You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાંદીપુરા વાઇરસનો ચેપ કયાં બાળકોને વધારે લાગે છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ અને તેના જેવી જ વાઇરલ ઍન્કેફેલાઇટીસ બીમારીથી 53 બાળકોનાં મોત થયાં છે.
સરકારે આપેલા આંકડા અનુસાર વાઇરલ ઍન્કેફેલાઇટીસના અત્યાર સુધી 131 કેસ નોંધાયા છે. જેમાંથી 47 કેસમાં ચાંદીપુરા વાઇરસ પૉઝિટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.
ઍન્કેફેલાઇટીસના 38 દર્દીઓ હાલમાં અલગ અલગ હૉસ્પિટલમાં દાખલ છે. જ્યારે 40 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જોકે, નિષ્ણાતોના મતે તમામ બાળકોને આ બીમારી થતી નથી. બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરીને એ સમજવાનો પ્રયાસ કર્યો કે આ બીમારી કેવા પ્રકારનાં બાળકોને થાય છે અને કોને ચેપ લાગવાની શક્યતા સૌથી વધુ હોય છે?
ડૉક્ટરો શું કહે છે?
નિષ્ણાત ડૉક્ટરોના મત અનુસાર, જે બાળકોમાં પૂરતા પોષણની ઊણપ હોય તેવાં બાળકોમાં સામાન્ય રીતે કોઇ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. જેથી ચાંદીપુરા વાઇરસનો ચેપ પણ અપૂરતું પોષણ ધરાવતાં બાળકોમાં વધારે લાગવાની શક્યતા રહેલી છે.
જોકે, ચાંદીપુરા વાઇરસ અંગે કરવામાં આવેલા રિસર્ચમાં પણ અપૂરતા પોષણ ધરાવતાં બાળકોનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે.
આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદની સોલા હૉસ્પિટલના કૉમ્યુનિટી મેડિસિન વિભાગમાંથી સેવાનિવૃત ડૉ. પ્રદિપ કુમાર જણાવે છે, “સામાન્ય રીતે જરૂરી પોષણની ઊણપ ધરાવતાં બાળકોમાં કોઇ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે. તેમનામાં માત્ર ચેપ લાગવાની જ નહીં પરંતુ વાઇરસના લક્ષણો ગંભીર થવાની પણ શક્યતાઓ વધારે રહેલી હોય છે.”
તેઓ કહે છે, “વાઇરસ ચાંદીપુરા હોય કે પછી ઓરી કે અન્ય કોઇ વાઇરસ. તમામ વાઇરસમાં જરૂરી પોષણની ઉણપ ધરાવતાં બાળકોમાં ચેપ લાગવાની અને ગંભીર લક્ષણો થવાની શક્યતા વધી જાય છે. વધુમાં, ચાંદીપુરા વાઇરસની માખી તો કાચા મકાનોમાં જ રહેતી હોય છે અને કાચા મકાનમાં ગરીબ લોકો રહેતા હોય છે. તથા સામાન્ય રીતે ગરીબ બાળકોમાં જરૂરી પોષણની ઊણપ રહેવાની શક્યતા પણ વધારે હોય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળનિષ્ણાત ઉન્મેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, “ચાંદીપુરા વાઇરસના ચેપ અંગે વર્ષ 2014માં થયેલો એક અભ્યાસ થયો હતો. તે પ્રમાણે પોષણની ઊણપ ધરાવતાં બાળકોમાં એન્કેફેલાઇટીસ વાઈરલના કેસો ગંભીર થઈ જતાં હોવાનું સામે આવ્યું હતું.”
'બાયોકેમેસ્ટ્રી રિસર્ચ ઇન્ટરનેશનલ' જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનપત્ર ‘ઇન્ફ્લુઅન્સ ઑફ માલન્યુટ્રિશન ઑફ ઍડવર્સ આઉટકમ ઇન ચિલ્ડ્રન વિથ કન્ફર્મ્ડ ઑર પ્રોબેબલ વાયરલ ઍન્કેફેલાઇટીસ: અ પરસ્પેક્ટીવ ઑબ્ઝર્વેશનલ સ્ટડી’ શીર્ષકથી વર્ષ 2015માં એક અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસ દરમિયાન 1286 દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી જે 114 દર્દીઓ ઍન્કેફેલાઇટીસ કે શંકાસ્પદ ઍન્કેફેલાઇટીસ પૉઝિટિવ હતા.
આ 114 બાળકોને બે જૂથમાં વહેંચવા આવ્યાં હતાં. જેમાં ગ્રૂપ 1માં 80 બાળકો હતાં. આ દર્દીઓ પૂરતા પોષણની ઊણપ ધરાવતા હતા. જ્યારે ગ્રૂપ 2માં 34 બાળકો હતાં જે સામાન્ય પોષણ ધરાવતાં હતાં.
હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ 114 બાળકોમાંથી 24 બાળકોનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. જે 24 બાળકોનાં મોત થયાં તેમાંથી 21 બાળકો પહેલા ગ્રૂપમાં હતાં કે જે અપૂરતું પોષણ ધરાવતાં હતાં.
'ધ અમેરિકન જર્નલ ઑફ ટ્રૉપિકલ મેડિસિન ઍન્ડ હાઇજિન'માં પ્રકાશિત થયેલા સંશોધનપત્ર ‘એન આઉટબ્રેક ઑફ ચાંદીપુરા વાઇરસ ઍન્કેફેલાઇટીસ ઇન ધ ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા’ શિર્ષક હેઠળ ગુજરાતમાં વર્ષ 2004માં નોંધાયેલા ચાંદીપુરા વાઇરસનાં 26 બાળકો અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ 26 બાળકોમાં પણ પોષણ સરેરાશ જોવા મળ્યું હતું. તેમજ અભ્યાસપત્ર અનુસાર ગુજરાતમાં વર્ષ 2004માં ચાંદીપુરાનો મોર્ટાલિટી રેટ 78.3 હતો.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ચાંદીપુરા વાઇરસ માટે બાળનિષ્ણાત તબીબોની કમિટી બનાવવામાં આવી છે.
આ કમિટી દ્વારા ચાંદીપુરા વાઇરસના કેસો પર નજર રાખવામાં આવે છે. કમિટી દ્વારા વાઇરસની સારવાર અંગે જરૂર જણાય ત્યાં સલાહસૂચનો આપવામાં આવે છે. તેમજ વાઇરસ અંગે જનજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવે છે.
ઍકેડમી ઑફ પીડિયાટ્રિક્સના અધ્યક્ષ ઉન્મેશ ઉપાધ્યાય પણ આ ચાંદીપુરા વાઇરસ માટે બનાવાયેલી ડૉક્ટરોની પેનલના સભ્ય છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “બાળકોને ચેપ લાગવાના 24થી લઇને 48 કલાકની અંદર આ વાઇરસની અસર ગંભીર થવાની શક્યતા રહેલી હોય છે. જેથી લોકોમાં આ વાઇરસ અંગે જાગૃતિ આવે અને બાળકોને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે તો રોગનાં ગંભીર લક્ષણોથી બચાવી શકાય છે.”
વર્ષ 2004માં ચાંદીપુરા વાઇરસનો મોર્ટાલિટી રેશિયો 78.3 ટકા હતો, જ્યારે વર્ષ 2003માં આંધ્રપ્રદેશનો મોર્ટાલિટી રેશિયો 52.3 ટકા હતો.
હિંમતનગર સિવિલ હૉસ્પિટલના બાળરોગનિષ્ણાત વડા ડૉ. આશિષ જૈન બીબીસી ગુજરાતીને જણાવે છે , “બાળકોમાં એનીમિયા હોવાનું ન કહી શકાય પરંતુ બાળકોમાં માઇક્રોન્યુટ્રીયન્ટ્સની ઊણપ હોઈ શકે છે. પ્રોટીન વિટામિન્સની ઉણપ ધરાવતાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઈ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. જેથી બાળકોને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ.”
રાજયમાં ચાંદીપુરા વાઇરસના પોઝિટિવ કેસ
રાજય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર કુલ 42 કેસમાં ચાંદીપુરા વાઇરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.
ગાંધીનગર, જામનગર, મોરબી, મહિસાગર, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ભરૂચ અને પોરબંદરમાં ચાંદીપુરા વાઇરસના 1-1 કેસ નોંધાયા છે.
જ્યારે દાહોદ, રાજકોટ અને કચ્છમાં 2-2 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લાઓમાં 3-3 કેસ નોંધાયા છે.
મહેસાણામાં ચાર કેસ, સાબરકાંઠામાં છ અને પંચમહાલમાં સાત કેસ નોંધાયા છે.