જીવલેણ ચાંદીપુરા વાઇરસ ફેલાવતી માખી કેવી રીતે પેદા થાય છે, ઘરમાં ક્યાં રહે છે?

"કિંજલ આખો દિવસ રમતી હતી. દિવસે તેની તબીયત એકદમ સારી હતી પરંતુ સાંજે અચાનક તેને તાવ આવી ગયો. અમે કિંજલને નજીકના ડૉક્ટરને પાસે લઈ ગયા પરંતુ તેને આરામ મળ્યો નહીં. થોડા સમય બાદ મારી દીકરીને ખેંચ આવી ગઈ અને મુઠ્ઠી વાળી લીધી. અમે ગભરાઈ ગયાં અને તરત શામળાજી લઈ ગયા."

''શામળાજીમાં ડૉક્ટરો તપાસ કર્યા બાદ હિંમતનગર સિવિલ હૉસ્પિટલ રીફર કરી દીધી. ત્યાં બે દિવસ સુધી સારવાર આપ્યા છતાં ડૉક્ટરો કિંજલને બચાવી શક્યા નહીં. અમને હજી સમજાતું નથી કે કિંજલને અચાનક શું થઈ ગયું.''

આ શબ્દો અરવલ્લી જિલ્લાનાં ભીલોડા તાલુકાના મોટા કંથારિયા ગામમાં રહેતાં જાગૃતિ નિનામાનાં છે જેમની પાંચ વર્ષની દીકરીનું ચાંદીપુરા વાઇરસના કારણે પાંચમી જુલાઈના રોજ મૃત્યુ થયું હતું.

ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર કિંજલ પ્રથમ દરદી હતી જેનું મૃત્યુ વાઇરસને કારણે થયું હોવાની પુષ્ટિ થઈ હતી.

કિંજલ ઉપરાંત મોટા કંથારિયા ગામનો દોઢ વર્ષનો કૃણાલ અસારીનું પણ આ વાઇરસના કારણે મૃત્યુ થયું હતું. અરવલ્લી ઉપરાંત સાબરકાંઠા, જામનગર, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, રાજકોટ, મોરબી અને અમદાવાદમાં કેસ સામે આવ્યા છે.

અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 14 બાળકોનાં મૃત્યુ થયાં છે. જેમાં સાબરકાંઠામાં ચાર સંદિગ્ધ કેસ આવ્યા છે અને બેનાં મૃત્યુ થયાં છે. અરવલ્લીમાં ચાર સંદિગ્ધ કેસ અને જેમાં ત્રણનાં મોત થયાં છે.

ઉપરાંત મહીસાગરમાં એક, મહેસાણામાં એક, રાજકોટમાં બે, અમદાવાદમાં એક અને મોરબીમાં એક-એક મૃત્યુ નોંધાયા છે.

હાલમાં જિલ્લા આરોગ્યની ટીમોએ ગામની મુલાકાત લઈને કાર્યવાહી કરી છે. લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે અને નમૂના પણ લેવામાં આવ્યાં છે. સાથેસાથે સૅન્ડ ફ્લાય પકડીને તપાસ માટે લૅબમાં મોકલવામાં પણ આવી છે.

સૅન્ડ ફ્લાય કેવી રીતે ઉદ્ભવે છે અને કેટલી ખતરનાક છે?

સૅન્ડ ફ્લાયને કારણે ફેલાતી બીમારીનો ભોગ બનનાર બાળક 24થી 48 કલાકમાં જ જીવ ગુમાવી દે છે. ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.

આછા ભૂરા રંગની સૅન્ડ ફ્લાય અંધારી અને ભેજવાળી જગ્યામાં જ જોવા મળતી હોય છે. લીંપણવાળા ઘરના દીવાલની તિરાડો ઉપરાંત ખોખલાં વૃક્ષો અને સૂકાયેલાં પાદડાં ઉપર ઈંડાં મૂકતી હોય છે. સામાન્ય રીતે પોતાનાં પ્રજનન વિસ્તારથી 107 મીટર સુધી સૅન્ડ ફ્લાય ઊડતી હોય છે અને તેનાથી વધુ દૂર જતી નથી.

આ માખીઓ ભેજયુક્ત અને ભીનાશવાળી જગ્યામાં જ રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે ઝાડી ઝાંખર અને પાણી હોય તેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.

ડૉક્ટર પ્રવીણ ડામોર અરવલ્લી જિલ્લામાં આરોગ્ય અધિકારી તરીકે કાર્યરત છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આ માખીઓ રાત્રે બહાર નીકળે છે અને માત્ર માદા માખી જ કરડે છે. તે એટલા માટે કરડે છે કારણ કે ઈંડાં મૂકવા માટે તેને પ્રોટીનની જરૂર હોય છે જે તે માણસ અથવા પશુઓમાંથી મેળવે છે."

"માખીની અંદર વાઇરસ હોય છે અને કરડતી વખતે તે માણસની અંદર પ્રવેશી જાય છે. સામાન્ય સમજ એ છે કે ચાંદીપુરાના વાઇરસ સૅન્ડ ફ્લાયમાં જન્મજાત હોય છે. અન્ય રીતે આ વાઇરસ સૅન્ડ ફ્લાયની અંદર પ્રવેશ કરે છે કે કેમ તે વિશે સંશોધન થયું નથી."

સૅન્ડ ફ્લાય બીજી બીમારીઓ ફેલાવી શકે છે?

ચાંદીપુરા વાઇરસ માટે જવાબદાર સૅન્ડ ફ્લાય બીજી બીમારીઓ પણ ફેલાવી શકે છે અને એટલા માટે તેને હળવાશમાં લઈ શકાય નહીં. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અનુસાર સૅન્ડ ફ્લાયની 90 પ્રજાતિઓ લીશ્મૅનિયા પેરેસાઇટ (પરોપજીવી) ફેલાવી શકે છે.

માટીની માખી ચાંદીપુરા ઉપરાંત લીશ્મૅનિયાસિસ બીમારી ફેલાવવા માટે પણ જવાબદાર છે. લીશ્મૅનિયાસિસના ત્રણ પ્રકાર છે, જેમાં કાલાજાર સૌથી ઘાતક છે. બીજા પ્રકારમાં ચામડી પર ઘાવ થાય છે. ત્રીજા પ્રકારમાં મોઢા, નાક અને ગળામાં અસર થાય છે. વિશ્વમાં લાખો લોકો આ બીમારીઓનો ભોગ બને છે. અંદાજ મુજબ સાતથી દસ લાખ કેસ નોંધાય છે.

માટીની માખી માત્ર ચોમાસાની ઋતુમાં જ દેખા દે છે?

ડૉક્ટર પ્રવીણ ડામોર કહે છે, "સૅન્ડ ફ્લાય આપણી આસપાસ હાજર જ હોય છે પરંતુ ચોમાસાની ઋતુમાં તે ઝડપથી વિકસે છે. ઝરમર વરસાદ પડતો હોય, ભેજવાળું વાતાવરણ હોય અને કાદવવાળી જગ્યા તેમના માટે આદર્શ છે."

"આ ઋતુમાં સૅન્ડ ફ્લાય પ્રજનન કરે છે અને માદા માખી મોટા પ્રમાણમાં ઈંડાં મૂકે છે. ઉનાળા અને શિયાળામાં તે એટલી સક્રિય હોતી નથી."

તેઓ વધુમાં જણાવે છે કે વરસાદ હાલ એટલા જોરમાં નથી પડી રહ્યો જેના કારણે સૅન્ડ ફ્લાયની સંખ્યામાં ઘરખમ વધારો નોંધાયો છે. જો ત્રણ-ચાર દિવસ ધોધમાર વરસાદ પડ્યો હોત તો માદા સૅન્ડ ફ્લાયએ ઈંડાં મૂક્યાં હોત તે ધોવાઈ ગયાં હોત."

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે સૅન્ડ ફ્લાય પકડીને તપાસ માટે પુણેની નેશનલ ઇન્સિટટ્યુટ ઑફ વાઇરોલૉજીમાં ચકાસણી માટે મોકલાઈ છે. પંચમહાલ જિલ્લામાં પણ આવી રીતે માખીઓ પકડીને પુણે મોકલવામાં આવી છે.

સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "જિલ્લાના ગામોમાં જે સૅન્ડ ફ્લાય મળી આવી છે તેમાં ચાંદીપુરાના વાઇરસ છે કે નહીં તેની તપાસ કરવા માટે આ માખીઓને પુણે મોકલાઈ છે. તપાસનો રિપોર્ટ છથી સાત દિવસમાં આવી જશે."

"રિપોર્ટ બાદ અમે આગળની કાર્યવાહી કરીશું. હાલમાં અસરગ્રસ્ત ગામોમાં સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અમે માખીઓનાં ઈંડાં પણ નષ્ટ કરી રહ્યાં છીએ."

વાઇરસનું રાજસ્થાન કનેકશન છે?

ગુજરાતમાં બાળકોનો ભોગ લઈ રહેલા ચાંદીપુરા વાઇરસના કેસ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી પહેલાં સામે આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોટા કંથારિયા અને ઢેંકવા ગામમાં કેમ સામે આવ્યા છે. સાબરકાંઠાના નાડા અને કોડારિયા ગામમાં પણ કેસ નોંધાયા છે અને બે બાળકોનાં મૃત્યુ થયાં છે.

નોંધનીય છે કે આ બધાં ગામો ગુજરાત – રાજસ્થાનની સરહદમાં આવેલાં અંતરિયાળ ગામો છે. આ ગામોમાં મોટાભાગનાં ઘરો લીંપણવાળા છે જે ચાંદીપુરા વાઇરસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

આ ગામો એકદમ સરહદની નજીક છે અને બંને રાજ્યના લોકો કામધંધા અને સામાજિક કારણોસર એક રાજ્યથી બીજા રાજ્યમાં આવતા જતા હોય છે. થોડા દિવસો પહેલાં રાજસ્થાનથી ચાંદીપુરાનાં લક્ષણ ધરાવતો એ દરદી સારવાર માટે ગુજરાતની હૉસ્પિટલમાં દાખલ થયો હતો.

બીબીસી સહયોગી અંકિત ચૌહાણ અનુસાર રાજસ્થાનથી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનો એક દરદી હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયો હતો. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કારણે મૃત્યુ પામનાર એ પ્રથમ વ્યક્તિ હતી એવું માનવામાં આવે છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક લોકો એવું માને છે કે આ વાઇરસ રાજસ્થાનથી ગુજરાત આવ્યો છે.

હિંમતનગર સિવિલ હૉસ્પિટલના બાળરોગોના નિષ્ણાત અને વિભાગના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉ. આશિષ જૈન એ વાતની પુષ્ટિ કરે છે કે આ દરદી દાખલ થયો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત તેઓ કહે છે, "27 જૂનના રોજ રાજસ્થાનથી એક છ વર્ષનું બાળક શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસનાં લક્ષણો સાથે પીડિયાટ્રિક આઈસીયુમાં દાખલ થયું હતું. બાળક ગંભીર હાલતમાં હતું અને એ જ દિવસે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનો બાળકના મૃતદેહને પોતાના વતન લઈ ગયા હતા એટલે અમે તેનું સેમ્પલ લઈ શક્યા નહોતા."

પરંતુ શું આ વાતમાં તથ્ય છે?

તેના જવાબમાં અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી એમ એ સિદ્દિકી કહે છે, "હાલમાં એ ચોક્કસપણે કહી શકાય નહીં કે વાઇરસ રાજસ્થાનથી ગુજરાત આવ્યો છે પરંતુ અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ."

"રાજસ્થાનથી ચાંદીપુરાના દરદીઓ ગુજરાતમાં સારવાર માટે આવ્યા હતા એ વાત સાચી છે. જે ગામોમાં સૌથી પહેલાં આ વાઇરસ મળી આવ્યો છે એ બધાં ગામો ગુજરાત – રાજસ્થાનની સરહદ પર આવેલાં છે અને એટલે અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ."

શું છે વાઇરસનો ઇતિહાસ?

ભારતમાં 1965ની સાલમાં સૌપ્રથમ ચાંદીપુરા વાઇરસની ઓળખ થઈ હતી. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં તાવ અને અન્ય શારીરિક તકલીફની ફરીયાદ કરતાં બે બાળકોની લોહીની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં નવા વાઇરસના કારણે બીમારી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ચાંદીપુરા ગામમાં નવા વાઇરસની ઓળખ થઈ હોવાથી તેને ચાંદીપુરા વાઇરસ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ વાઇરસ એટલી દેખા દીધી નહોતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાયપુરમાં એકલદોકલ કેસ સામે આવ્યા હતા.

સાલ 2003માં આંધ્ર પ્રદેશમાં ચાંદીપુરમ વાઇરસ કેર વર્તાવ્યો હતો. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં 329 બાળકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો જેમાંથી 183 બાળકો મૃત્યુ પામ્યાં હતા. વાઇરસના કારણે મૃત્યુ પામનાર બાળકોની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. સાલ 2005, 2007 અને 2008માં પણ આંધ્ર પ્રદેશમાં ચાંદીપુરાના કેસ સામે આવ્યા હતા પરંતુ સંખ્યા નાની હતી.

સાલ 2007, 2009 અને 2019માં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આ વાઇરસના કેસ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વાઇરસના કારણે અત્યાર સુધી 115 બાળકોનાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં પણ સાલ 2005, 2009 અને 2019માં ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં મોટાભાગે મધ્ય ગુજરાતમાં જ ચાંદીપુરાના કેસ સામે આવ્યા હતા. વાઇરસના કારણે 24 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. પાંચ વર્ષ બાદ ફરીથી ચાંદીપુરાના કેસ ગુજરાતમાં સામે આવ્યા છે.