રાજકોટ આગ દુર્ઘટના : દાઝી ગયેલા મૃતકોની ઓળખ જે ડીએનએ ટેસ્ટ થકી કરાશે એ શું છે?

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો હજુ પણ લાપતા છે.

આગ વિકરાળ હોવાથી થોડી જ મિનિટોમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો. મૃતકો અત્યંત ખરાબ રીતે દાઝી ગયા હોવાથી તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આ ડીએનએ ટેસ્ટ વડે મૃતકોની ઓળખાણ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે આ અહેવાલમાં જાણીશું.

ડીએનએ ટેસ્ટ માટે નમૂના કેવી રીતે મેળવવામાં આવે છે?

ડીએનએ ટેસ્ટનો ઉપયોગ વ્યક્તિની આનુવંશિકતા અને ચોક્કસ ઓળખ મેળવવા માટે કરવામાં આવતો હોય છે.

આ ડીએનએ ટેસ્ટ મેળવવાની પ્રક્રિયા શું છે તે જાણવા માટે બીબીસીએ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી'માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક સાયન્સ ઍન્ડ સાયબર સિક્યૉરિટી'ના પ્રિન્સિપલ ડૉ. નિકુંજ બ્રહ્મભટ્ટ સાથે વાત કરી હતી.

ડૉ. નિકુંજ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર "જીવિત વ્યક્તિના ડીએનએ લેવા માટે એના લોહી કે લાળના નમૂના લેવામાં આવે છે. આ તાજા લોહી કે લાળના નમૂનાના ડીએનએ પરિક્ષણ માટે રેપિડ હિટ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનૉલોજી વડે 90 મિનિટની અંદર વ્યક્તિનું ડીએનએ પ્રોફાઇલ મેળવી શકાય છે."

લોહીનો નમૂનો લેવા માટે ખાસ તૈયાર કરાયેલા કેમિકલી ટ્રીટેડ ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આ તકનીકનો ઉપયોગ માત્ર જીવત વ્યક્તિના નમૂના લેવા માટે જ કરવામાં આવે છે.

બળી ગયેલા મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને કારણે મૃતકોના મૃતદેહો દાઝી કે બળી ગયા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ડીએનએ સૅમ્પલ કેવી રીતે લેવામાં આવે?

આ સવાલનો જવાબ આપતાં ડૉ. બ્રહ્મભટ્ટે કહ્યું, “જ્યારે આ પ્રકારની ઘટના ઘટતી હોય અને ડીએનએ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવતા હોય ત્યારે મૃતદેહનું જ્યારે પોસ્ટમૉર્ટમ થાય ત્યારે શરીરના જે ભાગ પર ગરમીની અસર ઓછી થઈ હોય તે ભાગમાંથી મેડિકલ ઑફિસર નમૂનો લે છે.”

“ત્યારબાદ આ નમૂનાને એક યોગ્ય કન્ટેનરમાં જાળવીને ઠંડા તાપમાને શક્ય હોય એટલું જલદી લેબોરેટરીને મોકલી આપવામાં આવે છે. લેબોરેટરીના વૈજ્ઞાનિકો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયા પ્રમાણે તે નમૂનામાંથી ડીએનએ મેળવવાની કાર્યવાહી કરે છે.”

જોકે, આ પ્રકારની ઘટનામાં જ્યારે મૃતદેહો ખૂબ જ બળી ગયા હોય ત્યારે એવું પણ બને કે ડીએનએ સૅમ્પલ થકી વ્યક્તિની ચોક્ક્સ ઓળખ કદાચ ન પણ મળે.

ડૉ. બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર આવા સંજોગોમાં વ્યક્તિની ચોક્ક્સ ઓળખ ન મળે ત્યાં સુધી મૃતદેહને ઠંડા તાપમાને સાચવી રાખવામાં આવે છે. આવા મૃતદેહનું ફરીથી પોસ્ટમૉર્ટમ કરવામાં આવે છે અને જરૂર પડે તો એ વખતે ફૉરેન્સિક ઍક્સપર્ટ પણ હાજર રહે છે. વૈજ્ઞાનિકોની સલાહ પ્રમાણે શરીરના અલગ-અલગ ભાગો જેવા કે હાડકું કે દાંત કે દાઢના ભાગમાંથી એક નમૂનો લેવામાં આવે છે.

ડૉ. બ્રહ્મભટ્ટ ઉમેરે છે, "આ નમૂનામાંથી મળેલા ડીએનએ પ્રોફાઇલને સાચવી રાખવામાં આવે છે. મૃતકના નજીકનાં સગાં જેવાં કે માતા-પિતા, સંતાન કે ભાઈ-બહેનના ડીએનએ સાથે સરખાવવામાં આવે છે. જો બંને પ્રોફાઇલમાં સામ્યતા જોવા મળે તો તેના આધારે મૃતદેહની ઓળખ કરી શકાય."

ડીએનએ ટેસ્ટ થકી આનુવાંશિકતા સિવાય બીજી કઈ જાણકારી મેળવી શકાય?

ડીએનએ ટેસ્ટનો ઉપયોગ આનુવંશિકતાની ઓળખ કરવા માટે તો થાય જ છે.

આ ઉપરાંત સ્વાસ્થ્યના ક્ષેત્રે, ડીએનએ અને જેનેટિક ટેસ્ટિંગની મદદથી શરીરમાં જનીનો, રંગસૂત્રો અને પ્રોટિનમાં થતા ફેરફારો વિશે પણ જાણકારી મેળવી શકાય છે. ડીએનએ પરિક્ષણો થકી તમને કોઈ પ્રકારના જેનેટિક રોગનું જોખમ છે કે નહીં તે વિશે પણ જાણકરી મેળવી શકાય છે.

ડૉ. બ્રહ્મભટ્ટે જણાવ્યું, "ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય તો આનુવંશિકતાના ગુણને કારણે વ્યક્તિની ચોક્કસ ઓળખાણ મેળવવાનો છે. જોકે, બળાત્કારની ઘટનામાં પીડિત અને દોષિતના ડીએનએ પ્રોફાઇલની સરખામણી કરીને ઘટનાની સત્યતાને ચકાસી શકાય છે."

તેમના જણાવ્યા અનુસાર ગુમ થઈ ગયેલી વ્યક્તિ, અકસ્માતે મૃત્યુ પામેલ વ્યક્તિ કે અજાણ્યા મૃતદેહની ડીએનએ પ્રોફાઇલ જાળવી રાખવામાં આવતી હોય છે. જે બાદમાં કોઈ સગાં કે સંબંધીના હાજર થતાં એના નમૂના સાથે સરખાવીને મૃતકની ચોક્કસ ઓળખ સાબિત કરવામાં આવતી હોય છે.

સદીઓ જૂના અવશેષોના ડીએનએ ટેસ્ટ થકી કેવી જાણકારી મળી શકે?

ડૉ. બ્રહ્મભટ્ટે જણાવ્યું, "ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય તો આનુવંશિકતાના ગુણને કારણે વ્યક્તિની ચોક્કસ ઓળખાણ મેળવવાનો છે. જોકે, બળાત્કારની ઘટનામાં પીડિત અને દોષિતના ડીએનએ પ્રોફાઇલની સરખામણી કરીને ઘટનાની સત્યતાને ચકાસી શકાય છે."

તેમના જણાવ્યા અનુસાર ગુમ થઈ ગયેલી વ્યક્તિ, અકસ્માતે મૃત્યુ પામેલ વ્યક્તિ કે અજાણ્યો મૃતદેહની ડીએનએ પ્રોફાઇલ જાળવી રાખવામાં આવતી હોય છે. જે બાદમાં કોઈ સગાં કે સંબંધી હાજર થતાં એના નમૂના સાથે સરખાવીને મૃતકની ચોક્કસ ઓળખ સાબિત કરવામાં આવતી હોય છે.

આંતરરાષ્ટ્રીય સંશોધકોના એક સમૂહે વર્ષ 1990માં માનવ ડીએનએ વિશે સંશોધન કરવા માટે 'હ્યુમન જીનોમ પ્રોજેક્ટ'ની શરૂઆત કરી હતી. આ પ્રોજેકટ એપ્રિલ 2003 સુધી ચાલ્યો હતો, જેમાં માનવની સૌપ્રથમ ડીએનએ સિક્વન્સ વિકસાવી હતી. આ સિકવન્સ માનવ બ્લુપ્રિન્ટ વિશે મૂળભૂત માહિતી પ્રદાન કરે છે.

સદીઓ જૂના માનવઅવશેષો કેટલાં વર્ષ જૂના છે અને એ વખતે કેવી સ્થિતિ રહી હશે એની જાણકારી પણ ડીએનએના સિક્વન્સના આધારે જાણી શકાય છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં અત્યાર સુધી શું-શું થયું?

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગને કારણે મૃત્યુઆંક વધીને 27 થયો છે. હજુ એક વ્યક્તિ લાપતા માનવામાં આવે છે. મૃતકો 27 પૈકી નવ બાળકો હોવાનું જણાવાઈ રહ્યું છે. ગુજરાત સરકારે આગનાં કારણોની તપાસ માટે એસઆઈટી બનાવી છે.

પોલીસે ગેમ ઝોનના માલિક અને મૅનેજર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.

ફાયર બ્રિગેડનું કહેવું છે કે, "ગેમ ઝોનના સંચાલકોએ તેમની પાસેથી જરૂરી એનઓસી એટલે કે 'નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ' મેળવ્યું નહોતું. પ્રાથમિક અહેવાલોમાં વેલ્ડિંગ તથા શૉર્ટ-સર્કિટની વાત સામે આવી હતી."

જોકે, રાજકોટમાં આ આગ કેવી રીતે લાગી અને શા માટે થોડી જ મિનિટોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું તેના વિશે તપાસ થતાં અને નવા સીસીટીવી ફુટેજ સામે આવતા ધીમે-ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

બીજી તરફ જે 27 લોકોનાં મૃત્યુ થયાં છે તેમની ઓળખવિધિ માટે ડીએનએ સૅમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ આખી પ્રક્રિયા પૂર્ણ થતાં 48 કલાકનો સમય લાગે તેવી સંભાવના છે.

ડીએનએથી ઓળખવિધિ એટલા માટે કરવામાં આવી રહી છે કે મૃતદેહો એટલા સળગી ગયા છે કે બાહ્યદેખાવના આધારે તેમની ઓળખ શક્ય નથી.

ગુજરાત પોલીસે રાજ્યભરમાં જ્યાં ગેમ ઝોન અને ફન પાર્ક હોય તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે અને તેની ફાયર સેફ્ટીને રિવ્યૂ કરીને જ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યો છે.

જાણકારો આ દુર્ઘટનાને સરકારી તંત્રની ઘોર બેદરકારી ગણાવે છે.