ગાંધીનગરના દહેગામમાં 'દારૂ પીવાથી બેનાં મૃત્યુ', શું છે સમગ્ર મામલો?

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામના લિહોડા ગામે કથિતપણે દેશી દારૂ પીવાને કારણે બે લોકોનાં મૃત્યુ થયાની આશંકાને પગલે સમગ્ર મામલો સમાચારોમાં છવાઈ ગયો છે.

ગુજરાતના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કથિતપણે દારૂ પીવાથી મૃત્યુ ઉપરાંત પાંચ લોકોને સારવાર અર્થે હૉસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર ગત 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે અસરગ્રસ્તોએ ‘દેશી દારૂનું સેવન’ કર્યું હતું.

હૉસ્પિટલે ખસેડાયેલા પાંચ પૈકી ‘એક દર્દીની હાલત ગંભીર’ હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ ઘટનામાં એક મૃતકના સંબંધીએ ‘સ્થાનિક પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠથી ધંધા ચાલતા હોવાનો’ આક્ષેપ કર્યો હતો.

નોંધનીય છે કે આ પહેલાં પણ ગુજરાતમાં કથિતપણે ઝેરી દારૂ, કેમિકલ અને સિરપનાં વેચાણ-સેવનને કારણે ઘણાં વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાની ઘટનાઓ બની છે.

આ ઘટનાની વાત કરીએ તો ગાંધીનગરના પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ કથિતપણે દેશી દારૂ પીધા બાદ થયેલાં મૃત્યુના સમાચારને પગલે ‘લઠ્ઠાકાંડ’ની શક્યતાને રદિયો આપ્યો હતો.

તેમણે એક પત્રકારપરિષદમાં ‘એફએસએલ રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલ’ની હાજરી ન હોવાનું જણાવ્યું. ઉપરાંત ઘટનાને અનુસંધાને ‘ચાર ગુના દાખલ કરી પાંચની ધરપકડ કરી’ હોવાની માહિતી આપી હતી.

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટના બાદ ‘લઠ્ઠા’ની આશંકા નકારી હતી.

જોકે, સામેની બાજુએ વિપક્ષ કૉંગ્રેસે આ ઘટના સામે આવ્યા બાદ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.

ગુજરાત કૉંગ્રેસે આ ઘટનાની ‘ગૃહમંત્રી અને પોલીસ વડા જવાબદારી લે’ એવી માગણી કરી હતી. સાથે જ કૉંગ્રેસે ‘રાજ્યમાં પોલીસ, બુટલેગરો અને દારૂડિયા બેફામ બન્યા’ હોવાનું કહી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.

શું છે સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર 14મી તારીખે કથિતપણે દેશી દારૂનું સેવન કર્યા બાદ કેટલાક લોકોનાં ‘મોઢાંમાંથી ફીણ નીકળ્યું હતું’, જે પૈકી બેનાં મૃત્યુ થયાં હતાં અને કેટલાક લોકોની તબિયત લથડતાં તેમને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

મૃતકના સંબંધીએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “પોલીસે આ સમસ્યા અંગે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તાલુકામાં અનેક જગ્યાએ દેશી દારૂના અડ્ડા ચાલે છે. દારૂના ધંધો ચાલવા દેવા બદલ હપ્તા ચૂકવાય છે.”

આ ઘટના બાદ રાજ્યમાં ફરી એક વાર ‘લઠ્ઠાકાંડ’ જેવી ઘટના બની હોવાનો આરોપ કરાઈ રહ્યો હતો. જોકે, આ તમામ શક્યતા અને આરોપોને પોલીસ અને ગુજરાત સરકારે નકારી કાઢી હતી.

પોલીસ અધીક્ષક રવિ તેજાએ કહ્યું હતું કે, “ફેએસએલ રિપોર્ટ જોતાં એકદમ સ્પસ્ટ છે કે આમાં મિથાઇલ આલ્કોહોલની કોઈ હાજરી નથી. બીજા પાંચ-છ લોકોને સાવચેતીના ભાગ રૂપે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, તેમની તબિયત એકદમ સારી છે અને તેમની કોઈ ફરિયાદ પણ નથી. પોલીસે આ મામલે ચાર ગુના દાખલ કર્યા છે અને પાંચ લોકોની ધરપકડ કરી છે.”

તેમણે આ ઘટના અંગે વધુ વિગત આપતાં ઉમેર્યું હતું કે, “આ લોકોએ દારૂ બુટલેગર પ્રતાપ પાસેથી ખરીદ્યો હતો. પ્રતાપ પાછલા એક મહિનાથી આ ધંધો કરે છે અને અમે તેના ઠેકાણા પર વારંવાર રેડ કરી છે.”

જોકે, ઘટનાના સમાચાર સામે આવ્યા બાદ ગુજરાતના બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે ગુજરાત સરકાર અને પોલીસતંત્ર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

તેમણે સવાલ ઉઠાવતાં કહ્યું, “રાજ્યના પાટનગર અને દેશના ગૃહમંત્રીના હોમગ્રાઉન્ડમાં જો આવી ઘટના બનતી હોય બીજા વિસ્તારોમાં કેવી હાલત હશે? વારંવાર રજૂઆત કરવા છતાં અહીં પોલીસ, બુટલેગરો અને દારૂડીયાઓ બેફામ બન્યા છે. માત્ર ભાષણ અને કાગળ પરની કાર્યવાહી કરવાથી હવે નહીં ચાલે.”

તેમણે ઘટનાની જવાબદારી નક્કી કરવાની માગ ઉઠાવતાં કહ્યું કે, “રાજ્યના ગૃહમંત્રી અને પોલીસવડાએ જવાબદારી લેવી જોઇએ, જેથી કાયદાઓનું કડક રીતે અમલીકરણ થાય અને પરિવારોને રાહત થાય.”

સામેની બાજુએ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના મામલે નિવેદન આપતાં કહ્યું હતું કે, “હું આ મામલે રાજકારણ કરવા નથી માગતો. આ સમગ્ર મામલામાં મુખ્ય મંત્રીએ કડક પગલાં લેવાનો આદેશ કર્યો છે. ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે.”

આ ઉપરાંત તેમણે કથિત ‘લઠ્ઠાકાંડ’ની વાત નકારતાં કહ્યું કે, “પ્રાથમિક તપાસમાં લઠ્ઠાનો અંશ નથી મળ્યો. આપણી જવાબદારી છે કે સામાજિક દૂષણનો સામનો આપણે સૈ ભેગા મળીને કરીએ.”

ભૂતકાળમાં થઈ ચૂક્યો છે 'લઠ્ઠાકાંડ'

રાજ્યમાં આ પહેલાં પણ ઝેરી દારૂ, કેમિકલ અને સિરપનાં સેવન-વેચાણને કારણે મૃત્યુની ઘટના બની હોવાના આરોપ લાગતા રહ્યા છે.

વર્ષ 2022માં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના પગલે 39 જેટલા લોકોનાં મૃત્યું થયાં હતાં. અગાઉ કથિતપણે ઝેરી દેશી દારૂ એટલે કે લઠ્ઠાને કારણે મૃત્યુ થયાં હોવાના આરોપ લગાવાયા હતા. જોકે, બાદમાં બોટાદ પોલીસે દાવો કર્યો હતો કે ‘ઝેરી કેમિકલ ભેળવીને નશાકારક પીણા તરીકે તેનાં વેચાણ-ઉપયોગ’ને કારણે આ ઘટનામાં લોકોના જીવ ગયા હતા.

આ પહેલાં 2009માં અમદાવાદનાં કંટોડિયાવાસના એક અડ્ડા પરથી દેશી દારૂ પીનારા માટે તે ઝેરી પુરવાર થયો હતો. જેમાં 140 કરતાં લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 200 જેટલા લોકોને અસર પહોંચી હતી. કેટલાકે તેમની દૃષ્ટિ પણ ગુમાવી હતી.

એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, જ્યારે અમિત શાહ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.

2009ના લઠ્ઠાકાંડના પીડિતોના લોહીના નમૂનાની તપાસ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મિથેનોલની હાજરીના પુરાવા મળ્યા હતા.

2009ના મહેતા પંચે મિથેનોલ જેવા કેમિકલના વેચાણ ઉપર નિયંત્રણ રાખવાની હિમાયત કરી હતી. આ રિપોર્ટને વિધાનસભામાં ટેબલ કરવા માટે પણ કેટલાક લોકોએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા. એ પછી રિપોર્ટ રજૂ થયો હતો.

શરાબીઓ દ્વારા કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે શરાબનું સેવન કરવામાં આવ્યું હતું, એટલે રાજ્ય સરકાર દ્વારા તેમને કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી ન હતી.

દેશી દારૂ ઝેર કઈ રીતે બની જાય છે?

દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે.

હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી જાણકારી સામે આવી છે કે ઑક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબા ગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.

કાચા દારૂમાં યુરિયા અને ઑક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહોલ બની જાય છે જે લોકોનાં મૃત્યુનું કારણ બને છે.

વૈજ્ઞાનિકો કહે છે કે મિથાઇલ આલ્કોહોલ શરીરમાં જતા કેમિકલ રિઍક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરના અંદરના અંગ કામ કરવાનું બંધ કરી દે છે અને તરત મૃત્યુ થઈ જાય છે.

બીબીસીએ 12 ફેબ્રુઆરી 2019ના રોજ દેશી દારૂના જીવલેણ બનવા અંગે કેમિસ્ટ્રીનાં નિષ્ણાત આભા ચૌધરીનો આ લેખ પ્રકાશિત કર્યો હતો. જે તમે અહીં વાંચી શકો છો.