નેપાળમાં ઉડાણ ભર્યાની માત્ર એક મિનિટમાં જ વિમાન કઈ રીતે ક્રેશ થઈ ગયું અને પાઇલટનો કઈ રીતે બચાવ થયો

બુધવારે નેપાળના પાટનગર કાઠમંડુ ત્રિભુવન ઍરપૉર્ટ ખાતે ટૅકઑફ કરી રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

અકસ્માતગ્રસ્ત વિમાનના પાઇલટને સલામત બહાર કાઢી લેવાયા હતા, જેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ વિમાન દુર્ઘટના વિશે કેટલીક પ્રાથમિક માહિતી મળી રહી છે. બીબીસીની નેપાળી સર્વિસના જણાવ્યા પ્રમાણે : ત્રિભુવન ઍરપૉર્ટના વડાએ માહિતી આપતી વેળાએ જણાવ્યું હતું કે શૌર્ય ઍરલાઇન્સનું વિમાન સવારે 11 કલાકે કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું, ત્યારે ખોટો વળાંક લેવાને કારણે અકસ્માત થયો હતો.

ઍરપૉર્ટના વડા જગન્નાથ નિરૌલાએ બીબીસીની નેપાળી સેવાને જણાવ્યું, "વિમાને ઉડાણ ભર્યા બાદ જમણી તરફ વળવાનું હતું, એના બદલે ડાબી બાજુ વળી ગયું હતું. પૂરેપૂરી તપાસ પછી જ વધુ માહિતી મળશે. આ અકસ્માત વિમાનના ઉડાણ ભર્યાના એક મિનિટની અંદર જ થયો હતો."

વિમાનમાં ઍરલાઇન્સના જ 17 કર્મચારી અને ક્રૂમૅમ્બર સહિત કુલ 19 મુસાફર સવાર હતા. ઍરલાઇન્સ કંપનીના એક અધિકારીએ બીબીસીની નેપાળી સેવાને જણાવ્યું હતું કે વિમાન મેઇન્ટૅનન્સમાં હતું.

તમામ મૃતકો ઍરલાઇન્સના કર્મચારીઓ જ હતા

નેપાળ સિવિલ ઍવિયેશન ઑથોરિટીના સહ પ્રવક્તા જ્ઞાનેન્દ્ર ભૂલે બીબીસીને જણાવ્યું હતું કે શૌર્ય ઍરલાઇન્સના બે ક્રૂમેમ્બર અને કર્મચારીઓ પણ પ્લૅનમા સવાર હતા.

આ પ્લૅન મેન્ટેનન્સમાં હતું અને તેમાં કોઈ સામાન્ય મુસાફરો સવાર નહોતા. આ પ્લૅનનું સી-ચેક એટલે કે પરિક્ષણ ચાલી રહ્યું હતું.

નેપાળ પોલીસ અને સિવિલ ઍવિયેશન ઑથોરિટીના અધિકારીઓએ કહ્યું છે કે પ્લૅનના કૅપ્ટન મનીષરત્ન શાક્યને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે જ્યારે કે કૉ-પાઇલટ સુશાંત કટુવાલનું મૃત્યુ થયું છે.

ઘાયલ પાઇલટને તેની આંખ અને કપાળમાં ઈજા થઈ છે. તેઓ સલામત હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઍરલાઇન્સના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં એક વિદેશી નાગરિક પણ સામેલ છે. તેમનો ઉલ્લેખ આરેફ રેડા તરીકે થયો છે. આરેફ યમનના નાગરિક હતા અને તેઓ ઍરલાઇન્સમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા.

પ્લૅન દુર્ઘટનાગ્રસ્ત થતાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દુર્ઘટના બાદ ઍમ્બુલન્સ અને ફાયરફાઇટર્સ દોડી આવ્યા હતા. નેપાળી સેના પણ બચાવકાર્ય માટે તહેનાત થઈ ગઈ હતી.

પ્લૅનમાં સવાર પાઇલટ સિવાય તમામ લોકો ઍરલાઇન્સના કર્મચારી હતા. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક એક કર્મચારીનો પુત્ર હતો. આ કર્મચારી તેમની પત્ની સાથે પ્લૅનમાં સવાર હતા.

એક ઍરપૉર્ટ, અનેક અકસ્માત

શૌર્ય ઍરલાઇન્સને નડેલા અકસ્માતની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ હતી, જેમાં ઍરપૉર્ટના રનવે ઉપર કાટમાળ નજરે પડે છે, જેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. પહાડોથી ઘેરાયેલાં નેપાળ તથા કાઠમંડૂ ઍરપૉર્ટને હવાઈ ઉડાણ તથા ઉતરાણ માટે પડકારજનક માનવામાં આવે છે. ગત 10 વર્ષ દરમિયાન નેપાળમાં મોટા હવાઈઅકસ્માતો થયા છે.