે."

મોટાભાગના વિદ્યાર્થીઓ કૅનેડાનું નાગરિકત્વ મેળવવાના સપના સાથે અહીં આવ્યા હતા, એટલે આજે તેઓ રસ્તા ઉપર ઉતરીને સરકારને પોતાની નીતિઓ ઉપર ફરી વિચાર કરવા માટે અરજ કરી રહ્યા છે.

કૅનેડાએ વર્ષ 2024માં ચાર લાખ 85 હજાર તથા વર્ષ 2025માં પાંચ લાખ લોકોને કાયમી નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે.

કંવર સુમિતસિંહના કહેવા પ્રમાણે, પાંચ લાખમાંથી ત્રણ લાખ નાગરિકત્વનો ક્વૉટા 'ઇકૉનૉમી પ્રૉગ્રામ' હેઠળ રાખવામાં આવ્યો છે. જે હેઠળ કૅનેડા તથા વિશ્વભરમાં અભ્યાસ કરતા ડૉક્ટરો, એંજિનિયરો તથા વિદ્યાર્થીઓ અરજી કરીને પીઆર મેળવી શકે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, વિદ્યાર્થીઓ પાસે એલએમઆઈએ, વિઝિટર વિઝા તથા વધુ અભ્યાસ જેવા વિકલ્પ છે, પરંતુ તેની પણ પોતાની સમસ્યાઓ છે.

સરકાર શાંત, વિદ્યાર્થી વ્યથિત

મે-2024માં માનિતોબા પ્રાંતની સરકારે સંઘીય(કેન્દ્ર) સરકારને અરજી કરી હતી એ પછી તેણે લગભગ છ હજાર 700 કામદારોની અરજીને મંજૂરી આપીને તેમની પરમિટ બે વર્ષ માટે લંબાવી આપી હતી. એની સામે હજારો લોકોની પરમિટની મુદત પૂરી થવામાં છે.

તા. પહેલી મે, 2024ના કૅનેડાની સંસદમાં દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કૅનેડાના ઇમિગ્રેશન વિભાગે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી અભ્યાસ બાદ ત્રણ વર્ષ સુધી કામ કરવાની પરમિટ મળે છે, પરંતુ કોરોનાકાળ દરમિયાન કૅનેડાના શ્રમબજારમાં કામદારોની અછત હતી, એટલે આ કાર્યક્રમ હેઠળ આવેલાં વિદ્યાર્થીઓને વધુ 18 મહિના રહેવાની છૂટ આપવામાં આવી હતી.

આ હંગામી નીતિ હતી અને તે ત્રણ વર્ષ સુધી લાગુ રહી. સરકારે તેને ગત વર્ષે બંધ કરી દીધી.

જે વિદ્યાર્થીઓની વર્ક પરમિટ ચાલુ વર્ષે ઍક્સપાયર થાય છે, તેમણે કૅનેડામાં કામ કરવા માટે અલગથી અરજી કરવી પડશે અને તેના માટેની પાત્રતા ચકાસવામાં આવશે.

જાણકારોનું માનવું છે કે હાલ તો કૅનેડાની સરકાર ત્રણ વર્ષની મુદતને લંબાવવાના મૂડમાં હોય તેમ નથી જણાતું.