દૂધવાળી ચા કે કૉફી પીવી જોઈએ કે નહીં? શરીર માટે શું જરૂરી?

    • લેેખક, બીબીસી તમિલ
    • પદ, .

જો આપણા ઘરે મહેમાન આવે તો આપણે પૂછીએ કે ચા લેશો કે કૉફી. ચા કે કૉફી એક એવું પીણું છે, જેને ટેવ હોય એને એના વિના ચાલે નહીં.

સવારે ચા, નાસ્તા પછી ચા, બપોરના ભોજન પછી ચા, સાંજે ચા અને રાત્રે પણ ચા. કેટલાક લોકો માટે આ એક ક્રમ બની ગયો હોય છે. આમ, ચા એ એક આદત છે જે ઘણા લોકો માટે જીવનનો ભાગ બની ગઈ છે.

પરંતુ રસિયાઓએ એ જાણવું જરૂરી કે શું ચા અને કૉફીમાં દૂધ નાખીને પીવાં જોઈએ?

શું ભોજન પહેલાં કે પછી પીણાં લેવાં જોઈએ?

ચા સ્વાસ્થ્ય માટે કેટલી સારી છે? ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા તેની વિગતવાર યાદી આપે છે.

આઇસીએમઆરના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનનાં ડિરેક્ટર ડૉક્ટર હેમલતા, ડૉક્ટર ઉદયકુમાર, સભ્ય સચિવ અને ડૉક્ટર સુબ્બારાવ એમ કાવરાવરપ્પુ, ડૉક્ટર કેવી, રાધાકૃષ્ણ, ડૉક્ટર અહમદ ઇબ્રાહીમ સહિત 13 વૈજ્ઞાનિકોની બનેલી સમિતિએ આ માર્ગદર્શિકા તૈયાર કરી છે.

આ માર્ગદર્શિકા બનાવનારી સમિતિમાં સામેલ એક વૈજ્ઞાનિક કહે છે કે આ માર્ગદર્શિકા ચા અને કૉફી પીવાના ફાયદા અને જો વધુ પીવામાં આવે તો તેનાં પરિણામો વિશે સલાહ આપે છે.

ચા અને કૉફીનું સેવન કેવી રીતે કરવું જોઈએ અને તેના ફાયદા શું છે તે વિશે વધુ જાણવા માટે બીબીસી તમિલે આઈસીએમઆરની માર્ગદર્શિકા સમિતિના એક વૈજ્ઞાનિક સાથે વાત કરી.

ભોજન પહેલાં કે પછી ચા-કૉફી કેમ ન પીવાં જોઈએ?

બીબીસી તમિલ સાથે વાત કરતા આ ટીમના એક વૈજ્ઞાનિક કહે છે કે, “ચા અને કૉફી બંનેમાં ટેનીન નામનું કેમિકલ હોય છે. તેથી, આઇસીએમઆરની ભારતીય આહાર માર્ગદર્શિકાનો અહેવાલ જણાવે છે કે, ટેનીન રાસાયણ ખોરાકમાંથી આયર્ન જેવાં સૂક્ષ્મ પોષકતત્ત્વોની શરીરમાં શોષવાની ક્ષમતાને ઓછી કરે છે.”

ઉપરાંત, ચા-કૉફી ખાલી પેટે પી શકાય કે નહીં. આ સવાલ પર તેઓ કહે છે કે, લાંબા સમયથી ચા-કૉફી પીતાં લોકોમાં તેનાથી કોઈ જોખમી અસર થતી નથી. પરંતુ જ્યારે આપણે જમવાના એક કલાક પહેલાં અથવા જમ્યાના એક કલાક સુધી ચા કે કૉફી પીતા હોઈએ તો જે ખોરાકમાંથી આપણને જે સૂક્ષ્મ પોષકતત્ત્વો મળે છે તે શરીરને મળતા નથી.

સરળ શબ્દોમાં કહીએ તો, “જો તમે પોષકતત્ત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થનું સેવન કર્યા પછી તરત જ ચા કે કૉફી પીતા હોવ તો તે ખાદ્યપદાર્થનો કોઈ ફાયદો થતો નથી, કારણ કે ચા અને કૉફીમાં રહેલું ટેનીન નામનું રસાયણ શરીરને પોષકતત્ત્વો મળતા અટકાવે છે.”

ચા-કૉફીમાં દૂધ ઉમેરવાથી શું થાય છે?

આઇસીએમઆરની માર્ગદર્શિકા અનુસાર, બ્લૅક ટી, ગ્રીન ટી, જે પણ હોય, તેમાં થિયોબ્રોમીન, થિયોફિલીન, તેમજ કૅફીન જેવાં રસાયણો હોય છે. આ રસાયણો શરીરની રક્તવાહિનીઓને આરામ આપે છે અને રક્તપ્રવાહને નિયંત્રિત કરે છે.

વધુમાં આઇસીએમઆર રિપોર્ટ ભારપૂર્વક જણાવે છે કે "ચામાં રહેલું ફ્લેવોનોઇડ્સ અને અન્ય એન્ટીઑક્સિડન્ટ પોલિફેનોલ્સ હૃદયરોગ અને પેટના કૅન્સરનું જોખમ ઘટાડી શકે છે."

પરંતુ તે માટે ચા પીતી વખતે તેમાં બીજું કશું ન નાખવું જોઈએ.

આઇસીએમઆર રિપોર્ટ અનુસાર, એટલે કે ચામાં દૂધ ન ઉમેરવું જોઈએ. ઉપરાંત ચા માત્ર થોડી માત્રામાં જ પીવી જોઈએ. જો આમ કરવામાં આવે તો તેના લાભો મળી શકે છે.

જ્યારે અમે આઇસીએમઆર માર્ગદર્શિકા સમિતિનાં આ વૈજ્ઞાનિકને પૂછ્યું કે દૂધને ખૂબ જ જરૂરી પોષક આહાર માનવામાં આવે છે, તો ચા-કૉફીમાં કેમ ન નાખવું જોઈએ? તેઓ કહે છે, "દૂધ ચોક્કસપણે એવી વસ્તુ છે જેનો આપણા આહારમાં સમાવેશ થવો જોઈએ. જ્યારે તેને ચા સાથે ભેળવવામાં આવે છે, તો ચાના ફાયદા ઓછા થઈ જાય છે."

"એટલે કે એકલું દૂધ પીવામાં કોઈ સમસ્યા નથી. પણ તે ચામાં ઉમેરવામાં આવે છે તો ચાની માત્રા વધી જાય છે. તેથી, ચાના લાભો સંપૂર્ણ રીતે લઈ શકાતા નથી."

તેઓ કહે છે કે દૂધ વગરની બ્લૅક ટી કે ગ્રીન ટી પીવી વધુ સારી છે. દરરોજ કોઈ પણ પ્રકારનું દૂધ અથવા દૂધની બનાવટો 300 મિલીલિટરથી વધુ ન લેવી જોઈએ."

દિવસમાં કેટલી માત્રામાં ચા અને કૉફી પી શકાય?

આ માર્ગદર્શિકા અનુસાર, એક વ્યક્તિએ સરેરાશ દરરોજ 300 મિલીગ્રામથી વધુ કૅફીનનું સેવન ન કરવું જોઈએ.

આઇસીએમઆર મુજબ, વ્યક્તિ દ્વારા પીવાતી એક કપ (150 મિલી) ચામાં 30-65 મિલીગ્રામ કૅફીન હોય છે અને કૉફીના કપમાં 80-120 મિલીગ્રામ કૅફીન.

ઇન્સ્ટન્ટ કૉફીમાં કૅફીનનું પ્રમાણ 50-65 મિલીગ્રામ હોય છે.

આનો મતલબ એ કે જો દક્ષિણ ભારતની ફિલ્ટર કૉફી પીવામાં આવે તો તે દિવસમાં બે કપ પી શકાય અને જો તમે ઇન્સ્ટન્ટ કૉફી પી રહ્યા હો તો તમે ત્રણ કે સાડા ત્રણ કપ પી શકો છો.

આપણે એ પણ સમજવાની જરૂર છે કે, “કૅફીન માત્ર કૉફી અને ચામાં નથી હોતું, સોફ્ટ ડ્રિન્કસમાં પણ કૅફિન હોય છે.”

તેથી દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કૅફીનના સેવન નિયંત્રણ રાખવું જોઈએ.

જો તમે વધુ પડતી ચા-કૉફી પીઓ તો શું થાય?

આઇસીએમઆર રિપોર્ટમાં એવી ચેતવણી પણ અપાઈ છે કે વધુ પડતી કૉફી પીવાથી હાઈ બ્લડપ્રેશર અને હૃદયની ગતિ અસાધારણ થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ કૉફી પીવે છે તેમને ખરાબ કૉલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગની સમસ્યા થવાની સંભાવના ઘણી વધારે છે.

તેવી જ રીતે, વધારે માત્રામાં ચા પીવી પણ હાનિકારક છે, કારણ કે તેમાં કૅફીન હોય છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે કૉફીનું નિયમિત સેવન વ્યક્તિ તેના પર સંપૂર્ણ નિર્ભર થઈ જાય છે.

આ અંગે વાત કરતાં આઇસીએમઆર માર્ગદર્શિકાના વૈજ્ઞાનિકે કહ્યું, “કૉફી પીવાથી ધીરે ધીરે વ્યક્તિ તેના પર નિર્ભર થવા લાગે છે. વધુ પડતી કૉફી પીવાથી અન્ય સમસ્યા થવાની સંભાવનાઓ છે.”

"ઉદાહરણ તરીકે, કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકો વધુ કૉફી પીવે છે તેમને હાઈ કૉલેસ્ટ્રોલ અને હૃદયરોગ થવાની શક્યતા વધુ હોય છે."

આ વૈજ્ઞાનિક ભારપૂર્વક કહે છે કે, "આમ તો એવું ચોક્કસ ન કહી શકાય કે જો તમે વધુ માત્રામાં કૉફી પીશો તો આ સમસ્યાઓ થશે. જોકે, જેમને આ સમસ્યાઓ છે તેમાં કૉફી પીનારાઓની સંખ્યા ઘણી છે, તેથી સાવચેત રહેવું વધુ સારું."