You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હજારો વર્ષો સુધી ટકી રહેલાં આ વૃક્ષોનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
- લેેખક, હેલન બ્રિગ્સ
- પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી
વૈજ્ઞાનિકોએ પ્રાચીન બાઓબાબ વૃક્ષોની ઉત્પત્તિનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે.
એક ડીએનએ અભ્યાસ મુજબ આ વૃક્ષોની ઉત્પત્તિ 2.1 કરોડ વર્ષ પહેલાં મેડાગાસ્કરમાં સૌપ્રથમ વખત થઈ હતી.
ત્યારબાદ તેનાં બીજ સમુદ્રી પ્રવાહો મારફતે ઑસ્ટ્રેલિયા અને ખંડીય આફ્રિકા સુધી પહોંચ્યાં હતાં અને તેમાંથી વિવિધ પ્રજાતિઓ વિકસિત થઈ હતી.
સંશોધકોએ આ વૃક્ષોનું સંરક્ષણ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની હાકલ કરી છે. તેમનું કહેવું છે કે આ વૃક્ષો ધારણાં હતી તેનાં કરતાં વહેલાં લુપ્ત થવાને આરે પહોંચી ગયાં છે.
બાઓબાબનાં વૃક્ષોને તેમના વિચિત્ર આકાર અને લાંબા આયુષ્ય માટે "ધ ટ્રી ઑફ લાઇફ" અથવા "ઊલટાં વૃક્ષ" તરીકે ઓળખવામાં આવે છે. જળવાયુ પરિવર્તન અને જંગલો કપાઈ જવાના કારણે આ વૃક્ષો જોખમમાં છે.
ડૉ. ઇલિયા લેઇચ લંડનના ક્યૂ સ્થિત રૉયલ બોટાનિક ગાર્ડન્સ સાથે સંકળાયેલાં છે. તેમણે પોતાના પતિ પ્રોફેસર ઍન્ડ્ર્યુ લેઇચ સાથે એક સંશોધન કર્યું છે. તેઓ ઇંગ્લૅન્ડની ક્વીન મેરી યુનિવર્સિટીમાં કાર્યરત છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "અમને બાઓબાબ્સની ઉત્પત્તિનાં મૂળને ઓળખવામાં સફળતા મળી છે. આ એક મુખ્ય અને પ્રતિષ્ઠિત પ્રજાતિનાં વૃક્ષો છે જે વિવિધ પ્રાણીઓ અને છોડની સાથેસાથે મનુષ્યોને પણ પોષે છે."
"જે ડેટા છે તેનાથી મહત્ત્વની નવી માહિતી મળી છે, જે આ વૃક્ષોના સંરક્ષણ અને તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક આધાર બની રહેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકોએ બાઓબાબની આઠ પ્રજાતિઓનો અભ્યાસ કર્યો હતો જેમાંથી છ મેડાગાસ્કરમાં જોવા મળે છે. એક પ્રજાતિ આફ્રિકામાં પ્રસરેલી છે અને બીજી ઉત્તર-પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે.
નિષ્ણાતોએ બે લુપ્તપ્રાય માલાગાસી પ્રજાતિઓ માટે વિશેષ પગલાં લેવા માટેની ભલામણ કરી છે. આમાં સૌથી વિશાળ અને સૌથી પ્રખ્યાત બાઓબાબ્સ વક્ષો 'ધ જાયન્ટ'નો પણ સમાવેશ થાય છે.
બાઓબાબ એ વિશ્વનાં સૌથી નોંધપાત્ર વૃક્ષો પૈકીનું એક છે. આ વૃક્ષ સ્થાનિક સંસ્કૃતિઓ અને પરંપરાઓ સાથે ઊંડે સુધી જોડાયેલાં છે.
માલાગાસી ભાષામાં આ વૃક્ષોને "જંગલની જનની" તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત તેને "ઊલટાં વૃક્ષ" અને "ટ્રી ઑફ લાઇફ" પણ કહેવામાં આવે છે.
આ વૃક્ષો હજારો વર્ષો સુધી જીવી શકે છે. આ વૃક્ષો બહુ મોટા કદનાં હોય છે અને સૂકી ઋતુમાં ટકી રહેવા માટે તેમના થડમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકે છે.
તેનાં ફળને સુપરફૂડ ગણવામાં આવે છે અને તેના થડનો ઉપયોગ રેસા બનાવવા માટે થાય છે, જેમાંથી દોરડાં કે કપડાં બને છે.
વૃક્ષો મોટાં સફેદ ફૂલો ઉત્પન્ન કરે છે જે સાંજના સમયે ખીલે છે. ચામાચીડિયાં આ ફૂલોના રસ માટે લાંબા અંતરની મુસાફરી કરે છે અને વૃક્ષોનાં બીજને વિવિધ જગ્યાએ લઈ જાય છે. આ વૃક્ષોમાં પક્ષીઓ માટે માળો બનાવવાની ઘણી જગ્યા હોય છે.
આ સંશોધન વુહાન બોટાનિકલ ગાર્ડન (ચીન), રોયલ બોટાનિક ગાર્ડન્સ ઑફ ક્યૂ (યુનાઇટેડ કિંગડમ) અને ઍન્ટાનાનારીવો (મેડાગાસ્કર) યુનિવર્સિટી અને ક્વીન મેરી ઑફ લંડન કૉલેજ દ્વારા કરવામાં આવ્યું હતું.