ટ્રમ્પ પર ગોળી ચલાવનાર થૉમસ મૅથ્યૂ ક્રુક્સ કોણ છે? શા માટે તેણે ગોળીબાર કર્યો?

પેન્સિલ્વેનિયાના પીટ્સબર્ગનો બેથલ પાર્ક નામનો નાનકડો વિસ્તાર અત્યારે ચર્ચામાં છે કારણ કે અહીંના રહેવાસી એવા 20 વર્ષના થૉમસ મૅથ્યૂ ક્રુક્સને ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે.

ટ્રમ્પ પર પેન્સિલ્વેનિયાના બટલર વિસ્તારમાં રેલી દરમિયાન હુમલો થયો હતો, જેના કારણે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું.

તપાસકર્તાઓનું માનવું છે કે થૉમસ ક્રુક્સે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર સેમિઑટોમેટિક એઆર-15 રાઇફલથી ગોળીઓ વરસાવી હતી

આ ગોળીબારને કારણે રેલીમાં આવેલી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે બે લોકો ઘાયલ થઈ ગયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે કિચનમાં કામ કરનારા 20 વર્ષના થૉમસ મૅથ્યૂ ક્રુક્સને સિક્રેટ સર્વિસના સ્નાઇપરોએ ઘટનાસ્થળે જ ગોળી મારી દીધી હતી.

જોકે, ક્રુક્સના પરિવારજનો અને પાડોશીઓ આ વાત સાંભળીને સ્તબ્ધ છે. એવું લાગે છે કે તેઓ આ કડવી હકીકતને પચાવી શક્યા નથી કે તેમને ત્યાં રહેનારા શાંત સ્વભાવના યુવાન પર ગોળી ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

જ્યારે એફબીઆઈએ પોતાના તરફથી એ કહ્યું કે "ક્રુકસ જ એ શખસ છે કે જેમની સામે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાની કોશિશના મામલામાં તપાસ થઈ રહી છે. આ મામલાની તપાસ ખૂબ સક્રિયતાથી થઈ રહી છે."

થૉમસ ક્રુક્સનું વ્યક્તિત્વ કેવું હતું?

ક્રુક્સના વ્યક્તિત્વ અંગે અત્યાર સુધી જે ચિત્ર ઊભરી આવ્યું છે તે ઘણું ગૂંચવણભર્યું અને વિરોધાભાસી દેખાય છે.

સ્થાનિક હાઈસ્કૂલમાં ક્રુક્સ સાથે અભ્યાસ કરતા કેટલાક યુવકોએ સ્થાનિક ન્યૂઝ ચૅનલ કેડીકેએ સાથે વાત કરતા કહ્યું કે તે બધાથી દૂર રહેતો અને લોકો તેને વારંવાર ધમકાવતા.

ઘણી વખત ક્રુક્સ 'શિકારીનો પોશાક' પહેરીને શાળાએ આવતો.

શાળામાં ક્રુક્સ સાથે અભ્યાસ કરતી અન્ય છોકરી સમર બાર્કલેએ તેની એક અલગ છબી રજૂ કરી. બાર્કલેએ બીબીસીને જણાવ્યું હતું કે ક્રુક્સે 'પરીક્ષા અને કસોટીઓમાં હંમેશાં સારા માર્ક્સ મેળવ્યા હતા' અને તેને 'ઇતિહાસમાં ઊંડો રસ હતો.’

સમર બાર્કલેએ કહ્યું, "સરકાર કે ઈતિહાસ સાથે સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય, એવું જ લાગતું હતું કે તે બધું જ જાણે છે. પણ આ કોઈ અસામાન્ય વાત ન હતી. તે હંમેશા સારું વર્તન કરતો."

સમર બાર્કલેએ એમ પણ જણાવ્યું હતું કે તેના તમામ શિક્ષકો ક્રુક્સને પસંદ કરતા હતા.

કેટલાક વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું હતું કે ક્રુક્સ હંમેશાં મૌન રહેતો.

ક્રુક્સ સાથે અભ્યાસ કરનાર અન્ય વ્યક્તિએ બીબીસીને કહ્યું, "તે અમારી શાળામાં હતો. પરંતુ હું એવા કોઈ વ્યક્તિને જાણતો નથી કે જે તેને સારી રીતે ઓળખતો હોય. ક્રુક્સ એવી વ્યક્તિ નહોતી કે જેના વિશે હું કંઈ વિચારી શકું. પરંતુ, તે ઠીક-ઠાક લાગતો."

જૅમ્સન માયર્સ ક્રૂક્સને એક 'સામાન્ય વ્યક્તિ' તરીકે યાદ કરે છે જે વિદ્યાર્થીઓમાં 'ખૂબ લોકપ્રિય' ન હતી, પરંતુ જે ક્યારેય કોઈ ઝઘડા કે વિવાદોમાં પણ પડી નહોતી.

માયર્સે કહ્યું, "તે એક સારો છોકરો હતો, જેણે ક્યારેય કોઈની સાથે અસભ્યતાથી વાત કરી ન હતી અને હવે તેના વિશે જે કહેવામાં આવી રહ્યું છે તેવી તો મને બિલકુલ અપેક્ષા ન હતી."

27 વર્ષીય જેસન મેકી તેમના પાડોશી છે અને તેઓ પણ આ વાત સાંભળીને આઘાતમાં છે. તેમને વિશ્વાસ થતો નથી કે તેમનો પાડોશી આવું કોઈ કૃત્ય/કરી શકે.

કેવી રીતે થઈ થૉમસ ક્રુક્સની ઓળખ?

જ્યારે સ્નાઇપરે થૉમસ ક્રુક્સની હત્યા કરી ત્યારે તેની પાસેથી કોઈ ઓળખપત્ર નહોતું મળી આવ્યું. તેથી, તપાસકર્તાઓએ ડીએનએ અને ફેસ રેકગ્નિશન મારફતે તેની ઓળખ કરી.

ક્રુક્સ એ પેન્સિલ્વેનિયાના બેથેલ પાર્કનો રહેવાસી હતો. જ્યાં ટ્રમ્પને ગોળી મારવામાં આવી હતી ત્યાંથી આ નગર લગભગ 70 કિલોમીટર દૂર છે.

ક્રુક્સ 2022માં બેથેલ પાર્ક હાઇસ્કૂલમાંથી સ્નાતક થયા હતા. એક સ્થાનિક અખબાર અનુસાર, ગણિત અને વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવવા બદલ ક્રુક્સને 500 અમેરિકન ડૉલરનું ઇનામ પણ મળ્યું હતું.

બીબીસીને જાણવા મળ્યું છે કે થૉમસ ક્રૂક્સ તેના ઘરથી થોડે દૂર એક સ્થાનિક નર્સિંગ હોમના કિચનમાં પણ કામ કરતો હતો.

અમેરિકન મીડિયા અનુસાર, રાજ્યમાં મતદાતાના રેકૉર્ડ જોતા ખબર પડી કે ક્રુક્સ એ રિપબ્લિકન પાર્ટીના રજિસ્ટર્ડ વોટર હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે 2021માં, ક્રુક્સે એક ઉદારવાદી અભિયાન સંસ્થા ઍક્ટબ્લ્યૂને 15 ડૉલરનું દાન પણ આપ્યું હતું.

છેલ્લા એક વર્ષથી,ક્રુક્સે ક્લેરટન સ્પોર્ટ્સમેન ક્લબમાં સભ્યપદ મેળવ્યું હતું, જે બેથેલ પાર્કમાં આવેલી એક શૂટિંગ ક્લબ છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

સમાચાર એજન્સી ઍસોસિએટેડ પ્રેસના અહેવાલમાં લૉ ઍન્ફૉર્સમેન્ટ એજન્સીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કરવા માટે ઉપયોગમાં લેવાતી રાઇફલ ક્રૂક્સના પિતાએ ખરીદી હતી.

બે અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે ન્યૂઝ એજન્સી ઍસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે ક્રુક્સના પિતાએ ઓછામાં ઓછાં છ મહિના પહેલાં આ રાઇફલ ખરીદી હતી.

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શૂટિંગ સમયે ક્રુક્સ ડિમોલિશન રૅન્ચ નામની એક યુટ્યૂબ ચૅનલની ટી-શર્ટ પહેરી હતી.

આ ચૅનલ તેના ગન વીડિયો માટે પ્રખ્યાત છે. આ ચૅનલના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. તેના વીડિયોમાં વિવિધ પ્રકારની બંદૂકો અને વિસ્ફોટક ઉપકરણો વિશે માહિતી આપવામાં આવે છે.

ગોળીબારના એક દિવસ પછી લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓએ બીબીસીના અમેરિકન સહયોગી સીબીએસને જણાવ્યું હતું કે ક્રુક્સની કારમાંથી શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યાં હતાં.

સીબીએસના જણાવ્યા મુજબ ક્રુક્સ પાસે બજારમાં ઉપલબ્ધ એક એવું ઉપકરણ પણ હતું કે જેના દ્વારા અનેક વિસ્ફોટક ઉપકરણોનું સંચાલન કરી શકાતું હતું.

ત્યારપછી બૉમ્બ નિષ્ક્રિય કરનારા જાણકારોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા જેથી કરીને ડિવાઇસને સુરક્ષિત કરીને તેની તપાસ કરી શકાય.

ક્રુક્સે શા માટે ગોળી ચલાવી હતી?

ક્રુક્સની ઓળખની ખાતરી થઈ ગયા બાદ તપાસ અધિકારીઓ હવે તેના આ કૃત્ય પાછળનો હેતુ શોધવામાં વ્યસ્ત છે.

પિટ્સબર્ગમાં એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ ઇન-ચાર્જ કેવિન રોજેકે શનિવારે રાત્રે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અમે હજુ સુધી આ પાછળનો હેતુ શોધી શક્યા નથી.'

કેવિન રોઝેકે કહ્યું હતું કે બટલરમાં બનેલી ઘટનાની તપાસમાં ઘણા મહિનાઓ લાગી શકે છે અને તપાસકર્તાઓ એ શોધવાનું ચાલુ રાખશે કે ગોળીબાર પાછળ ક્રુક્સનો હેતુ શો હતો.

સીએનએન સાથે વાત કરતા ક્રુક્સના પિતા મૅથ્યુ ક્રુક્સે કહ્યું કે તેઓ પોતે પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે 'આ બધું શું થઈ રહ્યું છે.'

જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમના પુત્ર વિશે કંઈપણ કહેતા પહેલા 'અમે લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે વાત થાય એટલી રાહ જોઇશું'.

એફબીઆઈના જણાવ્યા અનુસાર, ક્રુક્સનો પરિવાર તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરી રહ્યો છે.

પોલીસે થૉમસ ક્રુક્સ જ્યાં તેમનાં માતાપિતા સાથે રહેતો હતો એ ઘર તરફ જતો રસ્તો સીલ કરી દીધો છે.

એક પાડોશીએ સીબીએસને જણાવ્યું હતું કે અધિકારીઓ તેમને ચેતવણી આપ્યા વિના મધ્યરાત્રિએ તેમના ઘરેથી બહાર લઈ ગયા હતા.

બેથેલ પાર્ક પોલીસે કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે ક્રુક્સના ઘર પાસે બૉમ્બ હતો કે નહીં.

આ વિસ્તારમાં હિલચાલ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને પોલીસ વાહનોએ રસ્તાઓ બંધ કરી દીધા છે. અહીંના રહેવાસીઓને જ જવા દેવામાં આવે છે.

તપાસ એજન્સીઓના સૂત્રોએ સીબીએસને જણાવ્યું છે કે તેઓ માને છે કે ટ્રમ્પને ગોળી મારવામાં આવે તે પહેલાં કોઈ પ્રકારની યોજના બનાવવામાં આવી હશે..

જોકે, આ પ્લાન કેટલા સમયથી બની રહ્યો છે એ હજુ તપાસનો વિષય છે. પોલીસ એ પણ શોધી રહી છે કે થૉમસ ક્રુક્સ ટ્રમ્પની રેલીમાં કોની સાથે ગયો હતો.

ટ્રમ્પ પર ગોળી ચલાવનારને સ્કૂલની રાઇફલ ટીમમાં જગ્યા નહોતી મળી

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે ટ્રમ્પ પર ગોળીબાર કરનાર 20 વર્ષના થૉમસ ક્રુક્સને હાઈસ્કૂલ રાઇફલ ટીમમાં સામેલ નહોતો કરવામાં આવ્યો.

ક્રુક્સના એક સહપાઠીએ એબીસી ન્યૂઝને જણાવ્યું કે પ્રીસેશન સીઝન પછી હાઈસ્કૂલે ક્રુક્સને પાછો ટીમમાં લેવાનો ઇનકાર કર્યો હતો.

જેમ્સન માયર્સે કહ્યું કે, "ક્રુક્સ ટીમમાં જગ્યા નહોતો બનાવી શક્યો અને તેને ટીમમાં પાછો ન આવવા માટે કહેવામાં આવ્યું હતું. તેનું કારણ હતું તેનો શૉટ ઘણો ખરાબ અને ખતરનાક માનવામાં આવ્યો હતો."

ત્યારે તેની ટીમના વધુ એક સભ્યે જણાવ્યું કે થૉમસ ક્રુક્સ કેટલો ખરાબ શૉટ લગાવતો હતો અને તે રાઇફલ ટીમમાં સામેલ થવા માટે બિલકુલ ફિટ નહોતો.

સ્કૂલ ડિસ્ટ્રિક્ટે પણ જણાવ્યું કે ક્રુક્સે ફરી ક્યારેય ટીમમાં સામેલ થવાનો પ્રયાસ નહોતો કર્યો અને તે ક્યારેય રોસ્ટરમાં સામેલ ન થયો.

જોકે ક્રુક્સ ઓછામાં ઓછા એક વર્ષ સુધ સ્થાનિક શૂટિંગ ક્લબ ક્લેયરટન સ્પોર્ટ્સમૅન્સ ક્લબથી જોડાયેલો રહ્યો.

શું તેમણે કોઈના સાથ વગર ગોળીબાર કર્યો?

ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું હતું કે ટ્રમ્પ પર ગોળીબાર થયો એ પહેલાં તેમણે એક વ્યક્તિને છત પર સરકીને જતાં જોઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે એ વ્યક્તિ થૉમસ ક્રુક્સ જ હતી.

ટીએમજીને મળેલા એક વીડિયોમાં ગોળીબારી શરૂ થઈ એ પહેલાંનાં કેટલાંક દૃશ્યો જોવાં મળે છે.

સીબીએસના અહેવાલ પ્રમાણે હુમલો કરનારે એઆર સ્ટાઇલની રાઇફલમાંથી ગોળી ચલાવવાની શરૂ કરી હતી.

લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓના સૂત્રોએ પણ સીબીએસને જણાવ્યું કે સ્થળ પર હાજર એક વ્યક્તિએ હુમલાખોર તરફ ઇશારો કર્યો હતો. પોલીસે તેની ઓળખ શંકાસ્પદ તરીકે કરી હતી. પરંતુ, ફાયરિંગ શરૂ થાય તે પહેલાં જ તે વ્યક્તિ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો.

જોકે, એફબીઆઈનું કહેવું છે કે તેઓ જાણતા નથી કે ટ્રમ્પ પર કયા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને કેટલા ફાયરિંગ કરવામાં આવ્યા હતા.

એફબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે સીક્રેટ સર્વિસના સ્નાઈપરે જવાબી ફાયરિંગ કરીને શૂટરને મારી નાખ્યો.

પાછળથી ફોટામાં સશસ્ત્ર અધિકારીઓ એક બિલ્ડિંગની છત પર એક મૃતદેહ તરફ ચાલીને જતાં જોવા મળ્યા હતા.