નેપાળ: પાઇલટથી ભૂલથી ખોટું બટન દબાઈ ગયું, વીજળી ગઈ અને વિમાન તૂટી પડ્યું

    • લેેખક, નિકોલસ યોંગ
    • પદ, બીબીસી સંવાદદાતા

સરકાર દ્વારા નિયુક્ત તપાસકર્તાઓના અહેવાલ મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં નેપાળમાં થયેલી વિમાન દુર્ઘટનાનું કારણ કદાચ પાઇલટે ભૂલથી વિમાનનો પાવર સપ્લાય કાપી નાખ્યો હતો એ હતું.

આ વિમાન દુર્ઘટનામાં કુલ 72 લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાં બે બાળકો પણ હતાં.

તપાસ અહેવાલ અનુસાર પાવર સપ્લાય કપાતા વિમાનને ધક્કો મળવાનું બંધ થઈ ગયું અને તે ‘હવામાં એક જગ્યા પર રોકાઈ જવાની’ સ્થિતિમાં આવી ગયું હતું.

નેપાળની રાજધાની કાઠમાંડુથી પોખરા જઈ રહેલા યેતી ઍરલાઇન્સનું આ વિમાન પોખરા પાસે તૂટી પડ્યું હતું. આ દુર્ઘટના 15 જાન્યુઆરીએ થઈ હતી.

આ દુર્ઘટનાને છેલ્લાં 30 વર્ષની સૌથી કરુણ દુર્ઘટના માનવામાં આવે છે.

તપાસ અહેવાલમાં શું કહેવાયું છે?

દુર્ઘટનાગ્રસ્ત આ વિમાન એટીઆર 72 હતું. 15 જાન્યુઆરીના દિવસે આ વિમાનની ત્રીજી ઉડાન હતી. આ પહેલાં વિમાન બે વાર કાઠમાંડુથી પોખરા સુધીની સફર કરી ચૂક્યું હતું.

આ ખાનગી વિમાન પોખરા હવાઈમથકથી માત્ર દોઢ કિલોમીટરના અંતરે સેતી નદી પાસે ખાઈમાં પડ્યું હતું. દુર્ઘટના પછી તરત જ રાહતકાર્ય શરૂ કરાયું હતું, જેમાં નેપાળ સૈન્યના 100થી વધારે જવાનો જોડાયા હતા.

તપાસ કરી રહેલી એક સમિતિના સભ્ય અને ઍરોનૉટિકલ ઇજનેર દીપકપ્રસાદ બસતોલાએ સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, “વિમાન પહેલા જ ગતિમાં હતું. એટલે મોનેન્ટમને કારણે વિમાન આશરે 49 સેકન્ડ સુધી હવામાં રહ્યું, પછી જમીન પર પડ્યું.”

તેમણે સમજાવ્યું કે બની શકે છે કે પાઇલટે ફ્લૅપ લીવરનો ઉપયોગ કરવાના બદલે કંડીશન લીવરનો ઉપયોગ કર્યો હોય જે પાવર સપ્લાય કંટ્રોલ કરે છે અને તેને ફેધરિંગ પોઝિશનમાં રાખી દીધું.

તેઓ કહે છે, “તેનાથી એન્જિન અચાનક બંધ થઈ ગયું અને વિમાન ચલાવવા માટે જરૂરી ધક્કો ના મળ્યો.”

અહેવાલ અનુસાર, “બંને એન્જિન પ્રોપેલરોના અજાણતાં જ ફેધરિંગ પોઝિશનમાં આવ્યાં પછી ચાલકદળ આ સમસ્યાને સમજી ન શક્યા અને ક્રૂ ઍલર્ટિંગ પૅનલની ચેતવણી છતાં તેઓ સમસ્યાને સુધારી ન શક્યા.”

અહેવાલમાં દુર્ઘટનાનાં અન્ય કારણો વિશે કહેવાયું છે કે આમાં તકનીક અને કૌશલના મામલામાં ચાલકદળને યોગ્ય તાલીમ ન મળવી, તેમના પર કામનું દબાણ અને તણાવ તથા સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકૉલ્સનું પાલન ન કરવું સામેલ છે.

અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે વિમાનની જાળવણી સારી હતી અને તેમાં કોઈ ખામી ન હતી. કૉકપિટમાં બેસનારા ચાલકદળના સભ્ય નેપાળ નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના નીતિનિયમો હેઠળ યોગ્ય હતા.

દુર્ઘટનાની તપાસના કામમાં અમેરિકા, કૅનેડા, ફ્રાંસ અને સિંગાપોરના આશરે એક ડઝન જાણકારોને સામેલ કરાયા હતા.

નેપાળની એક સ્થાનિક દિવ્યા ઢકાલે જાન્યુઆરીમાં બીબીસીને જણાવ્યું હતું કે તેણે સવારે 11 વાગ્યે વિમાનને નીચે પડતાં જોયું હતું. પછી તે દુર્ઘટનાસ્થળ તરફ ભાગી હતી.

તેણે કહ્યું, “હું ત્યાં પહોંચી ત્યાં સુધી અન્ય કેટલાક લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. વિમાનમાં આગ લાગેલી હતી અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. એ પછી ત્યાં થોડી વારમાં તો હેલિકૉપ્ટર આવી ગયાં હતાં.”

યુરોપીય સંઘે સુરક્ષા કારણોનો હવાલો આપીને ગત એક દાયકાથી નેપાળી ઍરલાઇન્સને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા પર રોક લગાવેલી છે.

નેપાળમાં વિમાનોનું દુર્ઘટનાગ્રસ્ત થવું કોઈ નવી વાત નથી. મુશ્કેલ જગ્યાઓ પર અંતરિયાળ વિસ્તારોમાં રનવે અને અચાનક બદલાતા વાતાવરણને કારણે અહીં અગાઉ પણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં રહ્યાં છે.

ગત વર્ષે મે મહિનામાં યેતી ઍરલાઇન્સનું તારા ઍર ફ્લાઇટ નંબર 197 વિમાન પહાડ સાથે ટકરાઈ ગયું હતું. દુર્ઘટનામાં 22 મુસાફરો સાથે ચાલકદળના સભ્યોનાં મોત થયાં હતાં.