You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડામાં સ્ટાર્ટઅપ શરૂ કરી કાયમી વસવાટનો રસ્તો કઈ રીતે ખૂલી શકે?
- લેેખક, હર્ષ
- પદ, બીબીસી ગુજરાતી
કૅનેડાએ આ મહિને જ પોતાની વર્ક પરમિટ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. કોવિડ દરમિયાન શ્રમબજારમાં જરૂરિયાત ઊભી થવાને કારણે કૅનેડિયન ઑથૉરિટી દ્વારા કામચલાઉ ધોરણે વર્ક પરમિટ 18 મહિના વધારવાની જાહેરાત કરી હતી. જોકે, આ નિયમ જાન્યુઆરીથી રદ થઈ જશે.
જોકે, આ સાથે જ કૅનેડાએ સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામની જાહેરાત કરી છે.
જેને નિષ્ણાતો એક નવી ‘તક’ ગણાવી રહ્યા છે.
આ પ્રોગ્રામમાં મુખ્યત્વે એવા ઇમિગ્રન્ટોને લક્ષ્યમાં રાખી તૈયાર કરાયો છે, જેઓ કૅનેડામાં પોતાનો સ્ટાર્ટઅપ વિકસાવવાની કુશળતા ધરાવતા હોય.
આ પ્રોગ્રામની ખાસ વાત એ છે કે અરજદારને સ્ટાર્ટઅપની સાથોસાથ કૅનેડાનો કાયમી વસવાટનો પરવાનોય મળી જાય છે.
પરંતુ આ સ્ટાર્ટઅપની ગુણવત્તા ચકાસવા માટે પણ કેટલાંક ધારાધોરણ નક્કી કરાયાં છે.
જે અનુસાર આ સ્ટાર્ટઅપ કે બિઝનેસ ઇનૉવેટિવ હોવાની સાથોસાથ સ્થાનિકો માટે નવી નોકરીઓનું નિર્માણ કરી શકે એવો તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે એવો હોવો જાઈએ.
સ્ટાર્ટઅપ વિઝા માટે કોણ અરજી કરી શકે?
કૅનેડા સ્ટાર્ટઅપ વિઝા મેળવવા માટે અરજદારે ‘માન્ય બિઝનેસ’ વિકસાવેલો હોવો જોઈએ. આ માન્ય બિઝનેસમાં અરજદાર પાસે કંપની (કૉર્પોરેશન)ના કુલ શૅરના ઓછામાં ઓછા દસ ટકા કે તેથી વધુ વોટિંગ હક સહિતના શૅર હોવા જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રોગ્રામ અંતર્ગત વધુમાં વધુ પાંચ લોકો સ્ટાર્ટઅપ કે બિઝનેસ માલિક તરીકે અરજી કરી શકે.
સ્ટાર્ટઅપ વિઝા માટે અરજી કરવા માટે અરજદારે પોતાના ‘ક્વૉલિયાફાઇંગ સ્ટાર્ટઅપ’ને ‘નિયુક્ત સંસ્થા’ સામે રજૂ કરીને તેમનો ટેકો મેળવવાનો હોય છે.
પોતાના સ્ટાર્ટઅપના શૅરની સાથોસાથ વિઝા માટે અન્ય શરતો પૂરી કરવું પણ જરૂરી છે.
જેમાં અરજદારે બિઝનેસનું કૅનેડામાંથી સંચાલન કરવાનું હોય છે.
તેમજ બિઝનેસનો ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ કૅનેડામાં થતો હોવો જોઈએ.
આ સિવાય આ બિઝનેસ કૅનેડામાં હોવો જોઈએ.
આ પ્રોગ્રામ માટે નિયુક્ત સંસ્થા અંગેની વધુ જાણકારી તમે અહીં મેળવી શકો છો.
આ ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ અથવા બંને ભાષા પર પકડ અરજદારને કૅનેડામાં પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે મદદરૂપ થશે. સ્ટાર્ટઅપ વિઝા મેળવવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા કૅનેડાના ભાષાકીય બેન્ચમાર્ક 5 સુધી અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષામાં બોલતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ.
તેથી સ્ટાર્ટઅપ વિઝાના અરજદારે કૅનેડાની સરકારને પોતાની અને આશ્રિતોની આર્થિક જરૂરિયાતો પૂરતાં સંસાધનો હોવાના પુરાવા પૂરા પાડવા પડશે. આ સિવાય અરજદાર અન્ય વ્યક્તિ પાસેથી ઉછીઉધાર કરીને પણ નાણાંની વ્યવસ્થાન ન કરી શકે.
આ પ્રોગ્રામ અંગે વધુ માહિતી આપતાં બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં ઇમિગ્રેશનનાં નિષ્ણાત ડૉ. જુલી દેસાઈએ કહ્યું હતું કે, “સ્ટાર્ટઅપ વિઝા એ સામાન્ય વર્ક પરમિટ માટે મળતા વિઝાથી ખૂબ જ અલગ છે. સ્ટાર્ટઅપ વિઝાની યોજના માત્ર ઉદ્યોગસાહસિકોને કૅનેડા આકર્ષવા માટે બનાવાઈ છે.”
તેમણે આ યોજનાની મહત્ત્વપૂર્ણ બાબતો અંગે ધ્યાન દોરતાં કહ્યું હતું કે, “આ વિઝા મેળવવા માટે સૌથી મહત્ત્વનો માપદંડ છે એ છે કે અરજદારનો બિઝનેસ ઇનૉવેટિવ હોવો જોઈએ, જેના થકી કૅનેડામાં નવી નોકરીઓનું નિર્માણ થઈ શકે. આ વિઝા સામાન્ય બિઝનેસ કરતાં લોકો માટે નથી, પરંતુ એવા સ્ટાર્ટઅપ પ્લાન માટે છે જે વૈશ્વિક સ્તરે સ્પર્ઘા કરી શકે.”
આ પ્રોગ્રામ અંતર્ગત આર્થિક દૃષ્ટિએ પરિવારની દેખરેખ માટે જરૂરી નાણાકીય સંસાધનોનું પ્રમાણ પરિવારના કદ પર આધારિત છે.
જો એક જ વ્યક્તિ આ પ્રોગ્રામ અંતર્ગત કૅનેડા જવા માગતી હોય તો તેને 13,757 કૅનેડિયન ડૉલરની જરૂર પડે છે. કુટુંબના કદ અનુસાર આ રકમ વધે છે. તે અંગે તમામ વિગતો મેળવવા અહીં ક્લિક કરો.
ઉપરાંત કૅનેડિયન ઑથૉરિટી દર વર્ષે આ રકમમાં જરૂર પ્રમાણે ફેરફાર પણ કરે છે.
કૅનેડા દ્વારા માન્ય બિઝનેસ ગ્રૂપનો ટેકો અનિવાર્ય
આ ઉપરાંત અરજદારે કૅનેડા દ્વારા માન્ય બિઝનેસ ગ્રૂપ પાસેથી “લેટર ઑફ સપૉર્ટ” અથવા રોકાણ માટેની મંજૂરી મેળવવાનું પણ જરૂરી છે. આ માટે અરજદારે નિયુક્ત સંસ્થાનો સંપર્ક કરીને તેમને ખાતરી આપવાની રહેશે કે તેમનો સ્ટાર્ટઅપ આઇડીયા સમર્થન કરવા યોગ્ય છે.
અરજદારે જે તે નિયુક્ત સંસ્થાનો લેટર ઑફ સપૉર્ટ મેળવવા માટે તે સંસ્થા સાથે કરાર કરવો પડે છે. આ પત્ર એ એ વાતનો પુરાવો ગણાશે કે કેનેડા દ્વારા માન્ય વેન્ચર કૅપિટલ ફંડ, એન્જલ ઇન્વેસ્ટર ગ્રૂપ અથવા બિઝનેસ ઇન્ક્યુબેટર અરજદારના સ્ટાર્ટઅપ આઇડીયાનો સપૉર્ટ કરે છે.
આ ઉપરાંત આ માન્ય સંસ્થા કૅનેડાની સરકારને પણ એક ‘વચન પ્રમાણપત્ર’ સોંપશે. ત્યાર બાદ સરકાર બંને પત્રોની ચકાસણી કરીને વિઝાની અરજીનુ મૂલ્યાંકન કરશે. સરકાર વિઝાની અરજીના મૂલ્યાંકન માટે જરૂર પ્રમાણે સ્ટાર્ટઅપ વિશે વધુ માહિતી પણ માંગી શકે છે.
જો અરજદાર લેટર ઑફ સપૉર્ટ અથવા અન્ય જરૂરિયાત પૂરી ન કરે તો કૅનેડા સરકાર તેમની અરજી નકારી શકે છે.
ઇમિગ્રેશન વકીલ અને અજમેરા લૉ ગ્રૂપના સ્થાપક પ્રશાંત અજમેરાએ જણવ્યું, “તમારા સ્ટાર્ટઅપ પ્લાનને કૅનેડા દ્વારા માન્ય ઇનક્યુબેટરો, એન્જલ ઇન્વેસ્ટર અથવા વેન્ચર કૅપિટલનો સપૉર્ટ મળે એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત તમારા પાસે વિગતવાર બિઝનેસ પ્લાન તથા કૅનેડાની માર્કેટની સંપૂર્ણ જાણકારી હોય એ પણ જરૂરી છે.”
કૅનેડાના સ્ટાર્ટઅપ વિઝાના ફાયદા જણાવતાં અજમેરા કહે છે કે કૅનેડાએ શરૂ કર્યા પછી અનેક દેશોએ સ્ટાર્ટઅપ વિઝાની શરૂઆત કરી પરંતુ કૅનેડા એકમાત્ર એવો દેશ છે જ્યાં અરજદાર સ્ટાર્ટઅપ વિઝા થકી બિનશરતી કાયમી નિવાસી બની શકે છે. જ્યારે અન્ય દેશો માત્ર સ્ટાર્ટઅપ વર્ક પરમિટ આપે છે.
ભારત અને કૅનેડા વચ્ચે વણસેલા આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્ટાર્ટઅપ વિઝા માટે ભારતના લોકો દ્વારા કરવામાં આવતી અરજી પર કોઈ અસર પડશે ખરી? બીબીસી ગુજરાતીના આ સવાલનો જવાબ આપતાં અજમેરા કહે છે :
“જરાય નહીં. કૅનેડાનો ઇમિગ્રેશન વિભાગ એક સ્વતંત્ર સંસ્થા છે અને કેટલા ઇમિગ્રન્ટને દર વર્ષે કૅનેડામાં પ્રવેશ મળશે એનો ક્વોટા નક્કી છે. ભારત અને ચીનથી સૌથી વધારે ઇમિગ્રન્ટ આવે છે અને મારા મતે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આવેલા તણાવની આ અરજીઓ પર કોઈ અસર થશે નહીં.”