મળનું પણ ટ્રાન્સપ્લાન્ટ થાય? તેનાથી લોકોના જીવ કેવી રીતે બચે?

    • લેેખક, સુનીથ પરેરા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

રિક ડૅલ્વે એ ક્ષણને યાદ કરતાં કહે છે કે તેમને મળ સંબંધિત એક ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, “મળ ટ્રાન્સપ્લાન્ટનો વિચાર જ નિશ્ચિતપણે અજીબોગરીબ છે.”

50 વર્ષીય આ વ્યક્તિએ હાલમાં જ ઇંગ્લૅન્ડના બર્મિંઘમ વિશ્વવિદ્યાલયમાં મળ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, જેનો ઉદ્દેશ્ય પ્રાઇમરી સ્કેલેકોસિંગ કૉલેન્જાઇટિસ (પીએસી)નામના એક ગંભીર રોગનાં લક્ષણોને દૂર કરવાનો છે.

તેમણે હસતાં હસતાં ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાને સમજાવતાં કહ્યું હતું કે, “આ માત્ર એક મળનો એક ટુકડો નથી, પરંતુ વપરાશ પહેલાં તેની લૅબોરેટરીમાં તપાસ પણ થાય છે.”

તાજેતરમાં રિકની આ ગંભીર બીમારીનો છેલ્લા તબક્કાના લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઇલાજ નથી. આ બીમારી બ્રિટનમાં એક લાખ લોકોમાંથી છથી સાત લોકોને પ્રભાવિત કરે છે.

આ બીમારી જિંદગીને અંદાજે 17થી 20 વર્ષ ટૂંકી કરી દે છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

આઠ વર્ષ પહેલાં 42 વર્ષની ઉંમરે રિકને આ બીમારી વિશે ખબર પડી હતી.

તેમણે તેને યાદ કરતાં કહ્યું કે, “હું આ બીમારીને લઈને અતિશય ચિંતાતુર હતો, ભવિષ્યને લઈને પણ ખૂબ શંકાઓ હતી. જાણે કે આ ધડામ દઈને જમીન પર પડવા જેવું હતું.”

મળ ટ્રાન્સપ્લાન્ટ શું છે?

ફેકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ (FMT)ને મળ ટ્રાન્સપ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ મોટા ભાગના દેશોમાં પેટના રોગો માટે ક્લિનિકલ ટ્રાયલ તરીકે થાય છે.

સ્વસ્થ મળદાતાની તેના માટે તપાસ કરવામાં આવે છે અને તેમના મળના સૅમ્પલમાંથી આંતરડાના બૅક્ટેરિયા લેવામાં આવે છે અને ત્યાર પછી તેને રોગીના આંતરડામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કૉલોનોસ્કોપી, એનિમા અથવા નાસોગેસ્ટ્રિક ટ્યૂબનો ઉપયોગ મળ ટ્રાન્સપ્લાન્ટ માટે થાય છે.

રિકને પીએસસી માટે પ્રાયોગિક ધોરણે આ સારવાર આપવામાં આવી હતી, પરંતુ દેશની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ ઍન્ડ કેર ઍક્સેલન્સ (નાઇસ)ની માર્ગદર્શિકા અનુસાર, હાલમાં યુકેમાં માત્ર ઔપચારિક રીતે આ સ્થિતિ માટે ભલામણ કરવામાં આવી છે.

ક્લોસ્ટ્રિડિયમ ડિફિસિલ (સી. ડિફ)ના ગંભીર ચેપથી પીડાતાં દર્દીઓ બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)માં સારવાર લઈ શકે છે.

ક્લોસ્ટ્રિડિયમ ડિફિસિલ એક હાનિકારક બૅક્ટેરિયા છે જે ઝાડાનું કારણ બની શકે છે. આ રોગ મોટે ભાગે એવા લોકોને થાય છે જેમણે લાંબા સમયથી ઍન્ટિબાયોટિક લીધી હોય.

એનએચએસને એક મિલીલિટર એફએમટીના સૅમ્પલની કિંમત 1684 ડૉલરમાં પડે છે. આ ખર્ચ એ વારંવાર ઍન્ટિબાયોટિક્સ લેવા અને હૉસ્પિટલમાં સારવાર લેવા કરતાં ઓછો પડે છે.

કેટલાક દર્દીઓને એફએમટી માત્ર એક જ વાર આપવાની જરૂર પડે છે.

કેટલીક હૉસ્પિટલો માનવમળમાં જોવા મળતા તંદુરસ્ત બૅક્ટેરિયામાંથી બનાવેલા ઑરલ કેપ્સ્યુલ્સ પણ આપે છે.

મળ ટ્રાન્સપ્લાન્ટની જરૂર કેમ પડી?

જે લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે એક નવા લિવર, કિડની અને હાર્ટની જરૂર પડે છે, તેમને દાતા માટે અનેક મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવી પડે છે.

આ અતિશય જરૂરી અંગોના મુકાબલે માનવમળ વ્યાપકપણે ઉપલબ્ધ છે. જોકે, ઘણા લોકો મળથી અસહજ થઈ જાય છે.

પરંતુ રિકને વિજ્ઞાન પર ભરોસો છે અને તેમનાં પત્ની તથા મિત્રોએ આ વાતનું સમર્થન કર્યું હતું.

રિકે કહ્યું હતું કે આ કોઈ શરમની વાત નથી. મારા મિત્રો અને પરિવારનું કહેવું હતું કે, “જો આ કીમિયો કારગર નીવડવાની સંભાવના હોય તો તેનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ.”

પીએસસીમાં એફએમટીની ભૂમિકા

નિષ્ણાતો ચેતવણી આપે છે કે રિક જેવી સમાન સ્થિતિ ધરાવતા 70થી 80 ટકા દર્દીઓમાં પણ પીએસસી એ ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ (IBD) વિકસિત કરશે.

આઈબીડીનો ઉપયોગ ક્રૉનિક ઇનફ્લેમેટરી સ્થિતિઓ ક્રોહન રોગ અને અલ્સેરેટિવ કોલાઇટિસનું વર્ણન કરવા માટે થાય છે, જે પેટમાં તીવ્ર દુખાવો અને ઝાડાનું કારણ બની શકે છે.

કન્સલ્ટન્ટ હિપેટોલૉજિસ્ટ અને આરઆઈસીના ટ્રાયલના ઇન્ચાર્જ તથા ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ કહે છે કે, “વૈજ્ઞાનિકોને એ ખ્યાલ નથી કે શા માટે લોકોમાં પીએસસી વિકસિત થાય છે અને તે આઈબીડી સાથે કેવી રીતે જોડાયેલું છે.”

તેઓ કહે છે કે, "અમે જે કરવા માગીએ છીએ તે એ છે કે સ્વસ્થ આંતરડાની માઇક્રોબાયોટા સંરચના ધરાવતા મળને પીએસસી રોગીઓના આંતરડામાં સ્થળાંતરિત કરવામાં આવે અને એ જોવામાં આવે કે એ તેમના લિવરના રોગને કઈ રીતે પ્રભાવિત કરી શકે.”

મળ ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી માર્ગદર્શિકા

ડૉ. હૉરેસ વિલિયમ્સ એ ઇમ્પિરિયલ કૉલેજ, લંડનના ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ છે, જેમણે એફએમટી પર બનાવવામાં આવેલા ઔપચારિક દિશાનિર્દેશોને બનાવવામાં યોગદાન આપ્યું છે.

તેઓ કહે છે કે હાલમાં મળ ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ પણ પરિસ્થિતિ માટે સારવારનો પહેલો વિકલ્પ નથી.

ડૉ. વિલિયમ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે એનએચએસ એ માત્ર ગંભીર ક્લૉસ્ટ્રિડિયમ ડિફિસિયલ ચેપ માટે એફએમટીની ઑફર કરે છે, અન્ય સ્થિતિઓ માટે નહીં.

તેમણે સૂચવ્યું હતું કે અન્ય કારણસર સારવાર માગતા દર્દીઓએ ક્લિનિકલ ટ્રાયલ્સમાં જોડાવું જોઈએ, જેમ કે રિકે કર્યું છે.

ઇમ્પિરિયલ કૉલેજ લંડનના ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ અને એફએમટી પર બ્રિટિશ સોસાયટી ઑફ ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજી(બીએસજી)ના દિશાનિર્દેશોના પ્રમુખ લેખક ડૉ. બેન્જામિન મુલિશે બીબીસીને જણાવ્યું હતું કે ઘણા લોકો ડીઆઈવાઈ એફએમટીનો અભ્યાસ કરે છે- જે અતિશય ખતરનાક નીવડી શકે છે.

દક્ષિણ આફ્રિકામાં યુનિવર્સિટી ઑફ વિટવોટર્સરેન્ડ (વિટ્સ) ખાતે સ્ટીવ બિકો સેન્ટર ફૉર બાયોએથિક્સના તબીબી બાયોએથિસિસ્ટ ડૉ. હેરિયેટ ઍથરડેઝ સમજાવે છે કે અનુભવી પ્રેક્ટિશનરો અને સ્પષ્ટ માર્ગદર્શિકા વિના, એફએમટી હાનિકારક બની શકે છે, "ખાસ કરીને ગરીબ દેશોમાં જ્યાં આરોગ્યની સંભાળ ઓછી હોય છે. ત્યાં સંસાધનો મર્યાદિત છે. "

આ સારવારના કારણે ખૂબ જ દુર્લભ કિસ્સામાં મૃત્યુ પણ થયું છે.

યુએસ અને યુરોપ ઉપરાંત, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા અને ભારત જેવા દેશોમાં પણ ટ્રાયલના ધોરણે એફએમટી લાગુ કરવામાં આવ્યું છે.

કેટલાક દર્દીઓ મળ પ્રત્યે અણગમો તેમજ વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક માન્યતાઓને કારણે પણ આ સારવાર સ્વીકારવામાં અચકાતા હોય છે.

ભારતની સર ગંગારામ હૉસ્પિટલના ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ઍન્ડ પેનક્રિયાટિક બિલિયરી સાઇન્સિઝના ડૉ. પીયૂષ રંજન કહે છે કે, "લોકો ક્યારેક આ સારવાર માટે ખૂબ જ વિચિત્ર પ્રતિક્રિયા આપે છે, અને તેમને લાગે છે કે ડૉક્ટર મજાક કરી રહ્યા છે અથવા ગંભીર નથી."