જલિયાંવાલા બાગ હત્યાકાંડનો લંડનમાં બદલો લીધા પહેલાં ક્રાંતિકારી ઉધમસિંહ ત્યાં શું કરતા હતા?

    • લેેખક, જસપાલ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્થળ હતું અવિભાજિત પંજાબની રાજધાની લાહોર અને વર્ષ હતું 1933. બ્રિટિશ પોલીસ તથા ગુપ્તચર એજન્સીઓ જે વ્યક્તિને ઉદયસિંહ, શેરસિંહ અને ફ્રેન્ક બ્રાઝિલના નામે જાણતી હતી એ વ્યક્તિનું નામ પાસપોર્ટમાં હવે ઉધમસિંહ નોંધાયું હતું.

એ બનાવટી બ્રિટિશ પાસપોર્ટ પર ઉધમસિંહની સહી હતી અને તેનો નંબર 52753 હતો.

પોલીસ રેકોર્ડમાં ઉદયસિંહ નામે નોંધાયેલી વ્યક્તિ હવે ઉધમસિંહ બની ગઈ હતી. એ પાસપોર્ટ મેળવવાનો ઉધમસિંહનો હેતુ પોલીસની નજરમાંથી છટકીને ભારતની બહાર ચાલ્યા જવાનો હતો.

આ માહિતી પંજાબી યુનિવર્સિટી, પટિયાલામાં ઇતિહાસના પ્રોફેસર ડૉ. નવતેજસિંહે તેમના પુસ્તક ‘ધ લાઇફ સ્ટોરી ઑફ શહીદ ઉધમસિંહ’માં નોંધી છે. પટિયાલામાં ગવર્નમેન્ટ કીર્તિ કૉલેજમાં ઇતિહાસ વિભાગના વડા તરીકે કામ કરી ચૂકેલા પ્રોફેસર સિકંદરસિંહે પણ તેમના પુસ્તક ‘ધ સાગા ઑફ ફ્રીડમ મૂવમેન્ટ ઑન્ડ જલિયાંવાલા બાગ’માં પણ નોંધી છે.

બન્નેએ પોતપોતાના પુસ્તકોમાં બ્રિટિશ સરકારના રેકૉર્ડનો ઉલ્લેખ કર્યો છે.

આ એ જ ઉધમસિંહ હતા, જેમણે 1940ની 13 માર્ચે લંડનના કેક્સટન હૉલમાં પંજાબના ભૂતપૂર્વ લેફટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડાયરની હત્યા કરી હતી.

ડૉ. નવતેજસિંહે તેમના પુસ્તકમાં બ્રિટિશ રેકૉર્ડનો હવાલો આપીને ઉધમસિંહનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેમણે બ્રિટિશ શાસન સામે વિરોધ નોંધાવવાની બાબતને સૌથી મહત્ત્વનું કારણ જણાવ્યું છે.

ઉધમ સિંહે તેમના જીવનમાં અનેક નામ બદલ્યાં હતાં, અનેક દેશનો પ્રવાસ કર્યો હતો અને અનેક વ્યવસાય અપનાવ્યા હતા.

ઉધમસિંહે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને એ તથ્યના ઐતિહાસિક સંદર્ભમાં આ અહેવાલમાં વાત કરવામાં આવી છે. આ બાબતે અનેક દાવા કરવામાં આવે છે, પરંતુ અમે તમને એ વિશેના દસ્તાવેજી પુરાવાથી અવગત કરાવી રહ્યા છીએ.

એ ઉપરાંત આપણે ઉધમસિંહના વ્યક્તિત્વના કેટલાંક ખાસ પાસાં વિશે પણ ચર્ચા કરીશું.

ઉધમસિંહ 1934માં કોઈક સમયે બ્રિટન પહોંચ્યા હતા, એમ જણાવતાં ડૉ. નવતેજ કહે છે, "ઉધમસિંહ પહેલાં ઇટાલી પહોંચ્યા હતા. ત્યાં ત્રણ-ચાર મહિના રહ્યા હતા."

"પછી ફ્રાંસ, સ્વિત્ઝર્લેન્ડ અને ઑસ્ટ્રિયાથી પ્રવાસ કરીને 1934ના અંતે ઈંગ્લૅન્ડ પહોંચ્યા હતા. 1936 અને 1937 દરમિયાન ઉધમસિંહે રશિયા, પોલૅન્ડ અને ઍસ્ટોનિયાનો પ્રવાસ કર્યો હતો. 1937માં તેઓ ઈંગ્લૅન્ડ પાછા ફર્યા હતા."

ઉધમસિંહ વિશે ચાર પુસ્તકો અને એક નાટક લખી ચૂકેલા રાકેશ કુમારના જણાવ્યા મુજબ, ઉધમસિંહે તેમના જીવનકાળમાં લગભગ 18 દેશનો પ્રવાસ કર્યો હતો. ઉધમસિંહે ખાસ કરીને ગદર પાર્ટી સાથે સંકળાયેલા લોકો રહેતા હોય તેવા દેશોની મુલાકાત લીધી હતી.

ઉધમસિંહે ફિલ્મોમાં કામ કર્યું

પાછલાં કેટલાંક વર્ષોમાં કેટલીક મૂવી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ચર્ચિત બની છે. એ વીડિયો બાબતે દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મોમાં ઉધમ સિંહે કામ કર્યું હતું.

આ વાતની ખરાઇ માટે અમે બ્રિટન તથા ભારતમાં ઇતિહાસ અને ખાસ કરીને ઉધમસિંહ બાબતે સંશોધન કરતા લોકો સાથે વાત કરી હતી તેમજ પુસ્તકોમાંથી પણ સંદર્ભ લીધા છે. બધા સ્રોતથી મળેલી માહિતી સ્પષ્ટ કરે છે કે ઉધમસિંહે બ્રિટનમાં કેટલીક ફિલ્મમાં કામ કર્યુ હતું.

બ્રિટનના પીટર બેન્સ મહારાજા દલીપસિંહ અને પંજાબ તથા સિખોના ઇતિહાસ વિશે સંશોધન કરે છે.

પીટર કહે છે, "મેં 2004માં સિખ્સ ઇન બ્રિટન નામનું પુસ્તક લખ્યું હતું. એ વખતે મારી મુલાકાત બ્રિટનમાં રહેતા અનેક પંજાબી પરિવાર સાથે થઈ હતી."

"એ પૈકીના કેટલાક વૃદ્ધો ઉધમસિંહને મળ્યા હતા. તેમણે મને જણાવ્યું હતું કે 1930ના દાયકામાં બ્રિટનમાં રહેતા અનેક પંજાબી લોકોને ફિલ્મોમાં નાનકડી ભૂમિકા કરવાની તક મળી હતી."

પીટરના કહેવા મુજબ, "બ્રિટનમાં ખાલસા જથ્થા એક બહુ જૂનું ગુરુદ્વારા સાહિબ છે. તેનું નિર્માણ પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહની મદદ વડે કરવામાં આવ્યું હતું અને એ સમયે તેનું નામ મહારાજા ભૂપિંદરસિંહ ધર્મશાળા રાખવામાં આવ્યું હતું."

પીટર ઉમેરે છે,"એ વખતે ફિલ્મ કંપનીઓ ખાલસા જથ્થાનો સંપર્ક કરતી અને જથ્થા ફિલ્મ કંપનીઓને ભીડ તથા અન્ય પાત્રો ભજવવા માટે ભારતીયોની વ્યવસ્થા કરી આપતી હતી."

"એ પૈકીના આસા સિંહ ગ્રેવાલ અને બબ્બૂસિંહ બેંસ ઘણી ફિલ્મોમાં ચમક્યા હતા. એવી જ રીતે ઉધમસિંહે પણ કેટલીક ફિલ્મમાં કામ કર્યું હતું."

રોજર પાર્કિન્સે છેલ્લાં 40 વર્ષમાં બ્રિટિશ સૈન્ય તથા નૌકાદળના ઇતિહાસ બાબતે અનેક પુસ્તક લખ્યાં છે.

તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને ઉધમસિંહ દ્વારા માઇકલ ડ્વાયરની હત્યા વિશે પણ એક પુસ્તક લખ્યું છે.

એ પુસ્તકનું નામ ‘ધ અમૃતસર લેગસી’ છે. 1989માં પ્રકાશિત તે પુસ્તકમાં ઉધમસિંહ દ્વારા ફિલ્મોમાં કામ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ છે.

રોજર્સ લખે છે, "હંગેરિયન પત્રકાર અને ફિલ્મ નિર્માતા અલેકઝેન્ડર કોર્ડાએ ડેન્હમમાં પોતાના ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કરી હતી. 1930ના દાયકામાં તેમણે બે ફિલ્મ બનાવી હતી. તેમાં બિન-યુરોપિયન સહાયક અભિનેતાઓની જરૂર હતી."

"ઉધમસિંહે સાબૂ ધ ઍલિફન્ટ બૉય અને ધ ફોર ફેધર્સ નામની ફિલ્મમાં સહાયક કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મોમાં તેઓ ભીડમાંની એક વ્યક્તિ તરીકે જોવા મળ્યા હતા."

રોજર્સના જણાવ્યા મુજબ, ઉધમસિંહ આવી ફિલ્મોમાં કામ કરીને સારી કમાણી કરતા હશે તેવું માનવાનું કોઈ કારણ નથી.

પીટર બેંસનું કહેવું છે કે તેઓ અભિનેતા આસાસિંહ ગ્રેવાલના પુત્રને પણ મળ્યા છે. તેમણે તેમના પિતા તથા ઉધમસિંહે ફિલ્મોમાં કામ કર્યું હોવાની પુષ્ટિ કરી છે.

ડૉ. નવતેજ સિંહે પણ તેમના પુસ્તકમાં ઉધમસિંહે ડેન્હમ સ્ટુડિયો માટે ફિલ્મોમાં કામ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અજય કિશોર બ્રિટનમાં રહે છે અને તેમણે ઉધમસિંહ વિશે ઘણું સંશોધન કર્યું છે. અજય સિંહે ઉધમસિંહ સંબંધી ઘણા જૂના સમાચારના ક્લિપિંગ્ઝ સાચવી રાખ્યાં છે.

થોડા સમય પહેલાં તેમને એક બ્રિટિશ અખબારનું ક્લિપિંગ મળ્યું હતું, જેમાં ઉધમસિંહની 1938માં ધરપકડ થઈ હોવાના સમાચાર હતા.

એ ઘટનાનો ઉલ્લેખ કરતાં ડૉ. નવતેજસિંહ જણાવે છે કે ઉધમસિંહ તથા તેમના એક સાથી પર એક વ્યક્તિને ધમકાવવાનો તથા પૈસા માગવાનો આરોપ હતો. આ કેસમાં જ્યુરી વચ્ચે અસહમતીને લીધે ઉધમસિંહને છોડી મૂકવામાં આવ્યા હતા.

એ સમાચારમાં ઉધમસિંહની ઓળખ આપતાં લખવામાં આવ્યું હતું કે ઉધમસિંહે ધ ડ્રમ ફિલ્મમાં કામ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર ધ ઍલિફન્ટ બૉય ફિલ્મની કેટલીક ક્લિપ શેર કરવામાં આવી રહી છે અને તેમાં ઉધમસિંહે કામ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઉધમસિંહે ધ ઍલિફન્ટ બૉય ફિલ્મમાં કામ કર્યું હોવા બાબતે બધા ઇતિહાસકાર સહમત છે, પરંતુ ક્લિપ્સ સંબંધી દાવા વિશે તેમનો અભિપ્રાય અલગ-અલગ છે.

અજય કિશોરે પણ તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર કેટલીક ક્લિપ શેર કરી છે. તેમનો દાવો છે કે તેમણે ફિલ્મની દરેક ક્લિપની ઝીણવટપૂર્વક નિહાળી છે અને એ જ ક્લિપ્સની પસંદગી કરી છે જેમાં, તેમના દાવા મુજબ, ઉધમ સિંહ જોવા મળે છે.

ઇતિહાસકાર પ્રોફેસર ચમનલાલનું કહેવું છે કે ધ ડ્રમ ફિલ્મની ક્લિપમાં ઉધમસિંહ દેખાતા હોવાની વાતની પુષ્ટિ બર્મિંઘમના શહીદ ઉધમસિંહ વેલફેર ટ્રસ્ટે કરી છે.

રાકેશ કુમારનું કહેવું છે કે ઉધમસિંહ કયાં દૃશ્યમાં જોવા મળે છે તેની વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ.

ઉધમસિંહે અનેક નામ બદલ્યાં

ઉધમસિંહનો જન્મ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામમાં 1899ની 26 ડિસેમ્બરે થયો હતો.

તેમની જન્મતિથિ તથા વર્ષ વિશે ભિન્નમત પ્રવર્તે છે, પરંતુ મોટાભાગના ઇતિહાસકારો આ તારીખ અને વર્ષ બાબતે એકમત છે. ડૉ. નવતેજે પણ આ જ તારીખ લખી છે.

ઉધમસિંહનું પહેલું નામ શેરસિંહ હતું. તેમનાં માતાનું નામ નરૈણી અને પિતાનું નામ ચૂહડ રામ હતું.

બાળપણમાં જ માતા-પિતાનું મૃત્યુ થતાં ઉધમસિંહે અમૃતસરના ખાલસા અનાથાલયમાં રહેવું પડ્યું હતું.

તેમાં પણ તેમનું નામ શેરસિંહ નોંધવામાં આવ્યું છે અને તેની પુષ્ટિ ડૉ. નવતેજે કરી છે.

એ પછી ઉધમસિંહે પોતાનું નામ અનેક વખત બદલ્યું હતું. તેની વાત કરતાં રાકેશ કુમાર કહે છે, "તેમનું બાળપણનું નામ શેરસિંહ હતું, પરંતુ ઉધમસિંહની 1927માં અમૃતસરમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તેમના બે અન્ય નામ ઉદયસિંહ અને ફ્રેંક બ્રાઝિલ બહાર આવ્યાં હતાં."

"છૂટકારા બાદ તેઓ નવા બ્રિટિશ પાસપોર્ટ સાથે ઉદમસિંહ બની ગયા હતા."

રાકેશ કુમાર ઉમેરે છે, "એ પછીના બ્રિટીશ સરકારના રેકૉર્ડ્ઝમાં મોહનસિંહ, યુ એસ સિદ્ધુ, યુ એસ આઝાદ અને સિદ્ધુ સિંહ નામ સામેલ છે. એ સિવાય 1940માં ઓ ડ્વાયરની હત્યા બાદ ધરપકડ કરવામાં આવી ત્યારે તેમણે તેમનું નામ મોહમ્મદ સિંહ આઝાદ હોવાનું જણાવ્યું હતું."

"એ પછી તેમણે જેલમાંથી લખેલા તમામ પત્રમાં મોહમ્મદસિંહ આઝાદ નામ લખ્યું હતું કે સહી કરી હતી. તેમણે એક પત્રમાં એવું પણ લખ્યું હતું કે તેમને કોઈ અન્ય નામે સંબોધન ન કરવામાં આવે."

‘ઉધમસિંહ પર હતો ભગતસિંહનો પ્રભાવ’

પ્રોફેસર ચમન લાલ કહે છે, "ઉધમસિંહનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. તેમના પર ભગતસિંહ અને તેમની સાથે જોડાયેલા આંદોલનનો ગાઢ પ્રભાવ હતો. ઉધમસિંહ ભગતસિંહની માફક લેખક ન હતા."

"રેકૉર્ડ પરના તેમના મોટાભાગના પત્રો વ્યક્તિગત સ્તરે લખાયેલા છે. કેટલાક પત્રોમાં રાજકીય બાબતોનો ઉલ્લેખ છે. ઉઘમસિંહ દ્રઢતાથી બોલતા હતા."

"અદાલતમાં તેઓ ભગતસિંહની માફક રજૂઆત કરતા હતા. તેમણે કોર્ટમાં પોતાનો પક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કર્યો હતો."

ઉધમસિંહે અનેક વ્યવસાય અપનાવ્યા

ડૉ. નવતેજના જણાવ્યા અનુસાર, 1919-1921 વચ્ચે બ્રિટિશ સરકાર અને જનજાતિઓ વચ્ચે અફઘાનિસ્તાનની સીમા પર સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે બ્રિટિશ સૈનિકોને રેલવે મારફત દારૂગોળો અને બીજી સામગ્રી પહોંચાડવામાં આવી રહી હતી.

એ અભિયાનમાં મદદ માટે અનેક ભારતીયને મોકલવામાં આવ્યા હતા. ઉધમસિંહે 1919થી 1921 સુધી રેલવેમાં કામ કર્યું હતું અને એ માટે તેમને સેવા મેડલ પણ મળ્યો હતો.

ડૉ. નવતેજના જણાવ્યા મુજબ, "એ સિવાય ઉધમસિંહે નાઈરોબીમાં મોટર મિકેનિક તરીકે અને અમેરિકામાં ફોર્ડ કંપનીમાં મિકેનિક તરીકે કામ કર્યું હતું. ઉધમસિંહ 1934માં બ્રિટન પહોંચ્યા પછી તેમણે વિવિધ કંપનીઓમાં સુતાર તરીકે પણ કામ કર્યું હતું."

મદનલાલ ઢીંગરાની બાજુમાં દફનાવાયા

માઇકલ ઓ ડ્વાયરની હત્યા બાદ ઉધમસિંહ પર કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને મોતની સજા ફરમાવવામાં આવી હતી. ઉધમસિંહને 1940ની 31 જુલાઈની સવારે નવ વાગ્યે પેંટનવિલે જેલમાં મોતની સજા ફરમાવવામાં આવી હતી.

ઉધમસિંહની અંતિમ વિધિ કરવા દેવામાં આવી ન હતી. ડૉ. નવતેજ સરકારી રેકૉર્ડનો હવાલો આપતાં લખે છે કે તેમની કબર પર યુએસ શબ્દ અંકિત હતો અને પેંટનવિલે જેલમાં તેમને મદનલાલ ઢીંગરાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યા હતા, જેમને 1909માં ફાંસી આપવામાં આવી હતી.

એ પછી ઉધમસિંહના મૃતદેહની 1974ની 19 જુલાઈએ ભારત લાવવામાં આવ્યો હતો અને એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

તેમનાં અસ્થિ 1974ની બીજી ઑગસ્ટે એકત્રિત કરીને ચાર કળશમાં રાખવામાં આવ્યાં હતાં. એ પૈકીનો એક કળશ હરિદ્વાર, બીજો ગુરુદ્વારા કિરતપુર સાહિબ અને ત્રીજો રોઝા શરીફ મોકલવામાં આવ્યો હતો. છેલ્લા કળશને જલિયાંવાલા બાગમાં લઈ જવામાં આવ્યો હતો.