કૅનેડામાં લાખો રૂપિયા ખર્ચીને ગયેલા યુવાનો ભારત પાછા કેમ આવી રહ્યા છે?

    • લેેખક, નિખીલ ઈનામદાર
    • પદ, બીબીસી સંવાદદાતા

અન્યત્ર નવી તકો શોધતા ગુજરાત અને પંજાબના લોકો માટે કૅનેડા લાંબા સમયથી પસંદગીનો દેશ બની રહ્યો હતો, પરંતુ હવે કૅનેડાનું સપનું તૂટી રહ્યું છે?

પંજાબના ઉપજાઉ ગ્રામીણ પ્રદેશોમાંથી પસાર થતી વખતે તેની પ્રવાસી મહત્ત્વકાંક્ષાઓના ઉત્સાહને અવગણવાનું મુશ્કેલ હોય છે.

કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને બ્રિટનમાં સરળ માઈગ્રેશનનાં વચન આપતાં બિલબોર્ડ્સ સરસવનાં મોટાં-મોટાં ખેતરોમાં નજરે પડતાં રહે છે.

હાઈવેઝની બહાર પરામર્શદાતાઓ ઉત્સુક યુવાઓને અંગ્રેજી ભાષાનું કોચિંગ ઓફર કરે છે.

ઈંટના એક માળનાં મકાનોની દિવાલો હાથેથી પેઈન્ટ કરવામાં આવેલી જાહેરાતો માટે કૅનવાસનું કામ કરે છે, જેમાં તત્કાળ વીઝાનું વચન આપવામાં આવે છે. ભટિંડા શહેરમાં યુવાઓનાં સપનાંને ગતિ આપવાનો વાયદો કરતા સેંકડો એજન્ટો એક સાંકડી શેરીમાં જગ્યા માટે ધક્કામૂક્કી કરતા હોય તેવું લાગે છે.

ભારતનું આ ઉત્તર-પશ્ચિમ રાજ્ય એક સદી કરતાં વધારે સમયથી વિદેશી માઇગ્રેશનની લહેરનું સાક્ષી બની રહ્યું છે. તેમાં બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં સામેલ શિખ સૈનિકોના કૅનેડા પ્રવાસથી માંડીને સ્વાતંત્ર્ય પછી ગ્રામીણ પંજાબીઓની ઇંગ્લૅન્ડ યાત્રાનો સમાવેશ થાય છે.

કૅનેડાથી મોહભંગ કેમ થઈ રહ્યો છે?

જોકે, ખાસ કરીને કૅનેડાના કેટલાક લોકો હવે વતન પાછા આવવાનું પસંદ કરી રહ્યા છે.

એવા લોકો પૈકીના એક 28 વર્ષના બાલકર છે. તેઓ માત્ર એક વર્ષ કૅનેડામાં રહ્યા બાદ 2023ની શરૂઆતમાં ભારત પાછા ફર્યા હતા. કોવિડ-19 મહામારીને પગલે તેમણે તેમનું નાનકડું ગામ પિથો છોડ્યું ત્યારે કૅનેડાનુ નાગરિકત્વ તેમનું અંતિમ લક્ષ્ય હતું. દીકરાના શિક્ષણ માટે તેમના પરિવારે પોતાની જમીન ગીરવે મૂકી દીધી હતી.

અલબત, કૅનેડામાં થોડાક મહિનાઓમાં જ તેમનાં કૅનેડિયન સપનાંની ચમક ઝંખવાઈ ગઈ હતી.

બીબીસી સાથે વાત કરતાં બાલકરે કહ્યું હતું, “ત્યાં દરેક ચીજ મોંઘીદાટ હતી. મારે માત્ર જીવતા રહેવા માટે કૉલેજ પછી દર અઠવાડિયે 50 કલાક કામ કરવું પડતું હતું. જોરદાર મોંઘવારીને લીધે અનેક વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ છોડી રહ્યા છે.”

હવે બાલકર તેમના ટીપિકલ પંજાબી ઘરના વિશાળ આંગણામાં એક તરફ આવેલી નાની રૂમમાંથી ઍમ્બ્રોઈટરીનો બિઝનેસ ચલાવે છે. પોતાની આવક વધારવા તેઓ પરિવારને ખેતરમાં મદદ પણ કરે છે.

આ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારની બહુ ઓછી તકો હોય છે, પરંતુ ટેકનૉલૉજીને લીધે તેમના જેવા ઉદ્યમીઓ લાંબા અંતરને પાર કરી લે છે. બાલકરને તેમનો મોટાભાગનો બિઝનેસ ઈન્સ્ટાગ્રામ મારફત મળે છે.

બાલકરે કહ્યુ હતું, “અહીં મજાનું જીવન છે. હું ઘરે રહી શકતો હોઉં અને સારા એવા પૈસા કમાઈ શકતો હોઉં તો મારે ત્યાં મુશ્કેલીઓનો સામનો શા માટે કરવો જોઈએ?”

દર વર્ષે હજારો યુવાનો કૅનેડાની વાટ પકડે છે

બીબીસીએ પંજાબ પરત આવેલા લગભગ અડધો ડઝન લોકો સાથે વાત કરી હતી અને એ બધાએ સમાન લાગણી વ્યક્ત કરી હતી.

કૅનેડા છોડીને ભારત પરત આવવાનો નિર્ણય કરી ચૂકેલા ભારતીયો દ્વારા યૂટ્યૂબ પર શૅર કરવામાં આવેલા સંખ્યાબંધ વીડિયોમાં પણ સમાન સૂર જોવા મળે છે. તાજેતરમાં પાછા ફરેલા એક યુવાને બીબીસીને જણાવ્યું હતું કે ઇમિગ્રેશન એજન્ટો દ્વારા રજૂ કરવામાં આવતાં ‘ગુલાબી ચિત્ર’ અને ટોરોન્ટો તથા વાનકુંવરના ઇમિગ્રન્ટ જીવનની કઠોર વાસ્તવિકતા વચ્ચે મોટો ફરક હોય છે.

દર વર્ષે હજારો પંજાબીઓને પર્મેનેન્ટ રેસિડન્સીઝ અને સ્ટુડન્ટ વિઝા મેળવી આપવામાં મદદ કરતા ભટિંડાના એક ઈમિગ્રેશન એજન્ટ રાજ કરણ બ્રારે જણાવ્યું હતું કે ખાસ કરીને જેમની પાસે ઘરે પાછા આવવાનો વિકલ્પ હોય તેવા સમૃદ્ધ માઈગ્રન્ટ્સમાં કૅનેડાનો ક્રેઝ થોડો ઘટ્યો છે.

ગ્રામ્ય સમુદાયોના મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોમાં કૅનેડાના નાગરિકત્વની ઇચ્છા આજે પણ પ્રબળ છે, પરંતુ ઇમિગ્રેશન એજન્ટોનું કહેવું છે કે નોકરી શોધવામાં મુશ્કેલીનો સામનો કરતા અને હાઉસિંગ તથા કામની તકોના અભાવનો વિરોધ કરતા વિદ્યાર્થીઓના યૂટ્યૂબ વીડિયોને લીધે આ વિદ્યાર્થીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

એક અંદાજ મુજબ, ભારતમાંથી કૅનેડીયન સ્ટડી પરમિટો માટેની અરજીઓમાં 2023ના ઉત્તરાર્ધમાં 40 ટકા ઘટાડો નોંધાયો હતો. તેનું એક કારણ, શિખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના આરોપ સંદર્ભે ભારત અને કૅનેડા વચ્ચે સર્જાયેલી રાજકીય તંગદિલી પણ હતી.

ભારતીય ઇમિગ્રન્ટોની જૂની પેઢીમાં ક્ષીણ થતા કૅનેડિયન ડ્રીમમાં કેટલાંક ગાઢ સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકા પણ છે. તેમાં કૅનેડામાં કામના અનુભવની આવશ્યકતા પરના પ્રતિબંધની મુશ્કેલ સમસ્યા, કૅનેડાની વસ્તીમાં દર વર્ષે થતા દસ લાખ લોકોના ઉમેરા અને ભારત તથા કૅનેડા વચ્ચેના જાહેર ઝઘડાનો સમાવેશ થાય છે.

કરન ઔલાખ એડમોન્ટનમાં લગભગ 15 વર્ષ રહ્યા હતા અને કારકિર્દી બનાવીને નાણાકીય સફળતા મેળવી હતી. પંજાબના ખાને કી દાબ ગામમાં, પોતાના જન્મસ્થળે, આરામદાયક ગ્રામીણ જીવન જીવવા માટે તેમણે કૅનેડામાં મૅનેજર તરીકેની નોકરી છોડી દીધી હતી.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ કૅનેડાની એલજીબીટી-સમાહિત શિક્ષણ નીતિ અને મનોરંજનના હેતુસર ગાંજાના ઉપયોગને કાયદેસર બનાવવાના 2018ના નિર્ણયથી નારાજ હતા.

તેમના જણાવ્યા મુજબ, ઘણા વૃદ્ધ ભારતીય કૅનેડિયનો કૅનેડા છોડવાની તૈયારી કરી રહ્યા છે, તેનાં મુખ્ય કારણોમાં પશ્ચિમી જીવનશૈલી સાથેની અસંગતતા, આરોગ્યસંભાળની નબળી પડતી પ્રણાલી અને ભારતમાં વધુ સારી આર્થિક સંભાવનાનો સમાવેશ થાય છે.

કરન ઔલાખે કહ્યું હતું. “સ્વદેશ પાછા આવવા ઇચ્છતા લોકોને મદદ કરવા માટે મેં દોઢ મહિના પહેલાં 'બૅક ટુ મધરલેન્ડ' નામની એક ઓનલાઈન કન્સલ્ટન્સી શરૂ કરી છે. મને રોજ ઓછામાં ઓછા બેથી ત્રણ લોકો કૉલ કરે છે. એમાં મોટા ભાગના કૅનેડાના હોય છે. તેઓ પંજાબમાં નોકરીની તકો અને પાછા કેવી રીતે આવી શકાય એ જાણવા ઇચ્છતા હોય છે.”

ઇમિગ્રેશન હિમાયત જૂથ 'ઇન્સ્ટિટ્યુટ ઑફ કેનેડિયન સિટીઝનશિપ'ના ડેનિયલ બર્નહાર્ડે કહ્યું હતું, જે દેશ ઇમિગ્રેશનને મૂલ્યવાન ગણે છે તેના માટે આ વલણ “ચિંતાજનક” છે અને તેને “થોડા રાજકીય ડંખ સાથે સ્વીકારવામાં આવી રહ્યું છે.”

ધીમી આર્થિક વૃદ્ધિ અને ઝડપથી વૃદ્ધ થતી વસ્તીની સમસ્યાનો સામનો કરવા માટે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઉદાર ઇમિગ્રેશન નીતિ અમલી બનાવી હતી.

કૅનેડાની સ્ટેટેસ્ટિક્સ એજન્સીના જણાવ્યા અનુસાર, 2021માં કૅનેડાના શ્રમદળના વિકાસમાં 90 ટકા અને વસ્તીવૃદ્ધિમાં 75 ટકા હિસ્સો ઇમિગ્રેશનનો હતો.

કૅનેડા જનાર લોકોમાં સૌથી વધુ ભારતીય

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કૅનેડાના અર્થતંત્રમાં દર વર્ષે 14.7 અબજ ડૉલરનું યોગદાન આપે છે. તેમાંથી મોટા ભાગના ભારતીયો છે. કૅનેડાના દર પાંચમાથી એક ઇમિગ્રન્ટ ભારતીય છે.

ભારત 2022માં ઇમિગ્રેશન માટે કૅનેડાનો અગ્રણી સ્રોત પણ હતું.

કૅનેડામાં ઈમિગ્રેશનના સર્વોચ્ચ સ્તરના સંદર્ભમાં દેશ છોડી રહેલા લોકોનું પ્રમાણ અત્યારે ઓછું છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન કૅનેડાએ દર વર્ષે નવા લગભગ પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને આવકાર્યા હતા.

જોકે, રિવર્સ માઈગ્રેશનનો દર 2019માં બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે સંકેત આપે છે કે સ્થળાંતર કરતા લોકો કૅનેડામાંનો “વિશ્વાસ ગુમાવી રહ્યા છે,” એમ બર્નહાર્ડે જણાવ્યું હતું.

આવા ઇમિગ્રન્ટ અથવા રિવર્સ માઈગ્રન્ટના દેશવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ રૉયટર્સે મેળવેલા સત્તાવાર ડેટા જણાવે છે કે 2021 અને 2022માં 80,000થી 90,000 ઇમિગ્રન્ટોએ કૅનેડા છોડ્યું હતું. તેઓ તેમના દેશમાં પાછા ફર્યા હતા અથવા તો અન્યત્ર ગયા હતા.

2023ના ઉત્તરાર્ધમાં લગભગ 42,000 લોકોએ કૅનેડા છોડ્યું હતું.

'ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૅનેડિયન સિટીઝનશિપ'ના વસ્તીવિષયક આંકડા અનુસાર, બહુ ઓછા કાયમી રહેવાસીઓને કૅનેડિયન નાગરિકત્વ મળવાનું છે. એ પૈકીના 75 ટકા લાયક લોકો 2001માં કૅનેડાના નાગરિક બન્યા હતા. બે દાયકા પછી તે પ્રમાણ 45 ટકા હતું.

બર્નહાર્ડના કહેવા મુજબ, કૅનેડાએ “તેના નાગરિકત્વના મૂલ્યને પુનઃસ્થાપિત કરવું જરૂરી છે.”

કૅનેડા વીઝા પર કાપ કેમ મૂક્યો?

વધુ લોકોને સમાવવાના સંઘર્ષના સંદર્ભમાં કૅનેડા આક્રમક ઇમિગ્રેશન લક્ષ્યાંક વિશે ચર્ચા કરી રહ્યું છે ત્યારે આ બની રહ્યું છે.

'નેશનલ બૅન્ક ઑફ કૅનેડા'ના અર્થશાસ્ત્રીઓના તાજેતરના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે કૅનેડામાં હાઉસિંગ સપ્લાયની સ્થિતિ તંગ છે અને તેની આરોગ્યસંભાળ પ્રણાલી દબાણ હેઠળ છે ત્યારે વસ્તીવૃદ્ધિ તેના પરનો બોજ વધારી રહી છે.

કૅનેડાની વસ્તીમાં 2023માં બાર લાખનો વધારો થયો હતો અને તે મુખ્યત્વે દેશમાં નવા આવેલા લોકોને આભારી છે.

અહેવાલમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જીવન ધોરણ જાળવી રાખવા અથવા બહેતર બનાવવા માટે વૃદ્ધિને વાર્ષિક પાંચ લાખ લોકો સુધી મર્યાદિત રાખવી જરૂરી છે.

નીતિના ઘડવૈયાઓએ આ મૂલ્યાંકનને મૌન સ્વીકૃતિ આપી હોય તેવું લાગે છે.

જસ્ટિન ટ્રુડોની ઉદારમતવાદી સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પરમિટ્સ પર તાજેતરમાં મર્યાદા લાદી છે. તેના પરિણામે માન્ય સ્ટડી વિઝામાં 35 ટકાનો અસ્થાયી ઘટાડો થશે.

આ એક મહત્ત્વપૂર્ણ નીતિપરિવર્તન છે અને કેટલાક માને છે કે તેનાથી રિવર્સ માઇગ્રેશનનાં મોજાં વચ્ચે કૅનેડાની અપીલમાં વધુ ઘટાડો થઈ શકે છે.