You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ આગ: TRP ગેમ ઝોનને માત્ર પતરાંથી કેવી રીતે બનાવ્યો હતો? શું થયો ખુલાસો?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો લાપતા છે.
આગ વિકરાળ હોવાથી થોડી જ મિનિટોમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો.
મૃતકો અત્યંત ખરાબ રીતે દાઝી ગયા હોવાથી તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
દુર્ઘટનાને કારણે રાજકોટના સ્થાનિક સત્તાવાળાઓ, ગેમ ઝોનના માલિકો, જવાબદાર અધિકારીઓથી લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આટલી વિકરાળ આગ કેમ લાગી હતી.
ગુજરાત સરકારે આગનાં કારણોની તપાસ માટે એસઆઈટી બનાવી છે.
જાણકારો કહે છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનમાં સિમેન્ટ કોંક્રીટનું બાંધકામ જ નહોતું.
ફાયર બ્રિગેડનું કહેવું છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ ફાયર સેફ્ટી અંગેની પરવાનગી નહોતી લીધી.
હવે સવાલ એ થાય છે કે જો ફાયર સેફ્ટીની પરવાનગી નહોતી લીધી તો પછી આ ગેમ ઝોનનું સંચાલન કેવી રીતે થતું હતું અને જો થતું હતું તો તેને રોકવાનો પ્રયાસ કેમ ન થયો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પતરાં અને ફૅબ્રિકેશનની મદદથી બનાવાયું હતું બાંધકામ
પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે 6 આરોપીઓનાં નામજોગ અને તપાસમાં જેમનાં નામ ખુલે તે તમામ સામે આઈપીસી કલમ 304, 308, 337, 338, 114, મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો પૈકી ધવલ કૉર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તથા રેસ વે ઍન્ટર્પ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સામે તપાસ શરૂ કરી છે.
પોલીસ એફઆઈઆરમાં જણાવાયું છે, “આ તમામ ઇસમોએ આશરે 50 મીટર પહોળું તથા આશરે 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ ઊંચું લોખંડ અને પતરાનું ફૅબ્રિકેશનની મદદથી માળખું ઊભું કરીને તેમાં ગેમ ઝોન બનાવી દીધો હતો.”
પોલીસ એફઆઈઆરમાં એમ પણ જણાવાયું છે કે આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવાં કોઈ અસરકારક ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખ્યા વગર કે ફાયર બ્રિગેડની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવવામાં આવતો હતો.
એફઆઈઆરમાં જણાવાયું છે કે આ ગેમ ઝોનના સંચાલકોને તેમની જગ્યામાં સાદી કે ગંભીર ઈજા કે માનવ મૃત્યુ થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખીને ગુનો કર્યો છે.
પાર્ટી પ્લોટમાં બન્યો હતો ગેમ ઝોન
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે જે. એસ. પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્તપણે ધવલ કૉર્પોરેશનના પ્રોપરાઇટર અને રેસ વે ઍન્ટર્પ્રાઇઝના ભાગીદારો ટીઆરપી ગેમ ઝોન તરીકે ઉપયોગ કરીને ઇન્ડોર અને આઉટડોર ગેમની પ્રવૃત્તિ ચલાવતા હતા. જેમાં ઇન્ડોર ગેમ ઝોનનો વિભાગ બેથી ત્રણ માળ જેટલું ઊંચું અને આશરે 60 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળું ફૅબ્રિકેશનના સ્ટ્રક્ચર પર ચારેબાજુ પતરાથી કવર કરીને બનાવવામાં આવ્યું હતું.
બહારના ખુલ્લા ભાગમાં ગો કાર્ટિંગ માટેનું મેદાન બનાવાયું હતું.
આ ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણ ફૅબ્રિકેશનના સ્ટ્રક્ચર પર બનેલું હોવાનું જણાઈ આવે છે. જેમાં બેઝ તરીકે લોખંડની ઍન્ગલો અને ગેલ્વેનાઇઝનાં પતરાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવાયો હતો અને તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરિંગ તેમજ ઍરકંડિશનરનાં વેન્ટ લાગેલાં હતાં.
આ આખા ઝોનમાં આગને રોકીને મનુષ્યજીવનને બચાવી રાખી શકાય તે માટે જરૂરી ફાયર સેફ્ટીનાં સાધનો કાર્યરત જ નહોતા.