ગુજરાતમાં ભીષણ ગરમીની વચ્ચે બંગાળની ખાડીમાં બની સિસ્ટમ, વાવાઝોડું બન્યું તો રાજ્યને શું અસર થશે?

ભારતમાં હાલ ચોમાસું શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે, આંદામાન નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યા બાદ ચોમાસું હવે આગળ વધીને કેરળ પર આવશે. આ દરમિયાન ગુજરાત હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે જે હજી આવનારા ચારથી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.

બીજી તરફ બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે અને તેમાં વાવાઝોડા પહેલાંની સિસ્ટમ બની ગઈ છે અને હવે આ સિસ્ટમ આગળ વધતાં મજબૂત બનશે.

હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ બંગાળની ખાડીમાં રહેલા સાયક્લૉનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ અહીં લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે. આ સિસ્ટમ આગળ વધશે અને દરિયામાંથી તેને તાકાત મળતાં તે વધારે મજબૂત થશે.

સામાન્ય રીતે મે મહિનો ભારતના દરિયા માટે વાવાઝોડાં સર્જાવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ પેદા કરતો હોય છે એટલે કે આ મહિનામાં ચોમાસા પહેલાં વધારે વાવાઝોડાં સર્જાતાં હોય છે.

આ વર્ષે ભારતના દરિયામાં હજી એક પણ વાવાઝોડું સર્જાયું નથી અને આ સિસ્ટમ જો વાવાઝોડું બનશે તો આ વર્ષનું પ્રથમ વાવાઝોડું હશે.

દક્ષિણ ભારતમાં વરસાદ, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં અતિભીષણ ગરમી અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની દહેશત, ભારત હવામાનની એક સાથે ત્રણ પ્રકારની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા કેટલી?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર તામિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા પાસે એક લૉ-પ્રેશર સિસ્ટમ બની છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે.

આ સિસ્ટમ દરિયામાં આગળ વધ્યા બાદ મજબૂત બનશે અને તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગનું કહેવું છે કે ડિપ્રેશન બન્યા બાદ પણ આ સિસ્ટમ વધારે મજબૂત થવાની શક્યતા છે.

હાલ બંગાળની ખાડીની જળસપાટીનું તાપમાન 28થી 30 ડિગ્રી સેલ્સિય છે અને વાવાઝોડું સર્જાવા માટે 26 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાનની જરૂર પડે છે. એટલે કે દરિયાનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ સ્થિતિ પેદા કરે એટલું છે.

જોકે, તાપમાન સિવાય પણ અનેક પરિબળો વાવાઝોડું સર્જાવા માટે કામ કરતાં હોય છે, વિવિધ મૉડલો પણ દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ આગળ વધીને મજબૂત બનશે તથા કેટલાંક હવામાનનાં મૉડલો પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.

આ સિસ્ટમ કઈ તરફ જશે એ પણ હજી નક્કી થયું નથી કેમ કે મૉડલો આ અંગે એકમત નથી અને વિવિધ મૉડલો તેનો રસ્તો અલગ દર્શાવી રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંનો ખતરો ત્રણ દેશો પર હોય છે, ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ.

હવામાન વિભાગ મુજબ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં સરેરાશ 4થી 5 વાવાઝોડાં બનતાં હોય છે. પરંતુ આ વર્ષે હજી સુધી એક પણ વાવાઝોડું બન્યું નથી.

વાવાઝોડું બને તો તેની ગુજરાતને કોઈ અસર થશે?

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં લૂની સ્થિતિ છે. હવામાન વિભાગ મુજબ હજી આવનારા ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતને આ ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી.

રાજ્યના 19 જિલ્લાઓમાં હાલ હિટવેવની ચેતવણી આપવામાં આવી છે, કેટલાક જિલ્લાઓમાં ગરમીને લઈને ઑરેન્જ ઍલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં 22 મેના રોજ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં 42થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોચ્યું હતું.

બંગાળની ખાડીમાં સર્જાનારાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાત પર થતી નથી, આ વાવાઝોડાની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અથવા મ્યાનમાર અને બાંગ્લાદેશ પર થતી હોય છે.

બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ સર્જાઈ છે તે વાવાઝોડું બને તો પણ તેની સીધી અસર ગુજરાત પર થવાની શક્યતા નથી. રાજ્યમાં ગરમી ચાલુ જ રહેશે અને આવનારા પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.

ચોમાસું ક્યાં પહોંચ્યું અને કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?

ચોમાસાની બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં એન્ટ્રી થઈ ગઈ છે, 19 મેના રોજ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આંદામાન-નિકોબાર ટાપુ તથા દક્ષિણ શ્રીલંકા સુધી પહોંચી ગયું છે.

હવે ચોમાસું આગળ વધીને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદિવ્સના કેટલાક વિસ્તારો તથા કોમોરિન એરિયામાં પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગ આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે જ આગળ વધી રહ્યું છે, હાલ કેરળના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ચોમાસું કેરળ પર પહોંચી ગયા બાદ કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, તેલંગણા, ગોવા, આંધ્ર પ્રદેશ તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં સામાન્ય રીતે ચાર કે પાંચ દિવસ બાદ તેની એન્ટ્રી થતી હોય છે.

ગયા વર્ષે બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસાની શરૂઆત મોડી થઈ હતી અને તેના કારણે ગુજરાતમાં પણ દસેક દિવસ જેટલું મોડું પહોંચ્યું હતું.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત થાય છે અને ત્યારબાદ તે બીજા વિસ્તારો સુધી પહોંચે છે.