શેંગેન : યુરોપના 29 દેશોના વિઝા મેળવવા ચાલતો કાળાબજારનો ધંધો

    • લેેખક, અમિરા મધબી
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

યાઝાન પારિવારિક મિલન માટે લાંબા સમયથી રાહ જોતા હતા અને એ માટે ઇટાલી જવા તલપાપડ હતા.

જોકે, લંડનમાં અભ્યાસ કરનાર 20 વર્ષના સીરિયન નાગરિક યાઝાન યુરોપિયન દેશ ઇટાલીમાં પ્રવાસ માટે વિઝા ઍપોઈન્ટમેન્ટ મેળવી શકે તેમ ન હતા.

સ્લોટ મળે એ માટે યાઝાને મધરાતે ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં સંપર્ક પણ કર્યો હતો. તેની વાત કરતાં યાઝાન બીબીસીને કહે છે, “મેં બે મહિના સુધી પ્રયાસ કર્યા હતા. મેં સવારે ચાર અને પાંચ વાગ્યે પ્રયત્નો કર્યા હતા, પણ ઍપોઈન્ટમેન્ટ મળી નહીં.”

આખરે યાઝાને હાર માની લેવી પડી હતી અને તેઓ માત્ર વીડિયો કોલ દ્વારા પરિવાર સાથે જોડાઈ શક્યા હતા.

વિઝા ઍપોઈન્ટમેન્ટ માટે પ્રયાસ કરતા હોય તેવા લોકોમાં માત્ર યાઝાન એકલા નથી. ઍપોઈન્ટમેન્ટના અભાવે યુરોપના શેંગેન વિઝા મેળવી ન શક્યા હોય તેવા દુનિયાભરના લોકો સાથે બીબીસીએ વાત કરી હતી.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

સલાહ મંચો

વાસ્તવમાં કેટલાક લોકો ઍપોઈન્ટમેન્ટ સંબંધી સલાહ મેળવવા ફેસબૂક અને ટેલિગ્રામ ગ્રુપ્સ તેમજ 'ક્વૉરા' જેવી વેબ ફોરમ તરફ વળ્યા છે. તેમને ચોક્કસ ફીના બદલામાં “સહાય”ની ઓફર પણ મળી હતી.

શેંગેન પ્રદેશના 29 દેશો માટે વિઝા મેળવવા પ્રવાસીઓ સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ઍપોઈન્ટમેન્ટ સ્લોટ અને ઝડપી ઍપોઈન્ટમેન્ટ બુકિંગ સોફ્ટવેરના કાળાબજારનો ધંધો ધમધમી રહ્યો હોય એવું લાગે છે.

શેંગેન વિઝા 180 દિવસના સમયગાળામાં 90 દિવસ સુધી આ પૈકીના કોઈ પણ દેશની મુલાકાત લેવા ઇચ્છતા યુરોપિયન સંઘ (ઈયુ) સિવાયના નાગરિકો માટેની એન્ટ્રી પરમિટ છે.

ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિસમાં 'ટીએલએસ કૉન્ટેક્ટ' નામની કંપની યુરોપિયન કૉન્સ્યુલેટ વતી વિઝા અરજીઓ અને બાયોમેટ્રિક ડેટા સંબંધી સેવાઓ પૂરી પાડે છે.

કોવિડ પછીની સ્થિતિ

કોવિડ રોગચાળા પછી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલની માંગમાં જોરદાર વધારો થયો છે.

ઈયુએ 2023માં એક કરોડ શેંગેન વિઝા ઈસ્યુ કર્યા હતા. 2022માં તે પ્રમાણ 73 લાખનું હતું.

યુએન ટુરિઝમના જણાવ્યા અનુસાર, 2024ના પહેલા છ મહિનામાં અંદાજે 28.5 કરોડ લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો હતો, જે 2023ના સમાન સમયગાળા કરતાં લગભગ 20 ટકા વધુ છે.

શેંગેન વિઝા માટેની અરજીઓ આઉટસોર્સ કરવામાં આવે છે. તેનું કામકાજ યુરોપિયન દેશોની સરકારો માટે કામ કરતી એજન્સીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ એજન્સીઓ અરજદારોના દસ્તાવેજો એકત્રિત કરવા અને તેમના બાયોમેટ્રિક ડેટાની નોંધણી માટે ઍપોઈન્ટમેન્ટ આપે છે.

અમે બે આઉટસોર્સિંગ એજન્સીઓ 'ટીએલએસ કૉન્ટેક્ટ' અને 'વીએફએસ ગ્લોબલ'નો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમની વેબસાઇટ્સ પર જે ઍપોઈન્ટમેન્ટ સ્લોટ્સ આપવામાં આવે છે તે તેઓ જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેમના દ્વારા નક્કી અને નિયંત્રિત કરવામાં આવે છે.

ઈયુ કમિશનના પ્રવક્તા ક્રિશ્ચિયન વિગન્ડે બીબીસીને જણાવ્યું હતું કે કોવિડ વખતે મુસાફરી સંબંધે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે કેટલાક સભ્ય દેશોને કર્મચારીઓ ઘટાડવાની અને બહારની કંપનીઓ સાથેના કૉન્ટ્રેક્ટ રદ કરવાની ફરજ પડી હતી. હવે માંગ વધી છે ત્યારે તેને પહોંચી વળવા તેઓ પૂરતા સજ્જ નથી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઍપોઈન્ટમેન્ટ માટેના પ્રતિક્ષા સમયને ઘટાડવાના પગલાં ઈયુ કમિશન લઈ રહ્યું છે. તેમાં અરજીઓના પ્રોસેસિંગ માટે વધુ કર્મચારીઓના ભંડોળની વ્યવસ્થા કરવા ફીમાં 10 યુરોના તાજેતરના વધારાનો પણ સમાવેશ થાય છે.

બલ્ગેરિયાની સાથે રોમાનિયા પણ 2024ની 31 માર્ચથી શેંગેન એરિયામાં જોડાયું છે.

‘વિઝા શોપિંગ’

પ્રવાસીઓએ તેઓ જે શેંગેન એરિયામાં પ્રવેશવાના હોય તે દેશને વિઝાની અરજી કરવાની હોય છે અથવા તેઓ અનેક શેંગેન દેશોની મુલાકાત લેવાના હોય તો તેઓ જે દેશમાં સૌથી વધુ સમય પસાર કરવાના હોય તે દેશને વિઝાની અરજી કરવાની હોય છે.

કેટલાક દેશોના વાણિજ્ય દૂતાવાસોમાં અન્યો કરતાં વધુ અરજીઓ આવતી હોવાને કારણે ઘણા પ્રવાસીઓ વિઝા મેળવવા માટે, કેટલાક જેને ‘વિઝા શોપિંગ’ કહે છે તે, મોંઘી પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે.

ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અનિલ કલસી કહે છે, “લોકોને સમયસર વિઝા ઍપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હોય તેવા કોઈ પણ દેશને પસંદ કરવાની ફરજ પડે છે.”

કેટલાક પ્રવાસીઓ ઈયુના નિયમનું પાલન કરવા માટે તેમના ઈચ્છિત ગંતવ્યસ્થાનની સાથે વિઝા ઍપોઈન્ટમેન્ટ આસાનીથી મળતી હોય તેવા વધારાના દેશોની મુલાકાત માટે વધારે પૈસા ખર્ચવાનું પસંદ કરી રહ્યા છે.

ઍપોઇન્ટમેન્ટ ન મળતી હોવાને લીધે ઘણીવાર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ક્રિશ્ચિયન વિગન્ડ જણાવે છે કે આ પરિબળને કારણે પણ વેઇટિંગ ટાઈમમાં વધારો થયો છે.

અપૂરતી ઍપોઇન્ટમેન્ટ્સ વિશે ગયા વર્ષે પૂછવામાં આવ્યું ત્યારે લંડનમાંથી ફ્રેન્ચ ઍમ્બેસીએ બીબીસીને જણાવ્યું હતું કે તેની ક્ષમતામાં વધારો કરવાથી વિઝા શોપિંગને પ્રોત્સાહન મળશે.

ઘણા લોકો માટે વિઝા શોપિંગ બહુ ખર્ચાળ અને સમય માંગી લેતું હોય છે ત્યારે પ્રવાસીઓને તેમની પસંદગીના દેશની ઝડપી મુલાકાતના વચનની લાલચ આપતા બ્લેક માર્કેટ ટ્રેડર્સ માટે તક સર્જાય છે.

યુરોપના શેંગેન ટ્રાવેલ વિઝામાં અંધાધૂંધીને કારણે કાળાબજારનો ધીકતો ધંધો

લંડનમાં રહેતા ઈજિપ્તનાં નાગરિક નિર્વાનાએ મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે સમયસર વિઝા ઍપોઇન્ટમેન્ટ મેળવવા બ્લેક માર્કેટમાં લગભગ 100 પાઉન્ડ ચૂકવ્યા હતા.

37 વર્ષનાં નિર્વાના કહે છે, “કન્યાના ઘણા સંબંધીઓ અને દોસ્તો લગ્નમાં હાજરી આપી શક્યાં નહોતા. કારણ કે તેમને સમયસર વિઝા ઍપોઇન્ટમેન્ટ મળી ન હતી.”

નિર્વાનાએ તેમના એક દોસ્તે સૂચવેલા એક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. એ પ્લેટફોર્મ ફી ચૂકવતા ગ્રાહકો માટે ઍપોઇન્ટમેન્ટ બૂક કરવા “બોટ્સ”નો ઉપયોગ કરે છે.

ટેલિગ્રામ પરની આ ‘બોટ’ સર્વિસ ત્રણ દિવસમાં ઍપોઇન્ટમેન્ટ ગોઠવી દેવાની ખાતરી આપે છે. અમે તે સેવાનું નામ આ ઈમેજમાં છૂપાવ્યું છે.

‘બોટ’ એ રૉબોટ માટેનો ટૂંકાક્ષર છે. તે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે, જે માણસની જેમ જ કામ કરે છે, પરંતુ તેની ગતિ અને આવર્તન બહુ ઝડપી હોય છે. બ્લૅક માર્કેટ એજન્ટ્સ તેનો ઉપયોગ ઍપોઇન્ટમેન્ટને મૉનિટર કરવા અને તે રિલીઝ થાય કે તરત બલ્ક-બુકિંગ માટે કરે છે.

નેધરલૅન્ડમાં એક જલસામાં જવા માટે લંડનમાં ઍપોઇન્ટમેન્ટ બુક કરવા ત્રણ મહિના પ્રયાસ કર્યા પછી સિરેને એક બોટ ડાઉનલોડ કરવા 30 પાઉન્ડ ચૂકવ્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વીએફએસ ગ્લોબલ વેબસાઈટ પર ઍપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ થતાંની સાથે જ તેમને નોટિફિકેશન મોકલવામાં આવશે.

26 વર્ષનાં લેબનીઝ નાગરિક સિરેને ધાર્યું હતું કે પોતાનો અંગત ડેટા બ્લૅક માર્કેટ એજન્ટ સાથે શૅર કરવા કરતાં આ વિકલ્પ વધારે સલામત છે.

જોકે, બોટ સિરેનને મદદરૂપ થઈ શક્યો ન હતો. સિરેન માને છે કે અન્ય હજારો લોકોએ સમાન નોટિફિકેશન પ્રાપ્ત કરવા પૈસા ચૂકવ્યા હતા. સિરેને દર વખતે જવાબ આપ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઍપોઇન્ટમેન્ટ ખતમ થઈ ગઈ હતી.

સિરેન કહે છે, “એ પીડાદાયક પ્રક્રિયા હતી. આખરે મેં હાર માની લીધી હતી.”

સિરેને જલસાની ટિકિટ એક વર્ષ પહેલાં ખરીદી લીધી હતી, પણ તેઓ હવે તે જલસાનો આનંદ માણી શકશે નહીં.

કૉન્સ્યુલેટ્સ અને વિઝા એજન્સીઓ “ઍપોઇન્ટમેન્ટ ફ્રોડ” સામે લડવા માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરી રહી છે.

ટીએલએસ કૉન્ટેક્ટે બીબીસીને જણાવ્યું હતું કે તે બ્લૅક માર્કેટ ટ્રેડર્સ માટે મુશ્કેલી સર્જવા વન-ટાઈમ પાસવર્ડ જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તે ઍપોઇન્ટમેન્ટ્સ સંબંધી ધારણાને ટાળવા માટે “રેન્ડમ રિલીઝ” પણ ઑટોમેટ કરે છે.

આવાં જ પગલાં વીએફએસ ગ્લોબલ દ્વારા લેવામાં આવે છે. તેણે બીબીસીને જણાવ્યું હતું કે તે બોટ્સ બૂકિંગ ઍપોઇન્ટમેન્ટ્સ સંબંધે “અત્યંત ગંભીર” કાર્યવાહી કરે છે.

શેંગેન નામ લક્ઝમબર્ગના દક્ષિણ-પૂર્વીય શહેર પરથી આવ્યું છે, જ્યાં ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને નેધરલૅન્ડે 1985માં મૂળ શેંગેન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

‘પ્રાઈવેટ રિલીઝ વિન્ડોઝ’

અહમદ (નામ બદલ્યું છે) એક ટ્રાવેલ એજન્સીના માલિક છે. અહમદ કહે છે કે તેઓ બ્લૅક માર્કેટમાં કામ કરતા નથી, પરંતુ તે કેવી રીતે કામ કરે છે તેનાથી પરિચિત છે.

અહમદ દાવો કરે છે કે પોતાના ગ્રાહકો માટે ઍપોઇન્ટમેન્ટ મેળવવા પ્રયાસ કરતા કેટલાક બ્લૅક માર્કેટ ડીલર્સ અને ટ્રાવેલ એજન્સીઓના માલિકો વિઝા સર્વિસ એજન્સીઓના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને આવું કરતા હોય છે. એ કર્મચારીઓ ઍપોઇન્ટમેન્ટ રિલીઝ થવાની હોય તે તારીખ અને સમય પણ ઘણીવાર જાહેર કરતા હોય છે.

અહમદ કહે છે, “બન્ને પક્ષો વચ્ચે થયેલા સોદાના આધારે ટ્રાવેલ એજન્સીઓ અથવા બ્લૅક માર્કેટ ડીલર્સ અપેક્ષિત રિલીઝ ટાઈમના થોડા સમય પહેલાં પ્રાઇવેટ રીલીઝ વિન્ડોમાંથી લાભ મેળવતા હોય છે.”

વિઝા ઍપોઇન્ટમેન્ટ બ્લેક માર્કેટની માહિતી ધરાવતા વિવિધ સ્રોતો પાસેથી સમાન દાવાઓ સાંભળ્યા પછી બીબીસીએ સરકાર વતી કામ કરતી એક વિઝા સર્વિસ એજન્સીનો સંપર્ક ટિપ્પણી મેળવવા માટે કર્યો હતો.

ટીએલએસ કૉન્ટેક્ટે જણાવ્યું હતું કે આ દાવાઓ ખોટા છે અને તે “પોતાની વિશ્વસનીયતા સર્જવા પ્રયાસ કરતા બ્લૅક માર્કેટ ઓપરેટર્સ દ્વારા કરવામાં આવતા હોય છે.”

કંપનીએ ઉમેર્યું હતું, “અમારી સંસ્થામાં બહુ જ મર્યાદિત પ્રમાણમાં વરિષ્ઠ કર્મચારીઓને અમારા ઍપોઇન્ટમેન્ટ ટેબલની એક્સેસ છે. તેમના કામકાજ પર અમારી આઈટી સિસ્ટમ્સ અને અમે જેમનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તે સરકારી વિઝા વિભાગો ચાંપતી નજર રાખે છે.”

વીએફએસ ગ્લોબલના મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાના વડા અરિપ્રસાદ વિશ્વનાથને બીબીસીને કહ્યું હતું, “કંપની પાસે આવી કોઈ ગેરવર્તણૂંકની માહિતી નથી, પરંતુ અમે આ બાબતે તપાસ જરૂર કરીશું.”

વીએફએસના જણાવ્યા મુજબ, “પ્રાઇવેટ બૂકિંગ વિન્ડોઝ” જેવું કશું નથી અને “ઍપોઇન્ટમેન્ટ સ્લોટ્સ દરેક માટે સાર્વજનિક રીતે ઉપલબ્ધ હોય છે.”

ઈયુ કમિશને વિઝાકામગીરી પર દેખરેખ પણ રાખવાની હોય છે ત્યારે ક્રિશ્ચિયન વિગન્ડ જણાવે છે કે બાહ્ય સેવા પ્રદાતાઓ તેમની ફરજ યોગ્ય રીતે બજાવે અને વિઝા કૉડની જોગવાઈઓનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ઈયુના સભ્ય દેશોની છે.