You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડા: સ્ટુડન્ટ વિઝા મળી જાય પછી કાયમી વસવાટની ગૅરંટી મળી જાય?
આજકાલ ભારત-કૅનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવના સમાચારોને કારણે ‘ઇમિગ્રેશન માટે ભારતીયોના ફૅવરિટ ડેસ્ટિનેશન પૈકી એક’ મનાતા દેશ એવા કૅનેડા જવા માગતા ભારતીયોના મનમાં મૂંઝવણ જોવા મળી રહી હતી.
ગુજરાત સહિત ભારતનાં ઘણાં સ્થળોએથી વિદ્યાર્થીઓ, ધંધા-રોજગારની સારી શોધમાં રહેલા યુવાનો દર વર્ષે સેંકડોની સંખ્યામાં કૅનેડા પહોંચે છે.
આ પૈકી ઘણા પ્રથમ સ્ટુડન્ટ વિઝા મેળવી દેશમાં અભ્યાસ કરતાં કરતાં કામ કરે છે. અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ વર્ક પરમિટ અને દેશમાં કાયમી નિવાસનો પરવાનો મેળવવાના પ્રયાસ કરવામાં લાગી જાય છે.
દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ પોતાના જીવનને લગભગ ધરમૂળથી બદલી નાખતો – ઉચ્ચાભ્યાસ માટે કૅનેડા જવાનો નિર્ણય લે છે.
ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓ ભારેભરખમ દેવું કરે છે. પોતાનાં વતન અને માતાપિતાથી દૂર ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે કૅનેડા પહોંચે છે.
આ યુવાનો પૈકી મોટા ભાગના એક હેતુથી દોરાતા હોય છે. અને એ છે એક દિવસ કૅનેડામાં સ્થાયી વસવાટનો.
અમુક કિસ્સામાં તેઓ સફળ પણ થાય છે. ઘણા વિઝા-ઍજ્યુકેશન કન્સલ્ટન્ટ વિદ્યાર્થીઓને એક વાર સ્ટુડન્ટ વિઝા પર કૅનેડા પહોંચી ‘ગૅરંટી સાથે અને સરળતાથી કાયમી વસવાટનો પરવાનો’ મળી જતો હોવાની ‘અધૂરી માહિતી’ પણ આપે છે.
જો આંકડાની વાત કરીએ તો કૅનેડાના આધિકારિક આંકડા અનુસાર ઑક્ટોબર 2022 સુધી દેશે સમગ્ર વિશ્વમાં 4.4 લાખ સ્ટુડન્ટ વિઝા જાહેર કર્યા હતા. જેમાંથી 1.64 લાખ વિઝા ભારતીય વિદ્યાર્થીઓને અપાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલની સ્થિતિની વાત કરીએ તો કૅનેડાની યુનિવર્સિટી અને કૉલેજોમાં કુલ 3,88,782 આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ છે.
શું કૅનેડાનો સ્ટુડન્ટ વિઝા એ અમુક સમય બાદ દેશમાં કાયમી વસવાટી ગૅરંટી આપે છે? શું લાંબા ગાળે કૅનેડામાં સ્થાયી થવા માગતા સ્ટુડન્ટ વિઝા પર પહોંચેલા લોકોને નિશ્ચિતપણે અભ્યાસ બાદ કાયમી વસવાટનો પરવાનો મળી જાય છે ખરો? આ સવાલો અંગે સ્પષ્ટતા કરવા માટે કૅનેડાના સેનેટરોએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો.
કૅનેડામાં અભ્યાસ એ વસવાટની ગૅરંટી કે ‘ભ્રમણા’
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવ્યાનુસાર કૅનેડાનાં સેનેટર રત્ના ઓમીદ્વાર, હસન યુસૂફ અને યુએન પોવુએ સ્ટુડન્ટ વિઝા અને અભ્યાસ બાદ કાયમી વસવાટ અંગે પ્રવર્તી રહેલી ગેરમાન્યતા બાબતે સ્પષ્ટતા કરવા એક રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટમાં કાયમી વસવાટની મહત્ત્વાકાંક્ષા સાથે કૅનેડા ભણવા પહોંચેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આ હેતુ પાર પાડવામાં વેઠવી પડતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરાયું છે.
આગળ જણાવ્યું એમ આ પૈકી ઘણા વિદ્યાર્થીઓ માને છે ઉચ્ચાભ્યાસ બાદ દેશમાં તેમને ગૅરંટી સાથે કાયમી વસવાટનો પરવાનો મળી જશે. આવું ઘણી વાર ઍજ્યુકેશન કન્સલ્ટન્ટે આ બાબતે વિદ્યાર્થીઓના મનમાં ઊભી કરેલી ‘ભ્રમણા’ને કારણે હોય છે.
પરંતુ જાણકારો માને છે કે આ આશાવાદ કૅનેડામાં સ્થાયી વસવાટનો પરવાનો મેળવવા માટે અતિ સ્પર્ધાત્મક વાતાવરણના સપાટી પરના સત્ય કરતાં સાવ વિપરીત વાત છે.
આ રિપોર્ટમાં ઍજ્યુકેશન કન્સલ્ટન્ટ દ્વારા ફેલાવાતી ‘ખોટી માહિતી’ બાબતે સંઘીય સરકારને પગલાં લેવાની ભલામણની સાથોસાથ દેશની સરકાર દ્વારા આ દિશામાં વગર ઇરાદે પ્રોત્સાહિત કરાઈ રહેલી આવી આશા તરફ પણ ધ્યાન દોર્યું છે.
રિપોર્ટ અનુસાર, “કૅનેડામાં ભણવાના લાભો હાઇલાઇટ કરવા મામલે સરકારના વલણમાં પ્રામાણિકતા જણાય છે. પરંતુ સરકાર દેશમાં કાયમી વસવાટ માટેની અરજીની અતિ સ્પર્ધાત્મક પ્રક્રિયા વિશે વધુ પારદર્શક બની શકે.”
કૅનેડામાં કાયમી વસવાટ માટેની શું છે ખરી મુશ્કેલી?
મોટા ભાગના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી કૅનેડા હોવાનું કારણ એ છે કે તેઓ તેને એક ખૂબ સારી શિક્ષણવ્યવસ્થાવાળું સલામત અને ઇમિગ્રન્ટ-ફ્રેન્ડલી દેશ માને છે.
ફ્રીપ્રેસજર્નલ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર કૅનેડા પહોંચતા વિદ્યાર્થીઓ પૈકી 60 ટકા વિદ્યાર્થીઓનાં મનમાં દેશમાં કાયમી વસવાટનો પરવાનો મેળવવાની મહેચ્છા હોય છે.
પરંતુ તેમાં મુખ્ય મુશ્કેલી એ છે કે આ પરવાનો મેળવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હોય છે. ઉપરથી કોરોના મહામારીને કારણે આ માટેની અરજીઓના વેઇટિંગ પિરિયડમાં ભારે વધારો નોંધાયો છે.
અહેવાલ અનુસાર કૉન્ફરન્સ બોર્ડ ઑફ કૅનેડાએ ‘સ્ટુડન્ટ ટુ ઇમિગ્રન્ટ? મલ્ટિસ્ટેપ્સ પાથવેઝ ટુ પરમેનન્ટ રેસિડન્સ’ નામે અભ્યાસ રજૂ કર્યો હતો. જેમાં કહેવાયું છે કે ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કૅનેડામાં કાયમી વસવાટનો પરવાનો મેળવવા માટેનાં ઘણાં ચરણવાળી પ્રક્રિયા અને અપ્રત્યક્ષ રસ્તાને કારણે ભારે મુશ્કેલીનો અનુભવ કરે છે.
કૅનેડામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. પરંતુ દેશમાં આવા વિદ્યાર્થીઓ માટે એ તબક્કે ઇમિગ્રેશનની ઘણી ઓછી તકો ઉપલબ્ધ હોય છે.
આ સિવાય દેશે સ્ટુડન્ટ વિઝાના પ્રમાણ અને કાયમી વસવાટના પરવાના આપવાના પ્રમાણને સંતુલિત કરવા માટે નક્કર વ્યૂહરચના ઘડવાની જરૂર છે.
લાંબા વેઇટિંગ પિરિયડ અને કામચલાઉ વિઝા સ્ટેટસને કારણે વિદ્યાર્થીઓનું શોષણ થવાની શક્યતા વધવાની સાથોસાથ તેમની ચિંતામાં પણ વધારો થાય છે. કારણ કે તેઓ પોતાને કાયમી વસવાટનો પરવાનો ક્યારે મળી શકશે એ અંગે ચોક્કસ અંદાજ મેળવી શકતા નથી.
આ સિવાય કાયમી વસવાટનો પરવાનો મેળવવા માગતી વ્યક્તિએ દેશમાં રહેવા માટે ભારે તણાવનો સામનો કરવો પડે છે. તેમને સારી નોકરીની તક શોધવાની સાથોસાથ કૅનેડામાં કનેક્શનો બનાવવા પડે છે. ઉપરાંત તેમણે કૅનેડામાં રહવા માટેનાં તમામ કૌશલ્યો અને ગુણો પોતાનામાં હોવાનું સાબિત કરવું પડે છે.
આમ, એક સ્ટુડન્ટમાંથી ઇમિગ્રન્ટ બનવાનું સપનું પૂર્ણ થવામાં વર્ષો લાગી શકે છે. પરંતુ આ સમયગાળો જ દેશમાં જે-તે વ્યક્તિની સફળતા માટે ચાવીરૂપ ભૂમિકાય ભજવી શકે છે.
આ સમયગાળા દરમિયાન ઉમેદવારની નોકરી કે વ્યવસ્યાનું સ્તર કાયમી વસવાટ માટેની તેમની પાત્રતા નક્કી કરવામાં મહત્ત્વનું પરિબળ બની શકે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન મોટા ભાગના સ્ટુડન્ટ કોઈ પણ જાતના આશરા વગર અચોકસાઈનો સામનો કરવા મજબૂર બનતા હોય છે.
અને જ્યાં સુધી તેઓ દેશમાં કાયમી વસવાટ માટેની પોતાની પાત્રતા પુરવાર કરી શકે છે ત્યાં સુધી તેઓ પહેલાંથી જ નોંધપાત્ર સમય દેશમાં પસાર કરી ચૂક્યા હોય છે. જેના કારણે કૅનેડામાં સ્થાયી થવાની તેમની શક્યતા અને મહેચ્છામાં ભારે ઘટાડો થઈ ચૂક્યો હોય છે.
કૅનેડામાં સતત વધતી જતી માઇગ્રન્ટ વસતી
અહેવાલો અનુસાર કૅનેડાની વસતીમાં ભારે વધારો નોંધાયો છે. પાછલા સાત દાયકાથી વસતીમાં આવો વધારો જોવા મળ્યો નથી. ગત વર્ષે દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત 12 લાખ માઇગ્રન્ટ આવ્યા હતા.
દેશની વસતીમાં પણ ત્રણ ટકાના અસાધારણ વધારા સાથે ચાર કરોડ કરતાં વધુ થઈ ચૂકી છે.
ગત વર્ષે કૅનેડામાં 4.69 લાખ લોકોને કાયમી વસવાટ અને સાત લાખ લોકોને કામચલાઉ વસવાટનો પરવાનો અપાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.
ઇમિગ્રેશનને આર્થિક વિકાસનું પરિબળ ગણાવતાં કૅનેડામાં તેના કારણે કેટલીક મુશ્કેલીઓ પણ સર્જાઈ છે.
આના કારણે દેશમાં હાઉસિંગની ભારે માગ પેદા થઈ છે. સાથે જ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે.
ઘણા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો દેશમાં વધતી જતી મોંઘવારી માટે દેશની ઇમિગ્રેશન વ્યૂહરચનાને જવાબદાર ગણાવે છે.
અને ઘણા તો પરિસ્થિતિ અનિયંત્રિત બની ગઈ હોવાનું અવલોકનેય રજૂ કરે છે.