ચોમાસામાં વાવણી માટે બિયારણ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બિયારણ એ કૃષિની મૂળભૂત સામગ્રી છે અને તેના પર જ સારો કે ખરાબ પાક નિર્ભર કરે છે. પાક પહેલાં કેવું બિયારણ વાપરવું એના પર ખેડૂતે ખાસ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

'ભારતીય કૃષિ સંશોધન પરિષદ' દ્વારા એવો અંદાજ છે કે સુધારેલી જાતોનાં સારી ગુણવત્તાવાળાં બીજ પાકમાં લગભગ 20-25% વધારો કરી શકે છે.

બિયારણ ખરીદતી વખતે કે ઘરનું બિયારણ વાપરતી વખતે ખેડૂતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી વધારે ઉત્પાદન મળે એ અંગે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ડૉક્ટર પી.જે. પટેલ 'સરદાર કૃષિનગર દાંતિવાડા ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી'ના મહેસાણા જિલ્લામાં જગુદણ ખતે આવેલા 'બીજ મસાલા સંશોધન સ્ટેશન'માં વૈજ્ઞાનિક છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. પી.જે. પટેલ કહે છે, "અમુક પાકોમાં ઘરનું બિયારણ કે સુધારેલ બિયારણ(સંકર જાતો)નો વપરાશ થાય છે જયારે બીજા પાકોમાં હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ થાય છે."

"જે પાકમાં હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરવામાં આવતો હોય એ પાક માટે દર વર્ષે નવું બિયારણ ખરીદવું પડે."

તેઓ જણાવે છે કે, "ઘઉં, જીરું, રાયડો, મગ, કઠોળ પાક, વગેરેમાં સાદાં બિયારણનો ઉપયોગ થાય છે. તેથી ખેડૂતો ગયા વર્ષના બીજને સંવર્ધન કરે છે અને સારા બીજને ત્રણ-ચાર વર્ષ સુધી વાપરી શકે છે."

"દિવેલાં, કપાસ, મગફળી, બાજરી, મકાઈ, ભીંડા, ગુવાર, શાકભાજી માટે હાઇબ્રિડ બિયારણ વાપરવામાં આવતું હોય છે."

ઘરનું બિયારણ વાપરતા પહેલાં શું ધ્યાનમાં રાખવું?

આ જ કૃષિ વિશ્વવિદ્યાલયના બીજ ટેકનૉલૉજી વિભાગના સહ-સહયોગી વૈજ્ઞાનિક દેવેન્દ્ર પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે,"ખેડૂતો સામાન્ય રીતે પરંપરાગત બિયારણ પર આધાર રાખે છે અને પરંપરાગત બીજમાં વધુ જૈવિક સંયોજનો હોય છે. જે વધુ સારું ઉત્પાદન આપે છે. બસ, મહત્ત્વનું એ છે કે એ બિયારણમાંથી અગાઉના વર્ષે તંદુરસ્ત પાક મળ્યો હોવો જોઈએ. જો એ પાકને ચરમી જેવા રોગોની અસર થઈ હોય તો તેવાં બીજ ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ નહીં."

"ખેડૂતે ઉપલબ્ધ બિયારણમાંથી શ્રેષ્ઠ ગુણવત્તાનું બિયારણ શોધવું જોઈએ અને 150-200 ઉત્તમ બિયારણ કાઢીને તે વાપરવાં જોઈએ. જોકે વિવિધ પાકો માટે વિવિધ માપદંડો હોય છે. દરેક પાક માટે એક ચોક્કસ આકાર, કદ અને વજનનાં બીજ સારું ઉત્પાદન આપી શકે છે."

ડૉ. પી.જે પટેલ કહે છે, "બીજને ફૂગ કે જંતુથી ચેપ ના લાગે એની ખેડૂતે તકેદારી રાખવી જોઈએ. ચેપ લાગતાં બીજની શારીરિક ગુણવત્તા અને લાંબા ગાળે ભૌતિક ગુણવત્તામાં ઘટાડો થશે."

ઉત્તમ બિયારણનો ફાયદો

ઉપજ વધારવા માટે બિયારણની ગુણવત્તાને એક મહત્વપૂર્ણ પરિબળ ગણવામાં આવે છે. પાકની સ્થિતિ મોટા ભાગે વાવણી માટે વપરાતી બીજસામગ્રી પર આધારિત હોય છે.

નિષ્ણાતો અને કૃષિ યુનિવર્સિટીઓનાં સંશોધનના આધારે સારી ગુણવત્તાવાળાં બીજના ફાયદા:

  • જ્યારે બીજની ગુણવત્તા સારી હોય ત્યારે તે ખાતર અને સિંચાઈનું પાણી કાર્યક્ષમ રીતે શોષી શકે છે.
  • પાક ઉત્પાદનમાં સૌથી સસ્તી વસ્તુ અને કૃષિપ્રગતિ માટે સૌથી મહત્વપૂર્ણ
  • સારી ગુણવત્તાવાળાં બીજમાં વધુ ભેજ હોય છે અને તે વધુ સારું ઉત્પાદન આપી શકે છે.
  • સારાં બીજ છોડની ઉપજ અને પરિપક્વતામાં સમાન પરિણામ આપે છે.
  • સારી ગુણવત્તાવાળાં બીજ વિવિધ પ્રકારના જીવનને લંબાવે છે.
  • સારી ગુણવત્તાવાળાં બીજ પાકનું વધુ સારું અંકુરણ તથા ઝડપી અને સારી વૃદ્ધિ કરે છે.
  • નબળી ગુણવત્તાવાળાં બીજથી ઉત્પાદન ઘટી શકે છે, અથવા છોડ અતિશય પાતળો થઈ શકે છે કે ભીડને કારણે ઊપજમાં ઘટાડો થઈ શકે છે. આ તમામ બાબતો નફામાં ઘટાડો કરે છે.

બિયારણ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

ગુજરાતની કેટલીક કૃષિ યુનિવર્સિટીઓએ પણ પોતાની વેબસાઇટ પર વિગતો દર્શાવી છે કે બિયારણ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાને લેવી.

જૂનાગઢ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ પર 'કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ખેડૂત તાલીમ કેન્દ્ર'માં આ૫વાની તાલીમનું ટ્રેઇનિંગ મેન્યુઅલ દર્શાવાયું છે.

જેમાં જણાવાયું છે :

  • વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ - સંકર જાતોનું જ બીજ ખરીદવું.
  • સુધારેલ સંકર જાતોનું બીજ હંમેશાં 'ગુજરાત રાજ્ય બીજ નિગમ' કે માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.
  • બિયારણના પૅકિંગ ઉપર બીજી પ્રમાણિત એજન્સીનું લેબલ તપાસીને જ ખરીદી કરવી.
  • શક્ય હોય ત્યાં સુધી 'ટ્રુથફુલ' બિયારણને બદલે સર્ટિફાઇડ' બિયારણ જ ખરીદવું.
  • બિયારણ ખરીદતી વખતે પૅકિંગ ઉપર બીજની સ્ફુરણની ટકાવારી દર્શાવેલી હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલું હોય છે. એની ચકાસણી કરીને બિયારણની ખરીદી કરવી જોઈએ.
  • ખેડૂતોને કોઈ પણ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાઇસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનાં લાઇસન્સ નંબર, નામ-સરનામું, ખરીદેલ બિયારણનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવાં.
  • બિયારણની થેલી સીલબદ્ધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદ્દત પૂરી થયેલ હોય તેવાં બિયારણની ખરીદી કરવી નહીં.
  • ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પૅકેટ પર ઉત્પાદકનાં નામ, સરનામું અને બિયારણનાં ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવાં 4જી અને 5જી જેવાં જુદાંજુદાં નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈ પણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.
  • આ પ્રકારનાં બિયારણ વેચાતાં હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ઍગ્રિકલ્ચર ઇન્સ્પેક્ટર કે જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી.
  • વાવણી બાદ ખરીદેલ બિયારણનું પૅકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવાં જરૂરી છે.

સર્ટિફાઇડ અને ટ્રૂથફુલ બીજમાં શું તફાવત હોય છે

સર્ટિફાઇડ બીજ ફાઉન્ડેશન કક્ષાનાં બીજમાંથી તૈયાર કરવામાં આવે છે, જે ખેડૂતોને પાકનાં વાવેતર માટે વેચવામાં આવે છે. આ બિયારણ 'ગુજરાત રાજય બીજ પ્રમાણ એજન્સી'ની સીધી દેખરેખ હેઠળ સરકારી/સહકારી/ ખાનગી સંસ્થાઓ પેદા કરે છે.

ટ્રૂથફુલ બીજ બીજ જે તે સંસ્થા(સરકારી/સહકારી/ખાનગી)ના માગર્દશર્ન હેઠળ તૈયાર કરવામાં આવે છે. ટ્રૂથફુલ બિયારણની શુદ્ધતા સર્ટિફાઇડ બિયારણ કરતાં ઓછી હોય છે.

બિયારણમાં ભેળસેળ હોય તો શું કરવું?

આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટમાં ખેડૂતને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ આપવામાં આવ્યા છે. જેમાં બિયારણ-ખરીદીમાં મદદરૂપ થઈ શકે તેવી પણ કેટલીક વિગતો છે.

જેમકે, બિયારણમાં ભેળસેળ આવે છે તેનો ઉપાય શું?

તેના જવાબમાં જણાવ્યું છે કે,'બિયારણમાં ભેળસેળ આવતી હોય તો તેવું બિયારણ વાવણીલાયક નથી. આથી સારી જાતનું પ્રામાણિત બિયારણ માન્ય વિક્રેતા અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી કે ગજરાતમાં આવેલ કૃષિ યુનિવર્સિટીનાં જે-તે પાકનાં સંશોધનકેન્દ્રો ખાતેથી મેળવવું જોઈએ.'

બિયારણમાં ભેળસેળ જણાય તો 'પ્રથમ તો બિયારણનાં બિલ ટેગ અને પૅકિંગ સાચવવી રાખવાં અને બાદમાં એને લઈને જિલ્લા ખાતેના ગુણવત્તા અધિકારીનો સંપર્ક કરવો.'