શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક?

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગરમીના દિવસોમાં ઠેર ઠેર શેરડીના રસની લારીઓ લાગી જતી હોય એવાં દૃશ્યો આપણે ઘણી વાર જોયાં છે.

એવું મનાય છે કે શેરડીનો રસ એટલે કાળઝાળ ગરમીમાંથી રાહત આપતું પીણું. પરંતુ શેરડીનો રસ ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે કે તેનાથી કોઈ નુકસાન પણ થઈ શકે?

શેરડીમાં ખૂબ મોટી માત્રામાં શુગર હોય છે, તેથી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ શેરડીનો રસ અને તેનાં જેવાં અન્ય પીણાંથી આરોગ્ય પર થતી આડઅસરને ટાંકીને તેનો વધુ પડતો વપરાશ નહીં કરવાની સલાહ આપી છે.

તંદુરસ્ત આહારને પ્રોત્સાહન આપવા માટે આઈસીએમઆર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશને એપ્રિલમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

નવી માર્ગદર્શિકામાં શેરડી માટે શું લખ્યું છે?

આઈસીએમઆરની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે શેરડીનો રસ ભારતમાં ઉનાળામાં મોટા પ્રમાણમાં પીવાય છે, તેમાં ખાંડનું પ્રમાણ વધું હોય છે, તેથી તેનો વપરાશ ઓછો કરવો જોઈએ.

તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, સોફ્ટ ડ્રિંક્સ, પાણી અથવા તાજાં ફળોનો વિકલ્પ નથી અને સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ.

તેના બદલે માર્ગદર્શિકામાં છાશ, લીંબુ પાણી, આખાં ફળોનો રસ (ખાંડ ઉમેર્યા વગર) અને નાળિયેર પાણી જેવા વિકલ્પોનો ઉપયોગ સલામત ગણાવાયો છે.

આઈસીએમઆર શેરડીના રસને ઓછું પીવાની સલાહ પાછળનું કારણ આપતા કહે છે, શેરડીના 100 મિલીલિટર રસમાં 13-15 ગ્રામ શુગર હોય છે. આ પ્રમાણ ખૂબ જ વધારે છે.

એક દિવસમાં કેટલી શુગર લઈ શકાય?

આઈસીએમઆરે શુગરના સેવનની મર્યાદા પણ કહી છે. તેના મતે, દરરોજ 25 ગ્રામ ખાંડ લેવી યોગ્ય છે. તેનાથી વધુ નહીં.

આઈસીએમઆર મુજબ, જો કોઈ વ્યક્તિ એક દિવસમાં તેમના કુલ ખોરાકના 5 ટકાથી વધુ શુગર લે છે, તો તેમના આહારમાં શુગરની માત્ર 'હાઈ' કહેવાય.

તે એ પણ સૂચવે છે કે, જો શક્ય હોય તો ઉપરથી ઉમેરવામાં આવેલી શુગરને વ્યક્તિના આહારમાંથી સંપૂર્ણપણે દૂર કરવી જોઈએ, કારણ કે તે કૅલરી સિવાય અન્ય કોઈ પોષકમૂલ્ય ઉમેરતું નથી.

કૅલરી સ્વાસ્થ્ય માટે સારી ત્યારે જ હોય છે, જ્યારે તે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય.

બીબીસીએ આ વિશે ડાયાબિટોલૉજિસ્ટ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર મનોજ વિઠ્ઠલાણી સાથે વાત કરી. તેઓ કહે છે, “શુગર ડાયાબિટીસ વધારી શકે છે. છેવટે, ખાંડ શેરડીમાંથી જ બનાવવામાં આવે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓ માટે આ રસ પીવાની સલાહ નથી આપતા."

અસ્વચ્છ શેરડીના રસથી હેપેટાઇટિસ A અને E થાય છે

ઘણી વખત સરકારોએ રસ્તા પર ખરાબ રસ વેચનારને રસ બનાવવા માટેનાં મશીનો અને બરફ બનાવવા માટે વપરાતા અસ્વચ્છ પાણીના ઉપયોગને કારણે દંડ ફટકાર્યો છે.

એપ્રિલમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગે 882 કિલો ઘન ખાદ્ય પદાર્થો અને 1130 લિટર પ્રવાહી ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો, જેમાં બરફના ટુકડા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ વગેરેનો સમાવેશ થતો હતો.

બેંગલુરુમાં શેરડીનો રસ વેચનારા શૌચાલયનાં વૉશબેસિનથી મશીન ધોતા જોવા મળ્યા હતા.

ઘણી વખત શેરડીનો રસ અને અન્ય રસ વેચનાર અસ્વચ્છ મશીનો અને બરફનો ઉપયોગ કરતાં પકડાયા છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

ડૉક્ટર મનોજ જણાવે છે કે, "સ્વસ્થ લોકો શેરડીનો રસ પી શકે છે. પરંતુ અમે સલાહ આપતા હોઈએ છીએ કે આ રસ ઘરે જ બનાવી લો અને પછી પીવો. તંદુરસ્ત લોકોની શુગર અચાનક વધી તો નહીં જાય તેમ છતાં તેઓ અસ્વછતાના કારણે અન્ય રોગોનો ભોગ બને છે."

"રોગ થવાનું કારણ કે છે કે આવા રસ વેચનાર ભાગ્યે જ તેમનાં વાસણો ધોવે છે. એક જ ડોલના ગંદા પાણીમાં તેમનાં વાસણ ધોતાં રહે છે. બરફ પણ કેવા પાણીથી બનતો હોય છે, તેના વિશે કોઈ જાણકારી નથી હોતી."

ડૉક્ટર મનોજ વધુમાં કહે છે, "રસ્તા પર રસ વેચનાર પાસે અસ્વચ્છ મશીનો, બરફ, ધોયાં વગરનાં વાસણો વગેરે હોય છે અને તેથી ગ્રાહકોને ઝાડા, ટાઇફૉઇડ અને વાઇરલ હેપેટાઇટીસ A અને E થઈ શકે છે. અમે જોયું છે કે ઉનાળામાં કમળાના દર્દીઓ પણ આ કારણસર વધે છે."

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, "દૂષિત પાણી અથવા દૂષિત પાણી બનાવેલ બરફથી શેરડી અને ફળોના રસ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે."

બાંગ્લાદેશમાં 2008-2009 દરમિયાન શહેરી બાંગ્લાદેશમાં હેપેટાઇટિસ Eનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારના સમુદાયમાં માતા અને નવજાત મૃત્યુદરમાં વધારો થયો હતો.

હેપેટાઇટિસ Eથી કમળો થઈ શકે છે જે માતાઓનાં મૃત્યુ પાછળનું કારણ હતું. બાંગ્લાદેશનાં મોટા પ્રમાણમાં થયેલાં મૃત્યુ પાછળનું કારણ અસ્વચ્છ પાણી હતું.

આઈસીએમઆરે પણ તેમની માર્ગદર્શિકામાં આરોગ્યપ્રદ ખોરાક લેવાને મહત્ત્વ આપ્યું છે.

અન્ય કયાં પીણાં પણ સ્વાસ્થ્યપ્રદ નથી?

અન્ય પીણાં વિશે વાત કરીએ જે શુગર વધારી શકે છે તે છે સોફ્ટ ડ્રિંક્સ. સોફ્ટ ડ્રિંક્સ એ કાર્બોનેટેડ અથવા નોન-કાર્બોનેટેડ પીણાં છે.

કાર્બોનેટેડ પીણાં એ પીણાં છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ભેળવવામાં આવે છે. તેનાથી પીણાંમાં પરપોટા થાય છે.

આ પીણાંમાં ખાંડ અથવા કૃત્રિમ ગળપણ, ખાદ્ય ઍસિડ્સ (મેલિક ઍસિડ, સાઇટ્રિક ઍસિડ અથવા વિનેગર, વગેરે) ઉમેરવામાં આવે છે. તેમાં અમુક વાર કૃત્રિમ સ્વાદ માટે ફળનો રસ પણ ઉમેરવામાં આવે છે.

કાર્બોનેટેડ પીણાંમાં ફોસ્ફોરિક ઍસિડ હોય છે અને તે દાંતનાં પેઢાંને નુકસાન પહોંચાડી શકે છે, અને જો વધુ પડતી માત્રામાં તે લેવામાં આવે તો ભૂખ લાગવી પણ ઘટી જાય છે.

સોફ્ટ ડ્રિંક્સ અથવા વ્યાયસાયિક રીતે ઉપલબ્ધ ફળોના રસના સેવનથી વ્યક્તિમાં શુગરનું પ્રમાણ વધે છે અને તેથી તેમનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ફળોનાં તાજા રસ (ખાંડ ઉમેર્યા વિના) વિટામિન્સ (જેમકે બિટા-કેરોટિન અને વિટામિન સી) અને ખનિજો (પોટેશિયમ, કૅલ્શિયમ, વગેરે) પ્રદાન કરે છે.

જોકે, તેને આખાં તાજાં ફળો સાથે સરખાવી શકાય નહીં, કેમકે તે વિટામિન્સ અને ખનિજો ઉપરાંત ફાઇબર પ્રદાન કરે છે અને તેથી ફળોના તાજાં રસ કરતાં તાજાં ફળોને પ્રાધાન્ય આપવું જોઈએ.

તેમ છતાં આખાં ફળોનો રસ પણ પુખ્ત વયના લોકોએ ક્યારેક-ક્યારેક જ પીવો જોઈએ અને તે પણ 100થી 150 ગ્રામ જેટલો જ પી શકાય.

ચા અને કોફી પીવી જોઈએ?

આ માર્ગદર્શિકામાં એ પણ જણાવાયું છે કે, ચા અને કૉફીમાં કૅફીન હોય છે. કૅફીન સૅન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને શારીરિક નિર્ભરતા પેદા કરે છે.

150 મિલીલિટરને ઉકાળીને બનાવેલી કૉફીમાં 80-120 મિલીગ્રામ કૅફીન હોય છે, તેટલી માત્રાની જ ઇન્સ્ટન્ટ કૉફીમાં 50-65 મિલીગ્રામ કૅફીન હોય છે અને ચામાં 30-35 મિલીગ્રામ કૅફીન હોય છે.

તેથી, આઈસીએમઆર સલાહ આપે છે કે ચા અને કૉફી માર્યાદિત માત્રામાં પીવાં જોઈએ. એક દિવસમાં કૅફીનનું સેવન 300 મિલીગ્રામથી વધવું જોઈએ નહીં.

આ જ માર્ગદર્શિકા મુજબ, ચા અને કૉફીમાં ટેનિન હોય છે, જે આયર્નને શરીરમાં શોષાતું રોકે છે, તેથી જમવાના એક કલાક પહેલાં ચા અને કૉફી પીવાનું ટાળવું જોઈએ.

કેવાં પીણાં પી શકાય?

ગ્રીન અને બ્લૅક ચા અને કૉફીમાં થિયોબ્રોમિન અને થિયોફિલિન હોય છે જે ધમનીઓને રાહત આપવા અને ત્યાંથી થતાં રક્ત પરિભ્રમણને સક્રિય બનાવવા માટે જાણીતા છે.

તેમાં ફ્લેવોનોઈડ્સ અને અન્ય ઍન્ટિ-ઓકિસડન્ટ પણ હોય છે જે હૃદયરોગ અને પેટના કૅન્સરનું જોખમ ઘટાડી શકે છે.

જો ચામાં દૂધ ઉમેરવામાં ન આવે અને તેને પ્રમાણસર લેવામાં આવે તો આ ફાયદા શ્રેષ્ઠ રીતે મેળવી શકાય છે.

તેથી ગ્રીન અને બ્લૅક ચા અને કૉફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આઈસીએમઆરની 17 માર્ગદર્શિકા કઈ છે?

આઈસીએમઆર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા સામાન્ય વસ્તીના જાણકારી અને તેમના લાભ માટે અને પોષણશાસ્ત્રીઓ, આહારશાસ્ત્રીઓની પ્રૅક્ટિસ કરવા માટે બનાવવામાં આવી છે. આ માર્ગદર્શિકાના 17 મુદ્દા નીચે મુજબ છે:

  • સંતુલિત આહાર સુનિશ્ચિત કરવા માટે વિવિધ પ્રકારના ખોરાક લો.
  • ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન વધુ ખોરાક અને આરોગ્ય સંભાળની ખાતરી કરો.
  • પ્રથમ છ મહિના માટે સ્તનપાન સુનિશ્ચિત કરો અને બે વર્ષ અને તેનાથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખો.
  • છ મહિનાની ઉંમર પછી તરત જ બાળકને ઘરે બનાવેલો પૂરક ખોરાક આપવાનું શરૂ કરો.
  • બાળકો અને કિશોરોને આરોગ્ય અને માંદગી બંને સમયે પર્યાપ્ત અને યોગ્ય આહાર મળી રહે તેની ખાતરી કરો.
  • પુષ્કળ શાકભાજી અને કઠોળ ખાઓ.
  • તેલ/ફૅટનો ઉપયોગ મધ્યમ માત્રામાં કરો, ફૅટ અને આવશ્યક ફૅટી ઍસિડની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ પ્રકારનાં તેલનાં બીજ, બદામ, પોષક અનાજ અને કઠોળ ખાઓ.
  • ખોરાકમાં પ્રોટીન અને ઍમિનો ઍસિડ લો અને પ્રોટીન પાવડર લેવાનું ટાળો.
  • સ્થૂળતાને રોકવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવો જેથી પેટ ના વધે અને વજન પ્રમાણમાં રહે.
  • સારું સ્વાસ્થ્ય જાળવવા માટે શારીરિક રીતે સક્રિય રહો અને નિયમિત કસરત કરો.
  • મીઠું ખાવાનું ટાળો.
  • સ્વચ્છ અને સાફ ખોરાક લો.
  • રસોઈ કરતી વખતે ખાવાનું વ્યવસ્થિત પકાવો.
  • પાણી ખૂબ પીવો.
  • ફૅટ, ખાંડ, મીઠું અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ ઓછો કરો.
  • વૃદ્ધોના આહાર પોષક તત્ત્વોથી ભરપૂર રાખો.
  • ખોરાકની પસંદગી કરતાં પહેલા ફૂડ લેબલ્સ પરની માહિતી વાંચો અને માહિતગાર રહો.