You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસા પહેલાં જ સર્જાશે ખતરનાક વાવાઝોડું અને તેની અસર ગુજરાત સુધી થશે?
હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે.
આ સાથે જ ચોમાસાની ભારતના વિસ્તારમાં ઍન્ટ્રી થઈ ગઈ છે પરંતુ ચોમાસું કેરળ સુધી પહોંચે તે પહેલાં જ અટકળો શરૂ થઈ છે કે બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે.
એક તરફ ચોમાસું ઝડપથી અને સમયસર આગળ વધી રહ્યું છે અને બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવા જઈ રહી છે.
ચોમાસા પહેલાં મે મહિનામાં સામાન્ય રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. વાવાઝોડાં માટે મે મહિનો સૌથી વધારે અનુકૂળ હોય છે.
હવામાન વિભાગે પણ પુષ્ટી કરી છે કે બંગાળની ખાડીમાં 22 મેના રોજ એક સિસ્ટમ સર્જાશે અને તે બંગાળની ખાડીમાં આગળ વધશે.
હવામાનનાં કેટલાંક મૉડલ એવું પણ દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનશે અને તે ભારત પર ત્રાટક્યા બાદ તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે. ખરેખર બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાનું છે અને તેની અસર ગુજરાત સુધી થશે?
બંગાળની ખાડીમાં ક્યારે સિસ્ટમ સર્જાશે અને તે વાવાઝોડું બનશે?
હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મેના રોજ એક લૉ-પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જ્યારે આગળ વધીને બંગાળની ખાડીની મધ્યમાં પહોંચશે તે બાદ તે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હજી સુધી હવામાન વિભાગે એવું કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અને કયા વિસ્તારો પર તે ત્રાટકશે અથવા તેની અસર કયા વિસ્તારો પર થશે.
જોકે, હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ આગળ વધતાં મજબૂત બનશે અને કદાચ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
ગ્લોબલ ફૉરકાસ્ટ સિસ્ટમ (GFS) હાલની સ્થિતિ પ્રમાણે દર્શાવી રહ્યું છે કે આ સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બનશે અને તે ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
જ્યારે યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ ફૉરકાસ્ટ (ECMWF) પણ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યું છે. આ મૉડલ પ્રમાણે પણ સિસ્ટમ ઓડિશા કે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા પર ટકરાય તેવી સંભાવના છે.
જો વાવાઝોડું બને તો તેની અસર ગુજરાત સુધી થશે?
ઍક્યુવેધરના હવામાનશાસ્ત્રી જેસન નિકોલસના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં લો-પ્રેશર બન્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાય અથવા તેનાથી પણ મજબૂત બને તેવી શક્યતા છે.
સામાન્ય રીતે વાવાઝોડું દરિયાકાંઠે ટકારાયા બાદ જમીન પર આવ્યા બાદ પવનની ગતિ ધીમી પડી જતી હોય છે અને ત્યારબાદ નબળી પડી ગયેલી સિસ્ટમ આગળ વધતી હોય છે.
હાલની સ્થિતિ પ્રમાણે મૉડલ જે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બનીને ઓડિશાની આસપાસ ટકારાય તો ત્યારબાદ તે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે અને નબળી પડીને તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લો-પ્રેશર ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા કેટલાંક મૉડલ દર્શાવી રહ્યાં છે.
જો આ લો-પ્રેશર એરિયા ગુજરાત સુધી કે તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચે તો પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે વાવાઝોડા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ સેંકડો કિલોમીટર સુધી આગળ વધતી હોય છે.
ગતવર્ષે ગુજરાત પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર રાજસ્થાન સુધી જોવા મળી હતી, વાવાઝોડું ત્રાટક્યા બાદ નબળી પડેલી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડ્યો હતો.
જોકે, હજી હવામાન વિભાગ તરફથી આ પ્રકારની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, સામાન્ય રીતે કોઈ સિસ્ટમ બન્યા બાદ અનેક પરિબળો તેને અસર કરતાં હોય છે. વાવાઝોડું સર્જાયા બાદ જ તેની સાચી માહિતી મળી શકે કે તે ક્યાં ટકરાશે અને કઈ તરફ આગળ વધશે.
હવામાનનાં મૉડલ પણ અનેક પરિબળોને ધ્યાને રાખીને આગાહી કરતાં હોય છે, જેના કારણે તેમાં કોઈ પરિબળમાં ફેરફાર થતાં આગાહીમાં ફેરફાર થઈ શકે છે.
વાવાઝોડું ક્યારે સર્જાય છે?
ભારતમાં સામાન્ય રીતે ચોમાસા પહેલાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની બે સિઝન આવે છે એક ચોમાસા પહેલાં અને બીજી ચોમાસા બાદ.
વાવાઝોડું સર્જાવા માટે મહત્ત્વનું પરિબળ છે દરિયાની જળસપાટીનું તાપમાન, નેશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી અનુસાર 60 મીટર ઊંડે સુધી દરિયાનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ કે તેના કરતાં વધારે હોય તો વાવાઝોડું સર્જાવા માટેની અનુકૂળ સ્થિતિ છે.
હાલ બંગાળની ખાડીના અનેક વિસ્તારનું તાપમાન 28 ડિગ્રીથી 30 ડિગ્રી સેલ્સિયસ છે. જોકે, તાપમાન સિવાયનાં પરિબળો પણ વાવાઝોડું સર્જાવા માટે મહત્ત્વનાં છે.
દરિયામાં જે સિસ્ટમ સર્જાય તેમાં પવનની ગતિ 31 કિમી પ્રતિકલાકથી ઓછો હોય તો તેને લો-પ્રેશર એરિયા કહે છે અને જો પવનની ગતિ 61 કિમીથી 88 કિમી પ્રતિકલાકની થઈ જાય તો તેને વાવાઝોડું કહે છે. પવનની ગતિ જેમ વધે તેમ ભીષણ, અતિભીષણ અને સુપર સાયક્લૉન બને છે.
વાવાઝોડાની ગતિ જો 221 કિમી પ્રતિકલાકથી વધારે થઈ જાય તો તેને સુપર સાયક્લૉન કહેવામાં આવે છે.
સિસ્ટમ પવનની ગતિ
- લો-પ્રેશર 32 કિમી/કલાકથી ઓછી
- ડિપ્રેશન 31-49 કિમી/કલાક
- ડીપ ડિપ્રેશન 49-61 કિમી/કલાક
- ભીષણ ચક્રવાત 88-117 કિમી/કલાક
- સુપર સાયક્લૉન 221 કિમી/કલાકથી વધારે
આ ઉપરાંત વાવાઝોડાંની પાંચ કૅટેગરી પણ નક્કી કરવામાં આવી છે.
વાવાઝોડાની કૅટેગરી પવનની ગતિ
01 120-150 કિમી/કલાક
02 150-180 કિમી/કલાક
03 180-210 કિમી/કલાક
04 210-250 કિમી/કલાક
05 250 કિમી/કલાક અને તેનાથી વધારે
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે, એનડીએમસી અનુસાર દર વર્ષે દુનિયામાં કુલ સર્જાતાં વાવાઝોડાંનાં 10 ટકા વાવાઝોડાં ભારતના દરિયામાં સર્જાય છે.