એ બાળક જે ત્રણ વ્યક્તિના ડીએનએથી જન્મ્યું, કોણ ગણાશે માતાપિતા?

    • લેેખક, જૅમ્સ ગૅલઘર
    • પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

બ્રિટનમાં એક બાળક ત્રણ વ્યક્તિના ડીએનએથી જન્મ્યું છે. યુકેના ફર્ટિલિટી નિયામકે આ વાતની પુષ્ટિ કરી હતી. યુકેમાં જન્મેલું આ પ્રકારનું આ પ્રથમ બાળક છે.

બાળકમાં મોટા ભાગનું ડીએનએ તેમનાં માતાપિતાનું છે જ્યારે લગભગ 0.1 ટકા ત્રીજી વ્યક્તિ એવી એક મહિલાદાતાનું છે.

આ તકનિકનો ઉપયોગ બાળકને જિન આધારિત બીમારીઓ ન થાય એટલા માટે કરવામાં આવ્યો હતો. આવાં પાંચ બાળકો જન્મ્યાં છે પરંતુ તેમના વિશે વધુ માહિતી જાહેર નથી કરાઈ.

નોંધનીય છે કે મિટોકૉન્ડ્રિઅલના રોગોની સારવાર નથી અને તે બાળકના જન્મના ગણતરીના દિવસો અથવા કલાકોમાં જ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણા પરિવારોએ આ બીમારીના લીધે બાળકો ગુમાવ્યાં છે અને આ તકનિકને એકમાત્ર એવા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે જેનાથી જિન આધારિત મિટોકૉન્ડ્રિઅલ બીમારીનું જોખમ ધરાવતાં બાળકોના પરિવારો પોતાના સ્વસ્થ બાળકો પેદા કરી શકે છે.

મિટોકૉન્ડ્રિઆ શરીરના કોષમાં રહેલો એ નાનકડો ભાગ છે જે ખોરાકનું ઊર્જામાં રૂપાંતરણ કરે છે.

બાળક કોનું ગણાય?

નુકસાનગ્રસ્ત મિટોકૉન્ડ્રિઆ શરીરને ઊર્જા આપવામાં નિષ્ફળ જાય છે અને એના લીધે મગજને નુકસાન થાય છે, સ્નાયુઓ પાંગળા થઈ જવા, હૃદય બંધ પડી જવું અને અંધાપો આવી શકે છે.

આ બીમારી માતાથી જ બાળકમાં આવે છે, એટલે મિડિકૉન્ડ્રિઅલ ડૉનેશનની સારવાર આઈવીએફનું મૉડિફાઇડ કરેલું સ્વરૂપ છે.

જોકે, મિટોકૉન્ડ્રિઆમાં એનું પોતાનું ડીએનએ હોય છે જેનો અર્થ કે તકનિકી રીતે વાત કરીએ તો જન્મેલા બાળકમાં માતાપિતાનું ડીએનએ હોય છે અને દાતાના ડીએનએનું પણ પ્રમાણ હોય છે. આ એક કાયમી બદલાવ છે, જે પેઢી દર પેઢી પાસ થતો રહે છે.

આમ ડૉનરનું ડીએનએ માત્ર સંબંધિત અસરકારક મિટોકૉન્ડ્રિઆ માટે જ હોય છે અને તે બાળકના દેખાવમાં કે અન્ય બાબતમાં કોઈ પણ રીતે અસર નથી કરતું એના લીધે ડૉનર ત્રીજા પૅરન્ટ એટલે કે માતા કે પિતા તરીકે નથી ગણવામાં આવતાં.

ન્યૂ કૅસલમાં આ તકનિક પર વધુ કામ થયું છે અને યુકેમાં 2015માં આવાં બાળકો પેદા કરવા માટે કાયદા રજૂ કરાયા એને મંજૂર કરવામાં આવ્યા હતા. પણ યુકેએ તત્કાલિક આના પર કામ શરૂ ન કર્યું. આ તકનિકથી અમેરિકામાં 2016માં જોર્ડનના પરિવારમાં બાળક જન્મ્યુ હતું.

‘ધ હ્યુમન ફર્ટિલાઇઝેશન ઍન્ડ ઍમ્બ્રોયૉલૉજી ઑથૉરિટી’નું કહેવું છે કે 20 ઍપ્રિલ – 2023 સુધી અત્યાર સધી પાંચ બાળકો જન્મ્યાં છે.

દર વર્ષે 150 બાળકો પેદા કરવાની શક્યતા?

ગાર્ડિયન અખબારે ફ્રિડમ ઑફ ઇન્ફર્મૅશન હેઠળ માગેલી માહિતી બાદ આ મર્યાદિત વિગતો બહાર આવી છે.

પ્રૉગ્રેસ ઍજ્યુકેશન ટ્રસ્ટના ડિરેક્ટર સારાહ નારક્રૉસે કહ્યું કે, “મિટોકૉન્ડ્રિઆ દ્વારા યુકેમાં કેટલાંક બાળકો જન્મ્યાં છે એ સમાચાર મિટોકૉન્ડ્રિઅલ સારાવરની વધુ ચકાસણી માટેનું વધુ એક પગલું છે.”

ન્યૂકૅસલમાંની ટીમ દ્વારા આ વિશે વધુ નથી કહેવામાં આવ્યું એટલે તકનિક સફળ રહી કે નહીં એ સ્પષ્ટ નથી થયું.

ફ્રાન્સિસ ક્રિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર રોબિન લોવેલ-બૅજ એ કહ્યું કે, “પ્રાયોગિક સ્તરે આ સારવાર કેટલીક કારગત નીવડી એ જોવું રસપ્રદ રહેશે. બાળકો મિટોકૉન્ડ્રિઅલ બીમારીથી મુક્ત છે કે નહીં કે પછી તેમનામાં જીવનના આગળના તબક્કે આવી બીમારી થવાનું જોખમ છે કે નહીં.”

જો મિટોકૉન્ડ્રિઆ જે નુકસાનગ્રસ્ત હોય તે જો પેઢીમાં આગળ વધે તો પછી ફરીથી બીમારી થઈ શકે છે. તકનિકી રીતે જોઈએ તો વધુ પ્રમાણમાંએ રૂપિતાંરિત થાય તો ફરી બીમારીનું જોખમ પરત આવી જાય છે.

પહેલા એક અંદાજો લગાવવામાં આવ્યો હતો કે યુકેમાં દર વર્ષે આવાં 150 જેટલાં બાળકોને જન્મ આપી શકાશે.