You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં વિદેશી વિદ્યાર્થીઓ પર નવા પ્રતિબંધોની તૈયારી કેમ કરાઈ?
કૅનેડાના બ્રિટિશ કોલંબિયા વિસ્તારમાં નવી યુનિવર્સિટીઓ, કૉલેજો અને અન્ય સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નવા પ્રવેશ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ છે.
બ્રિટિશ કોલંબિયાના પ્રશાસન અનુસાર શિક્ષણ ક્ષેત્રમાં સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કૌભાંડોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોસ્ટ-સેકન્ડરી શિક્ષા મંત્રી સેલિના રૉબિન્સને સોમવારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય શિક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓને ઠીક કરવા માટે આ પ્રતિબંધ જરૂરી છે. સેલિનાના મત પ્રમાણે તંત્ર એવી રીતે કામ નથી કરી રહ્યું જે રીતે કરવું જોઈએ.
રૉબિન્સને કહ્યું, "રાજ્યએ ગયા વર્ષે માર્ચમાં આ પ્રણાલીની તપાસ શરૂ કરી. આ તપાસમાં જણવા મળ્યું કે શિક્ષાની ગુણવત્તા ખરાબ છે, શિક્ષકોની અછત છે અને કેટલીક ખાનગી સંસ્થાઓ વિદ્યાર્થીને અધિકારિક ફરિયાદ ન કરવા માટે પણ ધમકાવે છે."
રૉબિન્સને ભારતની એક વિદ્યાર્થિની વિશે વાત કરતાં જણાવ્યું કે તેમના પરિવારે વિદ્યાર્થિનીને ગુણવત્તાવાળી શિક્ષા મેળવવા માટે પૈસા એકઠા કરીને બ્રિટિશ કોલંબિયા મોકલ્યાં.
જોકે, તેઓ જ્યારે અહીં આવ્યાં તો તેમને ઑનલાઇન ક્લાસમાં રાખવામાં આવ્યાં હતાં.
રૉબિન્સને કહ્યું, "તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના નિયમિત ક્લાસ થશે પરંતુ વિદ્યાર્થિની જ્યારે પહેલાં દિવસે ત્યાં પહોંચ્યાં ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમને આખો અભ્યાસક્રમ ઑનલાઇન ભણાવવામાં આવશે."
પોસ્ટ-સેકન્ડરી શિક્ષા મંત્રીએ ઉમેર્યું કે તેમને સમજાયું નહીં કે એક ઑનલાઇન અભ્ચાસક્રમ માટે તેમણે આટલો ખર્ચ શું કામ કર્યો. અમારે આ પ્રકારની દરેક વસ્તુઓને રોકવાની જરૂર છે અને આ ખામીઓને દૂર કરવા માટે પગલાં લઈ રહ્યાં છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉબિન્સને પોતાની જાહેરાતમાં જણાવ્યું કે સરકાર રાજ્યની ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ માટે જરૂરી ભાષાની જાણકારી માટે એક નીતિ પર કામ કરી રહી છે છે જેથી કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીં આવતા પહેલાં સારી રીતે તૈયારી કરી શકે.
ભાષાને લગતા નિયમ વિશે વાત કરતાં પોસ્ટ-સેકન્ડરી શિક્ષા મંત્રીએ કહ્યું કે આ નિયમો માર્ચમાં જાહેર કરવામાં આવશે કારણ કે તેના પર હજુ કામ ચાલી રહ્યું છે.
સીબીસી અનુસાર બ્રિટિશ કોલંબિયામાં 150થી વધુ દેશોમાંથી આવેલા 1,75,000 આંતરરાષ્ટ્રીય પોસ્ટ માધ્યમિક વિદ્યાર્થીઓમાંથી લગભગ 54 ટકા વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થામાં નામાંકિત છે.
રાજ્યમાં 280 ખાનગી સ્કૂલો છે, જેમાંથી 80 ટકા સ્કૂલો લોઅર મેઇનલૅન્ડ એટલે કે ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ફરિયાદ કરવાથી અચકાય છે?
રૉબિન્સને કહ્યું કે વિસ્તારમાં માપદંડનુ પાલન સુનિશ્ચિત કરવા માટે સ્કૂલોનું નિરિક્ષણ વધારવામાં આવશે.
તેમણે કહ્યું, "વિદ્યાર્થીઓને લાગે છે કે જો તેઓ ફરિયાદ કરશે તો તેમનો સ્ટુડન્ટ વિઝા પર જોખમ થઈ શકે છે. આમ, તેમના પરિવારોની બધી જ આશાઓ ખતમ થઈ જશે એટલા માટે તેઓ ઓછી ફરિયાદ કરે છે."
પોસ્ટ-સેકન્ડરી શિક્ષા મંત્રીએ જણાવ્યું કે આ પ્રકાની વાતો સાંભળ્યા પછી અમે એક એવી પ્રણાલી વિકસિત કરવા જઈ રહ્યા છીએ જ્યાં અમે સાઇટ પર રહી શકીએ અને સારી રીતે કાર્યક્રમનું મૂલ્યાંકન કરી શકીએ.
રૉબિન્સને કહ્યું કે બે વર્ષના પ્રતિબંધને કારણે બ્રિટિશ કોલંબિયામાં હાલમાં કરવામાં આવેલા બદલાવના પ્રભાવનું આકલન કરવા માટે થોડોક સમય મળશે. કૅનેડાની સરકારે હાલમાં સ્ટુડન્ટ વિઝાની પરમિટમાં ઘટાડાની જાહેરાત કરી છે.
વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. વર્ષ 2022માં આઠ લાખથી વધારો વિદ્યાર્થીઓ આવ્યાં, જે 31 ટકાનો વધારો છે. આ કારણે કૅનેડાની હાઉસિંગ માર્કેટ પર દબાણ વધ્યું છે.
કેટલીક સ્કૂલો અમારી આશા પર ખરી ન ઊતરી
બ્રિટિશ કોલંબિયા ફૅડરેશન ઑફ સ્ટુડન્ટસ યુનિવર્સિટીઓ, કૉલેજો અને સંસ્થાઓમાં નામાંકિત 1,70,000થી વધારે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
ફૅડરેશન અનુસાર આ પરિવર્તન એક સારી દિશામાં પ્રથમ પગલું છે. ફૅડરેશન કેટલાં વર્ષોથી આ મુદ્દાઓને ઉઠાવી રહ્યું હતું.
ફૅડરેશનનાં ચેયરપર્સન મેલિસા ચિરિનોએ કહ્યું, "અમારી પ્રાથમિકતા છે કે ભવિષ્યમાં લેવામાં આવનારાં પગલાંઓ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અધિકાર સુરક્ષિત રહે. પોતાના બજેટને કવર કરવા માટે શિક્ષણ સંસ્થાનોની ટ્યુશન ફી પર નિર્ભરતા ખતમ કરવી જોઈએ."
રૉબિન્સને કહ્યું કે બ્રિટિશ કોલંબિયાની યુનિવર્સિટીઓ અને કૉલેજોએ ત્યાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી વિશે સ્પષ્ટ જાણકારી આપવી જોઈએ.
પોસ્ટ-સેકન્ડરી શિક્ષા મંત્રીએ ઉમેર્યું કે આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નામાંકનને નક્કી કરવા માટે અમે પબ્લિક સ્કૂલો સાથે પણ કામ કરીશું, જેમાં વિદેશી અને કૅનેડાના વિદ્યાર્થીઓને લાભ છે.
તેમણે જણાવ્યું કે મેં કેટલીક એવી સંસ્થાઓની વાતો પણ સાંભળી છે કે જ્યાં આખો કલાસ ભારતના એક રાજ્યના વિદ્યાર્થીઓનો છે અને વાસ્તવિકતામાં તેમને કૅનેડાની સંસ્કૃતિને સમજવાનો મોકો નથી મળતો.
તેઓ વધુમાં જણાવે છે કે સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી ડિગ્રીની ગુણવત્તા માટે ઉચ્ચ મૂલ્યાંકનના માપદંડો નક્કી કરવામાં આવશે અને લેબર માર્કેટની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.