કાઠિયાવાડનાં 222 રજવાડાંને સરદારે જ્યારે ભારતમાં ભેળવી દીધાં

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

15 ઑગસ્ટ, 1947. દેશ આઝાદ થયો ત્યારે કાઠિયાવાડમાં 222 જેટલાં નાનાં-મોટાં રાજ્યો કે રજવાડાં હતાં.

22 હજાર ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલા કાઠિયાવાડમાં 4,415 ગામ-શહેરો હતાં. આ વિસ્તારમાં 222 રાજા-રાજવીઓ કે ગરાસદારોનું શાસન હતું.

આઝાદી બાદ ગાંધીજી અને સરદાર પટેલના નિર્દેશ હેઠળ કાઠિયાવાડમાં ‘રાજકીય પરિષદ’ની સ્થાપના કરવામાં આવી અને તેમાં મહદંશે કૉંગ્રેસ સાથે સંકળાયેલા આગેવાનો જોડાયા હતા. કાઠિયાવાડનાં રજવાડાંને એક છત્ર નીચે લાવીને એને ભારતમાં ભેળવવા માટેનો રસ્તો તૈયાર કરવાનો ઉદ્દેશ આ પરિષદમાં નક્કી કરાયો હતો.

કાઠિયાવાડમાં મોટાં રાજ્યો માત્ર 14 હતાં. ભાવનગર સૌથી વધુ આવક ધરાવતું રાજ્ય હતું. બળવંતરાય મહેતા ભાવનગરના પ્રજામંડળના પ્રમુખ હતા. સરદાર સાથે ચર્ચા બાદ ભાવનગરે સૌપ્રથમ લોકતંત્રની દિશામાં પગલાં ભર્યાં હતાં અને બળવંતરાય મહેતાને સ્ટેટના પહેલા પ્રિમિયર બનાવવામાં આવ્યા.

ભાવનગર દેશનું પહેલું રાજ્ય બન્યું હતું, જેણે ભારતીય સંઘ સાથે વિલીનીકરણની જાહેરાત કરી હતી.

15મી જાન્યુઆરી, 1948માં ભાવનગરમાં નવી સરકારના સમારંભમાં ભાગ લઈ સરદાર રાજકોટ પહોંચ્યા હતા.

ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી તેમના પુસ્તક ‘પટેલ અ લાઇફ’માં લખે છે, “રાજકોટમાં સરદારે જુસ્સાભર્યુ ભાષણ આપ્યું. આ ભાષણમાં તેમણે કોઈ રાજા-રજવાડાનું નામ ન લીધું. પરંતુ તેમણે કહ્યું કે નાનાં નાનાં ખાબોચિયાં હવે બંધિયાર અને બિનઉપયોગી બની ગયાં છે. તેમને જો ભેગાં કરીને એક વિશાળ સરોવર બનાવવામાં આવે તો તેની ઉપયોગીતા વધે છે.”

આમ તેમણે પરોક્ષ રીતે તેમણે સૌરાષ્ટ્રના તમામ રાજવીઓને ધીમા સૂરમાં ચેતવણી આપી અને કાઠિયાવાડનાં તમામ રાજ્યોના એકીકરણની વકીલાત કરી. સરદાર બાદમાં મુંબઈ જતા રહ્યા પરંતુ તેમણે પોતાના સચિવ વી. પી. મેનનને રાજકોટ રોકાઈ જવા કહ્યું.

તેમણે વ્યક્તિગત રીતે રાજવીઓ સાથે સીધી વાતચીતમાં સામેલ ન થવાનું મન બનાવ્યું અને મેનનને વાતચીતનો દોર આગળ ધપાવવાના નિર્દેશ આપ્યા.

સૌથી વધુ આવક ભાવનગરની, સૌથી નાનું રજવાડું કયું?

સરદારના નિર્દેશ બાદ મેનને કાઠિયાવાડના રાજાઓ સાથે વાતચીત આરંભી.

મેનન તેમના પુસ્તક ‘ઇન્ટીગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ’માં લખે છે, “અંગ્રેજો દ્વારા સલામી મળતી હોય તેવાં જૂનાગઢ, નવાનગર(જામનગર), ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોંડલ, જાફરાબાદ, વાંકાનેર, પાલીતાણા, ધ્રોલ, લીમડી, રાજકોટ અને વઢવાણ સહીતનાં 14 રજવાડાં હતાં. આ ઉપરાંત 17 અન્ય મોટાં રાજ પણ હતાં, જોકે, તેમને સલામી નહોતી મળતી. કાઠિયાવાડમાં 191 અલગ-અલગ રજવાડાં હતાં. તેમનો કુલ વિસ્તાર 22,000 ચોરસ માઇલ હતો અને 40 લાખની વસ્તી હતી. તે પૈકી 46 એવાં રાજ્યો હતાં જેનો વિસ્તાર બે કે તેથી ઓછા ચોરસ માઇલનો હતો. એમાં આઠ રાજ્યો તો એવાં હતાં જેનો વિસ્તાર અડધા માઇલથી ઓછો હતો. સૌથી નાનું રજવાડું હતું ‘વિજાના નેસ’. જેનો વિસ્તાર હતો 0.29 ચોરસ માઇલ અને વસ્તી હતી 206ની. તેની વાર્ષિક આવક હતી માત્ર 500 રૂપિયા.”

આ રાજાઓના વારસદારો પણ હતા. આ રાજ્યોની કુલ 860 જેટલી સરહદો એટલે કે ક્ષેત્રાધિકારો હતા.

પ્રજાનો રોષ વધ્યો

આઝાદી બાદ આમાનાં કેટલાંય રાજ્યોની પ્રજામાં ભારતીય સંઘ સાથે ભળવાનો મત વિકસ્યો હતો.

રાજમોહન ગાંધી લખે છે, “મૂળીમાં પ્રજાનો રોષ ફાટી નીકળ્યો. પ્રદર્શનકારીઓએ જેલ અને કોર્ટનો કબજો કરી લીધો. ધ્રાંગધ્રામાં રાજમહેલ સામે પ્રદર્શનો થયાં. તેઓ સરદાર પટેલના નામે આ બધું કરતા હોવાનું જાણવા મળ્યું જેથી સરદાર પટેલે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ સંજોગોમાં હિંસાનું સમર્થન નહીં કરે.”

એક તરફ મેનન રાજવીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા અને બીજી તરફ પ્રજાનો ગુસ્સો વધી રહ્યો હતો.

આ દરમિયાન ધ્રાંગધ્રા રાજ્ય ભાવનગર બાદ ભારતીય સંઘમાં જોડાણ માટે રાજી થનારું બીજું રાજવાડું બન્યું.

મેનન સાથેની વાતચીતમાં સૂર નીકળ્યો કે સૌરાષ્ટ્રનાં રજવાડાં મુંબઈ રાજ્યમાં સામેલ કરવામાં આવે અથવા તેમનું અલગ સ્ટેટ બનાવવામાં આવે. પરંતુ રાજાઓએ મુંબઈ રાજ્યમાં સામેલ થવાનો ભારે વિરોધ કર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે કાઠિયાવાડને અલગ રાખવામાં આવે.

રાજાઓને લાગતું હતું કે જો તેઓ મુંબઈ રાજ્યમાં સામેલ થશે તો તેમનું મહત્ત્વ અને દબદબો ઓછાં થઈ જશે.

શરૂઆતની વાતચીતમાં તો તેમણે વિદેશ, સંરક્ષણ અને સંચાર સિવાય તમામ ખાતાં પર નિયંત્રણ સાથે સ્વાયતત્તાની માગ કરી, જે સરદાર પટેલને મંજૂર નહોતી. તેઓ ઇચ્છતા હતા કે તમામ રાજા-રજવાડાં ભારતીય સંઘમાં પૂર્ણત: સામેલ થાય.

રાજમોહન ગાંધી લખે છે, “બધા રાજાઓ કાઠિયાવાડ સ્ટેટમાં જોડાવા રાજી તો થયા પરંતુ તેમના ચહેરા પર નારાજગી હતી. નવાનગરના રાજા જામસાહેબને સમજાવવું મુશ્કેલ હતું.”

22મી જાન્યુઆરી, 1948ના રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના રાજવીઓએ કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય રચવા અંગેના કરારપત્ર પર સહીઓ કરી.

રાજમોહન ગાંધી લખે છે, “15મી ફેબ્રુઆરીના રોજ કાઠિયાવાડ સ્ટેટની સ્થાપના થઈ. જામસાહેબના મહેલ દરબારગઢમાં તેનો સમારંભ યોજાયો. જામસાહેબ દિગ્વિજયસિંહજી રાજપ્રમુખ બન્યા અને સરદાર પટેલના જૂના સાથી ઉછંગરાય ઢેબર મુખ્ય મંત્રી.”

જામસાહેબે પોતાના ભાષણમાં કહ્યું, “એવું નથી કે અમે રાજવીઓ થાકી ગયા છીએ. એવું પણ નથી કે અમને ભયભીત કરીને અમારાં રાજ્યોનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. અમે ભારતની એકતા અને તેની મજબૂતી માટે જોડાયા છીએ.”

જામસાહેબ અને 'જામ જૂથ યોજના'

‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ નામનું પુસ્તક લખનારા પ્રોફેસર ડૉ. એસ. વી. જાની તેમના પુસ્તકમાં લખે છે, “ભારતના રિયાસતી ખાતાએ સૌરાષ્ટ્રનાં 222 રાજ્યોના વિલીનીકરણ અંગે ત્રણ યોજનાઓ વિચારી હતી. એક યોજના પ્રમાણે જૂનાગઢ, ભાવનગર, નવાનગર, ધ્રાંગધ્રાનાં ચાર જૂથ બનાવવાં અને તેમાં બધાં નાનાં રાજ્યોને સમાવી લેવાં. જોકે, ચાર જૂથો પણ પોતાનાં પગ પર ઊભાં રહી શકે તેવાં સક્ષમ ન હતાં તેથી ત્યાં કાર્યક્ષમ વહીવટ સ્થાપવાની શક્યતા ન હતી. બીજી યોજના સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાની હતી પરંતુ તેમ કરવાથી સૌરાષ્ટ્રની વિશિષ્ઠ સંસ્કૃતિનું અસ્તિત્વ લોપાતું હતું તથા મોટાં રાજ્યોને પણ તેવી સ્થિતિમાં માનભંગ જેવું લાગે. ત્રીજી યોજના સૌરાષ્ટ્રનાં તમામ રાજ્યોને એકત્ર કરી એક સંયુક્ત એકમ રચવાની હતી.”

ત્રીજી યોજના બધા રાજવીઓને અનુકૂળ લાગી. તેમને હતું કે સૌરાષ્ટ્રનું એક એકમ રચાય તો રાજાઓ કેન્દ્ર સરકાર પાસેથી પોતાનાં હોદ્દા, સાલિયાણાં, વિશેષાધિકારો અંગે ખાતરી મેળવી શકે.

આ યોજના અંગેનો મુસદ્દો મેનને ગાંધીજી, સરદાર પટેલ અને ઉછંગરાય ઢેબરને બતાવ્યો હતો અને એ તેમને સંતોષજનક લાગ્યો. ભાવનગર અને ધ્રાંગધ્રા પહેલાંથી જ આ એકમ માટે રાજી હતાં. અન્ય બીજાં સલામી અને બિનસલામી રાજ્યો કોઈ નિર્ણય પર આવ્યાં નહોતાં.

તેઓ જામસાહેબને પોતાના આગેવાન ગણતા હતા. જામસાહેબનું વર્ચસ્વ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં દેશભરના રાજવી પરિવારોમાં હતું. તેઓ વરિષ્ઠ હોવાને કારણે રાજવીઓમાં તેમનો દબદબો હતો.

ડૉ. એસ. વી. જાની લખે છે, “સ્વતંત્રતાની પૂર્વે સૌરાષ્ટ્રનાં નાનાં-મોટાં રાજ્યોનું એક જૂથ બનાવવા માટે ‘જામ જૂથ યોજના’ની વિચારણા કરાઈ હતી. સૌરાષ્ટ્રના આગેવાન ઢેબરભાઈએ આ યોજનાનો વિરોધ કર્યો હતો. જામ જૂથ યોજનાના વિરોધમાં રાજકોટમાં પ્રજામંડળ દ્વારા ઢેબરભાઈના નેતૃત્વ હેઠળ છેક એપ્રિલ, 1947 સુધી હસ્તલિખિત પત્રિકાઓ વહેંચીને સૂત્રો પોકારવામાં આવતાં હતાં.”

સરદાર પટેલ પણ આ પ્રકારની પ્રવૃત્તિથી નારાજ હતા.

11 મે, 1947ના રોજ જામસાહેબ દિગ્વિજયસિંહજી તથા તેમનાં પત્ની ગુલાબ કુંવરબાને સરદારે તેમના 1, ઔરંગઝેબ રોડ નિવાસ્થાને ભોજન માટે નિમંત્ર્યાં હતાં.

જાણીતા લેખક અને ‘સરદાર-મહામાનવ’ નામનું પુસ્તક લખનારા દિનકર જોષી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “જામસાહેબના ભાઈ હતા કર્નલ હિંમતસિંહજી. જેઓ બ્રિટિશ સેનામાં હતા. સરદારે તેમની મદદ લેવાનું નક્કી કર્યું. જ્યારે સરદારે જામસાહેબને સમજાવવા માટેની યુક્તિ તેમને પૂછી તો તેમણે કહ્યું કે તમે જામસાહેબને મનાવવા હોય તો તેમની પત્ની ગુલાબ કુંવરબાને સમજાવો. ઉલ્લેખ મળે છે કે ગુલાબ કુંવરબા પ્રભાવશાળી હતાં અને જામસાહેબ તેમની સલાહ માનતા. તેથી સરદારે જ્યારે આ દંપતીને ભોજન માટે આમંત્રિત કર્યું ત્યારે તક ઝડપી લીધી.”

તેમની વચ્ચે 90 મિનિટ સુધી વાતચીત થઈ. ભૂતકાળને ભૂલી જવામાં આવ્યો કારણકે 1939માં થયેલા રાજકોટ સત્યાગ્રહ વખતે રાજકોટના દીવાન દરબાર વિરાવાળાને જામસાહેબનું સમર્થન હતું.

આ ભૂતકાળ રાજકોટમાં ગાંધીએ કરેલા ‘નિષ્ફળ સત્યાગ્રહ’ સાથે સંકળાયેલો હતો.

વાત એમ હતી કે રાજકોટના ઠાકોર લાખાજીરાજનું અવસાન થયું ત્યારે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદીએ બેઠા. તેમના રાજ્યનો કારોબાર દરબાર વિરાવાળા ચલાવતા હતા અને તેમણે સામાન્ય ચીજવસ્તુઓ પર જાતજાતના કરવેરા અને વેઠવેરા લાદ્યા હતા. રાજકોટની પ્રજાએ તેમની સામે બંડ પોકાર્યું. કેટલાય સત્યાગ્રહીઓને જેલમાં ધકેલી દેવાયા હતા. 5 સપ્ટેમ્બર, 1939ના રોજ રાજકોટમાં પ્રજા પરિષદનું અધિવેશન ઉછંગરાય ઢેબરની આગેવાનીમાં મળ્યું જેમાં સરદાર પટેલ પણ હાજર રહ્યા.

આ દરમિયાન પ્રજાનો રોષ વધતો ગયો અને આખરે વિરાવાળાએ સમાધાન માટે ગાંધીજી અને સરદાર સાથે પત્રવ્યવહાર કર્યો. તમામ સત્યાગ્રહીઓને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા અને સરદાર સાથે સમાધાન થયું. પણ સમાધાન ભંગ થયું. જેને પગલે ગાંધીજી પણ રાજકોટ આવ્યા. ગાંધીજીએ ઉપવાસ કર્યા પણ છેવટે ગાંધીજીએ રાજકોટ છોડવું પડ્યું અને સ્વીકારવું પડ્યું કે તેઓ હાર્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિરાવાળાને જામસાહેબનું સમર્થન પ્રાપ્ત હતું. આ જ ભૂતકાળ સરદારના ઘરે આયોજિત ભોજન સમારંભમાં ભૂલી જવામાં આવ્યો હતો.

જામસાહેબે સરદારને પોતાના રાજ્ય મામલે વચન આપ્યું. સામે સરદારે તેમનાં માન-મરતબા અને હોદ્દા તથા સન્માનની જાળવણીની ખાતરી આપી.

જામનગરના ઇતિહાસના જાણકાર અને લેખક સતિષચંદ્ર વ્યાસ બીબીસી ગુજરાતીને જણાવે છે, “ઉછંગરાય ઢેબર મૂળ જામસાહેબના જામનગરના ગંગાજળા ગામના. તેમને એવું હતું કે ઉછંગરાય ઢેબર સત્તા પર આવશે તો તેમને ઉચાળા ભરવા પડશે. તેથી તેમણે ઢેબરભાઈ અને રસીકભાઈ પરીખનો (જેઓ બાદમાં સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી બન્યા હતા) વિરોધ કર્યો. જોકે સરદાર મક્કમ હતા અને ઢેબરભાઈ મુખ્ય મંત્રી બન્યા પણ સરદારે તેમની બંધારણ સભામાં નિયુક્તિ ટાળીને જામસાહેબનું પણ માન જાળવી લીધું.”

આ અંગે અમે જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીને પૂછ્યું કે તેમના પિતા દિગ્વિજયસિંહજીએ શરૂઆતમાં નવાનગર રાજ્યને ભારતમાં ભેળવવાનો કેમ વિરોધ કર્યો હતો? અને બાદમાં તેઓ કેવી રીતે ભારતમાં વિલીનીકરણ માટે રાજી થયા?

આ સવાલ અમે તેમના સચિવ સાથેની વાતચીત બાદ તેમના વોટ્સઍપ નંબર મારફતે મોકલ્યો હતો અને અમને તેમનો જવાબ પ્રેસનોટ મારફતે અમારા વોટ્સઍપ નંબર પર મળ્યો.

શત્રુશલ્યસિંહજીએ બીબીસી ગુજરાતીને જવાબ આપ્યો કે, “સરદાર પટેલ અને જામ સાહેબ દિગ્વિજયસિંહજી દૂરદર્શી અને બુદ્ધિશાળી હતા. જ્યારે સરદારે તેમને ભારતમાં જોડાવા કહ્યું ત્યારે દિગ્વિજયસિંહજીએ ધ્યાન દોર્યું કે બીજા અનેક નાનાં-નાનાં રાજ્યો છે અને તે મુશ્કેલભર્યું રહેશે. સરદાર પટેલે કહ્યું કે આ મુશ્કેલ કામ છે એટલે હું તેને જામ સાહેબ પર છોડું છું. જામ સાહેબે ભાવનગરના મહારાજા સાથે આ મામલે ચર્ચા કરી. કારણકે તેમના માટે આ કામ એકલા કરવું મુશ્કેલ હતું. ભાવનગરના મહારાજાએ જામ સાહેબને સાથ આપ્યો અને બંનેએ સરદારના કામને સૂપેરે પાર પાડ્યું.”

જોકે, જામસાહેબે પોતાના રાજ્યના ભારતમાં વિલીનીકરણનો કેમ વિરોધ કર્યો હતો તે વિશે તેમણે કશો ફોડ પાડ્યો નહોતો.

ઇતિહાસકાર રિઝવાન કાદરી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “અન્ય રાજ્યોને સમજાવવામાં જામસાહેબની મોટી ભૂમિકા હતી. તેમને કારણે સૌરાષ્ટ્રના રાજાઓ ભારત સાથે જોડાયા.”

કેટલાં સાલિયાણાં આપવામાં આવ્યાં?

મેનન લખે છે, “રાજાઓએ તેમના રાજ્યની આવકના 20 ટકા સાલિયાણું આપવાની માગ કરી. જોકે, સરકારે કોઈ પણ રાજાને 10 લાખથી વધુ સાલિયાણું નહીં આપવાની ફૉર્મુલા મૂકી.”

પ્રો. ડૉ. એસ. વી. જાની લખે છે, “રાજ્યની છેલ્લી ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના પ્રથમ પાંચ લાખના 15 ટકા, પછીના પાંચ લાખના 10 ટકા અને 10 લાખથી વધારાની આવકના 7.5 ટકા. પરંતુ વધુમાં વધુ વાર્ષિક દસ લાખ રૂપિયા સાલિયાણાની રકમ આપવાનું નક્કી થયું.”

અન્ય બિનસલામીવાળાં રાજ્યો માટે સૌરાષ્ટ્ર રાજ્યની ધારાસભા કે પ્રધાનમંડળને રજૂ કરાયેલા આવકના પ્રમાણપત્ર અનુસાર સાલિયાણું નક્કી કરાયું હતું.

આ સાલિયાણાં કરમુક્ત હતાં. જ્યારે રાજવી પરિવારોને સાલિયાણાં આપવાનું નક્કી થયું ત્યારે સરદાર પટેલ પર ‘મૂડીવાદી’ હોવાનો આરોપ પણ લાગ્યો. પણ સરદારનું કહેવું હતું કે આ રાજવી પરિવારોના ત્યાગ અને બલિદાન બદલ અપાતી ‘નજીવી ભેટ’ છે.

આ દરમિયાન જૂનાગઢનો પ્રશ્ન ઉપસ્થિત થયો. જૂનાગઢના નવાબ મહાબતખાને પાકિસ્તાનમાં જોડાણની જાહેરાત કરી હતી.

જૂનાગઢની બહુમતી પ્રજા હિન્દુ હતી અને એણે પાકિસ્તાનમાં સમાવેશ કરવાની જાહેરાતનો વિરોધ કર્યો. શામળદાસ ગાંધી જૂનાગઢની ‘આરઝી હકૂમત’ના સરનશીન(વડા) બન્યા હતા એટલે કે જૂનાગઢ સંલગ્ન સમાંતર સરકાર રચવામાં આવી.

આખરે નવાબે અને તેમના રાજકુટુંબે પાકિસ્તાન જતા રહેવું પડ્યું. નવેમ્બરની બીજી તારીખે આરઝી હકૂમતે નવાગઢનો કબજો લીધો અને 9 નવેમ્બરે જૂનાગઢનો કબજો લીધો.

20મી ફેબ્રુઆરી, 1948ના રોજ લોકમત લેવામાં આવ્યો જેમાં લોકોએ ભારતમાં જોડાણ થવા મતદાન કર્યું. જૂનાગઢની સાથે માણાવદર, માંગરોળ, બાંટવા, બાબરિયાવાડ અને સરદારગઢ પણ ભારતમાં વિધીવત્ જોડાયાં.

જાન્યુઆરી, 1949માં આ તમામ રાજ્યો ‘સ્ટેટ ઑફ કાઠિયાવાડ’માં જોડાયાં અને ત્યારબાદ તેનું નામ સ્ટેટ ઑફ સૌરાષ્ટ્ર આપવામાં આવ્યું. ત્યારબાદ તેને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું અને જ્યારે ગુજરાત મુંબઈથી છૂટું પડ્યું ત્યારે તે ગુજરાત રાજ્યમાં ભળી ગયું.