ઑસ્ટ્રેલિયા જઈને ભણવું વિદ્યાર્થીઓ માટે અઘરું બનશે, વિઝાના નિયમોમાં ઑસ્ટ્રેલિયાએ શું ફેરફાર કર્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઑસ્ટ્રેલિયાની સરકારે આગામી બે વર્ષમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે 'પડી ભાંગેલી' ઇમિગ્રેશનની વ્યવસ્થાને આમ કરવા માટે આમ કરવું જરૂરી બની ગયું છે.

આ સિવાય સ્ટુડન્ટ તથા ગ્રૅજ્યુએશનના અભ્યાસક્રમ માટે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વના સ્કોરમાં પણ વધારો કરવાની તથા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા ઓછા કૌશલ્યની જરૂર હોય તેવાં કામો માટે આપવામાં આવતાં વિઝા ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવશે, કારણ કે મોટી સંખ્યામાં લોકોના આવવાથી મકાનનાં ભાડાં, ઉપલબ્ધતા તથા માળખાકીય સુવિધાઓ ઉપર ભારણ વધી રહ્યું છે.

જૂન-2023 સુધીમાં ઑસ્ટ્રેલિયામાં પાંચ લાખ 10 હજાર ઇમિગ્રન્ટ્સનું આગમન થયું હતું. જૂન-2025 સુધીમાં ઑસ્ટ્રેલિયાની સરકાર ઇમિગ્રન્ટ્સની સંખ્યાને અઢી લાખ સુધી લાવવા માગે છે, જે કોવિડની બીમારી પહેલાંનું સામાન્ય સ્તર છે.

અંગ્રેજી અને ઇમિગ્રેશન અઘરાં

ઑસ્ટ્રેલિયાનાં ગૃહમંત્રી ક્લેર ઑનિલે આગામી 10 વર્ષની યોજના મીડિયા મારફત જનતા સમક્ષ રજૂ કરી છે. તેમનું કહેવું હતું કે અગાઉની સરકારે ઇમિગ્રેશનવ્યવસ્થાને 'વેરવિખેર' કરી નાખી હતી. તે બિનજરૂરી રીતે જટિલ, ધીમી અને બિનકાર્યક્ષમ બની ગઈ હોવાથી તેમાં 'આમૂલચૂલ પરિવર્તન' લાવવાની જરૂર ઊભી થઈ હતી.

ક્લેરે કહ્યું હતું કે સરકાર વાર્ષિક ઇમિગ્રેશનના આંકડાને અડધોઅડધ ઘટાડીને તેમની સરકાર સ્થિતિને કાબૂમાં લાવશે.

આ સિવાય બીજી વખત વિઝા લેવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષા પર પ્રભુત્વના કૌશલ્યને ગુણાંકને વધારવામાં આવશે. સરકારી આંકડા મુજબ, હાલમાં લગભગ સાડા છ લાખ વિદ્યાર્થીઓ સેકન્ડ વિઝા પર ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે.

ઉચ્ચકૌશલ્ય ધરાવનારાઓને 'સ્પેશિયાલિસ્ટ' તથા સેવા-સુશ્રુષા કરનારાઓને 'જરૂરી' ગણીને તેમને ઑસ્ટ્રેલિયામાં કાયમીનિવાસ માટે સારી તકો મળે તે માટે વિઝામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

ક્લેરનાં કહેવા પ્રમાણે, નવી નીતિઓને કારણે ઑસ્ટ્રેલિયામાં વધુ અને વધુ શ્રમિકો આવશે અને જે લોકો અહીં રહે છે, કામ કરે છે અને અભ્યાસ કરે છે તેમનું શોષણ થવાની શક્યતા ઘટી જશે.

ગ્રૅજ્યુએશનના વિઝા માટે અત્યારસુધી ગ્રૅજ્યુએશનના વિદ્યાર્થીઓને આઈલેટ્સમાં (ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લૅંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ) છ કે વધુનો સ્કોર મેળવવો જરૂરી હતો, જેને વધારીને સાડા છ કરવામાં આવશે. અને સ્ટુડન્ટ માટેનો સ્કોર સાડા પાંચથી વધારીને છ કરવામાં આવશે.

ઑસ્ટ્રેલિયાના વિપક્ષનું કહેવું છે કે ઇમિગ્રેશનની બાબતમાં સરકારની નીતિ ખૂબ જ ધીમી અને ઢીલી છે.

આ સુધાર ઘોડા નાસી ગયા બાદ તબેલાંને તાળાં મારવા જેવા છે. કોવિડની મહામારીમાંથી ઑસ્ટ્રેલિયાને ઉગારવા માટે તે નીતિઓ ઘડવામાં આવી હતી.

ઑસ્ટ્રેલિયાની મજૂર પક્ષની સરકાર ઉપર ઇમિગ્રેશનને ઘટાડીને મકાનનાં વધતાં જતાં ભાવો અને ભાડાંને ઘટાડવાનું દબાણ છે. આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી સરકારની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે.

બીજી બાજુ, બિઝનેસ સાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાનું કહેવું છે કે માઇગ્રન્ટ્સને 'બલિના બકરા' બનાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં દાયકાઓથી વ્યાજબી ભાવે ઘર મળે તે માટે કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યા કે કોઈ નીતિ ઘડવામાં નથી આવી.

તાજેતરમાં સિડની મૉર્નિંગ હેરાલ્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલાં એક સરવેમાં 62 ટકા મતદારોનું કહેવું હતું કે ઑસ્ટ્રેલિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઇમિગ્રેશન થઈ રહ્યું છે અને તેમાં ઘટાડો કરવાની જરૂર છે.