You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડા જવા જો IELTS અઘરી પડતી હોય તો એનાથી પણ સરળ પરીક્ષા PTE છે?
- લેેખક, ગુરજોતસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
દર વર્ષે ગુજરાતમાંથી ઘણા યુવાનો અભ્યાસ અર્થે કૅનેડા પહોંચે છે. પરંતુ કૅનેડા પહોંચવાનું અને ત્યાં જઈને ભણવાનું અને અભ્યાસની સાથોસાથ નોકરી કરીને ‘આર્થિક રીતે પગભર’ બનવાનું સપનું સાકાર કરવા માટે આ યુવાનોએ ઘરઆંગણે પ્રમાણસર ‘અઘરી’ મનાતી અંગ્રેજી ભાષાના જ્ઞાન અને સજ્જતા ચકાસવા માટેની IELTSની પરીક્ષા પાસ કરવાની હોય છે.
પાછલા ઘણા સમયથી કૅનેડા જવા માગતા યુવાનો માટે આ જ સ્થિતિ પ્રવર્તી રહી હતી. પરંતુ આ વર્ષે મે માસમાં તેમાં એક મહત્ત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. કૅનેડા સરકારે અંગ્રેજી ભાષાની સજ્જતા ચકાસવા માટેની માન્ય પરીક્ષાઓની યાદીમાં ઉમેરો કરીને તેમાં IELTSની સાથે PTE અને TOEFLનો સમાવેશ કર્યો છે.
આ પહેલાં કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓએ ‘ઇન્ટરનૅશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ’ એટલે કે IELTSની પરીક્ષા જ પાસ કરવી પડતી.
આ ક્ષેત્રમાં પાછલાં આઠ વર્ષથી કામ કરી રહેલા રવપ્રીતસિંહ કહે છે કે નિયમમાં આવેલા આ બદલાવ અગાઉ 100 પૈકી 90 વિદ્યાર્થીઓ IELTS કરતા જ્યારે માત્ર દસ ટકા જ PTE કરતા.
હવે તેમને લાગે છે કે આ બદલાવની સાથે આ વલણમાં પણ બદલાવ જોવા મળી શકે છે.
રવપ્રીતસિંહ અંગ્રેજીના શિક્ષક છે અને વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા માટે મદદરૂપ પુસ્તકો લખે છે.
આ અહેવાલમાં આપણે આ બંને પરીક્ષાઓ વચ્ચેનો ફરક સમજીશું.
IELTS અને PTEમાં શો ફરક છે?
અંગ્રેજીભાષી દેશો જેમ કે, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ જનારા વિદ્યાર્થીઓ આ બંને પરીક્ષા આપી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવપ્રીતસિંહ માહિતી આપતાં જણાવે છે કે IELTSની શરૂઆત 1980માં થઈ હતી, જ્યારે PTEની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. PTEએ ‘પીયર્સન ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ’નો એક ભાગ છે.
રવપ્રીતસિંહ પ્રમાણે, “IELTSમાં પાછલાં ઘણાં વર્ષોથી કોઈ બદલાવ નથી આવ્યો, કંઈક આવી જ સ્થિતિ કમ્પ્યૂટર ટેસ્ટમાં પણ છે, એમાં પણ વર્ષોથી કોઈ બદલાવ નથી આવ્યો.”
“આનાથી વિપરીત, PTE એ સંપૂર્ણપણે કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ છે, આમાં મશીન વિદ્યાર્થીની પરીક્ષા લે છે.”
જ્યારે IELTSમાં લેખિત અને મૌખિક પરીક્ષા શિક્ષક લે છે.
PTEની આધિકારિક વેબસાઇટ અનુસાર તેઓ વિદ્યાર્થીઓ ગુણ આપવા માટે મશીન સ્કોરિંગ અને આલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.
PTE ટેસ્ટ એ પરીક્ષા સેન્ટરમાં લેવાય છે. વિદ્યાર્થીએ આ ટેસ્ટ માટે કમ્પ્યૂટર સામે હેડસેટ પહેરીને બેસવાનું હોય છે અને આ પરીક્ષા આપવાની હોય છે.
પરીક્ષાના પરિણામના સમયગાળામાં અંતર
PTE ટેસ્ટ બે કલાકની હોય છે. જ્યારે IELTSની પરીક્ષા ત્રણ કલાક લાંબી હોય છે.
લેખિત IELTS ટેસ્ટનું પરિણામ આવવામાં લગભગ 13 દિવસ લાગે છે, જ્યારે કમ્પ્યૂટર આધારિત લેખિત ટેસ્ટનું પરિણામ પાંચ દિવસે આવે છે.
એની સામે PTE ટેસ્ટનું પરિણામ આવવામાં બે દિવસ જ લાગે છે.
“ઘણા લાંબા સમય સુધી, IELTS એ વિદ્યાર્થીઓ માટે એકમાત્ર વિકલ્પ હતો, પરંતુ હવે આ યાદીમાં PTE પણ છે. તેથી હવે તે માટે નવાં સેન્ટરો ખૂલી રહ્યાં છે.”
વિદ્યાર્થીઓ શું વિચારે છે?
રવપ્રીતસિંહ આજ દિન સુધી સેંકડો વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે. તેઓ કહે છે કે વિદ્યાર્થીઓને PTE IELTS કરતાં સરળ પડે છે.
તેમને લાગે છે કે PTEમાં તેમણે અન્ય લોકો સામે બોલવાનું નથી આવતું, તેથી તેઓ સારું પ્રદર્શન કરી શકે છે.
તેઓ કહે છે, “બંને પરીક્ષામાં સારા પ્રદર્શન માટે અંગ્રેજીનું સારું જ્ઞાન આવશ્યક છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓને લાગે છે કે પરીક્ષા સેન્ટરમાં જઈને સેંકડો વિદ્યાર્થીઓ સાથે IELTSની લેખિત અને મૌખિક પરીક્ષા આપવી અને એ પણ શિક્ષકો સામે એ માનસિક તાણ વધારે છે.”
તેમને લાગે છે કે PTEમાં સૉફ્ટવૅર સામે પરીક્ષા આપવી એ સરળ છે, પરંતુ એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે, જેઓ સારી રીતે ટાઇપિંગ નથી કરી શકતા, તેમજ અન્ય ટેકનિકોમાં તેમની ફાવટ નથી હોતી, જે કારણે તેઓ PTEથી દૂર ભાગે છે.
“જે વિદ્યાર્થી IELTSમાં નિષ્ફળ જાય છે તેઓ PTEમાં સારા પ્રદર્શનની આશા સાથે બેસે છે.”
રવપ્રીતસિંહ બંને પરીક્ષાનાં માળખાંમાં રહેલા ફરક વિશે વાત કરે છે. જેમકે IELTS મૌખિક, લેખિત, વાંચન અને સાંભળવાની પ્રક્રિયાઓની અલગ-અલગ પરીક્ષા કરાય છે, જ્યારે PTEમાં બધું એકસામટું હોય છે.
PTEમાં કુલ 20 પ્રશ્નો હોય છે, જેમાં વિદ્યાર્થીઓએ ‘ઉચ્ચારણ’, કન્ટેન્ટ, ભાષા પરની પકડ અને અન્ય માપદંડો પર ભાર મુકાય છે.
PTEમાં વાંચનની પરીક્ષા અડધા કલાકની હોય છે.
અમુક પ્રશ્નો ખૂબ સહેલા હોય છે, જ્યારે કેટલાક ખાલી જગ્યા પૂરવાના અને વૈકલ્પિક પ્રશ્નો હોય છે.
શિક્ષણની પદ્ધતિ પણ અલગ હોય છે
પાછલાં ચાર વર્ષોથી મોહાલી ખાતે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવતાં અંજલિ કહે છે કે, “સોફ્ટવૅરની મર્યાદાઓને કારણે ઘણા વિદ્યાર્થી PTEમાં સારું પ્રદર્શન કરે છે. અને એ પણ અંગ્રેજીના મર્યાદિત જ્ઞાન વગર.”
તેઓ કહે છે કે IELTS કરતાં PTEની તૈયારી ઓછા સમયમાં થાય છે.
PTE સંપૂર્ણપણે કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ હોવાના કારણે આ માટેની તૈયારી કરાવતી સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓની સુવિધા માટે જરૂરી બદલાવ લાવી રહી છે.
જોકે, રવપ્રીતસિંહ કહે છે કે આ બંને પરીક્ષાઓ અંગ્રેજીના મર્યાદિત જ્ઞાનવાળા વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગી શકે.
આ પરીક્ષા માટેનું પ્રથમ સોપાન વિદ્યાર્થીઓને પ્રથમ અંગ્રેજીનું શિક્ષણ આપવાનું છે.
વિદ્યાર્થીઓએ શું કરવું?
રવપ્રીતસિંહ સમજાવતાં કહે છે કે, “અંગ્રેજી શીખવા માટે મહાવરાની સાથોસાથ આસપાસ યોગ્ય વાતાવરણ રચવાની પણ જરૂરિયાત હોય છે. એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે PTE કે IELTS બંનેમાં પરીક્ષામાં સારું પ્રદર્શન નથી કરી શકતા.”
તેઓ કહે છે કે વારંવાર પરીક્ષા આપ્યા કરતાં વિદ્યાર્થીઓએ વધુ મહેનત પર ધ્યાન આપવું જોઈએ, જેથી તેમનું આત્મવિશ્વાસ વધે.
તેઓ પોતાના વિદ્યાર્થીઓને ઉદાહરણ સાથે સલાહ આપતાં કહે છે કે રોજ પોતાનું સુગર માપવાથી ડાયાબિટીસ નહીં ઘટે, પરંતુ જીવનશૈલીમાં બદલાવથી ઘટશે.
બંને પરીક્ષાની ફીની વાત કરીએ તો IELTS માટે 16,250 ચૂકવવા પડે છે જ્યારે PTEની ફી 15,900 છે.
નિયમોમાં શો બદલાવ છે?
મે માસમાં જાહેર કરાયેલા નિયમો પ્રમાણે 10 ઑગસ્ટ પહેલાં ‘SDS કૅટગરી’ સ્ટુડન્ટ વિઝા સાથે કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓ માટે IELTSમાં વાંચન, લેખન, મૌખિક અને સાંભળવાના કૌશલ્યમાં છ બેન્ડ મેળવવાનું આવશ્યક હતું.
નોંધનીય છે કે આ કૅટગરી અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા અન્ય કરતાં સરળ છે. તેમાં પેપરવર્ક ખૂબ ઓછું કરવું પડે છે.
કૅનેડાની ઑફિશિયલ વેબસાઇટ પ્રમાણે, “જો તમે સ્ટુડન્ટ વિઝા માટે ઑગસ્ટ 10 બાદ અરજી કરતા હો તો, IELTS અને PTE અને TOEFL (ટેસ્ટ ઑફ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ) માન્ય છે.”
10 ઑગસ્ટ બાદ SDS કૅટગરીમાં અરજી કરવા માટે IELTSમાં (શૈક્ષણિક) છ બૅન્ડ અને PTEમાં ઓછામાં 60 માર્ક મેળવવાનું જરૂરી રહેશે.