આકાશમાંથી માછલીઓનો વરસાદ કેમ થાય છે?

છઠ્ઠી મેના રોજ ઈરાનના યસૂજ વિસ્તારમાં 'માછલીઓનો વરસાદ' થયો ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. માછલીઓના વરસાદના વીડિયો ઝડપથી વાઇરલ થયા હતા.

વીડિયોમાં લોકો આકાશમાંથી પડતી માછલીઓને પકડતા પણ જોવા મળ્યા હતા.

મજાની વાત એ હતી કે જે વિસ્તારમાં માછલીઓનો વરસાદ થયો એ દરિયાકાંઠાથી 280 કિલોમીટર દૂર હતું.

દુનિયામાં એવી ઘણી અજાયબીઓ છે જે આપણી સમજની બહાર હોય છે. જેમાં માછલીનો વરસાદ પણ સામેલ છે.

વિશ્વમાં ચોમાસા દરમિયાન કેટલીક જગ્યાએ માછલીઓનો વરસાદ થવાની ઘટનાઓ નોંધાય છે. આ પ્રકારના વરસાદમાં ક્યારેક મોટા આકારની માછલીઓ પર આકાશમાંથી વરસતી હોય છે જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાતું હોય છે. જોકે, તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

કેમ થાય છે માછલીઓનો વરસાદ?

ચક્રવાત એ માછલીઓનો વરસાદ પાછળનું મુખ્ય કારણ હોય છે. જ્યારે ચક્રવાતમાં ગરમ અને સૂકી હવા આકાશ તરફ જાય છે ત્યારે ઠંડી અને ભેજવાળી હવા જમીનમાં આવે છે. બંને હવા જ્યારે પરસ્પર મળે છે ત્યારે તેના કારણે એક ટનલ બની જાય છે.

આ ચક્રવાત જ્યારે પાણીની નજીક પહોંચે છે ત્યારે સપાટીની નજીક હોય જે કંઈ પણ હોય તેને ખેંચીને વાદળો સુધી લઈ જાય છે. આ પ્રક્રિયામાં માછલી, દેડકાં અને બીજા જીવો પણ હોઈ શકે છે. જો આ વૉટર સ્પ્રાઉટ તાકાતવર હોય તો મોટી માછલીઓને પણ ખેંચીને વાદળ સુધી લઈ જાય છે.

ચક્રવાતની ઝડપ અને તીવ્રતાના આધારે વાદળો કિલોમીટર સુધી પ્રવાસ કરી શકે છે અને જ્યાં માછલીઓનો વરસાદ થયો હોય તે કાંઠા વિસ્તારથી ઘણું દૂર હોઈ શકે છે.

જેવી ચક્રવાતની ઝડપ અને તીવ્રતા ઓછી થાય કે આ વાદળ વરસી પડે છે અથવા તો ફાટે ત્યારે માછલીઓ અને અન્ય જીવો જમીનમાં પડે છે. આને જોઈને લાગે છે કે માછલીઓનો વરસાદ થઈ રહ્યો છે.

નિષ્ણાતોના મતે આ પ્રકારના વરસાદમાં મોટા ભાગની માછલીઓ તાજા પાણીની હોય છે અને સપાટી પર મળતી નાના કદની હોય છે.

રિપોર્ટ અનુસાર દેડકાં અને કોલાસનો પણ વરસાદ થયો હોય તેવી ઘટના ઇતિહાસમાં નોંધાઈ છે. પ્રથમ સદીમાં અંગ્રેજ લેખક પ્લીની ધ ઍલ્ડરે દેડકાં અને માછલીઓનો વરસાદ વિશે નોંધ કરી છે.

1794માં ફ્રેન્ચ સૈનિકોએ ફ્રાન્સનાં શહેર લિલી નજીક ભારે વરસાદ દરમિયાન આકાશમાંથી દેડકાં પડતા હોવાની વાત કરી હતી.

1861માં સિંગાપુરમાં માછલીઓના વરસાદની ઘટના નોંધાઈ હોવાનો દાવો કરવામાં આવે છે.

કેરળ નજીકના કંદનાસેરી ગામના રહેવાસીઓ ફેબ્રુઆરી 2008માં આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે અચાનક ધોધમાર વરસાદના અંત તરફ નાની માછલીઓ વરસાદમાં પડવા લાગી હતી.

વિશ્વમાં ક્યાં ક્યાં થયો છે આવો વરસાદ?

ફેબ્રુઆરી 2023માં ઑસ્ટ્રેલિયાના આંતરિયાળ વિસ્તાર ગણાતા લાજામાઉ ગામમાં વાવાઝોડા બાદ માછલીઓનો વરસાદ થયો હતો.

મહત્ત્વની વાત એ છે કે જ્યાં માછલીઓનો વરસાદ થયો એ રેતાળ વિસ્તાર છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પહેલાં માત્ર વરસાદ થશે એવી વાત હતી પરંતુ માછલીઓનો વરસાદ થશે એવી કોઈને કલ્પના નહોતી. આ વિસ્તારમાં વર્ષ 1974, 2004 અને 2010માં પણ પ્રકારનો વરસાદ થયો હોવાનું ચોપડે નોંધાયું છે.

ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડના યોવાહ નગરમાં વર્ષ 2020માં માછલીનો વરસાદ નોંધાયો હતો. ઍસ્થર વાવાઝોડાના કારણે આ વિસ્તારમાં વરસાદ થયો હતો જેમાં માછલીઓ આકાશમાંથી પડી હતી.

સ્થાનિકો પ્રમાણે મોટા પ્રમાણમાં માછલી જીવતી અને મૃત અવસ્થામાં મળી આવી હતી. કેટલીક માછલીઓ 70 મિલીમીટર જેટલી લાંબી હતી.

જાન્યુઆરી 2022માં અમેરિકાના ટેક્સાસ પ્રાંતના ટૅક્સરકાના શહેરમાં માછલીઓનો વરસાદ થયો હતો.

આ પ્રકારનો વરસાદ સમગ્ર વિસ્તારમાં થતા લોકોમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. સોશિયલ મીડિયામાં માછલીઓના વરસાદના વિવિધ વીડિયો વાઇરલ થયા હતા.

વર્ષ 2014માં શ્રીલંકામાં પણ આકાશમાંથી માછલીઓ પડવાની ઘટના બની હતી. શ્રીલંકાના ચીલાવ જિલ્લાના ગામમાં માછલીઓનો વરસાદ થતાં લોકો માછલી ભેગી કરવા લાગ્યા હતા.

બીબીસીના રિપોર્ટ અનુસાર 50 કિલોગ્રામ માછલીનો વરસાદ થયો હતો. અત્રે નોંધનીય છે કે વર્ષ 2012માં શ્રીલંકામાં ઝીંગા માછલીનો વરસાદ થયો હતો.

યુકેના નાઇટન ગામમાં પણ વર્ષ 2004માં આવી જ ઘટના સામે આવી હતી. જે તે વખતે આ ઘટનાએ સમગ્ર યુકેમાં ચર્ચા જગાવી હતી. લોકોએ તે વખતે આને આપ્રકૃતિક ઘટના ગણાવી હતી.

ગુજરાતમાં પણ માછલીના વરસાદની ઘટના થયો હોવાના અહેવાલ છે. વર્ષ 2009માં જૂનાગઢ અને ત્યાર બાદ જામનગરમાં લોકોએ દાવો કર્યો હતો કે તેમના વિસ્તારમાં આ પ્રકારનો વરસાદ થયો છે. સૌથી પહેલા ભાણવડ અને ત્યાર બાદ વંથલી તાલુકાના બણટિયા ગામમાં આ પ્રકારનો વરસાદ થયાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.

જોકે, વહીવટીતંત્રે આ સમગ્ર વાતને ફગાવી દીધી હતી.

હોન્ડુરસનો વિસ્તાર જ્યાં વર્ષોથી માછલીઓનો વરસાદ થાય છે

વિશ્વમાં માછલીનો વરસાદ એક દુર્લભ પ્રાકૃતિક ઘટના ગણાય છે ત્યારે દક્ષિણ અમેરિકાનો એક દેશ છે જ્યાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માછલીનો વરસાદ થાય છે.

આ દેશ છે હોન્ડુરાસ, જેના યોરો વિસ્તારમાં કેટલાંક વર્ષોથી એક જ જગ્યાએ માછલીનો વરસાદ થાય છે. આ વિસ્તાર ઉત્તર-મધ્ય હોન્ડુરાસમાં આવેલો છે અને અહીંની પ્રજા (જેને 'લા યુનિયન' કહેવાય છે) મોટા ભાગે ખેતી પર નભે છે.

સમગ્ર વર્ષ દરમિયાન માત્ર મક્કાઈ અને જાડાં ધાન્ય પર નભતા આ વિસ્તારના લોકોને મે મહિનાથી લઈને ઑગસ્ટ સુધી પુષ્કળ માછલી મળે છે અને તેની પાછળનું કારણ છે માછલીઓનો વરસાદ!

સ્થાનિક લોકો પ્રમાણે વર્ષ દરમિયાન એકથી બે વખત માછલીઓનો વરસાદ થાય છે અને એટલા પ્રમાણમાં થાય છે લોકો દિવસો સુધી માછલીઓ ખાતાં હોય છે.

મજાની વાત એ છે કે વરસાદ પડે ત્યારે જે પૂર આવે છે તેમાં પણ માછલીઓ તણાઈ આવતી હોય છે. પૂરના પાણી ઓસરી જાય ત્યારે માછલીઓ જમીનમાં રહી જાય છે.

સ્થાનિક લોકો પ્રમાણે નાના કદની ભૂરા રંગની માછલીઓ વરસાદમાંથી મળી આવે છે. લોકો માછલીઓ ભેગી કરે છે અને એકબીજાને વહેંચે પણ છે.

એક બાજુ વિસ્તારના લોકો માછલીના વરસાદને 'ભગવાનના આર્શીવાદ' ગણે છે ત્યારે વિજ્ઞાન પાસે તેનો જવાબ પણ છે.

એક થિયરી પ્રમાણે ઍટલાન્ટિક સાગરમાં વાવાઝોડું સર્જાય છે, જેના કારણે યોરોમાં માછલીઓનો વરસાદ થાય છે. પરંતુ દર વર્ષે એક જ વિસ્તારમાં અને તે પણ દરિયાકાંઠાથી 45 માઈલ દૂર આ પ્રકારનું વરસાદ કેમ થાય છે તે બાબતે કોઈ સ્પષ્ટ જવાબ નથી.