You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સરકારે ગરીબી હઠાવવી છે કે ગરીબોને?', સુરતમાં બેઘર થયેલા પરિવારની વ્યથા
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'સરકારે ગરીબી હઠાવવી છે કે ગરીબોને હઠાવવા છે? જો ગરીબોને હઠાવવા જ હોય તો બુલડોઝર ફેરવી દો એટલે અમીરોની જ સત્તા રહે. અમને મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી કારણકે મકાન રહેવા લાયક નથી. પરંતુ હવે ક્યાં જઈએ? પૈસા હોય તો અમે ભાડેથી મકાન રાખીશું ને?'
સચીનના સ્લમ બૉર્ડમાં રહેતાં રીનાસિંહ પોતાની વ્યથા ઠાલવી રહ્યાં છે.
સચીનના પાલી ગામમાં છ જુલાઈના રોજ પાંચ માળની ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ તંત્ર દ્વારા શહેરનાં તમામ જર્જરીત મકાનોને ખાલી કરાવવા અને ઉતારી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જે અંતર્ગત ગુજરાત હાઉસિંગ બૉર્ડ દ્વારા સચીન સ્લમ બૉર્ડમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે આ વસાહત ખાલી કરવા માટે નૉટિસ ફટકારવામાં આવી હતી.
મંગળવારે અધિકારીઓ સચીન સ્લમ બોર્ડ પહોંચી ગયા હતા અને પાણી, ગટર અને વીજજોડાણ કાપવાની કાર્યવાહી કરી હતી. સ્થાનિક લોકોએ કાર્યાવાહીનો વિરોધ કર્યો હતો પરંતુ કાર્યવાહી અટકાવવામાં આવી નહોતી.
બપોર સુધીમાં કુલ 2,104 મકાનોની તમામ પ્રકારની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે 10 હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કાર્યવાહી બાદ કેટલાક પરિવારોએ સ્લમ બૉર્ડ વિસ્તાર છોડી દીધો છે અને બીજા પરિવારો પણ આ અન્યત્ર જવાની તૈયારી કરી રહ્યા છે.
ડિમૉલિશન કાર્યવાહીને કારણે 10 હજાર લોકોએ રાતોરાત પોતાનાં ઘરો ગુમાવી દીધાં છે. તેમને ખબર નથી કે હવે તેમનું શું થશે?
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમ થઈ રહ્યું છે ડિમૉલિશન?
સુરત શહેરના સચીન વિસ્તારમાં 1985ની સાલમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડ દ્વારા શહેરી ગરીબો માટે આવાસ બનાવવામાં આવ્યા હતા. 95 હજાર ચોરસ મીટર વિસ્તાર જમીનમાં ચાર માળની 215 બિલ્ડિંગ્સ બનાવવામાં આવી હતી.
અહીં ત્રણ પ્રકારનાં મકાનો બનાવવામાં આવ્યાં હતાં – ઈડબ્લ્યુએસ, એલઆઈજી-1 અને એલઆઈજી-2. ડ્રૉ થકી મકાનો ફાળવી દેવામાં આવ્યાં અને સમય જતા કેટલાક મૂળ માલિકોએ બીજા લોકોને મકાન વેચી દીધાં હતાં.
યોગ્ય જાળવણીના અભાવે મકાનો બિસ્માર થતાં ગયાં જેના કારણે મકાનો રહેવાં લાયક ન રહ્યાં. સાલ 2016માં 576 ફ્લૅટોનું ડિમૉલિશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મકાનમાલિકોને ઘર ખાલી કરવાની નૉટિસો પણ આપવામાં આવતી હતી.
થોડાં વર્ષો પહેલાં સચીન સ્લમ વિસ્તારમાં જર્જરિત થયેલી બિલ્ડિંગ તૂટી પડી હતી. ત્યારબાદ તંત્રએ કાર્યવાહી કરતા સાલ 2018માં અહીં 44 જેટલા બ્લૉક્સનું ડિમૉલિશન કરવામાં આવ્યું. તે સમયે અહીં રહેતા કેટલાક લોકો અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા, તો કેટલાક લોકોએ આજ વસાહતમાં ભાડેથી મકાન રાખી લીધું. ત્યારથી આ લોકો અહીં રહે છે.
6 જુલાઈની ઘટના બાદ સુરત કલેકટર, ગુજરાત હાઉસિંગ બૉર્ડ, સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં મિટિંગ કરી અને લોકોને ઘર ખાલી કરવા જણાવ્યું.
અત્રે નોંધનીય છે કે 4 જૂન, 2024ના રોજ ગુજરાત હાઉસિંગ બૉર્ડ દ્વારા જી.પી.એમ.સી. ઍકટ મુજબની કલમ-264 તેમજ કલમ-268 અંતગર્ત મકાનમાલિકોને નૉટિસો આપી હતી. નૉટિસમાં આવાસોને સંપૂર્ણ જર્જરીત હોવાનું જાહેર કરીને તેમાં વસવાટ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
આ નૉટિસ લોકોના ઘરના દરવાજા પર લાગવવામાં આવી હતી અને દરેક રહેવાસીને તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
નૉટિસ લગાવ્યા બાદ આજે પ્રાથમિક સુવિધાઓ બંધ કરી દેવામાં આવતા લોકો માટે અહીં રહેવું અશક્ય થઈ ગયું છે. અહીં રહેતા કેટલાક પરિવારો નજીકની સોસાયટીઓમાં રહેવા ચાલ્યા ગયા છે.
'અમારા માટે કોઈ વ્યવસ્થા નથી'
બીબીસીની ટીમ જ્યારે આ વિસ્તારની મુલાકાતે પહોંચી ત્યારે દરેક શેરીની બહાર લોકોનું ટોળું હતું. સમગ્ર વિસ્તારમાં એક રીક્ષા માઇક સાથે ફરી રહી હતી અને લોકોને ભેગા થવા માટે સૂચના આપી રહી હતી.
થોડી જ વારમાં અહીં નાનાં બાળકો, પુરુષો અને મહિલાઓનું ટોળું આવી પહોંચ્યું હતું. જ્યારે અમે આ લોકો સાથે વાત કરી ત્યારે દરેક વ્યક્તિ તંત્રે સામે ગુસ્સે ભરાયલી હતી.
છેલ્લાં 20 વર્ષથી અહીં રહેતાં રીનાસિંહ કહે છે, ''અમારો પાંચ લોકોનો પરિવાર છે. મારા પતિ વૉચમૅન તરીકે નોકરી કરે છે અને ઘરની આર્થિક મદદ માટે હું સિલાઈકામ કરું છું. અમે જેમતેમ કરીને પોતાનું ઘર ચલાવી રહ્યાં છીએ. ઘર ખાલી કરવાની નૉટિસ મળતા હાલ બધું કામ છોડીને અમે પોતાનું ઘર બચાવવા માટે છેલ્લા કેટલાય દિવસથી મહેનત કરી રહ્યા છીએ. અમારી એક જ માગ છે કે સરકાર અમને થોડો સમય આપે અથવા વૈકલ્પિક જગ્યા આપે. પરંતુ અમારા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.''
સરકાર સામેનો આવો આક્રોશ ફકત રીનાસિંહનો જ નથી પરંતુ આ વસાહતમાં રહેતા દરેક સભ્યમાં હાલ જોવા મળી રહ્યો છે.
સચીનની ડાઇંગ મીલમાં નોકરી કરતા ચંદ્રકાન્ત પાઠક કહે છે, ''થોડાં વર્ષો પહેલાં ગુજરાત હાઉસિંગ બૉર્ડ તરફથી કહેવામાં આવ્યું કે જો 70 ટકા મકાનમાલિકો દસ્તાવેજ કરી નાખશે તો સમગ્ર વિસ્તારમાં નવી બિલ્ડિંગો બનાવવામાં આવશે. નવું મકાન મળશે એ આશાએ લોકોએ મકાનના દસ્તાવેજ કર્યા પરંતુ બાદમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડે ફેરવી તોળ્યું અને કહ્યું કે કોઈ બિલ્ડર રિડેવલપમેન્ટ માટે તૈયાર નથી.''
કાંતિ દેવી છેલ્લાં 22 વર્ષથી પતિ અને ત્રણ પુત્રો સાથે સચીન સ્લમ બૉર્ડમાં રહે છે. તેઓ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેઓ પીડા ઠાલવતા કહે છે, ''અમારા પાસે રૂપિયા નહોતા અને ઉછીના લઈને માંડમાંડ આ ઘરનો દસ્તાવેજ બનાવ્યો હતો. અમને કહેવામાં આવ્યું હતું કે જો દસ્તાવેજ નહીં કરાવો તો ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. અમે પાઇપાઇ ભેગી કરીને મકાનનો દસ્તાવેજ બનાવડાવ્યો. અમે ઘર માલિક હતા અને આજે બેઘર થઈ ગયા છીએ.''
નથી મળી રહ્યું ભાડાનું મકાન
આ સ્લમ વિસ્તારમાં અંદાજિત 10 હજાર લોકો રહે છે અને અહીં રહેતા મોટાભાગના લોકો પરપ્રાંતીય શ્રમિકો છે. મોટાભાગના લોકો સામાન્ય પગારની નોકરી કરે છે અથવા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
સ્લમ બૉર્ડની ડિમૉલિશનની કાર્યવાહીના કારણે અચાનક આ વિસ્તારમાં ભાડાનાં ઘરોની માગ વધી ગઈ છે સાથેસાથે ભાડાં પણ વધી ગયાં છે. કેટલાક પરિવારની ફરિયાદ છે કે મકાનમાલિકોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ભાડાં વધારી દીધાં છે.
સ્લમ બૉર્ડમાં રહેતા સંતોષ મિશ્રાને બે અઠવાડિયાંની મહેનત બાદ ઘર ભાડે મળ્યું છે. તેઓ કહે છે, ''જ્યારથી ડિમૉલિશનની નૉટિસ મળી છે ત્યારથી આજુબાજુના વિસ્તારોમાં ઘરનાં ભાડાં વધી ગયાં છે. જે ઘર પહેલાં બે અથવા અઢી હજાર રૂપિયાનાં ભાડાંમાં સરળતાથી મળી જતું હતું તેના આજે ચાર હજાર રૂપિયા માગવામાં આવે છે. કેટલીક સોસાયટીઓમાં ભાડું બહુ જ વધી ગયું છે. લોકો નાછૂટકે દૂરના વિસ્તારોમાં જઈ રહ્યા છે.''
સંગીતાદેવી ભગતના પતિ હયાત નથી અને તેઓ એકલાં હાથે બંને બાળકોને ઉછેરી રહ્યાં છે. તેઓ સિલાઇકામ કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યાં છે.
આક્રોશ ઠલાવતાં તેઓ કહે છે, ''અમને ઝેર આપીને મારી નાખો તો સારું રહેશે. મારાં પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારથી લઈને આજ દિન સુધી હું મારાં બંને બાળકો સાથે અહીં એકલી જ રહું છું. એક કંપનીમાં સિલાઈકામ કરી બાળકોને ભણાવી રહી છું પરંતુ હવે મકાન ખાલી કરવાનું કહેતા અમારી પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.''
''અહીં ભાડેથી પણ મકાનો નથી મળી રહ્યાં. બધી જગ્યાએ મકાનનાં ભાડાં વધી ગયાં છે. હું છેલ્લા બે દિવસથી ખાધાપીધા વગર આખા સચીન વિસ્તારમાં મકાન શોધી રહી છું પરંતુ ભાડેથી પણ મકાન નથી મળી રહ્યું. અમારી સરકાર પાસે એટલી જ વિનંતી છે કે મકાન ભલે તોડી નાખો પરંતુ અમને આ જ જગ્યા પર ઝૂંપડું બાંધીને રહેવાની પરવાનગી આપો.''
આ જ વિસ્તારમાં ઝૂંપડામાં રહેતાં કોકીલાબહેન દેવીપૂજક તેમનાં પતિ, સસરા અને ત્રણ બાળકો સાથે રહે છે. તેમનાં ઘરની બહાર ગંદકી છે. તેમનાં ઝૂંપડામાં ઘરવખરીનો થોડો ઘણો સામાન છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, ''E બ્લૉકમાં ત્રીજા માળે અમારું મકાન હતું. પરંતુ તેને તોડી પાડ્યા બાદ અમે છેલ્લાં ઘણાં વર્ષોથી આ ઝૂંપડામાં જ રહીએ છીએ. અમને કહેવામાં આવ્યું હતું કે મકાન મળશે પણ હજી સુધી અમને કોઈ જ જગ્યા મળી નથી. અમારી પાસે વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ નથી.''
''મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકી વચ્ચે છેલ્લાં ઘણાં વર્ષોથી અમે આવી જ સ્થિતિમાં રહીએ છીએ. અમારી સાથે કેટલાક લોકો પણ અહીં ઝૂંપડા બાંધીને રહેતા હતા. વરસાદને કારણે તેઓ બીજી જગ્યાએ ભાડેથી રહેવા જતા રહ્યાં છે પરંતુ અમારી આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે બીજે જઈએ.''
તંત્રનું શું કહેવું છે?
સ્થાનિકોને વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવશે કે કેમ તે અંગે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન ‘બી’ના ડેપ્યુટી કમિશનર મીના ગજ્જર બીબીસીને કહે છે, ''આ પ્રોજેક્ટ ગુજરાત હાઉસિંગ બૉર્ડ અંતર્ગત છે. અહીં આવાસો જર્જરીત થઈ ગયા હોવાથી તેને ખાલી કરવા માટે નૉટિસ પાઠવવામાં આવી છે. આ આવાસો ખાલી કરાવવા ગુજરાત હાઉસિંગ બૉર્ડને જે મદદની જરૂર હોય એ સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવી રહી છે. વૈકલ્પિક આવાસો મળશે કે નહીં એ વિષય ગુજરાત હાઉસિંગ બૉર્ડનો છે.''
ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જતીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ''સચીન સ્લમ બૉર્ડમાં જે બિલ્ડીંગો છે તે બહુ જર્જરિત હાલતમાં છે. આ મકાનોનું સમારકામ શક્ય નથી. મકાનો ખાલી થાય ત્યારબાદ અમે તેને તોડી પાડીશું. અહીં નવાં મકાનો બનશે જે માટે ટૅન્ડર બહાર પાડવામાં આવશે.''