You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ: મૃત સૈનિકોના શુક્રાણુ સાચવવા સંઘર્ષ કરતા પરિવારોની કહાણી
- લેેખક, માઇકલ શુવલ અને આઇશા ખેરાલ્લાહ
- પદ, બીબીસી અરેબિક, જેરુસલેમ અને લંડન
ઇઝરાયલમાં વધુને વધુ શોકગ્રસ્ત માતા-પિતાઓ તેમના પુત્રોના શરીરમાંથી શુક્રાણુ કાઢી અને ફ્રીઝ કરી રાખવાની માગણી કરી રહ્યાં છે. એ પુત્રો પૈકીના ઘણા સૈનિકો છે.
સાતમી ઑક્ટોબરના હમાસના ઇઝરાયલ પરના હુમલાને પગલે પ્રક્રિયાના કેટલાક નિયમો હળવા બનાવવામાં આવ્યા છે, પરંતુ તે શુક્રાણુનો ઉપયોગ કરવા વિશેની જે લાંબી પ્રક્રિયા છે તેનાથી પરિવારો રોષે ભરાયેલા તથા હતાશ છે.
અવી હરુષના જણાવ્યા મુજબ, લશ્કરી અધિકારીઓએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે “કશુંક ભયાનક” બનવાનું હોય તેવું લાગ્યું હતું.
તેમનો 20 વર્ષનો પુત્ર રીફ 2024ની છઠ્ઠી એપ્રિલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં લડાઈમાં મૃત્યુ પામ્યો એ વાત જાણવા મળી, ત્યારની ક્ષણને યાદ કરતી વખતે અવી હરુષનો અવાજ ધ્રુજી જાય છે. તેમણે ભારે હૃદયે એ હકીકતનો સ્વીકાર કરવો પડ્યો હતો.
અવી હરુષ કહે છે, “તેમણે કહેલું કે રીફના શુક્રાણુઓ કાઢી શકાય તેમ છે. તમને તે શુક્રાણુમાં રસ છે કે કેમ એવો સવાલ તેમણે પૂછ્યો હતો.”
અવી હરુષે તરત જવાબ આપ્યો હતો, “રીફ ભરપૂર જીવન જીવ્યો હતો. નુકસાન ભયાનક હોવા છતાં અમે જીવતા રહેવાનું પસંદ કર્યું છે.”
અવી હરુષ ઉમેરે છે, “રીફ બાળકોને પ્રેમ કરતો હતો અને પોતાનાં સંતાનો ઇચ્છતો હતો. એ બાબતે કોઈ શંકા નથી.”
રીફ પરણ્યો ન હતો કે તેની કોઈ ગર્લફ્રેન્ડ પણ ન હતી, પરંતુ અવીએ તેમના પુત્રની કથા શેર કરવાનું શરૂ કર્યું કે તરત જ ઘણી સ્ત્રીઓએ તેમનો સંપર્ક સાધ્યો હતો અને રીફના સંતાનને જન્મ આપવાની ઑફર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અવી હરુષ કહે છે, “તે વિચારે અમને જીવતા રહેવાનું બળ આપ્યું છે. હવે તે મારા જીવનનું મિશન છે.”
એ દિવસે બદલાઈ ગઈ જિંદગીઓ
સાતમી ઑક્ટોબરના ઇઝરાયલ પરના હમાસના હુમલા બાદ આવા વધતા જતા પરિવારોમાં અવી હરુષના પરિવારનો પણ સમાવેશ થાય છે. સાતમી ઑક્ટોબરના હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક તરીકે ગાઝા લઈ જવામાં આવ્યા હતા.
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલે કરેલા વળતા લશ્કરી હુમલામાં 39,000થી વધુ પેલેસ્ટાઇનવાસીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે લગભગ 400 ઇઝરાયલીઓનાં પણ મરણ થયાં છે.
ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, સાતમી ઑક્ટોબર પછી લગભગ 170 યુવા નાગરિકો તથા સૈનિકોના શુક્રાણુઓ સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ આંકડો અગાઉનાં વર્ષોના સમાન સમયગાળાના આંકડા કરતાં આશરે 15 ગણો છે.
આ પ્રક્રિયામાં અંડકોષમાં એક નાનો ચીરો પાડીને ટિશ્યુના એક નાનકડા ટુકડાને કાઢી લેવાનો સમાવેશ થાય છે. તેમાંથી જીવંત શુક્રાણુને પ્રયોગશાળામાં અલગ કરીને સંગ્રહિત કરી શકાય છે.
કોષો મૃત્યુના 72 કલાક સુધી જીવંત રહે છે, પરંતુ મૃત્યુના 24 કલાકમાં આવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો આવા કોષોની પુનઃપ્રાપ્તિની સફળતાનો દર સૌથી વધુ હોય છે.
ફ્રાન્સ, જર્મની અને સ્વીડન સહિતના કેટલાક દેશોમાં આવું કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે અન્ય દેશોમાં મૃત્યુ પહેલાં મૃતકની સંમતિ સંબંધે આકરા નિયમો છે.
આ પ્રક્રિયા માટે અદાલતનો આદેશ મેળવવાની જરૂરિયાતને ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયે ઑક્ટોબરમાં પડતી મૂકી હતી. આઈડીએફના જણાવ્યા મુજબ, તાજેતરનાં વર્ષોમાં શોકગ્રસ્ત માતા-પિતાને મદદ કરવા તે વધારે સક્રિય બન્યું છે.
End of આપને આ પણ વાંચવું ગમશે
નૈતિક અને ભાવનાત્મક મુદ્દો
શુક્રાણુને થીજાવીને સંગ્રહિત કરવાનું સરળ બન્યું છે, પરંતુ તેણે કેટલાક જટિલ નૈતિક અને કાનૂની સવાલો પણ ઊભા કર્યા છે.
ગર્ભધારણ કરવા તે શુક્રાણુનો ઉપયોગ કરવા ઇચ્છતી વિધવાઓ અથવા માતા-પિતાઓએ કોર્ટમાં સાબિત કરવું પડે છે કે મૃત પુરુષ સંતાન મેળવવા ઇચ્છતો હતો. ખાસ કરીને શોકગ્રસ્ત માતા-પિતાના કિસ્સામાં આ પ્રક્રિયામાં વર્ષો લાગી શકે છે.
ઇઝરાયલમાં પોતાના મૃત પુત્ર કીવાનના શુક્રાણુ સાચવીને તેનો ઉપયોગ કરનાર પ્રથમ માતા-પિતા રશેલ અને યાકોવ કોહેન હતા. આઈડીએફના જણાવ્યા અનુસાર, રશેલ અને યાકોવના પુત્ર કીવાનની 2002માં ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન સ્નાઈપરે ગોળી મારીને હત્યા કરી હતી.
કીવાનના શુક્રાણુના ઉપયોગ વડે જન્મેલી રશેલ અને યાકોવની પૌત્રી ઓશર હવે દસ વર્ષની થઈ ગઈ છે.
કીવાનના મૃત્યુ પછી તેની હાજરીનો અનુભવ થયો એ ક્ષણની વાત કરતાં રશેલ કહે છે, “હું તેના કબાટ પાસે ગયો હતો. હું તેની સુગંધ શોધવા ઇચ્છતો હતો. મેં તેના પગરખાં પણ સુંઘ્યાં હતાં.”
“તેણે તેના ફોટામાંથી મારી સાથે વાત કરી હતી. તેના સંતાનો હોય તે સુનિશ્ચિત કરવા તેણે મને જણાવ્યું હતું.”
રશેલ ઉમેરે છે, “અમારે જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે અમે જે કરવાનો પ્રયાસ કરતા હતા તે લોકો સમજી શકતા ન હતા અથવા તો સમર્થન આપવા ઇચ્છતા ન હતા.”
તેમ છતાં રશેલ દૃઢનિશ્ચય હતાં અને આખરે સીમાચિહ્નરૂપ કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો હતો. એ પછી તેમણે તેમના પુત્રના સંતાનને જન્મ આપવા માટે સંભવિત માતાની શોધ માટે અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી હતી.
પોતાના પરિવારની ગોપનીયતાના રક્ષણ માટે ઇરિત તેમની અટક જણાવતાં નથી, પરંતુ તેઓ જાહેરાતનો પ્રતિસાદ આપનાર ડઝનેક મહિલાઓમાં સામેલ હતાં.
ઇરિત અપરણિત હતાં. ઇરિતના કહેવા મુજબ, એક મનોવિજ્ઞાની અને એક સામાજિક કાર્યકરે તેમનું મૂલ્યાંકન કર્યું હતું, પછી અદાલતની મંજૂરી સાથે પ્રજનન સારવાર શરૂ કરી હતી.
ઇરિત કહે છે, “કેટલાક કહે છે કે અમે ભગવાનની ભૂમિકા ભજવી રહ્યા છીએ, પણ મને એવું નથી લાગતું.”
તેઓ ઉમેરે છે, “પોતાના પિતાને ઓળખતા બાળક અને સ્પર્મ બેન્કના દાન દ્વારા જન્મેલા બાળક વચ્ચે ફરક હોય છે.”
ઓશર જાણે છે કે તેના પિતા લશ્કરમાં હતા અને માર્યા ગયા હતા. તેનો રૂમ ડૉલ્ફિનથી શણગારવામાં આવ્યો છે. ઓશર કહે છે, તે જાણે છે કે તેના પિતા તેમને પ્રેમ કરે છે.
ઓશર ઉમેરે છે, “મારા પિતાના શુક્રાણુ લઈને મને દુનિયામાં લાવવા માટે એક સંપૂર્ણ માતાની શોધ કરવામાં આવી હતી એ હું જાણું છું.”
ઇરિતના જણાવ્યા મુજબ, ઓશર પાસે દાદા-દાદી, નાના-નાની, કાકા અને મામા છે. તે “જીવંત સ્મારક નથી” તે સુનિશ્ચિત કરવા તેનો ઉછેર એક નૉર્મલ બાળકની જેમ કરવામાં આવી રહ્યો છે.
ઇરિત કહે છે, “તેના પિતા કોણ હતા એ અમે ઓશરને સતત યાદ કરાવતા નથી, પરંતુ તે જાણે છે કે એ ક્યાંથી આવી છે અને તેનાં માતા-પિતા કોણ છે.”
શામીર મેડિકલ સેન્ટરની સ્પર્મ બૅન્કના ડિરેક્ટર ડૉ. ઈટાઈ ગેટ શુક્રાણુ મેળવવા માટે સર્જરી કહે છે. તેઓ કહે છે, “મૃત્યુ પામેલા પુત્રમાં જીવંત શુક્રાણુ હોવાનો અર્થ બહુ મોટો છે.”
“ભવિષ્યમાં પ્રજનન અને પ્રજનન ક્ષમતાને સાચવવાનો આ છેલ્લો વિકલ્પ છે.”
તેઓ જણાવે છે કે આ પ્રક્રિયાની સ્વીકૃતિમાં તાજેતરનાં વર્ષોમાં નોંધપાત્ર સાંસ્કૃતિક પરિવર્તન થયું છે, પરંતુ વર્તમાન નિયમો એકલા પુરુષના કિસ્સામાં સમસ્યા સર્જે છે.
ડૉ. ગેટના કહેવા મુજબ, આવા પુરુષો પાસે સંમતિનો કોઈ સ્પષ્ટ રેકૉર્ડ હોતો નથી. તેથી શુક્રાણુ થીજાવી દેવાયાં હોય, પરંતુ તેનો ઉપયોગ ગર્ભાધાન માટે થઈ ન શકે તેમ હોવાથી તેમના પહેલાંથી જ શોકસંતપ્ત પરિવારો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
તેઓ કહે છે, “આ કોઈ બીજી વ્યક્તિને કિડની કે હૃદય આપવા જેવું નથી. આ પ્રજનનની વાત છે. એક છોકરા કે છોકરીને દુનિયામાં લાવવાની વાત છે. આપણે જાણીએ છીએ કે તે સંતાનો પિતા વિનાનાં અનાથ હશે.”
તેઓ ઉમેરે છે કે મોટાભાગના કિસ્સામાં મૃતકને તેના શુક્રાણુ વડે બાળકને જન્મ આપનારી માતા બાબતે જાણ ન હોય. બાળક, તેના શિક્ષણ અને ભવિષ્ય વિશેના તમામ નિર્ણયો માતાએ કરવાના હોય છે.
ડૉ. ગેટના જણાવ્યા મુજબ, મૃત પુરુષની સ્પષ્ટ સંમતિ ન હોય તેવા કિસ્સામાં તેના શુક્રાણુઓ સાચવવાનો તેઓ અગાઉ વિરોધ કરતા હતા, પરંતુ વર્તમાન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના શોકગ્રસ્ત પરિવારોને મળ્યા પછી તેમનો મત નરમ પડ્યો છે.
તેઓ કહે છે, “મને સમજાયું છે કે એ તેમના માટે કેટલું અર્થપૂર્ણ છે, ક્યારેક કેટલું રાહતદાયક છે.”
યહૂદીઓ માટે ધાર્મિક મુદ્દો
રાબી યુવલ શેરલો એક અગ્રણી ઉદારમતવાદી રાબી છે. તેઓ તેલ અવીવમાં યહૂદી નૈતિકતા માટેના ઝોહર સેન્ટરનું નેતૃત્વ કરે છે. તેમના કહેવા મુજબ, આ મુદ્દો જટિલ અને સંવેદનશીલ છે.
તેઓ કહે છે, “નૈતિક રીતે અમારો હેતુ કોઈ પુરુષને તેની સંમતિ વિના, તેના મૃત્યુ પછી પણ પિતા બનવા માટે દબાણ ન કરવાનો હોય છે.”
યુવલ શેરલો સમજાવે છે કે તેમાં યહૂદી કાયદાના બે મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો પણ સામેલ છે. તે સિદ્ધાંતોમાં પુરુષના વંશને ચાલુ રાખવાનો અને તેના સંપૂર્ણ શરીરને દફનાવવાનો સમાવેશ થાય છે.
તેમના જણાવ્યા મુજબ, કેટલાક રાબીઓ માને છે કે વંશ ચાલુ રાખવો એટલું મહત્વનું છે કે તે શરીરના કોષોને નુકસાન કરવા લાયક છે. અન્ય કેટલાક રાબીઓ માને છે કે આ પ્રક્રિયા સદંતર થવી જ ન જોઈએ.
આ મુદ્દા સંબંધી વર્તમાન નિયમો ઍટર્ની જનરલ દ્વારા 2003માં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ પર આધારિત છે, પરંતુ તેનો સમાવેશ કાયદામાં કરવામાં આવ્યો નથી.
ઇઝરાયલી સંસદસભ્યોએ વધુ સ્પષ્ટ, વ્યાપક નિયમો બનાવવા માટે એક ખરડાનો મુસદ્દો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસો અટકાવી દેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે મૃતક પાસેથી સ્પષ્ટ સંમતિની આવશ્યકતાના સ્તર અને સેવા દરમિયાન માર્યા ગયેલા સૈનિકોના બાળકોને સામાન્ય રીતે આપવામાં આવતા લાભો આ રીતે શુક્રાણુ વડે જન્મેલાં બાળકોને પણ આપવા જોઈએ કે કેમ તે બાબતે મતમતાંતર છે.
ઇઝરાયલી સૈનિકની વિધવા બાળકને જન્મ આપવા માટે તેના મૃત પતિના શુક્રાણુનો ઉપયોગ ન કરવા ઇચ્છતી હોય તો શું કરવું જોઈએ, એ બાબતે પણ મતમતાંતર છે. આ વિશે ઇઝરાયલી મીડિયાએ અહેવાલો પ્રકાશિત કર્યા હતા.
મૃત સૈનિકનાં માતા-પિતાનું તેના શુક્રાણુ પર નિયંત્રણ હોવું જોઈએ અને બાળકને જન્મ આપવા માટે બીજી સ્ત્રીને પસંદ કરવાની છૂટ તેમને હોવી જોઈએ, એવા સૂચનો સામે પણ કેટલાકે વાંધો ઉઠાવ્યો છે.
પોતાના મૃત પુત્રના શુક્રાણુ થિજાવી ચૂકેલા કેટલાક લોકોને કાયદો સંમત થશે કે નહીં તેની ચિંતા છે. કાયદામાં સંમતિના ભાવિ મુદ્દાની વાત જ થશે અને લાંબી અદાલતી લડાઈ અટકશે નહીં.
અવી માટે તેના દુઃખમાં પણ કૃતનિશ્ચયતા છે.
તેઓ તેમના પુત્રની ડાયરીઓ, આલ્બમ્સ અને સ્મૃતિચિહ્નોથી ભરેલા કાર્ડબોર્ડના ખોખાંમાં નજર કરે છે.
તેઓ કહે છે, રીફને બાળક નહીં આપી શકે ત્યાં સુધી તેઓ ઝંપીને બેસવાના નથી. “એવું થશે એટલે આ બૉક્સ તેના સંતાનને આપીશ.”