ગુજરાતીઓ સહિત 97,000 ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા પકડાયા, કઈ રીતે પહોંચે છે?

વર્ષ 2022-23માં એટલે કે ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં રેકર્ડ 96 હજાર 917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા છે.

સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમેરિકી કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગે જાહેર કરેલા તાજા આંકડાઓમાં આ વાત સામે આવી છે.

એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતા ભારતીયોમાં સતત વધારો થઈ રહ્યો છે.

2020-21માં આ આંકડો 30,662 હતો જ્યારે 2021-22માં એ આંકડો 63,927 હતો.

આ 97 હજાર ભારતીયોમાં મોટાભાગના લોકો ગુજરાત અને પંજાબના છે એ પણ સામે આવ્યું છે.

પકડાયેલા લોકોમાંથી 30 હજારથી વધુ કૅનેડાની બૉર્ડરેથી અને 41 હજારથી વધુ લોકો મેક્સિકોની સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પકડાયેલા લોકોમાં પરિવાર સાથે આવેલા કિશોરો, અપરિણીત વયસ્કો, એકલાં બાળકો પણ સામેલ છે.

પકડાયેલા આ લોકોમાં એકલા હોય તેવા વયસ્કોની સંખ્યા સૌથી વધુ છે અને 730 કિશોરો છે.

અમેરિકી સાંસદે શું કહ્યું?

આ મામલાની ચર્ચા અમેરિકી સેનેટમાં પણ થઈ હતી.

સેનેટર જૅમ્સ લૅન્કફોર્ડે 2 નવેમ્બરે અમેરિકી સેનેટમાં આ મામલે કહ્યું હતું કે, “પકડાયેલાં આ લોકોએ અમેરિકી સરહદ સુધી પહોંચવા માટે ચાર-ચાર ફ્લાઇટ બદલી છે. કેટલાક લોકો મેક્સિકો જવા માટે ફ્રાન્સ થઈને પણ આવ્યા હતા. ત્યાંથી તેઓ નજીકના ઍરપૉર્ટે પહોંચ્યા હતા અને પછી ત્યાંથી બસો ભાડે કરીને સરહદે પહોંચ્યા હતા.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ વર્ષ 2023માં જ ભારતના 45 હજારથી વધુ લોકો દક્ષિણી સરહદેથી અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા છે.”

અમેરિકામાં ઘૂસવા માટેની ‘થ્રી લૅયર ફોર્મૂલા’

ગુજરાત પોલીસે થોડા સમય પહેલા જ ‘ત્રણ સ્તરવાળા નેટવર્ક’નો પત્તો લગાવી ગુજરાતથી અનેક લોકોને અમેરિકા મોકલતી એક ગૅંગના કથિત મુખ્ય સૂત્રધાર ભરત પટેલ ઉર્ફે બૉબી પટેલ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ ધરપકડથી આ થ્રી લૅયર ફૉર્મ્યુલા સામે આવી છે.

પ્રથમ સ્તર – ગુજરાત

પોલીસે આપેલ માહિતી અનુસાર ગુજરાતના સ્તરે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માગતી વ્યક્તિ જો આરોપી બૉબીના માણસોનો સંપર્ક કરે તો તેના તમામ દસ્તાવેજો તૈયાર કરાય છે.

જો કોઈ વ્યક્તિ પાસે પાસપૉર્ટ હોય તો તેના આધારે બીજા દસ્તાવેજ બનાવાની તૈયારી કરવામાં આવે છે. અને જો પાસપૉર્ટ ન હોય તો તેવી વ્યક્તિ માટે પાસપૉર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

આ સ્તરે, કથિતપણે વ્યક્તિના યુરોપ અથવા કૅનેડાના વિઝા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં બૅંક ઍકાઉન્ટથી માંડીને આઇટી રિટર્ન કે પછી અમુક બનાવટી કંપનીના બનાવટી દસ્તાવેજો સહિતનાં કાગળો તૈયાર કરવામાં આવે છે.

કથિતપણે જ્યારે અમુક વ્યક્તિ બૉબી કે તેમના કોઈ સાગરિતને મળે તો પહેલાં તેમને કયાં દેશામાં વિઝિટર વિઝા મળી શકે તેની શક્યતા જોઈને તે પ્રમાણેનું ડૉક્યુમેન્ટેશન થતું હોય છે.

દ્વિતીય સ્તર – દિલ્હી

જ્યારે એક વખત તમામ ડૉક્યુમૅન્ટેશન થઈ જાય ત્યારે વિદેશમાં વિઝિટર વિઝા મેળવવા માટે જે તે વ્યક્તિને દિલ્હીમાં જે તે દેશના દૂતાવાસમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું રહે છે.

કથિતપણે આ વ્યવસ્થામાં દિલ્હી અને ત્યાર બાદની તમામ જવાબદારી દિલ્હીમાં રહેલી વ્યક્તિની હોય છે.

તૃતીય સ્તર – મૅક્સિકો

કથિતપણે શેન્જેન (યુરોપિયન યુનિયનના 22 દેશો માટે અપાતો વિઝા) વિઝા મેળવ્યા બાદ યુરોપના દેશોમાં આવી રીતે પહોંચેલ વ્યક્તિ છૂટથી ફરી શકે છે.

જો વિઝા ન હોય તો મૅક્સિકોમાં વિઝા-ઓન-અરાઇવલ વ્યવસ્થા થકી પણ પ્રવેશ કરી શકાય છે.

એટલે કે યુરોપના વિઝા મેળવીને અમેરિકાની બૉર્ડર સુધી સહેલાઈથી પહોંચી શકાય છે. દાખલા તરીકે ઑસ્ટ્રિયા, હંગેરી, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે જેવા દેશમાં વિઝિટર વિઝા મેળવ્યા બાદ, થોડા દિવસ સુધી ત્યાં રહ્યા બાદ, ગુજરાતથી ગેરકાયદેસર અમેરિકા જઈ રહેલા લોકો ઓન-અરાઇવલ વિઝાની મદદથી મૅક્સિકોમાં પ્રવેશ કરે છે.

આ ત્રીજા સ્તરના લોકોની જવાબદારી, ગુજરાતથી મૅક્સિકો પહોંચનારા લોકોને અમેરિકાની બૉર્ડરની પેલે પાર પહોંચાડવાની હોય છે.

અમેરિકામાં 'કબૂતરબાજી'થી ગેરકાયદેસર પ્રવેશ કેવી રીતે થાય છે?

ગમે તે ભોગે અમેરિકામાં પ્રવેશવા માટેના પ્રયાસો દાયકાઓથી થતા રહ્યા છે, છતાં 9/11ની ઘટના પછી અમેરિકાએ તેના ટુરિસ્ટ વિઝા, વર્કિંગ વિઝા અને નાગરિકત્વને લગતા કાયદા કડક કર્યા છે.

આ સિવાય ગેરકાયદેસર ઇમિગ્રન્ટની સમસ્યા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

અમેરિકા વસવા માગતા પંજાબી અને હરિયાણાવાસીઓમાં એક પ્રચલિત રૂટ કબૂતરબાજીનો છે.

સંદેશાવ્યવહાર માટે સદીઓથી ભારતમાં કબૂતરોનો ઉછેર થતો રહ્યો છે. કૌશલ્યવાન કબૂતરબાજ 'શાંતિદૂતો'ને પાળે છે, ઉછેરે છે અને તેમને ઊડવાની તાલીમ આપે છે.

તેના ઉપરથી આ શબ્દ પ્રચલિત બન્યો છે. ખેલકૂદ, પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કે ભજનિકોને સ્પૉર્ટ્સ ટુર્નામેન્ટ, મ્યુઝિક ટૂર કે ભક્તિસંગીતના નામે યુએસ જવા માગતા લોકોને લઈ જવામાં આવે છે.

એક વખત તેઓ કાયદેસર રીતે યુએસ પહોંચી જાય એટલે તેઓ પોતાના ઑરિજિનલ પાસપોર્ટનો નાશ કરી દે છે અને અમેરિકામાં ભળી જાય છે.

એ પછી આયોજક દ્વારા ઔપચારિક રીતે સ્થાનિક તંત્રને તેના વિશે જાણ પણ કરવામાં આવે છે.

ઘણી વખત આયોજકો પણ 'કબૂતર' વિશે જાણતા હોય છે, છતાં તેઓ આંખ આડા કાન કરતા હોય છે.

જ્યારે કોઈ ભારતીય ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવામાં સફળ થાય, તે પોતાના રાજ્યના કે સમાજ (કે જ્ઞાતિ), ગામના કાયદેસર રીતે નિવાસ કરતા લોકોનો સંપર્ક કરે છે, જે તેના માટે રહેવા, કામ-ધંધા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપવામાં મદદ કરે છે.

જોકે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે 'કબૂતરબાજી' ગુજરાતીઓ કરતાં પંજાબ અને હરિયાણાના લોકોમાં પ્રચલિત છે.

તાજેતરમાં પંજાબી ગાયક દલેર મહેંદીની લગભગ 19 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે કેસ પણ કબૂતરબાજીનો જ હતો.

અમેરિકા પ્રવેશનો ‘ડૉન્કી રૂટ’

છેલ્લા લગભગ એક દાયકા કરતાં વધુ સમયથી 'ડૉન્કી ફ્લાઇટ' શબ્દ પ્રચલિત છે, જે હવે 'રૂટ'ના સંદર્ભમાં પણ વાપરવામાં આવે છે. પંજાબના પત્રકાર દલિપસિંહના કહેવા પ્રમાણે:

"ખચ્ચર પોતાના ગંતવ્ય સુધી પહોંચતાં પહેલાં રસ્તામાં આમતેમ ભટકે છે, એટલે સ્થાનિકોમાં ગમે તે રીતે વિદેશ જવા માગતા લોકો માટે 'ડૉન્કી' શબ્દ પ્રચલિત બન્યો હતો, જે આગળ જતાં મીડિયામાં પણ વપરાવા લાગ્યો."

એક સમયે પ્રાદેશિક કે રાષ્ટ્રીય અખબારો પૂરતો મર્યાદિત શબ્દ વૉશિંગ્ટન ડીસીસ્થિત માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (ડૉન્કી ફ્લાઇટ્સ, ફેબ્રુઆરી-2014, પેજ નં. 2) દ્વારા વપરાશમાં લેવાયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત થઈ ગયો છે.

એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર રીતે યુકે જવા માગતા ઇમિગ્રન્ટ્સ દ્વારા શેન્જેન દેશમાંથી કોઈના ટુરિસ્ટ વિઝા મેળવી વિદેશ પહોંચતા, ત્યાંથી તેઓ યુકેમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા.

ઉલ્લેખનીય છે કે એ સમયે યુકેએ યુરોપિયન સંઘના ભાગરૂપ હતું તથા અન્ય શેન્જેન દેશોમાં પ્રમાણમાં મુક્ત રીતે અવરજવર થઈ શકતી હતી. યુરોપિયન દેશમાંથી ફ્રિઝ ટ્રકમાં છુપાઈને કે નાની હોડીમાં દરિયાઈમાર્ગે યુકે સુધીનો પ્રવાસ ખેડવાનો પ્રયાસ થતો.

અમેરિકામાં પ્રવેશવાના અનેક રસ્તા

ઇમિગ્રૅશનના વ્યવસાય સાથે સંકળાયેલા એક એજન્ટે નામ ન છાપવાની શરત સાથે માહિતી આપતાં કહ્યું, "અમેરિકા જવા માટેનો કયો અને કેવો રસ્તો પસંદ કરવો એ વ્યક્તિની પ્રોફાઇલ ઉપર આધાર રાખે છે. તેની ઉંમર, લિંગ, શૈક્ષણિક લાયકાત, ખર્ચ કરવાની ક્ષમતા, જોખમ લેવાની ક્ષમતા, શારીરિક ક્ષમતા વગેરે બાબતોના આધારે 'બેસ્ટ ઑપ્શન' પસંદ કરે છે."

"કેટલાક આવેદકોની ઇચ્છા અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ત્યાંનાં કામ કરવાની હોય છે, તો કેટલાક અભ્યાસકાળથી જ કમાણી કરવા ઇચ્છતા હોય છે. હાજરીના કડક નિયમોને કારણે આવા લોકો સંદિગ્ધ અને કેટલીક વખત ભૂતિયા હોય તેવી કૉલેજ-યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મેળવવા તૈયાર થઈ જાય છે. આ સિવાય કૅનેડા કે મેક્સિકોની સરહદેથી ગેરકાયદેસર પ્રવેશના રસ્તા પણ પ્રચલિત છે."

"જો વ્યક્તિ 'ડૉન્કી રૂટ' પસંદ કરે તો તેણે લૅટિન કે દક્ષિણ અમેરિકાનો લાંબો અને જોખમી પ્રવાસ ખેડવાની તૈયારી રાખવી પડે છે. તેને મોકલવામાં દિલ્હીના અને આંતરરાષ્ટ્રીય એજન્ટને પણ સામેલ કરવાના હોય છે. તેમનું પણ કમિશન ઉમેરાતું હોવાથી ખર્ચ વધી જાય છે. છતાં સફળતાની કોઈ ગૅરંટી નથી હોતી."

જેમની પ્રોફાઇલ ખૂબ જ નબળી હોય, પરંતુ શારીરિક અને માનસિક રીતે ખડતલ હોય તેઓ આ રસ્તો પસંદ કરે છે. અમેરિકા પહોંચીને પણ તનતોડ મહેનત કરવાની તેમની તૈયારી હોવી જોઈએ."

યુએસ જવા માટે 20 થી 75 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. આ સિવાય ડ્રગ કાર્ટેલ, રસ્તા પરના દેશોના ભ્રષ્ટ અધિકારીઓ અને બીજા અનપેક્ષિત ખર્ચ માટે પણ રસ્તામાં પૈસાની જોગવાઈ રાખવી પડે છે.

એજન્ટ ઉમેરે છે કે આ ધંધો 'માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી' ઉપર વિકસે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ સફળ (અલબત્ત ગેરકાયદેસર) રીતે અમેરિકા પહોંચી જાય છે એટલે તેનાં સગાંવહાલાં, મિત્ર વર્તુળમાંથી બીજા આવેદક મળી રહે છે.

મોટાભાગના વ્યવહારો રોકડમાં થાય છે, દરેક એજન્ટ પોત-પોતાના માનવતસ્કરીના નેટવર્ક થકી કામ કરતા હોય છે, વધુમાં આ પ્રવૃત્તિ ગુપ્ત રીતે થતી હોય છે એટલે ગુજરાતભરમાં આવા કેટલા એજન્ટ હશે અને કેટલા લોકો યુએસ પહોંચ્યા હશે તેના વિશે કોઈ નક્કર આંકડો જણાવવો મુશ્કેલ છે.