રજવાડાંને ભારતમાં ભેળવીને ભારત સરકારને કેટલી આવક થઈ હતી?

    • લેેખક, જૉન ઝુબ્રઝીકી
    • પદ, લેખક

પરીકથામાં વર્ણન હોય છે એવા મહેલોમાં તેઓ રહેતા હતા. તેઓ મૂલ્યવાન હીરા-માણેક સહિતની પ્રચૂર સંપત્તિ એકઠી કરતા હતા. તેમની પાસે રૉલ્સ રૉયસ કારના કાફલા રહેલા અને પોતાની ખાસ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. તેઓ રાજધાની દિલ્હીમાં બંદૂકોની સલામી સાથે પ્રવેશતા હતા. તેમની પ્રજાના જીવન તથા મૃત્યુ પર તેમનો અંકુશ હતો અને હજારો સેવકો તેમની પ્રત્યેક જરૂરિયાત સંતોષતા હતા.

1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું તેની પૂર્વ સંધ્યાએ 562 રજવાડાંનો દેશના અર્ધા હિસ્સા પર કબજો હતો અને એક-તૃતિયાંશ પ્રજા પર શાસન હતું.

બ્રિટનના સૌથી વફાદાર સહયોગી હોવાને કારણે કોઈ તેમનો વાળ વાંકો કરી શકે એમ નહોતું. સૌથી જઘન્ય અપરાધ કરે તેને ઠપકો જ આપવામાં આવતો હતો અને જૂજ કિસ્સામાં તેને ગાદી પરથી હટાવી દેવામાં આવતા હતા.

અલબત, ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના અંતે તેઓ સૌથી વધુ પરાજિત હતાં. એ ઘટનાના 75 વર્ષ પછી, કેટલાક સમૃદ્ધ અને રાજકીય રીતે સક્રિય ભૂતપૂર્વ રાજા-મહારાજાને બાદ કરતાં, એવા મોટા ભાગના લોકો સામાન્ય તથા ઐહિક જીવન જીવી રહ્યા છે.

મેં મારા નવા પુસ્તક વિશે સંશોધન કરતી વખતે જોયું તેમ, આઝાદી તરફ દોરી જતી પ્રક્ષોભકારી ઘટનાઓ તથા તેનાં પરિણામો પર ઝીણવટભરી નજર કરતાં સ્પષ્ટ થાય છે કે એ રાજા-મહારાજાઓની અવગણના કરવામાં આવી હતી અને તેમને જેમના પર સૌથી વધુ ભરોસો હતો એ સત્તાધીશોએ જ તેમના નિરાશ કર્યા હતા.

શાસકો માટે, પોતાનાં સામ્રાજ્યોને સલામત રાખવા ઉપરાંત સ્વતંત્ર તથા પ્રજાસત્તાક ભારત સાથે સહ-અસ્તિત્વ ટકાવી રાખવા ખુદને વધારે લોકતાંત્રિક બનાવવા સિવાય છૂટકો ન હતો. જોકે, બ્રિટિશ અધિકારીઓએ આવા સુધારા માટે આગ્રહ કર્યો હતો અને રાજા-મહારાજાઓને સલામતીનો ખોટો સધિયારો આપ્યો હતો.

લૉર્ડ લુઈસ માઉન્ટબેટન તારણહાર હતા?

લૉર્ડ લુઇસ માઉન્ટબેટન છેલ્લા વાઇસરૉય બન્યા ત્યારે આ રાજા-મહારાજાઓને લાગ્યું હતું કે તેમનો તારણહાર આવી ગયો છે. તેમના જેવી કુલીન વ્યક્તિ રાજા-મહારાજાઓને રાષ્ટ્રવાદીઓના શિકાર થોડો બનાવે દે!

અલબત, માઉન્ટબેટન ઉપખંડ બાબતે મર્યાદિત સમજ ધરાવતા હતા અને બાદમાં રજવાડાંનું શું થશે તેનો વિચાર બહુ મોડો કર્યો હતો. તેમણે વિરોધાભાસી સંદેશાઓ મોકલ્યા હતા.

એક તરફ તેઓ ભારપૂર્વક જણાવતા હતા કે બ્રિટન રજવાડાં સાથેની સંધિ ક્યારેય તોડશે નહીં અથવા તેમને ભારત કે પાકિસ્તાનમાં જોડાવાની ફરજ પાડશે નહીં. બીજી તરફ એ જ સમયે યુકે ખાતેની ઇન્ડિયા ઓફિસના અધિકારીઓની પાછળ રહીને રજવાડાં નવી વ્યવસ્થાને તાબે થાય એ માટે બધા પ્રયાસ કરતા હતા.

રાષ્ટ્રવાદીઓ ક્યારેય રજવાડાંના પ્રશંસકો ન હતા. ખાસ કરીને સ્વતંત્ર ભારતના પહેલા વડા પ્રધાન બનેલા જવાહરલાલ નહેરુ તેમના અસ્તિત્વને સ્વીકારી શકતા નહોતા. તેમણે એમને “ક્રાંતિવિરોધી તથા અસમર્થ અને અનિયંત્રિત આપખુદ સત્તાનો” એવો શંભુમેળો ગણાવ્યો હતો કે “જેનો ઉપયોગ કેટલીકવાર નીતિભ્રષ્ટ તથા પતિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે.”

કૉંગ્રેસના નેતા અને ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલે રજવાડાં સાથે કામ પાર પાડ્યું હતું.

તેમની પ્રતિક્રયા એટલી તીવ્ર નહોતી, પરંતુ તેઓ દૃઢપણે માનતા હતા કે, ભારતને ક્ષેત્રીય અને રાજકીય રૂપે વ્યવહારુ રાષ્ટ્ર બનાવવું હોય તો, રજવાડાંને તેનો હિસ્સો બનાવવાં જરૂરી છે. તેમાં જરા સરખી બાંધછોડ પણ કરવામાં આવશે તો તે “ભારતના હૃદયમાં ખંજર ભોંકવા” જેવું ગણાશે.

સત્તાના હસ્તાંતરણ સંબંધી બ્રિટિશ રાજ સાથેની સંધિઓ સમાપ્ત થઈ જાય પછી રજવાડાં સમક્ષ સૈદ્ધાંતિક રીતે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો અથવા પોતાને સ્વતંત્ર જાહેર કરવાનો વિકલ્પ હતો.

માઉન્ટબેટન, સરદાર પટેલ અને તેમના ડેપ્યુટી, સનદી અધિકારી તથા કુશળ વ્યૂહરચનાકાર વી.પી. મેનનની શક્તિશાળી ત્રિપુટી સામે પોતાના વિકલ્પો મર્યાદિત થતા જતા હોવાનું રજવાડાંને જણાયું હતું.

તેમને જણાવી દેવામાં આવ્યું હતું કે ભારત સાથે જોડાઈ જાઓ. સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાયની બાબતો પર તમારું નિયંત્રણ રહેશે. તમારી આંતરિક બાબતોમાં કોઈ દખલ નહીં થાય. એવું નહીં કરો તો તમારી પ્રજા જ તમને સત્તા પરથી ફેંકી દેશે અને તમારી મદદ કોઈ નહીં કરે.

ભારત સાથેની જોડાણ સંધિ પર હસ્તાક્ષર

એ પછી કોઈ વિકલ્પ બચ્યો ન હોવાથી મોટા ભાગનાં રજવાડાંએ ભારત સાથેની જોડાણસંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ખાસ કરીને જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ જેવાં કેટલાંક રજવાડાંએ તેનો વિરોધ કર્યો હતો. તેમને બંદૂકની અણીએ કબજે કરવામાં આવ્યાં હતાં. હૈદરાબાદમાં કહેવાતી પોલીસ કાર્યવાહીમાં 25,000 લોકોનો જીવ ગયો હતો.

રજવાડાંને સંધિ વખતે આપવામાં આવેલાં વચનો ટૂંક સમયમાં ફોક કરવામાં આવ્યાં હતાં. નાનાં રાજ્યોને ઓડિશા જેવા પ્રાંત કે રાજસ્થાન જેવાં નવસ્થાપિત રાજ્યોમાં ભળી જવાની ફરજ પાડવામાં આવી હતી.

ગ્વાલિયર, મૈસૂર, જોધપુર અને જયપુર જેવાં મોટાં, સુશાસિત રજવાડાંને સ્વાયત્તતાનું વચન સરદાર પટેલ તથા મેનને આપ્યું હતું, પરંતુ તેને પણ મોટાં રાજ્યોમાં ભેળવી દેવામાં આવ્યાં હતાં.

વિજેતાઓ માટે એકત્રીકરણ લાભદાયક કવાયત હતું તેમાં કોઈ શંકા નથી. ભારતે તેના વિભાજન તથા પાકિસ્તાનના સર્જનને લીધે જેટલો પ્રદેશ તથા વસ્તી ગુમાવ્યાં હતાં, એટલો જ પ્રદેશ તથા વસ્તી પ્રાપ્ત થયાં હતાં.

એ ઉપરાંત એ સમયના લગભગ રૂપિયા એક અબજ (આજના હિસાબે 84 અબજ રૂપિયા) જેટલી રોકડ તથા રોકાણ પણ મળ્યું હતું. તેના બદલામાં અડધોઅડધ ભૂતપૂર્વ શાસકોને કરમુક્ત સાલિયાણાં બાંધી દેવાંમાં આવ્યાં હતાં. આ સાલિયાણાંનું મૂલ્ય મૈસૂરના ઉદાર મહારાજા માટે પ્રતિ વર્ષ 20,000 પાઉન્ડ (આજના અંદાજે રૂ. 21 લાખ), જ્યારે કટોડિયાના વિનમ્ર તાલુકદાર માટે 40 પાઉન્ડ (આશરે રૂ. 4,200) હતું. કટોડિયાના તાલુકદાર કલાર્ક તરીકે કામ કરતા હતા અને પૈસા બચાવવા માટે સાયકલ પર જ પ્રવાસ કરતા હતા.

આ વ્યવસ્થા માત્ર બે દાયકા સુધી ચાલુ રહી હતી. રાજવી પરિવારનાં સ્ત્રી-પુરુષો રાજકારણમાં પ્રવેશ્યાં હતાં. કેટલાક નહેરુનાં પુત્રી ઇંદિરા ગાંધીના વડપણ હેઠળના કૉંગ્રેસ પક્ષ માટે ઊભા રહ્યાં હતાં, જ્યારે મોટા ભાગનાં વિરોધપક્ષ સાથે સંકળાયાં હતાં. પોતાના પિતાની માફક ઇંદિરા પણ રાજા-મહારાજાઓને ધિક્કારતાં હતાં. કૉંગ્રેસના ઉમેદવારોને હરાવવામાં એ રાજા-મહારાજાઓની ભૂમિકાથી સંસદમાં ઇંદિરાના પક્ષની બહુમતિ સંકોચાતી હતી.

પોતાની લોકપ્રિયતામાં વધારો થશે એવું ધારીને ઇંદિરા ગાંધીએ રાજા-મહારાજાઓની માન્યતા રદ કરાવવાનો પ્રયાસ આજ્ઞાંકિત રાષ્ટ્રપતિ મારફત કર્યો હતો, પરંતુ સુપ્રિમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે આવો આદેશ બહાર પાડવો તે રાષ્ટ્રપતિના સત્તાક્ષેત્રની બહાર છે.

બંધારણમાં સુધારો

1971ની ચૂંટણીમાં મળેલી બે-તૃતિયાંશ બહુમતીથી શક્તિશાળી બનેલાં ઇંદિરા ગાંધીએ રાજા-મહારાજાઓનાં પદો, તેમના વિશેષાધિકાર તથા સાલિયાણાં છીનવી લેવા માટે બંધારણમાં સુધારો કરવાનો એક ખરડો સંસદમાં સફળતાપૂર્વક રજૂ કર્યો હતો. તેઓ માનતાં હતાં કે “આપણા સમાજ સાથે કોઈ જ સુસંગતતા ન ધરાવતી” વ્યવસ્થા પર પૂર્ણવિરામ મૂકવાનો સમય આવી ગયો છે.

બહુ ઓછા ભારતીયોએ તેનો વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ દરબાર હૉલમાંથી નીકળતી વિશ્વાસધાતની ચીસો આજની દુનિયામાં ખોખલી લાગે છે.

બ્રિટનથી વિપરીત ભારતીય લોકશાહીમાં રાજાશાહીને કોઈ સ્થાન નથી. તેમ છતાં આ અંતના અર્થને તોડીમરોડીને રજૂ કરવામાં આવે છે. સમજૂતી થઈ ત્યારે રાજા-મહારાજાઓ સાથે અન્યાય થયો હતો.

(જૉન ઝુબ્રઝીકીનું પુસ્તક ‘ડીથ્રોન્ડઃ પટેલ, મેનન ઍન્ડ ઇન્ટીગ્રેશન ઑફ પ્રિન્સલી ઇન્ડિયા’ તાજેતરમાં જ પ્રકાશિત થયું છે)