રાજકોટ : ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોનાં મૃત્યુ, અત્યાર સુધી શું-શું થયું?

રાજકોટમાં નાના મવા રોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. રાજકોટના પોલીસ કમિશનરે અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. આ મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાનું બીબીસીના સહયોગી બિપીન ટંકારિયાએ જણાવ્યું છે.

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું છે કે આખી ઘટનામાં હજુ એક વ્યક્તિ ગુમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "અમારી જવાબદારી છે કે અમે તેમને શોધીએ."

બિપીન ટંકારિયાએ જણાવ્યું છે, "રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતેના પોસ્ટમૉર્ટમ રૂમમાં લાવવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટ થકી મૃતદેહોની ઓળખ થઈ શકે એ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ સાથે પીએમ માટે જરૂરી પંચનામાની કામગીરી માટે 10થી વધુ પોલીસકર્મીઓની ટીમ ખડે પગે છે. "

આ અગાઉ આગની ઘટના સામે આવતા જ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ટંકારિયાએ આપેલી વિગતો અનુસાર પાંચ કિલોમીટર દૂરથી પણ ધુમાડો જોઈ શકાય એટલી વિકરાળ આગ હતી. તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બહાર જવાનો રસ્તો ન હોવાને કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા.

હાઈકોર્ટે સુઓ-મોટો લીધી

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ઘટના મામલે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

રાજકોટ ગેમ ઝોનની ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા પાસેથી આ પ્રકારના ગેમિંગ ઝોનને કેવી રીતે મંજૂરી આપવામાં આવી હતી તે વિશે રિપોર્ટ માગ્યો છે.

જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવન દેસાઈની સ્પેશિયલ બેન્ચે આ ઘટનાની સુઓ મોટો નોંધ લેતાં રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો હતો.

હાઇકોર્ટે આને માનવ-નિર્મિત દુર્ઘટના ગણાવી હતી. સ્પેશિયલ બેન્ચે કહ્યું, “એવું લાગી રહ્યું છે કે ગુજરાત વ્યાપક સામાન્ય વિકાસ નિયંત્રણો નિયમોમાં (જીડીસીઆર) રહેલા છીંડાને કારણે આ પ્રકારની ગેરકાયદેસર મનોરંજન સંબધિત પ્રવૃતિઓ ઘટી છે.”

હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે નોંધ લીધી છે કે આ પ્રકારના એન્ટરટેઇનમૅન્ટ ઝોન જરૂરી મંજૂરી લીધા વગર બનાવેલ હતા.

બેન્ચે એવું પણ કહ્યું હતું કે રાજકોટ ઉપરાંત અમદાવાદના સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ પર પણ આ પ્રકારના ગેમ ઝોન બનાવવામા આવ્યા છે, જે સામાન્ય લોકોની સુરક્ષા માટે એક મોટું જોખમ છે.

હાઈકોર્ટે કેટલાંક ગુજરાતી સમાચારપત્રોને ટાંકતાં કહ્યું છે કે રાજકોટ ગેમિંગ ઝોનમાં અત્યંત જ્વલનશીલ પદાર્થો જેવાં કે પેટ્રોલ, ટાયર અને ફાઇબર ગ્લાસ શિટનો સ્ટોક પણ હતો.

આ ઉપરાંત ઍડવોકેટ અમિત પંચાલે આ ઘટનાને લઈને એક અરજી કરી હતી. આ અરજીમાં કોર્ટને વિનંતી કરવામા આવી છે કે હાઇકોર્ટ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પાસેથી જાણકારી માંગે કે ટીઆરપી ગેમ ઝોન પાસે મંજૂરી ન હોવા છતાં પણ આ ગેમ ઝોન કેવી રીતે ચલાવવામા આવી રહ્યો હતો.

આગ કેવી રીતે લાગી?

ટંકારિયાના જણાવ્યા અનુસાર, ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં શોર્ટ-સર્કિટની ઘટનાને પગલે આગ લાગી હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભાવ જોષીએ ટંકારીયાને આગની આ ઘટના અંગે અંગે જણાવ્યું હતું, "સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. ફાયર-બ્રિગેડની ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી."

રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બીબીસીને જણાવ્યું હતું, "અત્યાર સુધી 24 મૃતદેહોને સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અને હજી થોડા મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે."

તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, "યુવરાજસિંહ સોલંકી આ ગેમ ઝોનના માલિક છે. અમે આ મામલે મૃત્યુ અને બેદરકારી બાબતે ગુનો દાખલ કરીશું. અમે બચાવ કામગીરી પૂર્ણ થાય તે પછી આગળની તપાસ હાથ ધરીશું."

પોલીસ કમિશનરે બિપિન ટંકારીયાને જણાવ્યું હતું, "અમે અંદર જઈને આખા વિસ્તારનું નિરીક્ષણ કરીશું. અમે એફએસએલની ટીમને પણ બોલાવી છે. એફએસએલની ટીમ આવીને તેનું નિરીક્ષણ કરે અને આગ લાગવા પાછળનું ચોક્ક્સ કારણ જાણવાની કોશિશ કરીશું.”

“અમે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સાથે પણ ચર્ચા કરી છે. ત્યાં પણ ટીમો તૈયાર રાખવામાં આવી છે. આ ટીમો સારવાર, ડીએનએ ટેસ્ટિંગ અને મૃતદેહોનાં પોસ્ટમોર્ટમની કામગીરી હાલમાં કરી રહી છે.”

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, ફાયર ઓફિસર આઈ. વી . ખેરે કહ્યું હતું કે, "આગ પાછળના કારણની તપાસ કરવામાં આવશે. આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી હતી. કારણ કે એક હંગામી સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું અને પવનની ગતિ પણ વધારે હતી."

ગુજરાત સરકારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી

ગુજરાત સરકારે આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીના ગઠનની પણ જાહેરાત કરી છે. આ પાંચ સભ્યોની એસઆઈટીના અધ્યક્ષની જવાબદારી સી.આઈ.ડી ક્રાઈમનાં પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીને સોંપવામા આવી છે. એસઆઈટીના બીજા ચાર સભ્યો બંદાછિની પાની, એચ.પી. સંઘવી, જે.એન. ખડિયા અને એમ.બી.દેસાઈ છે.

એસઆઈટી પોતાનો પ્રાથમિક અહેવાલ 72 કલાકની અંદર સરકાર સમક્ષ રજૂ કરશે. એસઆઈટી આ ઉપરાંત એક વિસ્તૃત અહેવાલ 10 દિવસમાં સરકારને સોંપશે.

એસઆઈટી નીચે જણાવેલા મુદ્દાઓ વિશે તપાસ હાથ ધરશે.

કયા સંજોગોમાં આગનો બનાવ બન્યો?

ગેમિંગ ઝોનને મંજૂરી આપવામાં આવેલ છે કે નહીં?

ગેમિંગ ઝોનને મંજૂરી આપતી વખતે કઈ બાતોને ઘ્યાનમાં લેવામાં આવેલી હતી?

ગેમિંગ ઝોનનું બાંધકામ નિયમાનુસાર કરવામા આવેલ છે કે નહીં?

ગેમિંગ ઝોન પાસે ફાયર વિભાગનું એનઓસી છે કે નહીં?

ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી ઍક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી?

આ બનાવમાં સ્થાનિક તંત્ર કે ગેમિંગ ઝોનના સંચાલકની બેદરકારી છે કે કેમ?

ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે કેવાં પગલાં લેવાં જોઈએ?

આ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, "આ દુખદ ઘટના છે. તેની તપાસ માટે જ આ એસઆઈટી બનાવાઈ છે. અમે આ મામલે તમામ સંલગ્ન વિભાગો અને લોકોની શું ભુલ છે તે અંગેની તપાસ કરીશું. આ પ્રકારની ઘટના બીજીવાર ન થાય તે માટે અમે તેના મૂળ સુધી પહોંચીશું."