ખાલિસ્તાની ચળવળનાં મૂળ કૅનેડા, અમેરિકા અને બ્રિટનમાં કઈ રીતે ઊંડાં અને મજબૂત થયાં?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

એપ્રિલ 1979માં પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાં એક કૉન્ફરન્સ યોજાઈ હતી. ત્રણ કલાક સુધી ભાષણો ચાલ્યા અને સૌ કંટાળી ગયા હતા. સંચાલક આભાર વિધિ માટે ઊભા થયા અને એ જ વખતે ત્યાં હાજર લોકો પણ હવે જમવાનો સમય થયો છે એમ સમજીને ઊભા થવા લાગ્યા હતા.

અચાનક હોલના પાછળના ભાગેથી બે લોકો દોડતા આવ્યા અને સ્ટેજ પર ચડી ગયા. તેમણે ભારતીય બંધારણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને હવામાં કાગળો ફેંક્યા. પછી જેટલી ઝડપથી અંદર ઘૂસ્યા હતા એટલી જ ઝડપથી દોડીને બહાર નીકળી ગયા.

બીજા દિવસે 'ધ ટ્રિબ્યુનલ' વર્તમાનપત્રના તંત્રી અને જાણીતા પત્રકાર પ્રેમ ભાટિયાએ લખ્યું કે યુનિવર્સિટી કોન્ફરન્સમાં બનેલી ઘટના ઘણી ગંભીર છે. તેમણે 'ખાલિસ્તાન' નામના એક શબ્દનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેને ટ્રિબ્યુનના વાચકોએ આ પહેલાં ક્યારેય સાંભળ્યો નહોતો.

ભારતની આઝાદીના થોડા વર્ષો પછી બ્રિટન, અમેરિકા અને કૅનેડામાં સ્થાયી થયેલા ભારતીયોમાં સૌથી વધુ સંખ્યામાં પંજાબના શીખ હતા. આમાંના કેટલાક લોકો બ્રિટિશ શાસન દરમિયાન આ દેશોમાં સ્થાયી થયા હતા.

આ શીખો માટે મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ જ્યાં કામ કરતા હતા તે કંપનીઓએ તેમને દાઢી ના રાખે અને પાઘડી ના પહેરે એવું કહેવાનું શરૂ કર્યુ.

શીખોએ ભારતીય હાઈકમિશન સમક્ષ આ બાબતે ફરિયાદો કરી, પરંતુ હાઈકમિશને આ મામલે દખલ કરવાનો ઇન્કાર કર્યો. શીખોને સલાહ અપાઈ કે તેમણે આ માટે સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કરવો રહ્યો.

રૉના ભૂતપૂર્વ એડિશનલ સેક્રેટરી, બી રમણે શીખ અલગતાવાદ વિશે તૈયાર કરેલા તેમના શ્વેતપત્રમાં લખ્યું છે, "ભારત સરકારે શીખોના આ પ્રકારના મુદ્દાઓને વિદેશી સરકારો સમક્ષ ઉઠાવવામાં દાખલેવા ખચકાટને કારણે બ્રિટન, અમેરિકા અને કૅનેડામાં રહેતા શીખોના એક વર્ગમાં એવી લાગણી જન્મી કે પોતાનો એક અલગ દેશ હોય તો જ પોતાના ધાર્મિક અધિકારોની સુરક્ષા થઈ શકે છે."

"બ્રિટનમાં શીખ બસ ડ્રાઇવરો અને કંડક્ટરોએ ચરણસિંહ પંછીના નેતૃત્વમાં શીખ હોમ રૂલ મૂવમેન્ટ શરૂ કરી. તેવી જ રીતે અમેરિકાના કેટલાક સુખી શીખ ખેડૂતોએ 'યુનાઇટેડ શીખ અપીલ'ની સ્થાપના કરી. જોકે મોટાભાગના શીખો આ સંગઠનોથી દૂર રહ્યા અને તે લોકોએ અલગ શીખ રાષ્ટ્રના વિચારને સમર્થન આપ્યું નહોતું."

ખાલિસ્તાન આંદોલનને પાકિસ્તાનનું સમર્થન

1967 થી 1969 દરમિયાન પંજાબ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રહેલા જગજીતસિંહ ચૌહાણ બાદમાં પંજાબના નાણાં મંત્રી બન્યા. થોડા સમય પછી તે લંડનમાં સ્થાયી થયા. લંડન ગયા પછી તે શીખ હોમ રૂલ લીગમાં સભ્ય બન્યા અને આગળ જતા તેના પ્રમુખ પણ બની ગયા.

ચૌહાણે લીગનું નામ બદલીને ખાલિસ્તાન આંદોલન કરી નાખ્યું. ચૌહાણ બ્રિટનમાં વસવાટ કરે એ અગાઉ જ તે પાકિસ્તાન હાઈકમિશન અને લંડનમાં અiમેરિકી રાજદૂત કચેરી સાથે શીખ હોમ રૂલ આંદોલનના નેતાઓના સંપર્કમાં હતા.

રૉમાં વધારાના સચિવ તરીકે કામ કરી ચૂકેલા બી. રમણે તેમના પુસ્તક 'કાઉ બોયઝ ઓફ રૉ'માં લખ્યું છે, "પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ જનરલ યાહ્યાખાને જગજીતસિંહ ચૌહાણને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને તેમનો પ્રચાર પંજાબના શીખ નેતા તરીકે કરાયો હતો."

"આ મુલાકાત વખતે જ પાકિસ્તાનની સરકારે તેમને પાકિસ્તાન ખાતેના ગુરુદ્વારાઓમાં રાખવામાં આવેલા પવિત્ર શીખ દસ્તાવેજો ભેટમાં આપ્યા હતા. ચૌહાણ તેને બ્રિટન લઈ ગયા અને પોતાને શીખોના નેતા દર્શાવવા તેનો ઉપયોગ કર્યો."

જગજીતસિંહ ચૌહાણ ખાલિસ્તાનના પ્રમુખ જાહેર કરાયા

ડિસેમ્બર 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધની શરૂઆત પહેલાં ઇન્દિરા ગાંધીના આદેશથી રૉ એજન્સીએ પૂર્વ પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું છે તેનો પ્રચાર કરવાનું એક અભિયાન સમગ્ર વિશ્વમાં શરૂ કર્યું હતું.

સીઆઈએ અને આઈએસઆઈએ તેના પ્રતિસાદમાં ભારતમાં શીખોના માનવાધિકાર ભંગ વિશે અને વિદેશમાં રહેતા શીખોની સમસ્યાઓ પ્રત્યે ભારતના 'ઉદાસીન વલણ'નો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું.

જગજીતસિંહ ચૌહાણ ન્યૂયૉર્ક પહોંચ્યા હતા અને ત્યાં પત્રકારોને મળીને તેમને ખાલિસ્તાની આંદોલન વિશે માહિતી આપવાનું શરૂ કર્યું. આ મુલાકાતો માટેની વ્યવસ્થા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારીઓએ કરાવી આપી હતી. તે વખતે આ પરિષદના વડા તરીકે હેનરી કિસિંજર હતા.

ટેરી મિલિવસ્કી તેમના પુસ્તક 'બ્લડ ફૉર બ્લડઃ ફિફ્ટી યર્સ ઑફ ધ ગ્લોબલ ખાલિસ્તાન પ્રોજેક્ટ'માં લખે છે, "13 ઑક્ટોબર, 1971ના રોજ, જગજીતસિંહ ચૌહાણે ન્યૂયૉર્ક ટાઇમ્સમાં એક આખા પાનાની જાહેરખબર આપી જેમાં શીખો માટે સ્વતંત્ર ખાલિસ્તાન રાષ્ટ્રની રચના માટે ચળવળ શરૂ કરવાની હાકલ કરાઈ હતી."

"એટલું જ નહીં, તેમણે પોતાને ખાલિસ્તાનના પ્રમુખ પણ જાહેર કરી દીધા હતા. જ્યારે રૉએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ જાહેરખબરનો ખર્ચ વૉશિંગ્ટનસ્થિત પાકિસ્તાન દૂતાવાસે ઉઠાવ્યો હતો."

ખાલિસ્તાની ચલણી નોટો અને ટપાલ ટિકિટો

દરમિયાન બ્રિટન, અમેરિકા અને કેનેડામાં શીખ યુવાનોએ ઇન્ટરનેશનલ શીખ યુવા ફેડરેશન, દલ ખાલસા અને બબ્બર ખાલસા જેવી ઘણી સંસ્થાઓની સ્થાપના કરી. આ સંગઠનોએ જગજીતસિંહ ચૌહાણને કોરાણે મૂકીને ખાલિસ્તાનની સ્થાપના માટે હિંસક ચળવળની તરફેણ કરી હતી.

ઈન્દિરા ગાંધીના હાથમાંથી સત્તા જતી રહી તે પછી ચૌહાણ ભારતમાં પરત આવી ગયા હતા. જોકે 1980માં ઈન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા એટલે ચૌહાણ ફરી પાછા ઇંગ્લૅન્ડ ચાલ્યા ગયા.

ટેરી મિલિવસ્કી લખે છે, "70ના દાયકાના અંત સુધીમાં ચૌહાણમાં હવે આઈએસઆઈને બહુ રસ રહ્યો નહોતો એટલે અન્ય નવાં સંગઠનોને ઉશ્કેરવાનું શરૂ થઈ ગયું હતું. આ બાજુ ચૌહાણ ખાલિસ્તાન રાષ્ટ્રનો પ્રચાર કરતાં રહ્યા અને તે માટે કેનેડામાં ખાલિસ્તાની ચલણી નોટો અને ટપાલ ટિકિટો પણ છપાવી અને તેને વહેંચતા રહ્યા."

"આ દરમિયાન તેઓ ઓટ્ટાવામાં જઈને ચીની રાજદ્વારીને મળ્યા હતા અને ખાલિસ્તાન ચળવળ માટે ચીનની મદદ માગી હતી. જોકે ચીને તેમની વાત માની નહોતી. 1980 પછી પાકિસ્તાને તેમને ડાઉનગ્રેડ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ અમેરિકી અધિકારીઓને હજી તેમનામાં રસ અકબંધ રહ્યો હતો."

ભારતીય વિમાનનું અપહરણ થયું

ઈન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા ત્યાર બાદ અમેરિકામાં એક નવા શીખ નેતા સક્રિય થયા હતા. તેમનું નામ ગંગાસિંહ ઢિલ્લોં હતું. તેઓ અગાઉ પંજાબમાં પોલીસ અધિકારી તરીકે હતા અને અમેરિકા જઈને વૉશિંગ્ટનમાં સ્થાયી થયા હતા.

બી રમણ લખે છે, "અમેરિકા પહોંચ્યા પછી મૂળ કેન્યાનાં એક શીખ મહિલા સાથે તેમણે લગ્ન કર્યા. આ શીખ મહિલા પાકિસ્તાનના પ્રમુખ જનરલ ઝિયા ઉલ હકનાં પત્નીનાં નીકટનાં મિત્ર હતાં. પોતાનાં પત્નીની મદદથી ઢિલ્લોં જનરલ ઝિયાના નજીકના મિત્ર બની ગયા હતા."

"તેમણે વૉશિંગ્ટનમાં નનકાના સાહેબ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને અવારનવાર પાકિસ્તાનની મુલાકાત લેવાનું શરૂ કર્યું. ઝિયા અને ઢિલ્લોં પરિવાર એટલા ગાઢ બની ગયા કે જ્યારે પણ ઝિયા વૉશિંગ્ટનની મુલાકાતે જતા ત્યારે તેમની વિકલાંગ પુત્રી પિતા સાથે હોટેલમાં રહેવાના બદલે ઢિલ્લોં પરિવારના ઘરે જઈને રહેતી હતી."

ભારતીય વિમાનનું અપહરણ થયું

29 સપ્ટેમ્બર, 1981ના રોજ શીખ ઉગ્રવાદીઓ ભારતીય વિમાનને હાઇજેક કરીને લાહોર લઇ ગયા હતા. પાકિસ્તાની વહીવટીતંત્રે અપહરણકર્તા સાથે વાતચીત કરીને તેમને મનાવી લીધા કે પેસેન્જરને મુક્ત કરવામાં આવે અને પાકિસ્તાની સુરક્ષા એજન્સીના શરણે આવે.

હાઇજેક કરાયેલું પ્લેન મુસાફરો સાથે ભારત પરત ફર્યું હતું. પરંતુ શરણે ગયેલા અપહરણકારોને નનકાના સાહેબ ગુરુદ્વારામાં રહેવાની મંજૂરી આપી દેવામાં આવી હતી

ઝિયા ઉલ હકની સરકારે તે લોકોને ભારતને સોંપવાનો ઇનકાર કર્યો હતો. જોકે એવું કહેવાયું કે ઘટનાની સંપૂર્ણ તપાસ પછી પાકિસ્તાનની કોર્ટમાં તેમની સામે કેસ ચલાવાશે. મુકદ્દમો ચાલ્યો તે પછી સજા કરવામાં આવી હતી, પરંતુ તેમને જેલમાં મોકલવાને બદલે નનકાના સાહેબ ગુરુદ્વારામાં રહેવાની મંજૂરી અપાઈ હતી.

મુખ્ય અપહરકર્તા ગજેન્દ્રસિંહે ગુરુદ્વારામાં રહીને ભારત અને વિદેશના તીર્થયાત્રી ત્યાં આવે ત્યારે તેમની સામે ભારત વિરુદ્ધ પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

રોમેશ ભંડારીને દુબઈ મોકલાયા

આ પછી શીખ ઉગ્રવાદીઓએ એક પછી એક ત્રણ ભારતીય વિમાનોને હાઇજેક કર્યા. પાકિસ્તાની સરકારે આ વિમાનોને પોતાની ભૂમિ પર ઉતરવાની મંજૂરી આપી. અપહરણ કરનારા સાથે મીડિયાને વાતચીત કરવા દીધી, જેથી આ હાઇજેકર્સ ભારત વિરોધી પ્રચાર ચલાવી શકે.

આખરે આ લોકોને મનાવી લેવાતા કે મુસાફરોને છોડી દેવામાં આવે. ધરપકડનો દેખાવ કરીને અપહરણ કરનારાને જેલમાં મોકલવાને બદલે ગુરુદ્વારામાં રાખવામાં આવતા હતા.

જ્યારે 24 ઑગસ્ટ, 1984ના રોજ ઉગ્રવાદીઓએ પાંચમી વખત ભારતીય વિમાનનું અપહરણ કર્યું હતું, ત્યારે પાકિસ્તાની પ્રશાસને અગાઉ કરતા અલગ નીતિ અપનાવી હતી. અગાઉ અપહરણકારો સાથે પાકિસ્તાને કરેલા વર્તનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ટીકા થઈ હતી એટલે પાકિસ્તાને બદલાવું પડ્યું હતું.

બી રમણ લખે છે, "જ્યારે પ્લેન લાહોરમાં લૅન્ડ થયું ત્યારે આઈએસઆઈ અધિકારીઓએ જોયું કે ઉગ્રવાદીઓએ પ્લેનને અસલી હથિયારને બદલે રમકડાંની પિસ્તોલ બતાવીને હાઇજેક કરી લીધું હતું."

"તે લોકોએ ઉગ્રવાદીઓને રિવૉલ્વર આપી અને દુબઈ જવા માટે મનાવી લીધા. જ્યારે વિમાન દુબઈમાં લૅન્ડ થયું, ત્યારે સંયુક્ત આરબ અમિરાતના અધિકારીઓએ તેમને અપહરણ પૂરું કરવા મનાવી લીધા હતા."

"તે વખતે શરત રાખવામાં આવી હતી કે તેમને ભારત સરકારને સોંપવામાં આવશે નહીં."

ભારત સરકારને આ વાતની જાણ થઈ તે પછી તરત જ આઈબી, રૉ અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓની એક ટીમ દુબઈ મોકલી હતી. દુબઈના સત્તાધીશોએ ભારતીય ટીમને સહકાર ના આપ્યો ત્યારે ઈન્દિરા ગાંધીએ વિદેશ મંત્રાલયના સચિવ રોમેશ ભંડારીને મોકલ્યા, જેમના દુબઈના શેખ પરિવાર સાથે ગાઢ સંબંધો હતા.

દુબઈએ શીખ ઉગ્રવાદીઓને ભારતને સોંપ્યા

બી રમન આગળ લખે છે, "એક પશ્ચિમી કંપનીનું પ્લેન ચાર્ટર્ડ કરીને દુબઈ મોકલવામાં આવ્યું હતું. ભારતીય ટીમના તમામ સભ્યો વિમાનમાં જ બેઠા રહ્યા."

"દુબઈના સત્તાધીશોએ હાઈજેકર્સને ખોટું કહ્યું કે તમને તમારી ઇચ્છા મુજબ અમેરિકાને સોંપવામાં આવી રહ્યા છે. તમને લેવા માટે અમેરિકાથી ખાસ વિમાન આવ્યું છે. એ રીતે તેમને ચાર્ટર્ડ પ્લેનની અંદર લઈ જવામાં આવ્યા હતા અને તેમને રિવૉલ્વર સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓને હવાલે કરી દેવામાં આવ્યા."

"વિમાનમાં પ્રવેશ્યા બાદ હાઈજેકર્સને ખબર પડી કે તેમને અમેરિકા નહીં પરંતુ ભારત લઈ જવામાં આવી રહ્યા છે."

અપહરણ કરનારાને આપવામાં આવેલી રિવૉલ્વર જર્મન બનાવટની હતી. રૉના અધિકારીઓએ તે રિવોલ્વરની વિગતો જર્મન ગુપ્તચર એજન્સીને મોકલી આપી અને પૂછ્યું હતું કે આ રિવોલ્વર કોને વેચવામાં આવી છે?

જર્મન ગુપ્તચર એજન્સીએ રૉને જણાવ્યું કે આ રિવોલ્વર પાકિસ્તાની સેનાને મોકલવામાં આવેલા હથિયારોના કન્સાઈનમેન્ટમાં હતી.

ભારતે અમેરિકાને આ બધી વિગતો આપી અને આ પુરાવાના આધારે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માગણી કરી હતી.

જોકે અમેરિકન વહીવટીતંત્ર તે માટે તૈયાર થયું નહોતું. એવું જણાવાયું કે પાકિસ્તાની અધિકારીએ આ હથિયાર ઉગ્રવાદીઓને આપ્યું હોય તેના કોઈ કોઈ પુરાવા નથી.

હાઇજેકરોને આ રિવૉલ્વર એક પાકિસ્તાની અધિકારીએ આપી હતી તેની માહિતી વિમાનમાં મુસાફરી કરી રહેલા એક જણ પાસેથી મળી હતી. તેણે પોતાની આંખે આ જોયું હતું.

હાઇજેકરોને આ રીતે ભારત સરકારને સોંપી દેવાયા તેનું પરિણામ એ આવ્યું કે ખાલિસ્તાની તત્ત્વોમાં હવે ડર પેસી ગયો કે તેઓ કદાચ તેઓ પકડાઈ જશે. આ પછી ભારતીય વિમાનોના અપહરણની ઘટનાઓ બંધ થઈ ગઈ હતી.

ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેમની વ્યૂહરચના બદલી

આ પછી, શીખ ઉદ્દામવાદીઓએ હિંસક પ્રવૃત્તિઓ થઈ શકે તેવી રીતે શસ્ત્રો ઉઠાવવાનું શરૂ કર્યું. ઘણી જગ્યાએ વિસ્ફોટ કરવા અને આતંક ફેલાવવા માટે રિમોટ કંટ્રોલ્ડ અને ટાઇમ્ડ આઈઈડીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, પત્રકારો અને નિર્દોષ નાગરિકોની ઇરાદાપૂર્વક હત્યાનો સિલસિલો શરૂ થયો.

હિંસાનો વ્યાપ પંજાબથી આગળ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ભારતના અન્ય ભાગોમાં વિસ્તર્યો હતો.

શરૂઆતમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓને સામાન્ય લોકોનું સમર્થન નહોતું પરંતુ 1980ના દાયકામાં તેમને કેટલાક વર્ગો તરફથી સમર્થન મળવા લાગ્યું.

ભારતીય ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી હતી કે ખાલિસ્તાની અલગતાવાદીઓ 1982માં યોજાનારી એશિયન ગેમ્સમાં આઈઈડી વિસ્ફોટ કરીને ભાંગફોડનો પ્રયાસ કરશે.

તેથી દિલ્હી તરફ જતા રસ્તાઓ પર સુરક્ષા માટે આડશો ઊભી કરવામાં આવી અને દિલ્હી તરફ આવનારા દરેક શીખોની તલાશી લેવાનું શરૂ થયું.

ઘણા શીખોએ આ રીતે તલાશી લેવાની વાત અપમાનજનક લાગી, કેમ કે પાઘડી ઉતારીને પણ તપાસ કરવામાં આવતી હતી. આના કારણે રોષે ભરાયેલા ઘણા શીખોની સહાનુભૂતિ ખાલિસ્તાની તત્ત્વોને મળવા લાગી.

ગુપ્તચર એજન્સી રૉના અધિક સચિવ તરીકે રહી ચૂકેલા જીબીએસ સિદ્ધુ પોતાના પુસ્તક 'ધ ખાલિસ્તાન કોન્સ્પિરસી'માં લખે છે કે, "આ દરમિયાન લંડનમાં રહેતા જગજીત સિંહ ચૌહાણ પહેલા બેંગકોક પહોંચ્યા અને પછી ત્યાંથી કાઠમંડુ, જેથી પંજાબના ખાલિસ્તાની તત્વોને મળી શકે."

"રૉના જાસૂસોએ બેંગકોક અને કાઠમંડુમાં તેમના પર નજર રાખી હતી. ભારતે નેપાળ વિનંતી કરી હતી કે તેમની ધરપકડ કરે અને ભારતને સોંપી દે, પરંતુ તેઓએ વાત સાંભળી નહોતી. નેપાળ પ્રશાસને ચૌહાણને અટકમાં લીધા હતા, પરંતુ તેમને ભારત મોકલવાને બદલે બેંગકોક જનારી ફ્લાઇટમાં બેસાડી દેવાયા."

સુવર્ણમંદિર ચળવળનું કેન્દ્ર બનાવાયું

દરમિયાન, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેમના આંદોલન માટે સુવર્ણમંદિરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

26 એપ્રિલ 1983ના રોજ પંજાબના ડીઆઈજી એએસ અટવાલ સુવર્ણમંદિરમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

તે વખતે જ્ઞાની ઝૈલ સિંહ કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા. તેમણે ખાલિસ્તાનીઓમાં ભાગલા પાડવા માટે જરનૈલસિંહ ભિંડરાવાલેની મદદ લીધી હતી. જોકે ભિંડરાવાલે તેમના કાબૂમાં રહ્યા નહીં અને ખાલિસ્તાનીઓના નેતા બની ગયા.

ભિંડરાવાલેએ તેમના સમર્થકો સાથે સુવર્ણમંદિરમાં આશ્રય લીધો અને ત્યાંથી તેમની પ્રવૃત્તિઓ શરૂ કરી.

રાજીવ ગાંધી અને તેમના બે નજીકના લોકોએ રૉના દિલ્હી ગેસ્ટ હાઉસમાં અકાલી દળના નેતાઓ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. આ વાટાઘાટો નિષ્ફળ ગઈ અને અકાલી નેતાઓએ ખાલિસ્તાની તત્ત્વોને સુવર્ણમંદિર છોડવા માટે મનાવવામાં અસમર્થતા દાખવી. તેનું પરિણામ એ આવ્યું કે ઑપરેશન બ્લૂ સ્ટાર કરવું પડ્યું અને પછી તેના કારણે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ.

ખાલિસ્તાન આંદોલનને જનતાનું સમર્થન મળવાનું બંધ થયું

જોકે 1980ના દાયકાના અંત સુધીમાં ખાલિસ્તાન ચળવળમાં ભાગલા પડવા લાગ્યા હતા. વાસ્તવમાં, તેની શરૂઆત ઓપરેશન બ્લેક થંડર-2થી થઈ હતી, જે 10થી 18 મે, 1988 દરમિયાન ચલાવાયું હતું.

લોકો સમજવા લાગ્યા કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને લૂંટ, છેડતી, અપહરણ અને જમીન પર ગેરકાયદે કબજો કરવામાં કોઈ સંકોચ નથી.

પંજાબના ભૂતપૂર્વ મુખ્ય સચિવ રમેશ ઇન્દર સિંહ તેમના પુસ્તક 'ટર્મૉઈલ ઇન પંજાબ બિફોર ઍન્ડ આફ્ટર બ્લૂ સ્ટાર'માં લખે છે, "લોકોને લાગ્યું કે ધર્મના આ કહેવાતા મસીહાઓ વાસ્તવમાં ગુનેગારોનું ટોળું છે. તે લોકોએ ધર્મ માટે નહીં, પણ પોતાના અંગત લાભો માટે બંદૂકોનો આશરો લીધો છે. પરિણામે સામાન્ય જનતાની સહાનુભૂતિ મળવાનું બંધ થઈ ગયું. ખેડૂતો તેમને આશરો આપીને છુપાવામાં મદદ કરતાં હતા તે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું."

ઘણા ઉગ્રવાદી નેતાઓએ ગેરકાયદે રીતે તગડી કમાણી કરી લીધી હતી.

રમેશ ઇન્દરસિંહ લખે છે, "બબ્બર ખાલસાના વડા સુખદેવસિંહ બબ્બર બીજી પત્ની સાથે પટિયાલામાં એક આલીશાન મકાનમાં રહે છે તેની ખબર લોકોને પડી તે પછી બબ્બર ખાલસાની છબી ખરડાઈ હતી."

હરીશ પુરી, પરમજીત સિંહ જજ અને જગરૂપ સિંહ સેખોંને તેમના પુસ્તક 'ટેરરિઝમ ઇન પંજાબ, અંડરસ્ટેન્ડિંગ ગ્રાસરુટ રિયાલિટી'માં લખ્યું છે કે, "જ્યારે 1991માં 205 આતંકવાદીઓની સામાજિક અને આર્થિક સ્થિતિનો સર્વે કરવામાં આવ્યો, ત્યારે ખબડ પડી કે આમાંના મોટા ભાગના આતંકવાદીઓ પૈસા બનાવવા માટે આંદોલનમાં જોડાઈ ગયા હતા. તેમાંથી ત્રીજા ભાગના લોકો પાસે અઢળક સંપત્તિ એકઠી થઈ ગઈ હતી."

છાપ સુધારવાનો પ્રયાસ

ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા લોકોએ પોતાની છાપ સુધારવા માટે એક આચારસંહિતા બહાર પાડી. તેમાં યુવતીઓને ફેશનેબલ વસ્ત્રો ના પહેરવા, આઈબ્રો ના કરવી એવો આદેશ અપાયો હતો, જ્યારે પુરુષોને જણાવાયું હતું કે દાઢી સેટ કરાવવી નહીં.

લગ્નોમાં નૃત્ય અને સંગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને લગ્નના મહેમાનોની સંખ્યા ઘટાડીને 11 કરવામાં આવી હતી. શાળાએ જતા બાળકોને માત્ર ભગવા, સફેદ કે કાળા કપડાં પહેરીને જ શાળામાં આવવાનું જણાવાયું. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સે એક પોસ્ટર જારી કરીને કહ્યું કે જે કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેને જીવતા સળગાવી દેવામાં આવશે.

આ લોકોએ બ્યુટી પાર્લર પર અને મહિલાઓને સાડી અને જીન્સ પહેરવા પર પણ પ્રતિબંધ જાહેર કર્યો. શીખ મહિલાઓને તેમનું માથું ઢાંકી રાખવા કહેવાયું અને કપાળ પર બિંદી અથવા સિંદૂર ના લગાવવું તેવો આદેશ કરાયો. વાહનોની નંબર પ્લેટ પણ પંજાબી ભાષામાં લખવી એવો આદેશ ઉગ્રવાદીઓએ કર્યો હતો.

ટ્રક ચાલકોને આ ગમ્યું નહીં, કારણ કે આ કારણે પંજાબની બહાર જવાનું થાય ત્યારે પંજાબી નંબર પ્લેટને કારણે મુશ્કેલી પડતી હતી. આ પ્રકારના આદેશોને કારણે સામાન્ય લોકોમાં ઉગ્રવાદીઓનું સમર્થન ઓછું થવા લાગ્યું.

ઉગ્રવાદીઓનું નેતૃત્વ નબળું પડ્યું

પરિણામ એ આવ્યું કે સુરક્ષા એજન્સીના લોકોને હવે આ લોકોના સંગઠનમાં ઘૂસ મારવાની તક મળી ગઈ. ગુપ્તચર અધિકારીઓએ ત્રણેય પંથક સમિતિઓના વડાઓ ડૉ. સોહન સિંહ, ગુરબચન સિંહ મનોચહલ અને વાસન સિંહ ઝફરવાલનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક શરૂ કર્યો.

અમેરિકામાં રહેતા ગંગાસિંહ ઢિલ્લોં જેવા ખાલિસ્તાની નેતાઓનો પ્રભાવ પણ ઘટવા લાગ્યો હતો.

અલગતાવાદીઓનું નેતૃત્વ ધીમે ધીમે નબળું પડવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે ઉગ્રવાદીઓની સંખ્યા અને નવી ભરતીમાં ઘટાડો થવા લાગ્યો.

રમેશ ઇન્દર સિંહ લખે છે, "કટ્ટરપંથી ઉગ્રવાદીઓની સંખ્યા ક્યારેય 1500થી વધી નહોતી. મોટી સંખ્યામાં જાનહાનિ અને સુરક્ષા એજન્સીઓના દબાણને કારણે તેમની કેડર ઘટવા લાગી હતી અને હિંસક ચળવળનો અંત આવી ગયો."

"1988માં 372 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા, 1989માં 703, 1990માં 1335, 1991માં 2300 અને 1992માં 2110 ઉગ્રવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કરી દીધા હતા. 1993 સુધીમાં 916 ઉગ્રવાદીઓએ પોલીસ સમક્ષ હથિયાર હેઠા મૂકી દીધા હતા."

ઉગ્રવાદી પ્રવૃત્તિઓનો અંત

ઉગ્રવાદીઓ શું-શું કરી રહ્યા છે અને સંગઠનમાં તેમનું સ્થાન કેટલું ઊંચું છે તેના આધાર એક યાદી ઉગ્રવાદીઓની બનાવી હતી. તે યાદી અનુસાર એક પછી એકને નકામા કરી દેવા માટેની ઝુંબેશ ચલાવાઈ.

ઉગ્રવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઑપરેશન કેવું હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પંજાબમાં સેનાના લગભગ એક લાખ જવાનોને મૂકવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અર્ધલશ્કરી દળના લગભગ 40 હજાર જવાનોને પણ પંજાબ મોકલવામાં આવ્યા હતા. આ તમામને પંજાબ પોલીસને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ જીએસ ગરેવાલ અને લેફ્ટનન્ટ જનરલ બીકેએસ છિબ્બરે કર્યું હતું. બાદમાં જનરલ વીપી મલિકે સુકાન સંભાળ્યું હતું.

આ બધાનું પરિણામ એ આવ્યું કે ખાલિસ્તાન આંદોલનની કમર તૂટવા લાગી. 1992માં ઉગ્રવાદીઓએ 1518 નાગરિકોની હત્યા કરી હતી, જ્યારે 1994 સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર બે થઈ ગઈ હતી.

31 ઑગસ્ટ, 1995ના રોજ ઉગ્રવાદીઓએ પંજાબના મુખ્ય મંત્રી બિયંત સિંહની હત્યા કરી હતી, જે પંજાબમાં હિંસાની છેલ્લી મોટી ઘટના હતી.

આ પછી, હિંસાના છૂટાછવાયા કેસો સિવાય ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થવા લાગ્યો હતો.