અચાનક દારૂ પીવાનું છોડી દો ત્યારે શું થાય? રોજ કેટલું સુરાપાન સલામત છે?

    • લેેખક, સુભાષચંદ્ર બોઝ
    • પદ, બીબીસી ન્યૂઝ

આલ્કોહોલની વધેલી કિંમત કરતાં દારૂની શરીર પર થતી દારૂણ અસર વધારે ચોંકાવનારી છે.

તેના કરતાં પણ વધારે મહત્ત્વની વાત એ છે કે દારૂ વિશેના એક સંશોધનનાં તારણો બહાર આવ્યાં છે અને તેને અવગણવાનું મોંઘું પડી શકે તેમ છે.

તબીબોના મતાનુસાર, તમે પ્રસંગોંપાત દારૂ પીવો કે પછી દરરોજ પીવો, તેની શરીરનાં અંગો પર માઠી અસર થાય જ છે.

દારૂનું વ્યસન એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. દારૂ પીવાથી થતી શારીરિક તથા માનસિક આડઅસરો, દારૂ છોડવાના પરિણામ અને વ્યસન મુક્તિ કેન્દ્રો બાબતે આ લેખમાં ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી છે.

તમે દારૂ પીઓ છો તે કયાં જાય છે?

ઘણા લોકો માને છે કે તેઓ જે દારૂ પીવે છે તે સીધો તેમના પેટમાં જાય છે અને પછી પેશાબ વાટે બહાર નીકળી જાય છે, પરંતુ આલ્કોહોલની શરીરનાં વિવિધ અંગો પર થતી અસર વિશે કોઈ ખાસ કશું જાણતું નથી.

અમે એમજીએમ હેલ્થકેરના કિડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડૉ. ત્યાગરાજન સાથે આ બાબતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, "તમે કેટલા પ્રમાણમાં, કેટલી વખત અને કેટલા સમય સુધી દારૂ પીવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ આલ્કોહોલ શરીર માટે હાનિકારક છે એ પરમ સત્ય છે. દારૂ બાબતે પુરુષો કરતાં મહિલાઓ વધારે અસલામત હોય છે. તેમના પર તેની વધારે પ્રતિકૂળ અસર થાય છે."

શરીરમાં દારૂના સફર બાબતે વાત કરતાં ડૉ. ત્યાગરાજને કહ્યું હતું, "શરાબ પેટમાંથી સીધી નાના આંતરડામાં આવે છે. ત્યાં દારૂનું વિઘટન એલ્ડીહાઈડ નામના રસાયણના સ્વરૂપમાં થાય છે."

"પેટ અને આંતરડામાંનું બધું જ લોહી લીવર દ્વારા શરીરના બાકીના હિસ્સામાં જાય છે. લીવરનું કામ ખોરાકમાંના પોષક તત્ત્વો કાઢીને લોહી દ્વારા શરીરના અન્ય ભાગોમાં મોકલવાનું અને તેમાંથી કચરો દૂર કરીને તેને પેશાબ તથા મળ દ્વારા શરીરની બહાર કાઢવાનું હોય છે."

"એલ્ડીહાઇડ એક ખતરનાક પદાર્થ છે. તે લોહી મારફત લીવર સુધી પહોંચે છે અને લીવરને નુકસાન કરે છે. તેથી ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં દારૂ પીવામાં આવે ત્યારે શરીરમાં એલ્ડીહાઇડનું પ્રમાણ વધી જાય છે અને લીવર કામ કરતું બંધ થઈ જાય છે."

'મહિલાઓ માટે દારૂ સૌથી વધુ જોખમી હોય છે'

પુરુષ હોય કે સ્ત્રી, આલ્કોહોલ કોઈ પણ વ્યક્તિને પ્રતિકૂળ અસર કરી શકે છે, પરંતુ સ્ત્રીઓના સંદર્ભમાં ડૉ. ત્યાગરાજનનું કહેવું છે કે મહિલાઓ તેમના આનુવાંશિક બંધારણને કારણે આલ્કોહોલ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.

ડૉ. ત્યાગરાજને કહ્યું હતું, "સતત દારૂ પીવાથી લીવરમાં ખતરનાક પદાર્થોનું સ્તર વધે છે અને લીવરમાં નુકસાન થાય છે. તેનાથી ફાઇબ્રોસિસ થઈ શકે છે. એટલે કે લીવર પર ડાઘ પડે છે, કોશિકાઓ જાડી થઈ જાય છે અને તેની લવચિકતા ઘટી જાય છે. અન્ય ઘટકોને લીધે લીવર સિરોસિસ થાય છે."

આ રોગની તીવ્રતાની અનુભૂતિનો આધાર દરેક વ્યક્તિના આનુવાંશિક બંધારણ પર તથા જે વ્યક્તિ કેટલો દારૂ પીવે છે તેના પર હોય છે. બીજી તરફ ડૉક્ટર્સ કહે છે કે દારૂ પીવાને કારણે મહિલાઓને લીવરની બીમારી થવાની શક્યતા વધુ હોય છે.

આલ્કોહોલથી થતા લીવરના રોગ

આલ્કોહોલને લીધે લીવર સંબંધી વિવિધ રોગ થઈ શકે છે. ભારતમાં છેલ્લા એક દાયકા દરમિયાન લીવર સંબંધી રોગોની સંખ્યામાં વધારો થયો છે. પ્રત્યેક પાંચમાંથી એક ભારતીય વ્યક્તિ લીવરની બીમારીથી પીડાતી હોવાનું નોંધાયું છે. લીવરની બીમારીને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.

ડો. ત્યાગરાજનના મતાનુસાર, લીવર પર આલ્કોહોલની મુખ્ય અસર ગંભીર લીવર સિરોસિસ છે.

લીવર વર્ષો સુધી ડેમેજ થવાથી બળતરા થાય છે, જે રક્તવાહિનીઓમાં બળતરા, સાંધાનો દુખાવો અને અન્ય સમસ્યાઓનું કારણ બને છે. લીવરની કાર્યક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે.

તેનાં લક્ષણોમાં ઊર્જાનો અભાવ, સ્નાયુઓમાં નબળાઈ, ડિહાઇડ્રેશન, ગંભીર કમળો અને લોહીની ઊલટીનો સમાવેશ થાય છે.

આલ્કોહોલિક હેપેટાઈટિસ શું છે?

આ સમસ્યા દિવસ-રાત સતત દારૂ પીવાથી, યોગ્ય આહાર ન લેવાથી અને અન્ય કારણોસર સર્જાય છે. તે ખૂબ જ ગંભીર કમળો, લોહીના ગંઠાવાનું કારણ બને છે અને મગજના ચેતોકોષોને પણ અસર કરે છે, જે ઍન્સિપિએન્ટ કોમાની શક્યતા સર્જાય છે.

આલ્કોહોલના સેવનથી લીવર પર લાંબા ગાળે પ્રતિકૂળ અસર થાય છે. ડૉ. ત્યાગરાજનના જણાવ્યા મુજબ, આ બીમારીમાં તમે ભલે ગમે તેટલો ઓછો દારૂ પીતા હો તો પણ લીવર અચાનક ફેઈલ થઈ જાય છે.

ત્રણ સ્થિતિમાં તબીબી સારવાર જરૂરી હોય છે. દર્દીની સ્થિતિ અનુસાર તબીબી સારવાર કરવામાં આવે છે.

ફેટી લીવર અને દારૂ વચ્ચેનો સંબંધ

એઆઈઆઈએમએસ દ્વારા ગયા વર્ષે પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, 38 ટકા ભારતીયો નૉન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝથી પીડાય છે. લીવરના કોષોમાં ચરબી જમા થવી તે સામાન્ય બાબત છે, પરંતુ તે પ્રમાણ પાંચ ટકાથી ઓછું હોય છે.

લીવરના કોષોમાં સંગ્રહિત ચરબીનું પ્રમાણ 20-25 ટકાની ઉપર જાય ત્યારે તે લીવરની કામગીરી પર પ્રતિકૂળ અસર કરે છે, જેને આપણે ફેટી લીવર અથવા લીવરમાં ચરબીનો સંગ્રહ કહીએ છીએ.

ડૉ. ત્યાગરાજનના કહેવા મુજબ, ફેટી લીવર બે પ્રકારના હોય છેઃ આલ્કોહોલિક ફેટી લીવર અને નૉન-આલ્કોહોલિક ફેટી લીવર.

જીવનશૈલીમાં પરિવર્તન અને ખરાબ આહારની આદતો ફેટી લીવર ડિસીઝનું મુખ્ય કારણ હોય છે. નૉન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ બહુ સામાન્ય છે.

દરરોજ દારૂ પીવાય? કેટલો પીવાય?

કેટલાક લોકો મોટા પ્રમાણમાં દારૂ પીતા હોવા છતાં સ્વ-નિયંત્રણ ધરાવતા હોય છે, પરંતુ વાસ્તવમાં આપણે કફ સિરપનો ડોઝ જેટલા પ્રમાણમાં લઈએ છીએ એટલા પ્રમાણમાં જ દારૂ સલામત હોય છે.

ડૉ. ત્યાગરાજનના કહેવા મુજબ, "દરરોજ 30 મિલીલિટર આલ્કોહોલ પીવો સલામત છે. દરરોજ આટલું પીવામાં કોઈ નકસાન નથી, પરંતુ એ માટે તમારું લીવર આનુવંશિક રીતે સ્વસ્થ હોવું જોઈએ અને તમને લીવરની કોઈ સમસ્યા ન હોવી જોઈએ."

દારૂની પ્રકૃતિ વ્યસની છે. તેથી આત્મ-નિયંત્રણ સાથે રોજ આટલા જ પ્રમાણમાં દારૂ પીવાનું શક્ય નથી.

દારૂનું પ્રમાણ દરરોજ ધીમે ધીમે વધતું જાય છે, ઘટતું નથી. તેથી ડૉક્ટરો ભલામણ કરે છે કે દારૂ પીવાનું સદંતર ટાળવું જોઈએ.

દારૂ પીવાનું બંધ કરવાથી લીવર પૂર્વવત થઈ જાય?

વર્ષોથી દારૂ પીતા લોકો મદ્યપાન બંધ કરવાનું નક્કી કરે છે અને એવું માને છે કે આમ કરવાથી તેમના શરીરને થયેલા નુકસાનની ભરપાઈ થઈ જશે, પરંતુ ડૉક્ટર્સ કહે છે કે વર્ષોથી દારૂ પીનારા લોકો સુરાપાન બંધ કરે પછી પણ તેમને લીવરની બીમારી થઈ શકે છે.

ડૉ. ત્યાગરાજને કહ્યું હતું, "તમે આલ્કોહોલિક ફેટી લીવર અથવા ફાઇબ્રોસિસના પ્રારંભિક તબક્કામાં હો ત્યારે દારૂ પીવાનું બંધ કરો તો તમે લીવરને વધુ નુકસાન થતું અટકાવી શકો છો. તબીબી સારવારથી તમે થોડા દિવસમાં સાજા થઈ શકો છો."

"તમારું લીવર સિરોસિસના તબક્કે પહોંચી ગયું હોય અને તમે દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશો તો પણ તમારું લીવર પૂર્વવત થશે નહીં. એ માટે વધુ તબીબી સારવાર જરૂરી બનશે."

"એક વાત ધ્યાનમાં રાખોઃ લીવરને થયેલું નુકસાન ગમે તે તબક્કે હોય, પરંતુ તમે આલ્કોહોલ પીવાનું બંધ કરશો તો લીવરને વધુ નુકસાન થશે નહીં."

મદ્યપાનથી માનસિક બીમારી થઈ શકે?

આલ્કોહોલ પીવાથી એક અન્ય અંગને પણ નુકસાન થાય છે અને તે છે મગજ. દારૂ પીતા લોકો માનસિક બીમારીનો શિકાર બને છે. આ બાબતે અમે કિલપક્કમ સરકારી માનસોપચાર હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. પૂર્ણા ચંદ્રિકા સાથે વાત કરી હતી.

ડૉ. પૂર્ણા ચંદ્રિકાના જણાવ્યા મુજબ, કોઈ વ્યક્તિ કેટલા પ્રમાણમાં અને કેટલા સમય સુધી દારૂની બંધાણી છે તેનો આધાર દારૂની માત્રા અને દારૂ પચાવવાની વ્યક્તિની ક્ષમતા પર હોય છે.

ચિક્કાર દારૂ પીવો તો શું થાય?

કેટલાક લોકો બહુ થોડા પ્રમાણમાં મદ્યપાન કરતા હોવા છતાં દારૂના બંધાણી થઈ જાય છે. તેઓ તોડફોડ કરે છે અને ઝઘડા કરે છે. ડૉક્ટરના કહેવા મુજબ, આ પ્રથમ તબક્કો છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકાએ કહ્યું હતું, "એ પછીનો તબક્કો ચિતભ્રમનો છે. તેમાં દારૂના બંધાણી વારંવાર કહે છે કે પોલીસ તેમની ધરપકડ કરવા આવી રહી છે. આ લોકોને આભાસ થાય છે. આ માનસિક બીમારીનાં લક્ષણોમાં અનિંદ્રા, મૂંઝારો, ભૂલકણાપણું, થાક અને કાનમાં ઝણઝણાટીનો સમાવેશ થાય છે."

દારૂ છોડ્યા પછી શું થાય?

આલ્કોહોલના સેવનથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર જે રીતે પ્રતિકૂળ અસર થાય છે તેમ કેટલાક લોકોએ દારૂ છોડ્યા પછી પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેને વિડ્રોઅલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તેમાં લોકોને મૂંઝારો, તણાવ, ધ્રુજારી અને થાકનો અનુભવ થાય છે.

તમે વર્ષો સુધી દારૂ પીતા રહ્યા હો અને અચાનક દારૂ પીવાનું બંધ કરો ત્યારે ઉપરોક્ત લક્ષણો ઉપરાંત કેટલીક માનસિક સમસ્યાઓ પણ સર્જાય છે. તેની વાત ડૉ. પૂર્ણા ચંદ્રિકાએ કરી હતી.

મદ્યપાન-પ્રેરિત ભ્રમ

ડૉક્ટરે કહ્યું હતું, "કેટલાક લોકો દારૂ પીવાનું બંધ કરે પછી, જાણે કે કોઈ તેમને બોલાવતું હોય તેમ, તેમના કાનમાં અવાજ સંભળાયા કરે છે. તેને મદ્યપાન-પ્રેરિત ભ્રમ કહેવામાં આવે છે."

વર્ષો સુધી દારૂ પીતા રહેલા લોકો અચાનક કોઈ કારણસર દારૂ પીવાનું બંધ કરી દે છે ત્યારે તેમને એકથી ત્રણ દિવસમાં મૂંઝારો થાય છે, ગુસ્સો આવે છે અને સામે કોણ ઊભું છે તે જાણવા જેવી સમસ્યા સર્જાય છે.

વેર્નિક ઍન્સેફેલોપથી ફોરશોક

માનસિક સમસ્યા ગંભીર બને છે એ પછીના તબક્કામાં ન્યૂરોલૉજિકલ સમસ્યાઓ સર્જાય છે. તેને વેર્નિક ઍન્સેફેલોપથી ફોરશોક કહેવામાં આવે છે.

લોકો વાતો ભૂલી જાય છે, પરંતુ તેની ખબર તેમને પડતી નથી. તેમને અચાનક સવાલ પૂછવામાં આવે અને તેમને જવાબ ખબર ન હોય તો પણ તેઓ અંદાજિત જવાબ આપવાના પ્રયાસ કરે છે. ડૉ.પૂર્ણા ચંદ્રિકાના જણાવ્યા મુજબ, આ ન્યૂરોલૉજિકલ મેન્ટલ સમસ્યા છે.

એ ઉપરાંત નર્વસ સિસ્ટમને લગતી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. તે માયોપથી અને ન્યૂરોપથી સંબંધી સમસ્યાઓ હોઈ શકે છે. આ સમસ્યાઓને કારણે વ્યક્તિના ઊભા રહેવાનું અને અમુક કામ કરવાનું અશક્ય બને છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, તેનાથી શરીરમાં ટાંકણી કે સોય ભોંકાવાની અનુભૂતિની સમસ્યા પણ થાય છે.

વ્યસનમુક્તિ અને પુનર્વસન કેન્દ્રો કેટલાં ઉપયોગી?

દારૂ અથવા અન્ય વ્યસનોમાંથી મુક્તિ માટે તાજેતરના સમયમાં વ્યસનમુક્તિ સારવાર અને પુનર્વસન કેન્દ્રોની સંખ્યામાં વધારો થયો છે.

આવા અનેક કેન્દ્રોમાં મારપીટ કરવા, ગોંધી રાખવા અને ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો સતત કરવામાં આવે છે. આ સંદર્ભે અમે ડૉક્ટર્સને સવાલ કર્યો હતો કે વ્યસનમુક્તિ કેન્દ્રો અને પુનર્વસન કેન્દ્રો ખરેખર ઉપયોગી છે?

ડો. ત્યાગરાજને કહ્યું હતું, “કેટલાક સારા વ્યસનમુક્તિ કેન્દ્રો જરૂર છે, પરંતુ અનેક વ્યસનમુક્તિ કેન્દ્રો નિયંત્રણવિહોણા છે. મને ખબર નથી કે ત્યાં શું થાય છે. તેથી આવી સ્થિતિમાં તબીબી સારવાર એકમાત્ર ઉપાય છે. એ ઉપરાંત વ્યક્તિનો નિશ્ચય, જીદ્દ પણ મહત્વપૂર્ણ હોય છે. કોઈ પણ વ્યસન બળજબરીથી છોડાવી શકાતું નથી.”

ડો. પૂર્ણા ચંદ્રિકાના કહેવા મુજબ, ઘણા વ્યસનમુક્તિ કેન્દ્રો રાજ્ય સરકારના માનસિક આરોગ્ય પંચ પાસેથી પરવાનગી મેળવ્યા પછી જ કામ શરૂ કરતા હોય છે. લોકોએ લાયસન્સ વિના ચલાવવામાં આવતા કેન્દ્રો પર વિશ્વાસ કરવો ન જોઈએ.

ડોક્ટરે ઉમેર્યું હતું, “દાખલ કરવામાં આવેલા દર્દીને મળવાની પરવાનગી તેમના કુટુંબીજનોને આપવામાં ન આવતી હોય અને તેમને એકલા રાખવામાં આવતા હોય તેવા વ્યસનમુક્તિ કેન્દ્રો પર વિશ્વાસ ન રાખવો જોઈએ. વાસ્તવમાં એવી વ્યક્તિને નિયમિત મળવા પરિવારજનો આવતા રહે તો તેને પ્રેરણા મળે છે. તેને થાય છે કે પરિવાર તેમની સાથે છે. તેથી જરાસરખી શંકા હોય તો પણ તમે રાજ્યના માનસિક આરોગ્ય પંચમાં ફરિયાદ કરી શકો છો.”

વ્યસનમુક્તિ કેન્દ્રોનો આધાર

તામિલનાડુ સરકારે આલ્કોહોલ અથવા ડ્રગ્ઝથી છૂટકારો મેળવવા માટે વિવિધ વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. આ વિશે ડૉ. પૂર્ણા ચંદ્રિકાએ કહ્યું હતું, "દારૂની લતમાંથી મુક્તિ મેળવવાનો એક માર્ગ ઔષધોપચાર છે. સરકારે આ માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે."

"તે સારવાર રાજ્યની તમામ જિલ્લા હૉસ્પિટલો, મેડિકલ કૉલેજોના માનસિક આરોગ્ય વિભાગો અને જિલ્લા સ્તરના વ્યસનમુક્તિ કેન્દ્રોમાં ઉપલબ્ધ છે."

આ બધા સ્થળે 21 દિવસથી એક મહિનાની અથવા દસથી પંદર દિવસની દવા આપવામાં આવે છે. દવા વગરની સારવાર માટે માનસિક સ્વાસ્થ્ય સલાહ પણ આપવામાં આવે છે. ડૉ પૂર્ણા ચંદ્રિકાના કહેવા મુજબ, સરકાર આ સારવાર દ્વારા લોકોને દારૂની લતમાંથી મુક્ત કરાવવાના પ્રયાસ કરી રહી છે.