ગુજરાતીઓ માટે કૅનેડા ભણવા જવું વધારે મોંઘું અને અઘરું બનશે, કૅનેડાએ વર્ક પરમિટમાં શું ફેરફારો કર્યા?

    • લેેખક, સરબજીતસિંહ ધાલીવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભણવા માટે કૅનેડા જનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કૅનેડાએ નવા નિયમો જાહેર કરી દીધા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે તેનાથી કૅનેડા જવું વધારે મોંધું અને અઘરું બની જશે.

કૅનેડા સરકારે જીઆઈસી (ગેરંટીડ ઇન્વેસ્ટમૅન્ટ સર્ટિફિકેટ)ની રકમ બમણી કરી દીધી છે અને વર્ક પરમિટમાં પણ ઘણા બદલાવો કર્યા છે.

જીઆઈસી હેઠળ, બીજા દેશોમાંથી કૅનેડા જતાં વિદ્યાર્થીઓએ તેમની સક્ષમતા સાબિત કરવા માટે તેમના ખાતામાં અમુક રાશિ જમા કરવાની હોય છે.

ગુજરાતથી ભણવા માટે વિદેશ જનારા અનેક વિદ્યાર્થીઓ કૅનેડાને પ્રાથમિકતા આપે છે. આ નિયમોને કારણે તેમના પર મોટી અસર પડશે તેવું મનાય છે.

આ નવા નિયમો જાન્યુઆરી 2024થી લાગુ થશે.

કૅનેડાના અપ્રવાસન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરનું કહેવું છે કે તેઓ ભણવા માટે કૅનેડા આવતા વિદ્યાર્થીઓને યોગ્ય વાતાવરણ મળે તે માટે પ્રતિબદ્ધ છે.

શું છે નવા નિયમો?

જીઆઈસીએ સ્ટુડન્ટ વિઝા પર કૅનેડા જનારા વિદ્યાર્થીઓ માટે આવાસ માટે જરૂરી ન્યૂનતમ રકમમાં વધારો કરી દીધો છે.

જીઆઈસીના નામે જમા રકમ એ સાબિત કરવા માટે છે કે વિદ્યાર્થીઓ પાસે કૅનેડામાં રહેવા માટે પોતાનો ખર્ચ કાઢવા માટે પૂરતા પૈસા છે.

નવા નિયમો પ્રમાણે જીઆઈસી માટે હવે 20635 ડૉલર જરૂરી છે, જે પહેલાં 10 હજાર ડૉલર હતા.

એટલે કે કૅનેડા જનાર વિદ્યાર્થીને અગાઉ 8 લાખ 33 હજાર રૂપિયાની જરૂર હતી. પરંતુ નવા નિયમો પ્રમાણે તેને અંદાજે 17 લાખ 20 હજાર જેટલી રકમ( બમણા કરતાં પણ વધારે) ની જરૂર પડશે.

કૅનેડાના અપ્રવાસન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરના જણાવ્યા અનુસાર નવા જીઆઈસી નિયમો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.

તેમાં ટ્યૂશન ફી પણ સામેલ છે, જે વિદ્યાર્થીઓને હપ્તામાં ચૂકવવામાં આવે છે.

માર્ક મિલરના જણાવ્યા અનુસાર, કૅનેડામાં રહેઠાણ માટેની ખર્ચ સતત વધી રહ્યો છે. એટલે કૅનેડા આવનાર વિદ્યાર્થીઓને અહીં રહેવામાં મુશ્કેલી ન પડે તે માટે જીઆઈસીનો દર વધારવામાં આવ્યો છે.

બીજો નિયમ

આ સિવાય લાગુ થનારો બીજો નિયમ વિદ્યાર્થીઓ કૅનેડામાં રહીને કેટલું કામ કરી શકશે તે અંગેનો છે.

સ્ટુડન્ટ વિઝા પર કૅનેડા જનારા લોકો પહેલા અઠવાડિયામાં વીસ કલાક કામ કરી શકે તેવો નિયમ હતો. પરંતુ કૅનેડા સરકારે ત્યારબાદ વિદ્યાર્થીઓને ફુલ ટાઇમ કામ કરવા માટે મંજૂરી આપી હતી.

આ નિયમ પણ 31 ડિસેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યો હતો જેને હવે કૅનેડા સરકારે એપ્રિલ 30, 2024 સુધી લંબાવ્યો છે.

ત્રીજો નિયમ

આ નિયમ વર્ક પરમિટ અંગેનો છે. કોવિડ દરમિયાન લેબર માર્કેટમાં જરૂરિયાત ઊભી થવાને કારણે કૅનેડાએ વર્ક પરમિટને કામચલાઉ ધોરણે 18 મહિના વધારવાની જાહેરાત કરી હતી.

સામાન્ય રીતે કૅનેડામાં બે વર્ષ ભણનાર વ્યક્તિને ડિગ્રી પછી ત્યાં ત્રણ વર્ષ કામ કરવાની પરમિટ મળે છે. જે લોકોની ત્રણ વર્ષની પરમિટ પૂરી થઈ જાય છે તેમને આ નિયમને કારણે થોડું વધું કામ કરવા માટે મળતું હતું.

પરંતુ જાન્યુઆરીથી 18 મહિનાની વર્ક પરમિટ આપવાનો નિયમ પણ રદ કરી દેવામાં આવ્યો.

પરંતુ એ વાતની ચોખવટ કરવામાં આવી છે કે જે લોકોની વર્ક પરમિટ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરી થઈ રહી છે તેઓ 18 મહિનાની પરમિટ માટે અપ્લાય કરી શકશે.

વિશેષજ્ઞોનું શું કહેવું છે?

ચંદીગઢના ઇમિગ્રેશન ઍક્સપર્ટ રૂપિન્દર સિંઘના કહેવા પ્રમાણે નવા નિયમોની અસર મે અને સપ્ટેમ્બર મહિનામાં કૅનેડા જનારા વિદ્યાર્થીઓમાં જોવા મળશે.

તેમનું કહેવું છે કે આ નવા નિયમને કારણે કૅનેડા જવા ઇચ્છતા દરેક વિદ્યાર્થીને હાલની સરખામણીએ છથી સાત લાખ રૂપિયા વધુ રાખવા પડશે.

રૂપિન્દર સિંઘનું કહેવું છે કે કૅનેડા એકસામટાં આટલા રૂપિયા વધારવાને બદલે ધીરેધીરે વધારો કરે તો વિદ્યાર્થીઓને એટલી અસર ન પડે.

અત્યાર સુધી કૅનેડા જવું વિદ્યાર્થીઓની પ્રાથમિકતામાં એટલે હતું કારણ કે ત્યાં જીઆઈસીનો દર ઓછો હતો.

તેઓ કહે છે કે, “ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં સ્ટુડન્ટ વિઝા પર જવા માટે વધુ પૈસાની જરૂર પડે છે. તે સિવાય આ દેશો સ્રોતની માહિતી પણ માંગે છે. જ્યારે કૅનેડામાં આ પ્રકારની માહિતી આપવાની કોઈ જરૂર નથી.”

ગુજરાતના વિદ્યાર્થીઓને શું અસર થશે?

કૅનેડા જનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ફાળો ખૂબ વધારે છે.

વર્ષ 2022માં, કૅનેડા જનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 40 ટકા ભારતીય વિદ્યાર્થીઓ હતા. જેમાંના મોટાભાગના ગુજરાત અને પંજાબના હતા.

ઇમિગ્રેશન ઍક્સપર્ટ રૂપિન્દર સિઁઘ અનુસાર જીઆઈસીમાં કરાયેલા વધારાને કારણે કૅનેડા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે.

કૅનેડામાં ભારતીય સમુદાયના અંદાજે 14 લાખ લોકો રહે છે. તેમાંથી કૅનેડાની સરકારના વસ્તી ગણતરીના 2021ના આંકડા અનુસાર કૅનેડામાં ગુજરાતી ભાષા માતૃભાષા તરીકે ધરાવતા લોકોની વસ્તી 1,38,985 છે. જોકે, તેમાં સંસ્થાઓમાં ભણતાં-રહેતાં લોકોનો સમાવેશ નથી થતો.

અહેવાલો અનુસાર કૅનેડાની વસતીમાં ભારે વધારો નોંધાયો છે. પાછલા સાત દાયકાથી વસતીમાં આવો વધારો જોવા મળ્યો નથી. ગત વર્ષે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત 12 લાખ માઇગ્રન્ટ આવ્યા હતા.

દેશની વસતી પણ ત્રણ ટકાના અસાધારણ વધારા સાથે ચાર કરોડ કરતાં વધુ થઈ ચૂકી છે.

ગત વર્ષે 2022માં કૅનેડામાં 4.69 લાખ લોકોને કાયમી વસવાટ અને સાત લાખ લોકોને કામચલાઉ વસવાટનો પરવાનો અપાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.