You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાણીપુરીના પાણીમાં મળ્યાં કેટલાંક ખતરનાક તત્ત્વો, જે ખાવાથી થઈ શકે છે કૅન્સર
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
પાણીપુરી ગુજરાતીઓ સહિત ભારતીયોના પસંદગીના સ્ટ્રીટ ફૂડમાં સામેલ છે. તમે કોઈ પણ માર્કેટમાં ચાલ્યા જાઓ તો તમને પાણીપુરીના લારીની આસપાસ ગ્રાહકોની ભીડ જોવા મળશે.
કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લાગ્યું અને બહાર જવા પર પ્રતિબંધ હતો ત્યારે લોકોએ ઘરે જ પોતાની પસંદગીનું સ્ટ્રીટ ફૂડ બનાવવાનું શરૂ કરી દીધું.
ગૂગલ ઇન્ડિયાના ડેટા પ્રમાણે, લૉકડાઉન દરમિયાન પાણીપુરીની રેસિપીના સર્ચમાં 107 ટકાનો વધારો થયો હતો.
જોકે, પાણીપુરી વિશે કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. પાણીપુરીમાં કેટલાંક ખતરનાક તત્ત્વો મળ્યાં છે જે કૅન્સરનું કારણ બની શકે છે.
કર્ણાટકના ખાદ્ય સુરક્ષા વિભાગના એક સર્વેમાં જાણવા મળ્યુ કે પાણીપુરીમાં કેટલીક એવી વસ્તુઓ મળી છે જેને કારણે કૅન્સરનો ખતરો છે.
સર્વે પ્રમાણે, પાણીપુરી જ નહીં પરંતુ બીજા સ્ટ્રીટ ફૂડમાં પણ કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે, જેને કારણે કૅન્સર થવાની શંકા રહે છે.
પાણીપુરીના પાણીમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ ખતરનાક
કર્ણાટક સરકારની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે, ખાદ્ય સુરક્ષા વિભાગે છેલ્લા પાંચ મહિનામાં હજાર ખાદ્ય નમૂનાની તપાસ કરી. જેમાં પાણીપુરીના 260 નમૂના હતા અને 22 ટકા નમૂનામાં એવાં તત્ત્વો હતાં જેને કારણે કૅન્સર થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
41 નમૂનામાં કૃત્રિમ રંગ અને કાર્સિનોજેનિક તત્ત્વો મળી આવ્યાં હતાં. કાર્સિનોજેનિક તત્ત્વને કારણે કૅન્સર થઈ શકે છે.
કર્ણાટક ખાદ્ય સુરક્ષા કમિશનર કે. શ્રીનિવાસે અંગ્રેજી સમાચારપત્ર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક લોકોને સ્ટ્રીટ ફૂડ ખાવાને કારણે ઝાડા, ઊલટી અને બીજી સ્વાસ્થ્યને લગતી તકલીફો થઈ હતી.
ખાદ્ય સુરક્ષા વિભાગે ત્યાર બાદ કૃત્રિમ રંગોનો ઉપયોગ કરનાર હોટલો અને લારીઓ પર કાર્યવાહી કરી હતી.
કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે પાણીપુરીમાં ઉપોયગ થતા પાણીમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કબાબ, કોબી મંચૂરિયન, શાવરમા જેવાં વ્યંજનોમાં પણ કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યાર બાદ કર્ણાટકમાં આ વ્યંજનોમાં કૃત્રિમ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.
જોકે, જુલાઈમાં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે પાણીપુરીમાં કૅન્સર થઈ શકે તેવાં ખતરનાક તત્ત્વો છે. પાણીપુરીમાં લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક એવા બૅક્ટેરિયા પણ મળ્યા હતા.
કર્ણાટક ખાદ્ય વિભાગે લીધેલા નમૂનામાં ટારટ્રાઝિન, સનસેટ યેલો, રોડામાઇન બી અને બ્રિલિયન્ટ બ્લૂ જેવા કૃત્રિમ રંગો મળી આવ્યા હતા. આ રંગો કૅન્સર અથવા કિડનીને ખરાબ કરી શકે છે.
કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી દિનેશ ગુંડુ રાવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “કૉટન કૅન્ડી, મંચૂરિયન અને કબાબમાં કૃત્રિમ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જોકે, પાણીપુરીમાં પણ હવે ખતરનાક તત્ત્વો મળી આવ્યાં છે.”
કૃત્રિમ રંગોનો ઉપયોગ કેટલો નુકસાનકારક?
અમે કર્ણાટકના ખાદ્ય અને પોષણ વિશેષજ્ઞો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે ફાસ્ટફૂડમાં ઉપયોગમાં લેવાતું રોડામાઇન બી શું છે અને કેટલું ખતરનાક છે.
પોષણ વિશેષજ્ઞ ડૉ. રેણુકા માઇન્દેએ બીબીસી મરાઠીને જણાવ્યું, “રોડામાઇન બી એક રાસાયણિક લાલ રંગ છે, જેનો ઉપયોગ ઔદ્યોગિક રંગ તરીકે કરવામાં આવે છે. જોકે, આ રંગની કિંમત પ્રાકૃતિક રંગો કરતાં સસ્તી છે. આ કારણે તેનો ઉપયોગ કૅન્ડી, ચિકન ટિક્કા અને પનીર ટિક્કામાં કરવામાં આવે છે. આ પ્રકારના રંગવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી ઍલર્જી થઈ શકે છે. આંતરડાં પર અસર થઈ શકે છે અને અસ્થમા પણ થઈ શકે છે.”
ડૉ. રેણુકા છેલ્લાં 30 વર્ષથી ખોરાક વિશેષજ્ઞ તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ મુંબઈ, ઔરંગાબાદ, વડોદરામાં કામ કર્યાં પછી નાગપુરમાં કામ કરી રહ્યાં છે.
કલ્પના જાધવ નાગપુર યુનિવર્સિટીમાં ફૂડ ટેક્નૉલૉજી ઍક્સપર્ટ છે.
તેમણે જણાવ્યું, “ખાદ્ય પદાર્થોને આકર્ષક બનાવવા માટે કેસરનો ઉપયોગ કરવો જોઈએ. જોકે, પ્રાકૃતિક રંગોની જગ્યાએ હવે કૃત્રિમ રંગોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રસમલાઈ, મીઠાઈ સહિત કેટલાક ખાદ્ય પદાર્થોમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કાર્સિનોજેનિક હોય છે. આ કારણે કૅન્સર થવાનો ખતરો હોય છે.”
જાધવે ઉમેર્યું, “અજીનોમોટોનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને આકર્ષક દેખાડવા માટે કે ભોજનમાં સ્વાદનો ઉમેરો કરવા માટે કરવામાં આવે છે. અજીનોમોટોમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ હોય છે. જોકે, તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે. જો અજીનોમોટોનો વધારે પ્રમાણમાં ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખતરનાક પુરવાર થઈ શકે છે. આ કારણે કૅન્સર પણ થઈ શકે છે. કિડની અને આંતરડાં પર પણ તેની ખરાબ અસર પડી શકે છે.”
પાણીપુરી ખાતાં પહેલાં આ વાતની કાળજી રાખો
ડૉ. રેણુકા માઇન્દેએ કહ્યું, “પાણીપુરીના પાણીનો રંગ લીલો દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ લીલા કલરનું પાણી બનાવવા માટે ફુદીનો અને કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, તેમાં ફુદીનો અને કોથમીરને બદલે રાસાયણિક રીતે તૈયાર કરેલા લીલા રંગને ભેળવવામાં આવે છે. પીળા અને નારંગી રંગ સાથે મિશ્રિત આ લીલા રંગને ગ્રીન ફાસ્ટ એફસીએફ કહેવામાં આવે છે.”
તેમણે ઉમેર્યું, “આ પ્રકારની પાણીપુરી ખાવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. મોટા ભાગે પાણીને ઉકાળીને તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાણીમાં બરફ ઉમેરવાથી તેમાં ખતરનાક બૅક્ટેરિયા પણ થઈ શકે છે. આ કારણે ઝાડા અને ઊલટી થઈ શકે છે.”
ઉપાય શું છે?
તમે જો પાણીપુરી ખાવા ઇચ્છતાં હોય તો કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
બજારમાં કેટલીક દુકાનોને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાનું (એફએસએસએઆઈ) પ્રમાણપત્ર મળેલું હોય છે. તેનો અર્થ છે કે આ દુકાનો એફએસએસએઆઈ દ્વારા નક્કી કરેલા નિયમોનું પાલન કરે છે.
આ કારણે આ દુકાનો પરથી વ્યંજનો ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત આપણે કૃત્રિમ રંગવાળા ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવું જોઈએ એને ખાદ્ય પદાર્થોમાં યોગ્ય પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
બીટ, પાલક, કોથમીર, ગાજરથી તૈયાર કરેલા રંગ ભોજન અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છ.
જોકે, તમે ઇચ્છો છો કે તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર ન પડે તો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તમે ઘરે પાણીપુરી બનાવો.