You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : લગ્ન પહેલાં પતિપત્નીનો સ્વભાવ જાણી શકાય? એ ટેસ્ટ કયો છે?
- લેેખક, તેજલ પ્રજાપતિ
- પદ, બીબીસી ગુજરાતી
લગ્ન કરતાં પહેલાં વરકન્યાના જન્માક્ષર મેળવાતા હોય એવું તો તમે જોયું કે સાંભળ્યું હશે પણ શું તમે એવું જાણ્યું છે કે લગ્ન કરાવતાં પહેલાં યુવક અને યુવતીની ફિંગરપ્રિન્ટ્સ એટલે કે આંગળાની છાપનો ટેસ્ટ કરાતો હોય?
આ વાંચીને કદાચ તમને નવાઈ લાગશે પણ આવું ગુજરાતમાં થઈ રહ્યું છે. રાજકોટમાં લેઉવા યુવા પાટીદાર સમાજ દ્વારા વરકન્યાનાં લગ્ન પહેલાં ડીએમઆઈટી ટેસ્ટ કરવાની શરૂઆત કરાઈ છે.
લગ્ન પહેલાં વરકન્યાની ફિંગરપ્રિન્ટ્સનો ટેસ્ટ કેમ કરાય છે? એનાથી શું ખરેખર વરકન્યાનાં ભાવિ અંગે ખબર પડે છે? ડીએમઆઈટી ટેસ્ટ શું છે અને આ ટેસ્ટના ફાયદા અને ગેરફાયદા શું છે?
શું છે ડીએમઆઈટી ટેસ્ટ?
DMIT એટલે ડર્મેટોગ્લાઇફિક્સ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, આ ફિંગરપ્રિન્ટના આધારે કરાતો ટેસ્ટ છે.
આ ટેસ્ટ કરવા માટે ઍપ્લિકેશન બનાવનાર કંપની બ્રેઇનવન્ડર્સ પ્રમાણે આ એક એવી પદ્ધતિ છે જેમાં ફિંગરપ્રિન્ટના અભ્યાસની મદદથી કોઈ વ્યક્તિમાં રહેલી ‘જન્મજાત બુદ્ધિક્ષમતા’ અંગે જાણી શકાય છે.
શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય અંગે યોગ્ય નિર્ણય લઈ શકે, એ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરાતો હોવાનો ટ્રૅન્ડ પાછલા દાયકામાં જોવા મળ્યો હતો.
જે બાદ કેટલીક કંપનીઓના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કર્મચારીઓની પસંદગી કરવા માટે પણ આ ટેસ્ટનો ઉપયોગ કરાતો હતો.
વર્ષ 2016માં મુંબઈની કેટલીક શાળાઓએ આ ટેસ્ટ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો હતો, જોકે તેની ટીકા પણ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2019માં ચીનમાં પણ આ પદ્ધતિનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા.
એ જ વર્ષોમાં આ પદ્ધતિની મદદથી દેશના ઘણા ભાગોમાં વિદ્યાર્થીઓનું ‘કૅરિયર કાઉન્સિલિંગ’ પણ કરાતું હતું.
જોકે ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટી એ વખતે વાલીઓ અને સ્કૂલોને આ પ્રકારના ટેસ્ટથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી.
ડીએમઆઈટી ટેસ્ટની ટીકા કેમ થાય છે?
ડીએમઆઈટી ટેસ્ટની અનેક વખત ટીકા પણ થઈ છે અને ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીએ અનેક વખત આ પદ્ધતિ ‘વૈજ્ઞાનિક તથ્યો’ આધારિત ન હોવાનું ગણાવ્યું હતું.
ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીના પૂર્વ પ્રમુખ ડૉ. મૃગેશ વૈષ્ણવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે “આ ટેસ્ટ અંગે અલગઅલગ રાજ્યોમાંથી ફરિયાદ આવી હતી કે આ ટેસ્ટ ખાનગી સ્કૂલોમાં ફરજિયાત કરવામાં આવ્યો હતો અને તેના પરથી કૅરિયર ચોઇસ અને પર્સનાલિટીનો ખ્યાલ આવે છે તેવો દાવો કરાતો હતો.”
“અમને તે સમયે ડીએમઆઈટી ટેસ્ટના કોઈ વૈજ્ઞાનિક આધાર મળ્યા ન હતા અને આ ટેસ્ટ માટેના રિસર્ચ પુરાવા પણ મળ્યા નથી.”
આ અંગે ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટી દ્વારા 2019માં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.
તેમાં લખ્યું હતું કે ‘આઈપીએસ ડીએમઆઈટીની ટીકા કરે છે, કારણ કે તેનાં કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.’
આ નિવેદનમાં એવું પણ લખ્યું હતું કે, “ડીએમઆઈટી ઇન્ટેલિજન્સ ટેસ્ટિંગ, બ્રેઇન લોબ ફંક્શન ટેસ્ટિંગ કે ભવિષ્ય અંગે અંદાજ લગાવવા માટે ઉપયોગી નથી.”
જોકે એશિયા પેસિફિક જરનલ ઑફ મલ્ટિડિસિપ્લિનરી રિસર્ચના એક સંશોધનપત્રમાં દાવો કરાયો છે કે “વર્ષ 1823થી વૈજ્ઞાનિકો દાવો કરે છે કે ફિંગરપ્રિન્ટ પૅટર્ન અને આંતરિક બુદ્ધિક્ષમતા વચ્ચે સંબંધ છે.”
લેઉવા યુવા પાટીદાર સમાજે આવું કેમ શરૂ કર્યું?
જોકે આ પ્રકારના ટેસ્ટ કરતા ‘વર્ષા ફાઉન્ડેશન - બ્રેઇન સર્વે કૅરિયર’ના વિનોદભાઈ દેસાઈ કહે છે કે, “ડૉ. હેરોલે એક સિદ્ધાંત આપ્યો, જે પ્રમાણે વ્યક્તિની જેવી ફિંગરપ્રિન્ટ હોય તેવા તેના બ્રેઇનના લોબ હોય છે. આ સિદ્ધાંત માતાના ઉદરમાં રહેલા બાળકના પરીક્ષણના આધારે આપવામાં આવ્યો છે.”
વિનોદભાઈ દેસાઈ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી પણ છે. તેમણે બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “મારા જન્મદિવસે 21 દીકરીનાં સમૂહલગ્ન યોજવાનું નક્કી કર્યું હતું. આ સમૂહલગ્ન બીજાં લગ્ન કરતાં અલગ છે.”
“સામાન્ય રીતે લગ્ન પહેલાં કુંડળી મેળવવામાં આવે છે, જ્યારે અમે કુંડળી મેળવવાના બદલે વરકન્યાના ડીએમઆઈટી ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું.”
વિનોદભાઈએ એવું પણ કહ્યું છે કે, “ડીએમઆઈટી ટેસ્ટની પહેલ માત્ર પાટીદાર સમાજ પૂરતી જ નહીં, પરંતુ સમગ્ર જ્ઞાતિના લોકો માટે શરૂ કરાઈ છે.”
તેમનું કહેવું છે કે “11 વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં, ત્યારે મારાં પત્નીએ ડીએમઆઈ ટેસ્ટ ચકાસીને જ મારો સ્વભાવ સારો જણાતાં લગ્ન કરવાનું નક્કી કર્યાં હતાં.”
ગુજરાતના ઍક્સપર્ટ્સ શું કહે છે?
આ ટેસ્ટ વિશે વાત કરતા મનોચિકિત્સક ડૉ. હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે, “આ એક જાતની પબ્લિસિટી છે. આ ટેસ્ટના ખાસ કોઈ ફાયદા નથી.”
વડોદરામાં કાઉન્સેલિંગ કરતા ડૉ. યોગેશ પટેલ ડૉ. ચૌહાણની વાત સાથે સહમત થાય છે. તેઓ કહે છે કે “આ ટેસ્ટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.”
ડૉ. પટેલ કહે છે કે, “ડીએમઆઈ ટેસ્ટમાં ફિંગરપ્રિન્ટ્સના આધારે ટેલેન્ટ, ઇન્ટેલિજન્સનો રિપોર્ટ આપવામાં આવે છે. પણ તે સચોટ હોવાના વૈજ્ઞાનિક આધાર નથી.”
ડૉ. ચૌહાણ કહે છે કે “આ ટેસ્ટમાં ફિંગરપ્રિન્ટ સ્કૅન થાય છે અને તેના પરથી એક રિપોર્ટ મળે છે. આ ટેસ્ટ ખાસ બાળકો માટે છે કે તેમને કયા વિષયમાં રુચિ છે અને ભવિષ્યમાં તેઓ શું કરશે એ જાણી શકાય છે.”
“આ એક પ્રકારે વિદ્યાર્થીને શેમાં રુચિ છે, તેને શું કરવું ગમે છે, ભવિષ્યમાં શું કરવું છે તે માટેનો ટેસ્ટ છે. પણ આ ટેસ્ટ વિશ્વાસપાત્ર નથી.”
ડૉ. ચૌહાણ કહે છે કે, “આ ટેસ્ટનો લગ્ન સાથે કોઈ સંબંધ નથી. લગ્ન માટે વાસ્તવમાં જિનેટિક, બ્લડ રિલેટેડ ટેસ્ટ કરાવવા જોઈએ.”